Opinion Magazine
Number of visits: 9669218
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એકલતા – ગઝલાવલોકન

સુરેશ જાની|Opinion - Opinion|1 February 2023

કોરી નાંખે તેવી એકલતા

લતા હીરાણી લેખિત આ ત્રણ રચનાઓ આસ્વાદો …..

અંતરલક્ષી સહુ જણનો આ પોતીકો અનુભવ. વતનથી દૂર વસેલું આ જણ જેવું કોઈ હોય કે, લતાબહેનની જેમ આત્મીય જીવનસાથી ગુમાવ્યું હોય, કે
અન્ય કારણો સર એકલતા અનુભવતા હોય તેવા સૌની આ એકસરખી વેદના.

લતાબહેનના અછાંદસ કાવ્યસંગ્રહ ‘ઝળઝળિયાં’ વાંચવાની શરૂઆત કર્યા બાદ, એકલતાની વ્યથાને પડઘાવતી આ ત્રણ રચનાઓ ગમી ગઈ.

ઉપર દર્શાવેલ કારણોમાંનું કોઈ કારણ હોય અને એકલતા સહેવી પડતી હોય, તો તો તે સમજી શકાય તેવી વાત છે. પણ ……

સાંપ્રત સમાજમાં, હકડેઠઠ ભીડની વચ્ચે, જોર શોરથી ગર્જતા સોશિયલ મીડિયાની ભીંસની મધ્યમાં પણ માણસ એકલો પડી ગયો છે; ખોવાઈ ગયો છે – એનું શું? આધુનિક સમાજની આ બહુ શોચનીય કરુણતા છે. માહિતી અને મનોરંજનની ફેંકાફેકમાં એકમેક સાથેની આત્મીયતાની હૂંફ કેમ ગઈકાલની જણસ બની ગઈ છે?

‘કોણ બોલે ને કોણ સાંભળે?’ – એ જૂના ગઝલાવલોકનની યાદ આવી ગઈ.

એને માટે આપણી એકલતામાં ઝળઝળિયાં ખેરવીને વીરમીશું?

કે પછી…..

બીજા કોઈ વિકલ્પની શોધ કરીશુ?

e.mail : surpad2017@gmail.com
https://gadyasoor.wordpress.com/2023/01/31/loneliness-4/

Loading

સુખ સામે અને આનંદ ભીતર રહે છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 February 2023

રવીન્દ્ર પારેખ

‘તારે, યાર, સારું છે’, ‘તને તો કોઈ પૂછનાર જ નથી, જ્યારે મારે તો ડગલે ને પગલે હિસાબ આપવાનો’, મને એ નથી સમજાતું કે આટલા પગારમાં તું મેનેજ કઇ રીતે કરે છે? મારે તો લાખ રૂપિયા પગાર છે ને અમે બંને કમાઈએ છીએ, તો ય પૂરું પડતું નથી’, જેવી વાતો આપણે કાને અથડાતી રહે છે ને આપણને એમ લાગે છે કે આપણી ફ્રેન્ડ કે આપણો ફ્રેન્ડ સુખી છે ને આપણા જેવું દુ:ખી જગતમાં બીજું કોઈ નથી. આપણને હંમેશ સુખ સામે જ વસતું લાગે છે. જે કૈં સારું છે તે સામેવાળાનાં ઘરમાં છે ને નથી તે આપણાં ઘરમાં છે. છત સામે ને અછત આપણે ત્યાં-એવું માનનારો મોટો વર્ગ છે. ખાસ કરીને સ્ત્રીઓને અસંતોષ મોટાં પ્રમાણમાં રહેતો હોય છે. સામેવાળાં બહેનને ત્યાં તો કાર આવી ને આપણે ત્યાં તો સ્કૂટર પણ ઠાઠિયાં જેવું ! સામેવાળાં બહેને તો સોનાનાં પાટલા કરાવ્યાં ને મારે તો કાચની બંગડીઓ ય આજ તૂટું ને કાલ ફૂટું જેવી ! સામે તો રોજ બાસમતી થાય ને આપણે તો કણકીનાં ય ઠેકાણાં નહીં – જેવી ઘણી ફરિયાદો ગૃહિણીઓ કરતી રહે છે, એની સરખામણીએ પતિદેવોની ફરિયાદો ઓછી હોય છે, એનો અર્થ એવો નહીં કે તેઓ સંતોષી છે. તેઓ બોલતાં નથી એટલું જ, બાકી સુખ-સગવડો તો તેમને ય ગમે છે. સ્ત્રીઓની સરખામણીએ નફાખોર માનસ પુરુષોનું હોઈ શકે છે.

એક બાબત સ્પષ્ટ છે કે દરેકમાં જેમ દોષ દેખાય એમ જ ઘણાં દોષરહિત પણ હોય છે. એ સ્વીકારીને જ ચાલવાનું રહે. કદાચ માણસ માત્રની પ્રકૃતિ લોભની રહી છે. કોઈ વાતનો અસંતોષ, વધુ મહેનત કરવા પ્રેરે ત્યાં સુધી તો ઠીક છે, પણ ઘણીવાર તે ઈર્ષા ને હિંસક સ્પર્ધા સુધી વિકસે તો વિચારવાનું રહે. કોણ જાણે કેમ પણ આ સમય સૌથી વધુ લોભ અને દેખાડાનો સમય છે. કોઈનું પણ હડપ કરી જવું કે કોઈને છેતરીને ગજવાં ભરવાં એ જ હેતુ હોય છે. પોતાની પાસે આટલું બધું છે, એ બતાવવાની એક પણ તક નાનેથી માંડીને મોટા સેલેબ્સ સુધીના કોઈ પણ છોડતાં નથી. કેક પણ હવે તલવારથી કપાય છે, ત્યારે થાય કે એ તે કેક છે કે દુશ્મન? આપણા આનંદ પણ હવે હિંસક માનસિક્તાનો પડઘો પાડતા થઈ ગયા છે.

સંપત્તિનો ફુગાવો આમ તો કોઈ છૂપા ગુનાનો જ સંકેત આપતો હોય છે. એ બધું પ્રમાણિકતાથી, મહેનતથી, નિષ્ઠાથી મેળવાયું હોય એવું અપવાદોમાં જ હશે, બાકી કોઈકને કોઈક રીતે તો એમાંથી કોઈ નિર્દોષનું લોહી ટપકતું હોવાની શક્યતાઓ જ વધુ છે. એમ લાગે છે કે મૂલ્યો ને આદર્શો આઉટ ડેટેડ થઈ ગયાં છે. સંપત્તિનાં સોર્સ હવે પ્રમાણિક રહ્યાં નથી. બધું જ ‘અતિ’ થઈ રહ્યું છે, તે ત્યાં સુધી કે સેલ્ફી કે મોબાઇલના ફોટોગ્રાફ્સ કે વીડિયોમાં પણ અતિરેક જ વધુ જણાય છે. આવો અતિરેક જ્યાં પણ જોવા મળે છે ત્યાં જેમની પાસે નથી એ વર્ગ વધુ લઘુતાથી પીડાતો હોય છે. એ સામેવાળા પાસે ઘણું છે ને પોતાની પાસે ઓછું છે એ ભાવને સપાટી પર લાવી દે છે. એને લીધે સામેવાળાને સારું છે ને પોતાને નથી, એ ભાવ બળકટ થતો જાય છે. ઘણીવાર તો દુ:ખનું કે અછતનું કારણ જ સામેવાળો લાગે છે, પણ મોટે ભાગે એ પારકે ભાણે મોટો લાડુ – જેવું જ વધારે હોય છે. સાચું તો એ છે કે સામેવાળો પણ દુ:ખનો સામનો કોઈક રીતે કરતો જ હોય છે, પણ આપણને તેની ખબર પડતી નથી. આપણને દેખાય છે તે તો તેનું બહારથી દેખાતું સુખ જ !

ખરેખર તો સાધારણ વ્યક્તિ તરીકે આપણે, આપણી મર્યાદા ને શક્તિ સમજી લેવાની જરૂર છે. દરેક વાતની એક લિમિટ હોય છે, તમે લીંબુનું બહુ બહુ તો સંતરું કરી શકો, પણ કોળું કરવા જાવ તો તકલીફો વધે. બીજી મહત્ત્વની વાત એ છે કે સુખ સામે જ હોય તો પણ, શાંતિ સામે જ હોય એવું જરૂરી નથી. ઘણીવાર સુખને અને શાંતિને બહુ બનતું નથી. ઘણું બધું ભેગું કરવાની લ્હાયમાં માણસ એટલો બધો ગરકાવ થઈ જાય છે કે બધું આવી મળે તો તે વાપરવાની સ્થિતિમાં હોતો નથી. બહુ મોટી ઇમારત ઊભી કરી હોય, રહેવા માટે, પણ સમય ઓપરેશનમાં, ટ્રીટમેન્ટમાં હોસ્પિટલમાં જ વધુ વીતતો હોય એમ બને. જે એમ માને છે કે સુખ સામે છે, તેને તો પેલી ઇમારત જ દેખાયા કરતી હોય છે. સામેવાળાની પીડાનો તેને બહુ અંદાજ જ હોતો નથી. એ પીડા તો તે એકલો જ ભોગવતો હોય છે. એના કરતાં પેલી ઓછા સુખમાં રહેતી વ્યક્તિ કદાચ વધારે સારી સ્થિતિમાં હોય છે. તે ઘરે વધારે ને દવાખાનામાં ઓછું રહેતો હોય એમ બને.

એક સરસ કવિતા કોઈ અંગ્રેજી કવયિત્રીની વાંચ્યાનું યાદ આવે છે. કાવ્યની નાયિકાને ઈશ્વર કહે છે કે તે તેની સાથે જ છે. નાયિકા મસ્તીથી રોજ દરિયા કિનારે ચાલે છે ને ઈશ્વર તેની સાથે સાથે ચાલે છે, પણ તે પ્રગટ થતો નથી. નાયિકાને એ ગમતું નથી. તે ઈશ્વરને કહે છે કે તે તેની સાથે છે તેનું પ્રમાણ નથી. ઈશ્વર કહે છે, તું ચાલે છે તેની સાથે સાથે બીજાં પગલાં પણ છે, તે જો. નાયિકા પાછળ ફરીને જુએ છે, તો તેનાં પગલાંની સાથે સાથે બીજાં પગલાંની હાર પણ ચાલી આવે છે. નાયિકા આનંદથી ઝૂમી ઊઠે છે. ત્યાં નાયિકા બીમાર પડે છે. તે તંદ્રામાં છે ને તેનાથી ચલાતું નથી. તે રડે છે કે દુ:ખનાં સમયમાં જ ઈશ્વર તેની સાથે નથી. તે દરિયે જાય છે, જેમ તેમ ચાલે છે. તેને ખબર પણ પડતી નથી કે તે ચાલે છે કે ક્યાંકથી ઊંચકાઈને આગળ વધે છે. કશું સમજાતું નથી ને જેમ તેમ જુએ છે તો દૂરથી તેનાં જ પગલાં આવ્યાં હોય એવું લાગે છે. તે અકળાઈને પોકારે છે. ઈશ્વર પ્રગટ થાય છે ને પૂછે છે – કેમ રડે છે? નાયિકા કહે છે – તમે સુખમાં સાથે હતા, પણ દુ:ખમાં તો દગો જ કરો છો. ઈશ્વરે કહ્યું – એવું નથી. નાયિકા કહે છે – એવું નથી તો કિનારે મારાં પગલાં છે, તો તમારાં કેમ નથી? ઈશ્વર હસે છે ને કહે છે – દીકરી, તું તંદ્રામાં હતી એટલે તને ખબર જ નથી. તને જે પગલાં દેખાય છે તે તો મારાં છે. તને તો મેં ઊંચકી લીધી હતી. તો પગલાં બીજાં કેવી રીતે પડે?

– તો, આ વાત છે. પીડામાં આપણી સચ્ચાઈ જ ઉગારી લેતી હોય છે આપણને. આપણને ખબર જ નથી કે આપણે કોને ટેકે બધું પાર કરી જઈએ છીએ. એમ લાગે છે કે આપણે સુખને બહુ મહત્ત્વ આપી દીધું છે ને એ નથી મળતું તો દુ:ખી થઈ જઇએ છીએ. સુખ જરૂરી છે, પણ વધારે જરૂરી છે આનંદ! સગવડોથી સુખ જરૂર મળે છે, પણ આનંદ મળે જ એની ખાતરી નથી. એસી ચાલુ હોય તો ઠંડક લાગે, પણ બરફ પડતો હોય ત્યારે એ.સી. કામ લાગશે? ત્યારે હીટર હોય તો ગમશે. એ જ રીતે ઉનાળામાં એ જ હીટર નહીં ગમે. ત્યારે એ.સી.ની અપેક્ષા રહેશે. સગવડો ન હોવી જોઈએ એવું કહેવાનું નથી. એ જરૂરી છે જ, પણ સાધનો, સગવડો હોય છતાં, શાંતિ નથી મળતી. ઘણીવાર તો સગવડો છતાં સુખ નથી પણ મળતું. કોઈના ખાંડનાં કારખાનાં ચાલતાં હોય, જોઈએ તેટલી ખાંડની ગૂણ ઘરમાં અટવાતી હોય, પણ એક દાણો ચાખવાની છૂટ નથી હોતી, કારણ, ડોક્ટરે ચોખ્ખું કહ્યું છે કે ખાંડ ઝેરની જગ્યાએ છે. એટલે બધું છે પણ કામનું કૈં નથી.

જે મનુષ્યની બહાર છે, જે સાધન માત્ર છે, જેનો હેતુ સગવડ સાચવવાનો જ છે, તે આનંદનું કારણ તો બને છે, પણ તેનો ઉપયોગ પૂરો થાય કે પછી એ સાધન મહત્ત્વ ધરાવતું નથી. સિતાર બનાવનાર તેનો ઉપયોગ વેચાણ કિંમત નક્કી કરવા પૂરતો જ કરશે, પણ જે ખરીદશે તે આનંદ માટે. વેચનારને માટે તો તે ધન મેળવી આપનાર તાર માત્ર છે, પણ ખરીદનાર તો તે પૈસા ખર્ચીને મેળવે છે, તે કમાતો નથી. તે શો કરીને કમાતો હશે, પણ એ કમાવા માટે તે જે સાધના કરે છે, તે કેવળ નિર્વ્યાજ આનંદ માટે છે. એ સિતાર રણઝણે ને જે આનંદ મેળવે છે તે પેલા કહેવાતા સુખ કરતાં જુદી જ બાબત છે. જે આનંદ પ્રગટે છે તે બહારથી નથી આવતો, એ ભીતરથી પ્રગટે છે. જે સાધન ઉપયોગ માટે પ્રેરે તે સુખનું કારણ બને છે ને તે બહારથી અનુભવી શકાય છે, પણ જે સાધન સાધના માટે પ્રેરે છે તે આનંદનું કારણ બને છે ને તે તો ભીતરે જ અનુભવાય છે. સંગીત, ચિત્ર, સાહિત્ય જેવી કળાઓ આનંદ આપે છે. કળા માત્રનો હેતુ આનંદ આપવાનો છે ને એ આનંદ ભીતરથી પ્રગટતો હોય છે. સુખ વર્ણવી શકાય છે જ્યારે આનંદ વર્ણવી શકાતો નથી, માત્ર અનુભવી શકાય છે. …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 29 જાન્યુઆરી 2023

Loading

વિસ્થાપન અને સંસ્કૃતિનો નાશ 

રાજેશ લકુમ|Opinion - Opinion|31 January 2023

મુખ્યધારાનો વિકાસ ફક્ત આર્થિક જ છે?

રાજેશ લકુમ

ગુજરાતના વિકાસ માટે સૌથી વધારે જમીન સંપાદન આદિવાસી વિસ્તારમાંથી કરવામાં આવે છે. જમીન સંપાદનથી આદિવાસી સંપૂર્ણ કે આંશિક રીતે પોતાના જીવનનિર્વાહનાં સાધનોથી વંચિત બન્યા છે. જમીન સંપાદન સમયે રાજ્ય દ્વારા રોજગારી આપવાનાં વચનો આપવામાં આવે છે. સાથે-સાથે જમીન સંપાદન સામે રાજ્ય દ્વારા વળતર નક્કી કરવામાં આવે છે, પરંતુ આદિવાસીમાં વળતરની સ્વીકાર્યતાનો પ્રશ્ન સામે આવે છે કારણે કે જમીન સંપાદન સામે વળતર ખૂબ જ નજીવું છે. અસરગ્રસ્ત આદિવાસીઓ દ્વારા વળતરની રકમ સામે વિરોધ કરવામાં આવે છે. પરંતુ વંચિત આદિવાસીનો અવાજ સરકાર સુધી પહોંચતો નથી. વળતરની રકમ મેળવવા માટે કરવો પડતો ખર્ચ પણ ખૂબ જ વધારે છે. ગરીબ અને વંચિત આદિવાસી વળતરનો ખર્ચ કરવાની યોગ્ય રીત ન હોવાથી દયનીય પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આ સમગ્ર વિસ્થાપનની પ્રક્રિયામાં આદિવાસી પર સામાજિક અને આર્થિક વિપરીત અસરો પડે છે. આદિવાસીનું જીવન અંધકારમય થઈ જાય છે.

વિસ્થાપનની સૈદ્ધાંતિક સમજ વિશે માઇકલ કેરનેયના (Michael Cernea) કહે છે કે વિસ્થાપન ગરીબો માટે મોટું જોખમ ઊભું કરે છે. જેમાં આદિવાસીઓ ભૂમિહીનતા, બેરોજગારી, બેઘર, વંચિતતા, ભૂખમરો, સામાન્ય / સામુદાયિક સંપત્તિથી વંચિત, વધા જતાં સામુદાયિક સ્થાનાંતરણ અને ગરીબી તરફ દોરી જતી પ્રક્રિયાનો ભોગ બન્યા છે (Cernea, 2002). ગુજરાતમાં જમીન સંપાદન દ્વારા ખેતીલાયક જમીનને બિન-ખેતીલાયક બનાવવામાં આવે છે. ઐતિહાસિક રીતે જોઈએ તો ગુજરાતની સ્થાપના બાદ Transportation Projectમાંથી ધીમે ધીમે Water Resources Project અને Industrial Project પર વધારે ભાર આપવામાં આવ્યું. પરિણામે દક્ષિણ ગુજરાતમાં ડેમ બનાવવા માટે જમીન સંપાદન કરવામાં આવી છે જેની સૌથી વધારે અસર આદિવાસી પર થઈ છે. જ્યારે મધ્ય-ગુજરાતમાં કેનાલ નેટવર્ક માટે જમીન સંપાદન કરવામાં આવી, જેની અસર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમુદાય અને દલિતો પર થઈ છે.

ગુજરાતમાં આર્થિક વિકાસ માટે અનેક વિકાસના પ્રોજેકટો હાથ ધરવામાં આવે છે જેમાં ડેમ, કારખાનાં, ખાણ-ખનીજ ખનન માટે, પ્રવાસન સ્થળો માટે, એરપોર્ટ, રેલવે અને રોડ-રસ્તાઓ વગેરે માટે જમીન અધિગ્રહણ કરવામાં આવે છે. જમીન સંપાદન દ્વારા ગરીબ અને વંચિત સમુદાયના લોકો સૌથી વધારે અસરગ્રસ્ત બને છે. તો અસરગ્રસ્ત એટલે શું? અસરગ્રસ્ત એટલે “જમીન સંપાદનના ધારા- 1884ની કલમ 4 મુજબ, જમીન સંપાદનની સૂચના પ્રારિત કરવામાં આવી હોય, એ અગાઉ એક વર્ષથી ડૂબાણમાં જતાં વિસ્તારમાં રહેતા હોય, ખેતી કરતાં હોય અને જીવનનિર્વાહ ચલાવતા હોય – એ લોકો અસરગ્રસ્તો ગણાય”. પરંતુ તાજેતરમાં સરકાર દ્વારા જમીન સંપાદન કરવા વ્યક્તિગત સૂચના પ્રારિત કરી નથી, પરંતુ જાહેર સૂચના પ્રારિત કરવામાં આવી છે જે સંપૂર્ણ ગેરબંધારણીય છે. યુવા રાજકીય કર્મશીલ રોમેલ સૂતરિયાના મતે “સાપુતારાથી SOU રોડ પ્રોજેકટ માટે આદિવાસીની જમીનો લેવા જાહેર નોટિસ ગેરકાયદેસર છે. કાયદાની જોગવાઈ મુજબ દરેક ખેડૂતને વ્યક્તિગત નોટિસ પાઠવવી તે જમીન સંપાદન અધિકારીની જવાબદારી છે. નિયમ અનુસાર કાર્યવાહી નહિ તો વિદ્રોહ નક્કી છે”. જમીન સંપાદન, પુનર્વસન અને પુનઃ સ્થાપન અધિનિયમ, ૨૦૧૩ અંતર્ગત વાજબી વળતર અને પારદર્શિતાના અધિકારની કલમ ૨૧ (૧) (૨) હેઠળ રસ ધરાવતી વ્યક્તિઓને જાહેર સૂચના અને ગેઝેટ બહાર પાડવાની જોગવાઈ કરવામાં આવી છે. (Under Section 21 (1) (2) of the right to fair compensation and transparency in land acquisition, rehabilitation and resettlement act, 2013, public notice to persons interested and gazette). કાયદાકીય જોગવાઈનું ભંગ સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે.

આ સિવાય જમીન સંપાદન અને અસરગ્રસ્ત આદિવાસીઓ પર અનેક અભ્યાસો થયા છે. લેન્સી લોબો, શશીકાન્ત કુમાર (2009) Land Acquisition, Displacement and Resettlement in Gujarat 1947-2004, પુસ્તકમાં ગુજરાતમાં વિકાસશીલ પ્રોજેકટ માટે લોકોની જમીન સંપાદન કરવામાં આવે છે. જમીન સંપાદનની એક અસર એટલે વિસ્થાપન. ગુજરાતમાં વિસ્થાપનની સૌથી વધારે અસરો ઉપેક્ષિત લોકો પર પડી છે. આ અભ્યાસમાં 139 વસાહતો અને 1937 ઘરો વિશે માહિતી લેવામાં આવી હતી (Lobo & Kumar, 2009). વર્ષ 1947-2004 સમયગાળા દરમ્યાન ખાનગી જમીન સંપાદનને કારણે ગુજરાતમાં આશરે 25 લાખ એટલે કે 2.5 મિલિયન અસરગ્રસ્ત કે વિસ્થાપિત બન્યા છે અર્થાત્‌ રાજ્યના 5 ટકા લોકો અસરગ્રસ્તો કે વિસ્થાપિતો છે. જેમાંથી 61 ટકા લોકો જળસંબંધિત યોજનાઓને કારણે, 23 ટકા પરિવહન અને સંચાર યોજનાને કારણે, 6 ટકા ઉદ્યોગોને કારણે અસરગ્રસ્ત કે વિસ્થાપિત બન્યા છે. ગુજરાતના કુલ 18,000 ગામડાંમાંથી આશરે 40 ટકા ગામડાંઓ અસરગ્રસ્ત છે તેમાં કેટલાંક આંશિક રીતે, તો કેટલાંક સંપૂર્ણપણે. ગુજરાતમાં બે પ્રકારની જમીન સબંધિત સમસ્યા જોવા મળે છે એક, રાજ્ય પ્રેરિત વંચિતતા જેમાં ગરીબ અને વંચિત લોકો પાસેથી જમીન લઈને વધારે વંચિત બનાવવામાં આવે છે. બીજી તરફ તે જમીન અન્ય ધનિક લોકોને લીઝ પર આપવામાં આવે છે. બે, ભૂમિહીન અને સીમાંત ખેડૂતો, આદિવાસી જમીન વિહોણા બન્યા છે. આદિવાસી વિરુદ્ધ બિન-આદિવાસીને પ્રાથમિકતા આપવાનો આવે છે (લોબો & કુમાર, 2008).

અન્ય અભ્યાસ લેખ કનુ વસાવાનો, આ લેખમાં “મધ્ય પ્રદેશની વિસ્થાપિતો : આદિલોક ટીમની મુલાકાત” પર લખવામાં આવ્યો છે આ લેખ જોઈએ તો તેમાં નર્મદા યોજનાથી આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા. વિસ્થાપન બાદ પુનઃ વસવાટ સમસ્યાની સાથે-સાથે સીધી અસર મૂળ સંસ્કૃતિ, બોલી અને સામાજિક વ્યવહાર પર પડી. આ વસાહત ગુજરાતના ખેડા જિલ્લાના ખડગોદરા ગ્રામ પંચાયતમાં આવેલ છે. આ વસાહત મૂળ મધ્ય પ્રદેશના નિમઈ પ્રદેશના આદિવાસી લોકોની વસાહત છે. તેમનું મૂળ કકરાના ગામ, જિલ્લો અલીરાજપુરના વતની છે આ નર્મદા વસાહતની મુલાકાત દરમ્યાન તેમની વેદના જાણી “ભારે હૃદયે વતન છોડ્યું અને અજાણ્યા પ્રદેશમાં આવી પડ્યા. ગુજરાતમાં આવ્યા પછી સૌથી મોટો પ્રશ્ન આવ્યો તે અજાણ્યા પ્રદેશના લોકો સાથે અજાણી ભાષામાં વ્યવહાર. આવ્યા પછી થોડા દિવસ તો બધાને ઊંઘ ન આવે. રાત્રે મોડે સુધી બેસીને બધા વાતો કર્યા કરે. પોતાની જાતને ગોઠવવાનો સતત પ્રયત્ન બધા કરતાં હતા”. આ પ્રકારની વસાહતો ગુજરાતમાં ૮૮ જેટલી છે. વતન બદલાતા મૂળ પરંપરામાં પણ બદલાવ આવ્યો. પોતાના વતન સંસ્કૃતિ, પ્રકૃતિ, નદી, ડુંગરો, જંગલો વચ્ચે કુદરતના સાનિધ્યમાં મજા હતી. પરંતુ વિસ્થાપનના કારણે આદિવાસીઓ ધીમે-ધીમે આદિવાસીપણામાંથી બહાર આવ્યા (વસાવા, ૨૦૧૯). આર્થિક કટોકટી અને સામાજિક સંબધોનો હાસ થયેલ જોઈ શકાય છે. જન્મ, લગ્ન અને મરણ જેવા સામાજિક વ્યવહારો નવા પ્રશ્નો ઉદ્દભવ્યા.

વિસ્થાપનની અનેક અસરો જોવા મળે છે જેવી કે સંસ્કૃતિ સાથે જોડાયેલ સામાજિક સંબંધો વેરવિખેર થઈ જાય છે. લાંબા સમયના સ્થાપિત સંબંધોમાં વિક્ષેપ ઊભો થાય છે સાથે-સાથે રોજગારીના પરંપરાગત સ્રોતો અને બજારની કડીઓ તૂટી જાય છે. બાળ-સંભાળ, ખાદ્ય સુરક્ષા અને આંતર-સામુદાયિક લેતી-દેતીના વ્યવહાર (Intra-Community Credit Transfers) પણ નાશ પામવા લાગ્યો છે. વિકાસના નામે ગરીબ અને વંચિત લોકોનું અનૈચ્છિક સ્થાનાંતરણ (Involuntary Relocation) કરવામાં આવે છે જેને બળજબરીપૂર્વકની હકાલપટ્ટી (Forced Eviction) પણ કહી શકાય. વિસ્થાપનથી અસ્તવ્યસ્ત જીવન થઈ જવાના લીધે આદિવાસીઓ વર્ષો સુધી મનોવૈજ્ઞાનિક આધાત(Psychological Trauma)માંથી બહાર આવી શકતા નથી. જમીન વિહોણા, બેરોજગાર, ભૂખમરો અને સામુદાયિક સંસાધનો વંચિત બની જાય છે (Murickan, George, Emmanuel, Boban & Pillai, 2003).

આદિવાસી સમુદાય જળ, જમીન અને જંગલ જેવી સામુદાયિક સંપત્તિનાં સાધનો પર નિર્ભર હોય છે. જમીન સંપાદનથી આદિવાસીઓ બધુ જ ગુમાવે છે. સરકાર દ્વારા જમીન સંપાદન સામે આદિવાસીઓ માટે સશક્ત ભાવિ ઘડતર યોજના બનાવવી જોઈએ. કારણ કે આદિવાસી સમાજ નિરક્ષરતા, ગરીબી અને બેરોજગારી ગ્રસ્ત તો છે જ; અને જમીન સંપાદન બાદ વધારે વંચિત અને ગરીબ બને છે. જ્યાં સુધી સ્વમાનભેર પુનર્વસન કરવામાં નહિ આવે ત્યાં સુધી આદિવાસી ફક્ત આર્થિક રીતે જ નહિ પણ સાંસ્કૃતિક રીતે પણ પછાત રહી જશે. આદિવાસી જ્ઞાન-વિજ્ઞાન ભૂલી અન્ય સ્થળે નવી સંસ્કૃતિ અપનાવે છે પોતાની જ્ઞાન-મીમાંસા પ્રગટ કરવામાં પાછળ રહી જાય છે. નવા સ્થળે ધીમે ધીમે પોતાના સંસ્કૃતિ નાશ પામતી જાય છે. પુનર્વસનના નામે અન્ય સામાજિક માળખામાં દબાણપૂર્વકની વસાહત (Forced resettlement on social structure) બનાવવામાં આવે છે. આ આદિવાસીઓના પુનઃ સ્થાપન માટે સરકારી વસાહતો કેટલી યોગ્ય છે? કારણ કે આદિવાસીઓ સ્થાવર અને જંગમ મિલકતની સાથે-સાથે મૂલ્યવાન સંસ્કૃતિ પણ દૂર થઈ જાય છે. નવી જગ્યાએ આદિવાસી સામે નવા સામાજિક પ્રશ્નો ઉદ્દભવે છે. જેની અસર મહિલાઓ પર વધારે અસર પડે છે. પરંપરાગત રૂઢિઓને બદલે અન્ય વ્યવસ્થાનું સમાજીકરણ કરવું પડે છે. ધીમે ધીમે આદિવાસી મહિલાઓમાં પણ મૂલ્યો અને સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે. સ્થાનિક લોકો વિરુદ્ધનું વિસ્થાપન એ માનવ અધિકારનું હનન છે અને આદિવાસીઓને સામાજિક અન્યાય કરવામાં આવે છે. જમીન સંપાદન બાદ જે પ્રોજેકટ નાંખવામાં આવે છે તેનો મોટો આર્થિક લાભ શહેરી મધ્યમ અને ઉચ્ચ વર્ગને  થાય છે. આજે સ્થાનિક લોકો વિકાસના વિરોધમાં સંઘર્ષ કરી રહ્યા છે. પુનર્વસનની નીતિઓ સામે સવાલો ઊભા કરી રહ્યાં છે.

સાભાર : પહેલ ત્રિમાસિક, પ્રેમલ જ્યોતિ, અમદાવાદ, પાનાં. 19- 22. 

References:

Cernea, M. (2002). Impoverishment Risks and Reconstruction. Washington DC: the Brookings Institution.

Lobo & Kumar. (2009). Land Acquisition, Displacement, and Resettlement in Gujarat 1947- 2004. New Delhi: Sage Publications.

Murickan, George, Emmanuel, Boban & Pillai. (2003). Development- Induced Displacement. Bangalore: Indian Social Institute.

લોબો & કુમાર. (2008). ગુજરાતનો વિકાસ: જમીન સંપાદન, વિસ્થાપન અને અસરગ્રસ્તો- એક વણથંભી કૂચ’, . બરોડા : સેન્ટર ફોર કલ્ચર એન્ડ ડેવલપમેન્ટ.

વસાવા, ક. (2019). મધ્ય પ્રદેશનાં વિસ્થાપીતો આદિલોક ટીમની મુલાકાત. આદિલોક, 13-15.

સૂતરિયા, ર. (2022, ડિસેમ્બર 20). આદિવાસીઓની જમીન લેવા પર જાહેર નોટિસ. વ્યારા: ફેસબુક પોસ્ટ.

માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર, અમદાવાદ : 
e.mail : rajesh.cug@gmail.com 

Loading

...102030...1,2531,2541,2551,256...1,2601,2701,280...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved