Opinion Magazine
Number of visits: 9458255
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નરેન્દ્ર મોદીની શાહમૃગી વૃત્તિ ખતરનાક સાબિત નહીં થાય ?

રમેશ ઓઝા|Opinion - Opinion|15 December 2022

ચીનના પ્રશ્ને જવાહરલાલ નેહરુને એક જ વાતે દોષી ઠેરવવામાં આવે છે કે તેમનો અભિગમ ચીન ઉપર ભરોસો કરનારો હતો અને એશિયન સંસ્કૃતિને લઈને રોમેન્ટિક હતો. ચીન અને ભારત મળીને નવા વિશ્વનું નિર્માણ કરશે એમ તેઓ માનતા હતા. તેમના ઉપર એવો પણ આરોપ કરવામાં આવે છે કે તેઓ પોતાને ચીનના રાહબર અને ભારતને ચીનના હિતોના જાગતલ સમજતા હતા. ચીન માટે ત્યારે આકરો સમય હતો જ્યારે ચીન આર્થિક, રાજકીય અને બીજી દરેક રીતે સંકટગ્રસ્ત હતું અને ભારતે આપમેળે ચીનના મદદકર્તાની જવાબદારી લીધી હતી. ચીનના નેતાઓને નેહરુનું મોટાભાઈ જેવું વલણ ગમતું નહોતું અને સરવાળે નેહરુ છેતરાયા હતા.

ચીનના શાસકો ભરોસો કરવા લાયક નથી અને ચીનથી સાવધાન રહેવું જોઈએ એવી ચેતવણી એ સમયે જવાહરલાલ નેહરુને અનેક લોકોએ આપી હતી જેમાં સરદાર પટેલ એક હતા. કનૈયાલાલ મુનશીએ પણ નેહરુને ચેતવ્યા હતા, પણ નેહરુએ તેમની વાત સાંભળી નહોતી. ચીનનો ડોળો તિબેટ ઉપર છે અને ભારત અને ચીન વચ્ચે તિબેટ એક બફર સ્ટેટ તરીકે જળવાઈ રહેવું જોઈએ અને એમાં ભારતે ભૂમિકા ભજવવી જોઈએ એવી સલાહ ત્યારે આપવામાં આવતી હતી. તિબેટની સ્વતંત્રતા જળવાઈ રહે અને ભારત તિબેટની સ્વતંત્રતાની બાંયધરી લે એ કેવી રીતે શક્ય બની શકે એ વિષે સરદાર, મુનશી કે બીજા કોઈએ કોઈ ઉપાય સૂચવ્યો નહોતો એ પણ એક હકીકત છે. પહેલી વાત તો એ કે ૧૯૪૮માં ચીનમાં સામ્યવાદી ક્રાંતિ થઈ ત્યારે તિબેટ સ્વતંત્ર હતું જ નહીં અને ઈચ્છે તો પણ એ સ્વતંત્ર રહી શકે એમ નહોતું. અત્યારના અને તેમના પુરોગામી દલાઈ લામાએ આ વાતનો સ્વીકાર કર્યો છે. વર્તમાન દલાઈ લામા તો કહે જ છે કે અમને સાચી સ્વાયત્તા જોઈએ છે, સ્વતંત્રતા નથી જોઈતી. ટૂંકમાં હિમાલયની પેલી પાર આવેલા તિબેટને ભારત કઈ રીતે બફર સ્ટેટ તરીકે ટકાવી શકે એનો કોઈ ઉપાય કોઈએ સૂચવ્યો નથી, પણ સૂચન જરૂર કરવામાં આવ્યાં હતાં.

એ વાતમાં કોઈ શંકા નથી કે જવાહરલાલ નેહરુએ ચીનના નેતાઓ ઉપર ભરોસો કર્યો હતો. એમાં પણ કોઈ શંકા નથી કે નેહરુ ચીન સાથેના સંબંધોની બાબતે રોમેન્ટિક હતા અને એ બાબતમાં પણ કોઈ શંકા નથી કે નેહરુનો જાગતિક સ્તરે ચીન સાથેનો અભિગમ રાહબર મોટાભાઈ જેવો હતો. પણ આ બધામાં મુખ્ય સવાલ હતો; તિબેટ પરના ચીનના કબજાને રોકવાનો અને એક બફર સ્ટેટ તરીકે તિબેટને ટકાવી રાખવાનો. આને માટે નેહરુને જે દોષ આપવામાં આવે છે એ ખોટો છે, કારણ કે આની હિમાયત કરનારા કોઈએ નહોતો ત્યારે કોઈ ઉપાય સૂચવ્યો કે નહોતો એ પછી કોઈએ સૂચવ્યો.

આની વચ્ચે એક રાષ્ટ્રવાદીઓની જમાત છે જે એમ માને છે કે જેવા સાથે તેવા થવું હોઈએ, કોઈ પણ દેશની ખરી તાકાત લશ્કરી તાકાત છે, લશ્કરી તાકાત હોય તો આંખમાં આંખ પરોવીને વાત કરી શકાય, દેશ માટે બલિદાન આપવામાં પાછા નહીં પડવું જોઈએ, કઠોર વાસ્તવિક અભિગમ અપનાવવો જોઈએ અને સ્વપ્નાળુતા (રોમેન્ટિસિઝમ) એક બીમારી છે, દેશની ભૂમિની એક ઇંચ પણ જમીન છોડવી એ કાયરતા છે, વગેરે વગેરે. આ જમાત બહુ બોલકી છે, પણ આ જમાતે પણ ક્યારે ય કોઈ ઉપાય સૂચવ્યો નહોતો કે તિબેટને સ્વતંત્ર રાખીને ભારત ચીનને ભારતનાં સીમાડાથી કેવી રીતે દૂર રાખી શકે? એક ઉપાય તેમણે બતાવ્યો હોય તો મને કહો. આજે પણ તમે જોશો કે તેઓ નેહરુએ કરેલી ભૂલોની વાત કરશે, મર્દાનગીની વાતો કરશે, પણ જો કોઈ ઉપાય માગશો તો ગલ્લાતલ્લા કરવા માંડશે. અનુભવ કરવો હોય તો કરી જુઓ.

તો મુખ્ય પરિબળ છે, વાસ્તવિકતા. સ્વપ્નરંજકતા નહીં, વાસ્તવિકતા. નેહરુની સ્વપ્નરંજકતા એક પ્રકારની હતી તો આકરા રાષ્ટ્રવાદીઓની સ્વપ્નરંજકતા બીજા પ્રકારની છે. જેમ મીઠાં સપનાં જોવાથી વાસ્તવિકતા નથી બદલાતી એમ ખોટી મર્દાનગીથી પણ વાસ્તવિકતા નથી બદલાતી. જ્યાં સુધી શાસનમાં નહોતા ત્યાં સુધી મર્દાનગીની કસોટી નહોતી થતી અને નેહરુની ભૂલો ગણાવીને વિદેશનીતિની વાતો થઈ શકતી હતી, પણ હવે? કાઁગ્રેસના શાસન વખતે (૧૯૬૨થી ૨૦૧૪ સુધી) ચીનાઓ વખતોવખત ભારતની સરહદમાં ઘૂસતા હતા અને થોડા દિવસમાં પોતાની જાતે જ પાછા જતા રહેતા હતા. તેઓ એમ સૂચવવા માગતા હતા કે જે ભૂમિ પર ભારત કબજો ધરાવે છે એ ભૂમિ પર ચીનનો દાવો છે અને એ વિવાદિત ભૂમિ છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારથી ચીનાઓ ભારતમાં પ્રવેશે છે અને ભારતના શાસકોને સતાવે છે, કદાચ જાણીબૂજીને ચીડવે છે. પ્રવેશ કર્યા પછી કાં તો પાછા જતા જ નથી અથવા સંપૂર્ણપણે લાઈન ઓફ કન્ટ્રોલની પેલે પાર જતા નથી. આ સિવાય તેઓ સમય પણ એવો પસંદ કરે છે જ્યારે વિદેશનીતિની બાબતે કોઈ ઘટના બની રહી હોય. ભારતના નેતા ચીન જવાના હોય કે ચીનના નેતા ભારત આવવાના હોય કે પછી કોઈ આંતરરાષ્ટ્રીય બેઠક હોય. ભારત ગ્રુપ ૨૦નું અધ્યક્ષ છે અને તેની બેઠકો થઈ રહી છે ત્યારે સમય સાધીને ચીને અરુણાચલ પ્રદેશના તવાંગ નામની ભૂશિરમાં પ્રવેશ કર્યો હતો.

૨૦૧૪થી વખતોવખત આમ બની રહ્યું છે. ૨૦૧૫માં ચીનાઓએ ચીનની ચુન્બી વેલીની દક્ષિણે આવેલા ૮૯ ચોરસ કિલોમીટરના ડોકલામ પર કબજો કર્યો. આ પ્રેદશ ભુતાનનો છે, ચીનનો તેના પર દાવો છે અને ભૂતાનનું રક્ષણ કરવાની જવાબદારી ભારતની છે. ૧૯૪૯ની ભારત-ભૂતાન સંધી મુજબ ભૂતાન ભારતનું રક્ષિત (protectorate) રાષ્ટ્ર છે. એનો અર્થ એ થયો કે ડોકલામ પરનો ચીનનો કબજો ભારતે દૂર કરવાનો હતો, પણ ભારત ચીનાઓને પાછા ખદેડી શક્યું નથી. સરકાર સત્તાવાર રીતે કાંઈ બોલતી જ નથી. જાણે કે મોઢું ફેરવી લેવાથી કે ચૂપ રહેવાથી વાસ્તવિકતા બદલાઈ જવાની હોય. આનું પરિણામ એ આવ્યું કે ભૂતાને ભારતને બાજુએ મૂકીને ચીન સાથે સીધી વાટાઘાટો શરૂ કરી અને ગયા વર્ષે ૧૪મી ઓક્ટોબરે ચીન સાથે સરહદી સમજૂતી કરી લીધી.

૨૦૨૦માં ચીને લડાખમાં પ્રવેશ કર્યો અને જૂન મહિનામાં થયેલી અથડામણમાં ૨૦ કરતાં વધુ ભારતીય સૈનિકો માર્યા ગયા. એ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાવારપણે કહ્યું હતું કે ભારતની ભૂમિમાં કોઈ પ્રવેશ્યું જ નથી અને એક ઇંચનો પણ કબજો કોઈએ કર્યો નથી. વડા પ્રધાન આમ કહે છે અને બીજા જ દિવસે આંતરરાષ્ટ્રીય મીડિયાઓએ જે સેટેલાઈટ તસ્વીરો પ્રગટ કરી એમાં ભારતનું નાક કપાઈ ગયું. લાઈન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલની અંદર આઠ કિલોમીટર સુધી ચીને પ્રવેશ કર્યો હતો અને બંકરો બાંધ્યા હતા. ચીને દરેક પ્રકારનું લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લડાખમાં ભારતની ભૂમિમાં ઊભું કર્યું છે. ભારત સરકાર એના વિષે કાંઈ બોલતી જ નથી. તવાંગમાં પણ આવું જ બન્યું. ૯મી ડિસેમ્બરે ચીનાઓએ તવાંગમાં પ્રવેશ કર્યો હતો અને બે દેશના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી અને તેમાં ભારતના કેટલાક સૈનિકો ઘવાયા હતા એ સમાચાર પણ છૂપાવવામાં આવ્યા હતા. જ્યારે ડિજીટલ પ્લેટફોર્મ્સ પર આ ઘટનાની જાણ થઈ ત્યારે ભારત સરકારે તેની જાણકારી દેશની જનતાને આપી હતી. જો ભારતે ચીનના સૈનિકોને ખદેડી મુક્યા હતા તો એ હરખના સમાચાર છુપાવ્યા શા માટે? કોઈ અકલમંદ માણસ આ સવાલ પૂછી શકે. લડાખમાં, ડોકલામમાં કે અન્યત્ર શું ચાલી રહ્યું છે એ જાણવા માટે વિદેશી મીડિયા અને ડિજીટલ પ્લેટફોર્મ્સનો સહારો લેવો પડે છે.

વાસ્તવિકતાનો સ્વીકાર નહીં કરનારી નેહરુની સ્વપ્નરંજકતા દેશ માટે ખતરનાક સાબિત થઈ છે એમ જ્યારે કહીએ છીએ તો વાસ્તવિકતા તરફથી મોઢું જ ફેરવી લેનારી અને હોઠ સીવી લેનારી નરેન્દ્ર મોદીની શાહમૃગીવૃત્તિ ખતરનાક સાબિત નહીં થાય? પ્રશ્નચિહ્નની પણ જરૂર નથી, ખતરનાક સાબિત થઈ જ રહી છે.

+

તો થોડી હકીકતો સ્વીકારી લઈએ.

૧. ચીન સાથેનો વણઉકલ્યો સરહદી પ્રશ્ન એક વાસ્તવિકતા છે.

૨. ચીન સાથેનો વણઉકલ્યો સરહદી પ્રશ્ન ભારત અને ચીન એમ બન્નેને સાંસ્થાનિક યુગનો વારસામાં મળ્યો છે. એ પ્રશ્ન નથી ચીને પેદા કર્યો કે નથી ભારતે.

૩. હિમાલયમાં દુર્ગમ ભૂમિમાં જ્યાં માનવવસ્તી પણ નથી ત્યાં ભૌગોલિક સર્વેક્ષણ થવું અશક્ય હતું એટલે અંગ્રેજોએ, ચીનાઓએ અને તિબેટીઓએ ૧૯મી સદીમાં અને ૨૦મી સદીના પહેલા-બીજા દાયકામાં આશરે આશરે નકશાઓ દોર્યા હતા અને એમાંનો કોઈ નકશો ભરોસાપાત્ર નથી.

૪. ચીન કોઈ મામુલી દેશ નથી જ્યાં લશ્કરી વિકલ્પ આસાનીથી અજમાવી શકાય.

૫. ભારત પણ કોઈ મામુલી દેશ નથી જેમાં ચીન આસાનીથી લશ્કરી વિકલ્પ અજમાવી શકે. આ ઉપરાંત ચીનને ભારતનું બજાર ગુમાવવું પડે જે ચીનને પરવડે એમ નથી. ચીન આ જાણે છે એટલે ભારતના રાષ્ટ્રવાદી શાસકોને સતાવે છે અને સંકેત આપે છે કે બાંયો ચડાવવાનું બંધ કરો અને સરહદનો પ્રશ્ન ઉકેલો. અલબત્ત બાંઘછોડ કરીને. કેટલોક પ્રદેશ જતો કરીને.

૬. ભારતના રાષ્ટ્રવાદી શાસકોની સ્થિતિ કફોડી છે. નથી પડકારી શકતા, નથી કાગારોળ કરીને જગતની મદદ માગી શકતા કે નથી વાસ્તવિકતાનો સ્વીકાર કરી શકતા. ભૂતકાળમાં કરેલું ખુમારીનું પ્રદર્શન નડે છે.

૭. અને એક વાસ્તવિકતા આપણા માટે. ગોદી મીડિયાનાં પાળેલા ગલુડિયાંઓ આપણું ધ્યાન અન્યત્ર ખેંચે એનાથી વાસ્તવિકતા બદલાતી નથી.

ચીનની વાત જવા દો, ભૂતાન ભારતને બાજુએ મૂકીને ચીન સાથે સીધી વાટાઘાટો કરે અને નેપાળ પોતાની જાતે મનસ્વીપણે ભારત સાથેની સરહદના નકશા બદલી નાખે એવું તો કૉંગ્રેસના નિર્બળ શાસકોના યુગમાં પણ બન્યું નહોતું.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 15 ડિસેમ્બર 2022

Loading

ડૉ. એસ.ડી. દેસાઈસાહેબ

અમર ભટ્ટ|Opinion - Opinion|14 December 2022

એચ.એલ. કૉમર્સ કૉલેજ(એચ.એલ.)માં અમારા અંગ્રેજીના પ્રૉફેસર ડૉ. એસ.ડી. દેસાઈસાહેબ ગઈ કાલે ઈશ્વરલીન થયા. સ્મરણોની આખી વણઝાર આંખ ને મન સમક્ષ ખડી થઇ ગઈ. ચિનુ મોદીનો શેર છે –

  “એકસામટી ક્યાં આવે છે?

   યાદોનાં તો ધાડાં છે.”

1982માં એચ.એલ.માં દાખલ થયો. સાહેબ અને પ્રૉફેસર એ.એમ. મહેતા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઈન-ચાર્જ. પ્રથમ વર્ષે યુવક મહોત્સવમાં સુગમસંગીત હરીફાઈમાં હું પસંદ થયો ને પછી તો અમારી વચ્ચે એવો નાતો બંધાયો તે છેવટ સુધી એકબંધ રહ્યો. કોલેજકાળ દરમિયાન અમે કાવ્યગાનની સંસ્થા “સ્પંદન” સ્થાપેલી તેના દરેક કાર્યક્રમમાં સાહેબ હાજર હોય ને પ્રથમ હરોળમાં બેસીને અમને ઉત્તેજન આપે. 1991માં હું પ્રિન્સિપાલ સંઘવીસાહેબના આગ્રહથી એચ.એલ.માં વિઝિટિંગ ફૅકલ્ટીમાં વાણિજ્યિક કાયદો એ વિષય માટે જોડાયો. પછી તો સાહેબ સાથે મળીને એચ.એલ.માં અમે અનેક સાંસ્કૃતિક અને રચનાત્મક પ્રવૃત્તિઓ કરી. દરેક રિહર્સલમાં સાહેબ છેક સુધી હોય.

કલાપ્રેમી અને સાચા અર્થમાં ભાવક એવા સાહેબ ઉત્તમ વિવેચક હતા. આનંદવર્ધને સહૃદયી ભાવક માટે કહ્યું છે કે સર્જકના હૃદય સાથે પોતાના હૃદયનું તાદાત્મ્ય સાધી શકે તે સહૃદયી ભાવક. આમ થાય ત્યારે ભાવક સર્જકની કક્ષાએ પહોંચે છે. સાહેબ એવા ભાવક હતા. દરેક કાર્યક્રમમાં આવે તો શ્રોતા તરીકે પણ સજ્જ થઇને આવે.

વિશ્વકોશમાં 2010થી શરૂ થયેલી મારી “કાવ્યસંગીતશ્રેણી”માં સાહેબ લગભગ છેક સુધી નિત્ય શ્રોતા હતા. “કાવ્યસંગીતશ્રેણી”માં પ્રત્યેક કવિના કૅન્વાસને સંગીતની નજરથી જોવાનો મારો  પ્રયાસ હોય છે. જે કવિ ઉપર કાર્યક્રમ હોય તે કવિનાં સર્જનમાંથી પસાર થઈને જ સાહેબ શ્રોતા તરીકે આવતા. કાર્યક્રમમાં આવા ભાવકો હોય તો કલાકાર ન્યાલ થઇ જાય. દરેક કાર્યક્રમ પછી સાહેબ એનું તલસ્પર્શી વિવેચન કરતા અને પીઠ તો થાબડતા જ; પણ સ્તરમાં ઊંચે ને ઊંચે જવા માટે હંમેશાં પ્રેરણા ને પ્રોત્સાહન આપતા. દરેક કલાભાવક ને કલાવિવેચનના ક્ષેત્રમાં  પ્રવેશવા ઇચ્છુક વ્યક્તિએ સંગીત,નૃત્ય અને નાટક ઉપરનાં સાહેબનાં વિવેચનોમાંથી પસાર થવું જોઈએ એવું મારું નમ્રપણે માનવું છે.

દરેક ગુરુપૂર્ણિમા અને સાહેબની દરેક વર્ષગાંઠે (2 નવેમ્બર) એમને હું યાદ કરતો તે એમને બહુ ગમતું.

2 ડિસેમ્બર વિશ્વકોશમાં “વિશ્વસંસ્કૃતિ દિવસ” તરીકે ઉજવાય છે. આ દિવસે સાધારણ રીતે વિશ્વની અન્ય ભાષાઓનાં કાવ્યોના ગુજરાતી અનુવાદો, જે ગેય હોય તે, સંગીતમાં હું રજૂ કરતો હોઉં છું. 2019માં સાહેબે કરેલો ડેવિડ હાર્કિન્સના એક કાવ્ય “She is gone”નો ગુજરાતી અનુવાદ મેં ગાઈને સાહેબને એક સરપ્રાઈઝ આપેલી તે સાંભળીને સાહેબના મુખ પરનો આનંદ હજી આંખ સમક્ષ છે. અનુવાદ મેં માત્ર ગિટારના લયે ગાયેલો. સાહેબે હરિગીત છંદનું મીટર વાપરીને (એ હરિગીત છંદ નહોતો પણ એના જેવું મીટર મને લાગેલું) પ્રિય વ્યક્તિના અવસાન પર એના સંગાથ બદલ આભાર માનતું આ કાવ્ય છે. સાહેબનો અનુવાદ “પરબ”માં પણ છપાયેલો. મારા માનવા પ્રમાણે સાહેબે મૃદુલાબહેનના અવસાન પછી આ અનુવાદ કરેલો તે અહીં પ્રસ્તુત કરીને સાહેબને અંજલિ આપું છું –

એ નથી …

એ નથી તો અશ્રુ સારું?

કે ખુશ રહું તે  જીવિત છે? 

આંખ મીંચું, પ્રાર્થું હું આવે ફરી મુજ પાસ એ ? 

કે આંખ ખોલીને નિહાળું જે મને દેતી ગઈ?

ખાલી લહું મુજ હૃદય કે દેખી શકું એને નહીં?

કે પરસ્પર પ્રેમ અર્પ્યો તે છલોછલ અનુભવું?

કાલ જે હજુ આવશે તે ભૂલીને હું કાલમાં જીવ્યાં કરું?

કે કાલ કેવી ભવ્ય થાશે કાલથી, તે ઉજવું?

એ નથી તે યાદ તાખીને ફરું?

કે સ્મૃતિ હૃદયે ધરી તેને જીવિત રાખ્યાં કરું?

રોતો રહું બની ચિત્તશૂન્ય?

કે રહું હું રિક્ત આ મુખ ફેરવી?

કે કરું એ જે મને કરવા ચહે 

હસતો રહું, જાગી જઈ, ને પ્રેમથી જીવિત રહું”

અંગ્રેજીમાંથી અનુવાદ : ડૉ. એસ.ડી. દેસાઈ 

સાહેબની સ્મૃતિને વંદન 

સૌજન્ય : અમરભાઈ ભટ્ટની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઈલાબેન*- એક પ્રસંગની કવિતા 

બ્રિજેશ પંચાલ|Poetry|14 December 2022

 

 

 

 

 

 

 

•

ઈલાબેન! તમે એ દિવસે અદ્દભુત કામ કર્યું.

સાહિત્યકારોને તદ્દન નવો શબ્દ શોધવાનું કામ ધર્યું! 

ને એ પણ પરિસ્થિતિને આધીન બનેલા

પ્રસંગમાંથી શોધવા કહ્યું! 

તમે પહેલાં કીધું – 

                   “સંવેદનાને જોડું છું વેદના સાથે.”   

પછી કીધું – 

                   “વેદના એટલે પીડા હોય … તો તો એ છે સિક્કાની એક જ બાજુ.” 

ઈલાબેન! બીજી કઈ બાજુ?

તમે બોલ્યાં’તાં – 

    “સ્ત્રીને પ્રસૂતિ થાય એ ઘડીએ થતી વેદનાનો પર્યાય ખુશી!” 

એનો મતલબ તમે આને કદાચ બીજી બાજુ કીધી?

થોડું વિચારવું પડે એવી વાત તમને સૂઝી છે.

જે અદ્દલ બંધ પટારાની ન મળતી કૂંચી છે. 

બીજું બધું જાવા દ્યો. પહેલાં એ તો કહો, બેન!

આ નવો શબ્દ શોધવાની જરૂરિયાત કેમ ઊભી થઈ? 

ઘણા વખતથી બનતા પ્રસંગને આબેહૂબ વર્ણવવા કોઈ શબ્દ નહોતો મળતો,

કે પેલો પ્રસંગ બન્યો એટલે જ. 

આવું તો બન્યા કરે … તમ તમારે મોજ કરો મોજ.

બાકી કરાવવી હોય તો કરાવો એક નવા શબ્દની ખોજ.

પણ તમારી વાતે ય સાચી, આવો તે પ્રસંગ ભૂલાય!   

તમારી આજ્ઞા સાથે આ લોકો વચ્ચે એ પ્રસંગ, તમે કહો તો જ ખોલાય! બાકી … 

કહી દઉં? એમ! તો લ્યો … 

કાળા ડમ્મર રોડ વચાળે બેસીને 

બિચારાં ચંપાબેન રોજ વેચતાં’તાં અવનવો સામાન. 

એમને ક્યાં જાણ હતી? એકદમ આવી જશે ખાખીવેશમાં શેતાન. 

જે કરી નાખશે વેરવિખેર એમનો સામાન. 

ખાખીવેશધારી આમ તો નિભાવી રહ્યા’તા એમની ડ્યૂટી. 

બસ ખાલી એમની રીત હતી ખોટી. 

સાહેબે બધાં ઉપર ધાક જમાવવા

ફક્ત ચંપાબેનની જ બધી વસ્તુ રોડ પર ખુલ્લેઆમ ઝીંકી.

આટલું કરીને જતા રહ્યા ખાખીવેશધારી. 

પણ ચંપાબેન તો ગુસ્સામાંને ગુસ્સામાં સામાન પડતો મૂકી, 

સેવાવાળા ઈલાબેનને મળવા ચાલી. 

કોઈને કીધા વિના અડી ગયાં ચંપાબેન ઓફિસમાં ને કરી ફરિયાદ. 

વિગત સાંભળી સૌએ કીધું – 

                           “આ તો છે ખોટી વાત!” 

ત્યાં ચંપાબેને પકડ્યો ઈલાબેન, જોરથી તમારો હાથ. 

ને પકડી પોલીસ સ્ટેશનની વાટ,

તમે એમના પક્ષમાં રહીને, મોટા સાહેબને આવું ખોટું કરવાનું કારણ પૂછ્યું,

ત્યારે ચંપાબેને ક્યારનું આવેલું આસું લૂછ્યું. 

ચંપાબેનને મળી હિંમત … ને એ હિંમતમાંને હિંમતમાં જ તમારો હાથ – 

એમણે એવો ઝાલ્યો … 

                     એવો ઝાલ્યો … 

                                       એવો ઝાલ્યો …

કે એમના વાગેલા નખથી હાથ તમારો આખો લોહીલુહાણ થવા આવ્યો.

આ જોઈને ખાખીવેશધારી મૂંઝાયા, બે હાથ જોડ્યા.

ને બોલ્યા – 

             “માફ કરજો, બેન!”  

આ સાંભળી ચંપાબેન તમને ભેટીને, 

એવા રડ્યાં … 

                એવા રડ્યાં … 

                                 એવા રડ્યાં …

કે તમે હાથમાં વાગેલા જખ્મો ભૂલ્યા.

ઓહો … એટલે તમે ઇચ્છો છો કે 

સાહિત્યકારો દ્વારા આવી પરિસ્થતિને એક જ શબ્દમાં કહેવા માટે

કોઈ નવો નક્કોર શબ્દ શોધાય!

પણ બેન! તમે આ જે બન્યું એને સંવેદના ય કહેતા નથી અને વેદના ય નહિ!

તો શું કહીશું? 

હું કહું?   

મને કહો – 

          “વિજ્ઞાન માટે ઊભા થયેલા પ્રશ્નનો ઉકેલ શોધી કાઢે એને શું કહેવાય?”  

વૈજ્ઞાનિક … બરોબર!

તો બેન આ વેદના માટે ઊભા થયેલા પ્રશ્નો ઉકેલે, એને – 

“વૈદનાનિક” કહેવાય ને? 

એટલે ટૂંકમાં તમે શોધવા કીધેલા શબ્દ વિશે, એક જ શબ્દ કહી શકાય, ને એ છે – 

વૈદનાનિક 

            વૈદનાનિક

                           વૈદનાનિક

તમે વૈદનાનિક હતાં, છો અને રહેશો …

•

*ઈલાબેન ર. ભટ્ટ (સામાજિક કાર્યકર્તા અને ‘સેવા’ સંગઠનનાં સ્થાપક.) સાથે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા યોજાયેલ સુરત ખાતેના ૩૦માં જ્ઞાનસત્રમાં થયેલ જાહેર સંવાદ સાંભળ્યા બાદ લખાયેલી કવિતા. અહીં દર્શાવેલ ચંપાબેન નામ કાલ્પનિક છે.

(“પરબ” – ડિસેમ્બર:૨૦૨૨, પૃષ્ઠ:૧૮થી ૨૦)
સંપર્કઃ e-mail: panchalbrijesh02@gmail.com

Loading

...102030...1,1671,1681,1691,170...1,1801,1901,200...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved