Opinion Magazine
Number of visits: 9743349
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગમતાં નામ  : 

વિજય ભટ્ટ|Poetry|5 August 2023

આજે મળસ્કે ઊઠી ગયો.
સૂર્યનારાયણ હજી ધરા પર સહેજ ડોકિયું કરે તે પહેલાં જ.
આજે એક આછી પાતળી જાણીતી નિરાંત હતી.
રોજ નથી હોતી એવી,
ખાલી-ખમ રવિવારની ભરપૂર નિરાંત.

લીધો ગરમ ચાનો કપ હાથમાં.
જઈ બેઠો બેકયાર્ડમાં.
પેલા ખૂણા પરની ગમતીલી લોખંડની ખુરશી પર.
જે મારી નાનકડી બાગવાડીનો સૌથી મજબૂત સદસ્ય.
જ્યારે મારે મારી સાથે વાત કરવી હોય,
શબ્દ ટપકાવવા હોય,
તો ત્યાં જ બેસું, હંમેશાં.

આજે ખાસ લખવાની ઈચ્છા નથી.
નવી ડાયરી ખરીદી છે તો ઉદ્ઘાટન કરું.
ઘણાનાં નામ અને ફોન નમ્બર છૂટા છવાયા પડ્યાં છે
તો નવી ડાયરીમાં સરખી રીતે લખી દઉં. 

જૂની ડાયરી ઘણાં નામો, સરનામાં, અને ફોન નમ્બરથી
ભરાઈ ગઈ છે,
ઉભરાઈ ગઈ છે,
ને ધરાઈ ગઈ છે.
કેટલાં ય નામ ઉકલતા નથી,
સમજાતાં નથી,
અજાણ્યાં લાગે છે,
જાણે એ પહેલાં જેવાં નથી રહ્યાં.
અમુક નામ તો મારી ડાયરીમાં કેમ લખાયાં છે તે જ ખબર નથી.
અમુક નામ ક્યાંક સ્થળ અને સમયના બંધનમાંથી  આગળ નીકળી ગયાં છે!
ઘણાં નામ હવે વરસે દહાડે એક વાર દિવાળી શુભેચ્છા પૂરતા જ.

ઘણાં  પાના પર અને નામ પર ડાઘા પડી ગયા છે,
એ પાના હવડ લાગે, બરડ થઇ ગયાં છે, સબંધોની જેમ જ,
ગમે ત્યારે ફાટી જાય, બહુ જ સાચવી ને અડકવું પડે છે, એને  પણ,
સંબંધોની જેમ જ.

પણ આજથી તો નવી ડાયરી!

ચાલ!  તાજા, ગમતા, અંગત, વ્હાલા લોકોનાં નામ, ફોન અને સરનામાં સૌ પહેલા લખું.
લખું યાદી, નામની, મારા ગમતીલાઓની.
નવી નક્કોર, કોરી કડક ડાયરીમાં.
 હજી નવા બાઈન્ડીંગની સુગંધ પણ છે!

ટેવ મુજબ જ
પ્રથમ પાનાં પર લખ્યું,
શ્રી ગણેશાય નમઃ
શ્રી સરસ્વત્યૈય નમઃ 
પછી થોડી લાઈન ખાલી રાખી.
ટેવ મુજબ જ.

કર્યું શરૂ લખવાનું, ગમતીલી નામાવલીનું.
કેટલાં ય અંગત નામ માનસપટ પર સહજ  તરતાં આવ્યાં.
ને હજી લખું ત્યાં તો એકાએક …..

ઊડીને સામેથી આવ્યું એક પતંગિયું!
કહે “મને લખો”
સામે જ બેઠેલા લચલચતા સફેદ ગુલાબનું ટોળું
તાકી ને મને જોતું હતું કે હું પતંગિયા સાથે એનું નામ પણ લખું છું કે નહિ.
લો બંનેને લખ્યા.

પેલી મોં નીચું રાખીને શરમાતી નાની મરચીના છોડે
આંખ ઊંચી કરીને શરમાતાં સહેજ જોયું મારી સામે.
બસ, તો ઉમેરો એને.
 
ને પેલો બાજુનો, નાનકો મીઠો લીમડો
રોજ જ વઘારમાં આવે.
આજે મને એ જવાદે કે? 
કહે, “લખ મને. કઢી વગર તો તને ચાલતું નથી જ ને?”
આ લખ્યું, લે. ચાલવાનું છે એના વિના?

બાજુના વાડામાંથી ડોકિયાં કરતી પેલી જૂઈ ઠાવકી થઇ,
 “જો જો, હું રહી ના જાઉં.”

પેલી રાતરાણીએ રાતપાળી પૂરી કરતાં કરતાં જ
ઈશારો કર્યો “મને સાંજે જ લાડ કરો એવું ના ચાલે”
લખી એને.

છેક .. પેલી ઝાંપલી પાસેની બોગનવેલી દૂરથી બોલી
“મારાથી ત્યાં સુધી અવાતું નથી પણ હું બધું જ જોઉં છું.”
ઉમેરી લ્યો એને પણ, બાકી એ તો દૂર જ સારી.
એના પેલા કાંટાળા નખ,  એ કદી કપાવતી જ નથી.
જેટલાં ફૂલ, તેટલા જ કાંટા!

એકાએક હવાનો ઝોંકો આવ્યો અને પેલી પારિજાતનો ‘સ્મેલ-મેસેજ’ આવ્યો.
મેં કહ્યું: “હા, મારી વ્હાલી, લે ઉંમેરી તને, તું તો કાના-રુક્મિણીની પણ ખાસ.”

આખા બાગમાં વાત ફેલાઈ ગઈ.
“અલી, તારું નામ ઉમેરાયું?”
“અલ્યા, તને પૂછ્યું?”
“એ ભાઈ, મારું પણ લખજો, હોં!”

પંખીઓને પણ ખબર પડી ગઈ.
પેલી રોજની ઉડાઉડ કરતી ચકલીઓ, પેલી કાબર.

લખાવો નામ વ્હાલ વહેંચવા!
બાગમાં બધાને અંદર અંદર હેતની હુંસાતુંસી,
ગમતા થવાની ગમ્મત,  
ફૂલોની ફરિયાદ અને સુગંધિત સંવાદ.
વ્હાલા થવાની વેળા કોઈ ને ય જવા દેવી ન હતી.
હા ભાઈ હા, જો તમે ગમતીલા હશો તો રહી નહિ જ જાઓ, બસ.

નામ લખાતાં જ ગયાં, લખાતાં  જ ગયાં, લખાતાં જ ગયાં ….
ડાયરીનાં પાના ભરાતાં જ ગયાં, ભરાતાં જ ગયાં, ભરાતાં જ ગયાં …..
ડાયરીનું છેલ્લું પાનું પણ હવે પૂરું ભરાઈ જવા આવ્યું.
માંડ માંડ એકાદ નામની જગ્યા કરી શકાય, કદાચ
તે પણ બહુ ઝીણા અક્ષરે લખું તો જ.

સૂર્યાગમન થઈ ગયું હતું. સમગ્ર તેજ તેજ!
બધાં જ ફૂલો, બધાં જ છોડ, ઘાસ, વૃક્ષ, અરે, માટી પણ
સજાગ!

અને .. અચાનક જ, સહેજ પણ બોલ્યા વગર ..
પેલા એક દૂરના ફૂલ ઉપરથી ઝાકળે
એવું તો એક તીક્ષ્ણ સૂર્યકિરણ મારી આંખ તરફ ફેંક્યું!

હવે ક્યાં લખીશ ઝાકળનું નામ?
સારું થયું ગણેશ અને મા સરસ્વતીનાં નામ પછી થોડી લાઈન
પહેલેથી જ રાખી હતી મેં.
લખ્યું ઝાકળનું નામ. ડાયરીનાં પહેલા પાનાં પર જ.
છેક ઉપર જ, આગળ, પહેલું જ!

ઝાકળ રોજ યાદ કરાવે –
“ઝાકળ ઊડી જશે અને ડાઘા રહી જશે … તારી ડાયરીમાં”

૪, ઓગસ્ટ, ૨૦૨૩; લોસ એન્જલસ
e.mail : vijaybhatt01@gmail.com

Loading

સાચા વૈષ્ણવજન

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|5 August 2023

પતંગિયાની જેમ ઘરઆંગણામાં રમતી પૂજાને, ફકત ત્રણ વર્ષની કુમળી વયે કૅન્સર થયું, કૅન્સરનું નામ પડતાં જ પહાડ સમા અડીખમ માનવીના પણ હાંજા ગગડી જાય! પ્રફુલ્લ તેમ જ ચંદાને પૂજાના ભયંકર રોગની જાણ થતાં જ ઘોળે દિવસે આભના તારા દેખાવા માંડ્યા!

કૅન્સર એટલે કૅન્સર એમ જાણતાં હોવા છતાં, કૅન્સરને પરાજિત કરવા ચંદા અને પ્રફુલ્લે પોતાથી બનતા પ્રયત્નો કરી જોયાં, પરંતુ કૅન્સર પૂજાને પંજામાં ભરડો લેતું રહ્યું. કૅન્સર સામે રાત દિવસની પરવા કર્યા વગર હિંમતથી ઝઝૂમતા ડૉકટરોએ જ્યારે હાથ ધોઈ નાંખ્યા, ત્યારે પતપત્નીએ પણ હાર સ્વીકારી લીધી. પૂજાની માંદગી ઈશ્વરના ચરણે છોડી દીધી. બસ પૂજાનાં દર્દ, પીડા અને તેના મનની શાંતિ માટે ઈશ્વરની પ્રાર્થનામાં પોતાનું મન પરોવી દીઘું.

રંજન શાહ

નસીબ જોગે આ અરસામાં રામકથા અર્થે ભારતથી અમેરિકા પઘારતા મોરારિબાપુ રોચેસ્ટરમાં રહેતાં ચંદાનાં મોટીબહેન રંજનબહેનના ઘરે આવેલાં. આ વર્ષે રંજનબહેન ઉબાસ હતાં. બાપુની નજરે આ ઝીણી વાત પણ નોંઘાઈ ગઈ. સાંજની પ્રાર્થના તેમ જ ભોજન બાદ બાપુએ રંજનબહેનને એકાએક વાતચીતમાં પૂછી લીધું, ‘બહેન, આ વખતે તમે કેમ ઢીલાં દેખાવ છો?’

ઉદાસ મનની ગાંસડી રંજનબહેને બાપુ સામે ખોલી નાખીઃ ‘મારી નાની બહેન ચંદા અહીં રોચેસ્ટરમાં જ રહે છે. તેની એકની એક દીકરી પૂજાને કૅન્સર થયું છે. કોણ જાણે કઈ ઘડીએ અમને હાથતાળી આપીને તે ઈશ્વરના ઘરે ચાલી જાય તેનું કંઈ કહેવાય નહીં.’

મોરારિબાપુએ રંજનબહેનને હ્રદયપૂર્વક ઘીરજ આપી. એ જ ઘડીએ તેમના ઘરેથી ચંદાને ફોન કર્યો કે સવારે તમારા ઘરે તમને તેમ જ તમારી દીકરી પૂજાને મળવા આવું છું.

બીજે દિવસે બાપુએ પોતાના ભરચક કાર્યક્રમમાંથી સારો એવો સમય ચંદા તેમ જ પ્રફુલ્લ માટે ફાળવ્યો. બાપુએ તેમને ઘીરજ આપતાં કહ્યું કેઃ ‘ખરેખર! આ સમયે આપણે હિંમતથી આવી પડેલ આફત સામે મક્કમતાથી લડવાનું હોય છે. અરે! આ દેશમાં તો પારાવાર સગવડો છે. પર્ંતુ ભારત જેવા ગરીબ દેશમાં જ્યાં કોઇ જાતની પણ સુવિધા નથી હોતી, છતાં લોકો આવા ભયંકર રોગ સામે હસતાં-હસતાં લડતા હોય છે. ઈશ્વર તમને તેમ જ તમારી દીકરી પૂજાને આ ભયંકર રોગ સામે પ્રતિકાર કરવા શકિત બક્ષે એવી પ્રભુ પાસે અંતરની પ્રાર્થના છે.’

ચંદા મહેતા

ફરી બીજે વરસે બાપુ પોતાના નિયત સમયે અમેરિકા પધાર્યા. તેમણે ખાસ યાદ કરીને અમેરિકાના કોઈક ખૂણેથી પૂજાના ખબર પૂછવા ચંદા મહેતાને ફોન કર્યો. કમભાગ્યે પૂજા ત્યાં સુધીમાં કેન્સરથી મુકત થઈ ઈશ્વરને ચરણે રમવા ચાલી ગઈ હતી. બાપુએ બન્ને જણને ફોન પર આશ્વાસન આપતાં જણાવ્યું કે; ‘જેવી ઈશ્વરની ઈચ્છા! તેની ઈચ્છા પાસે આપણું કશું ચાલતું નથી. બસ, આપણે બને એટલું પ્રભુભજનમાં મન પરોવવું!’ એ જ વખતે ચંદાએ બાપુને કહ્યું કેઃ ‘આ વખતે બનારસમાં તમારી રામકથા છે તે વખતે અમારી બન્નેની ઈચ્છા છે કે પૂજાનાં અસ્થિફૂલ ગંગામૈયાના ખોળામાં સમર્પિત કરી, તમારાં ચરણમાં બેસીને રામકથાનું આચમન કરવું.’

ફોન મૂકી દેતાં પહેલાં બાપુએ તેમને કહ્યું કેઃ ‘તો પછી ચોક્કસ તમે એ વખતે કાશી પધારજો. આપણે ખાસ એ સમયે હિંદુ શાસ્ત્રવિઘિ કરાવી પૂજાના અસ્થિકુંભનું ગંગામાં વિસર્જન કરી દઈશું’.

પાણીના રેલા સમા સમયને વહેતા કયાં વાર લાગે છે ! ચપટી વગાડતાં જ સાત મહિના વીતી ગયા. ધાર્યા સમયે કાશીમાં મોરારિબાપુની રામકથા શરૂ થઈ ગઈ. દેશવિદેશથી ઊમટેલા લાખો કથાપ્રેમીઓનાં ટોળામાં પ્રફુલ્લ અને ચંદા પણ બાપુના મુખેથી વહેતી રામકથાની પવિત્ર ગંગામાં ડૂબકી મારવા પહોંચી ગયાં.

પ્રથમ દિવસે જ રામકથાનું આચમન લેવા લાખોની સંખ્યામાં ભાવિકો ચારેકોરથી ગંગાઘાટે ઊમટી પડ્યા. કથાના અંતે માઈક પરથી ખાસ એક અગત્યની સૂચના પ્રસારિત કરવામાં આવીઃ ‘જો આ સમૂહમાં અમેરિકાથી પ્રફુલ્લ મહેતા તેમ જ તેમનાં પત્ની ચંદા મહેતા કથા સાંભળવા પધાર્યાં હોય તો, બાપુને હમણાં જ આ સમયે મળીને પછી વિશ્રામ કરવા તેમના ઉતારે જાય!’

ચંદા અને પ્રફુલ્લને ખૂબ નવાઈ લાગી. એમને સ્વપ્ને પણ ખ્યાલ નો’તો કે બાપુ એમનું વચન આટલા લાંબા સમય પછી પણ યાદ રાખીને પાળશે! ભાવવિભોર બની ગયેલાં પતિપત્ની ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બાપુને મળવા તેમના નિવાસસ્થાને ગયાં. બાપુએ બંને જણને પ્રેમપૂર્વક પોતાની સાવ નજીક બેસાડી પરિવાર, તેમ જ રોચેસ્ટરના ભાવિક મિત્રોના ખુશી સમાચાર પૂછી ચંદાને એકાએક યાદ કરાવ્યું કે છેલ્લે આપણી ફોન પર થયેલી વાતચીત મુજબ જો તમે પૂજાનો અસ્થિકુંભ ગંગામૈયામાં પધરાવવા અમેરિકાથી લાવ્યા હો તો આવતી કાલે સાંજે કથા બાદ આપણે તેનું વિસર્જન કરીએ.

બનારસમાં બાપુનો ઉતારો એક ભવ્ય નૌકા પર રાખવામાં આવ્યો હતો. બીજા દિવસે કથાના અંતે ચંદા અને પ્રફુલ્લ પૂજાના અસ્થિકુંભ લઈને નૌકા પર પહોંચી ગયાં. બાપુએ નાવિકને નૌકા કાંઠાથી દૂર ગંગાના પ્રવાહમાં લઈ જવાનું જણાવ્યું. નૌકા દૂર લહેરાતા પ્રવાહમાં પહોંચી એટલે બાપુએ શાંતચિત્તે ડૂબતા સૂરજ સામે બેચાર પળ ઘ્યાન ઘરી ચંદાના હાથના અસ્થિકુંભમાંથી એક મુઠ્ઠી અસ્થિફૂલ લઈને ગંગાના પવિત્ર જળમાં વહેરાવી, બાકીના અસ્થિફૂલ ચંદા તેમ જ પ્રફુલ્લ પાસે હિંદુ શાસ્ત્ર પ્રમાણે વિઘિ કરાવીને પઘરાવી દીઘાં.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

ફરફર ફરફર

ઉમેશ સોલંકી|Poetry|5 August 2023

મારી અંદર

એ નિરંતર

શોધું અંદર

હુંય નિરંતર

તોય ન મળતાં 

અમે ઘડીભર.

હૃદય ભંભોળું

તો મગજની ગલીઓમાં કિલકારી કરતું દોડે

મગજ ફંફોસું 

તો હૃદયમાં છબછબ કરતું છાલક મારે

છાલક જરાક રોકું ત્યાં તો છલાંગ મારી બહાર આવે

ઊડવા લાગે 

ફરફર ફરફર ફરફર ફરફર

ફરફર કરતું બેસે કટોરે

બેસે ન બેસે

ત્યાં તો ફફડે

ફરફર કરતું ફરે તગારે

પછી અડે

તીકમની ટોચે

ઝાડુની સળી પર ઘડી બે ઘડી ઝૂલે

પોરો ખાતા પરસેવાને 

ચપચપ કરતું પીવે

પછી ઊડે છેક અદ્ધર

ફરફર ફરફર ફરફર ફરફર

ફરફર કરતું આવે નીચે

ઉપર નીચે નીચે ઉપર

નીચે ઉપર નીચે ઉપર

ફરફર ફરફર ફરફર ફરફર

ફરફર કરતું ક્યાંક અચાનક

થઈ જાય પાછું છૂમંતર.

લાગે તરત

મારી અંદર

એ નિરંતર.

e.mail : umlomjs@gmail.com

Loading

...102030...1,0671,0681,0691,070...1,0801,0901,100...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved