Opinion Magazine
Number of visits: 9743240
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહેકભીના માણસ : ગુલાબભાઈ જાની

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|8 August 2023

૨૦૦૩ના સપ્ટેમ્બર માસની ગુલાબી સાંજે ડૉ. નીલેશ રાણાએ લગભગ દોઢસો જેટલા અંગત મિત્રોને એક શુભ અવસરે ભોજન માટે આમંત્રિત કરેલા. પઘારેલા અતિથિ મિત્રો પુસ્તક મેળાનો આનંદ માણી રહ્યા હતા. સુરેશ દલાલ, હું અને મહેશ દવે બેઝમેન્ટના એક ખૂણામાં અલકમલકની વાતો કરતા નિરાંતે ઊભા હતા. બરાબર એ જ વખતે સૂચિબહેન વ્યાસ સાથે એક પૌઢ યુગલ ઉત્સાહ-આનંદ સાથે પુસ્તક મેળામાં પ્રવેશ્યું.

સૂચિ વ્યાસ સાથે આવી પહોંચેલાં યુગલમાંથી ગોળ મટોળ ચહેરાવાળા સોનેરી ફ્રેમમાં નેહ નીતરતી આંખો સાથે હોઠોમાં મલકતા ખાદીઘારી ભાઈએ બે હાથ જોડી સુરેશભાઈને દૂરથી વંદન કરી ટોળામાંથી હળવેકથી રસ્તો કરી, સુરેશ્ભાઈ પાસે આવી ઉત્સાહથી તેમની સાથે હસ્તઘૂનન કરી મારી સાથે ઊમળકાભેર હાથ મિલાવતાં મને કહ્યું, “હું રાજકોટથી આવું છું મારું નામ ગુલાબભાઈ જાની છે.”

અમારી બે-પાંચ મિનિટ અંગત વાતો સાથે હું શું કરું છું? શું લખું છું? વગેરેની વાતો થઈ ગઈ. એટલે સૂચિબહેને ઘડિયાળમાં નજર કરી. ગુલાબભાઈ અને ઉષાબહેન સામે જોયું. ગુલાબભાઈએ મને નમ્રતા સાથે જણાવ્યું, મિત્ર, મારે એક બીજા કાર્યક્રમમાં અત્યારે ખાસ હાજરી આપવી પડે તેમ હોવાથી હમણાં જ અહીંથી નીકળવું પડશે. પણ તમે એક કામ કરો, મને તમારું નામ, સરનામું અને ફોન નંબર એક કાગળમાં લખી આપો જેથી આપણે એકમેકના પરિચયમાં તો ચોક્ક્સ રહીશું.

ટેબલ પર પડેલા એક નેપકિનમાં મેં મારું નામ સરનામું લખતાં મનમાં વિચાર્યું કે આ મહાશય પણ ભારતથી આવતા આપણાં સહિત્યકારો અને સંપાદક મિત્રોની જેમ મને સારું લગાડવા કેવો કોણીએ ગોળ ચોપડી રહ્યા છે? મને કયાં ખબર નથી કે આ મહાશય હમણાં અહીંથી મારી સાથે હાથ મિલાવીને છૂટા પડશે અને મેં લખી આપેલ નામ, સરનામાને કચરાની ટોપલીમાં ફેંકી દેશે!

બરાબર બે મહિના બાદ મને રાજકોટથી ગુલાબભાઈ તરફથી ‘સમુદ્ગાર”ના બે અંક સાથે નૂતન વર્ષાભિનંદનનું કાર્ડ પણ મળ્યું. ડૉ. નીલેશ રાણાના ઘેર તેમની સાથે થયેલ એક નાની અમથી મુલાકાતને ગુલાબભાઈએ અંગત સંબંઘમાં પલટી નાંખી. કદાચ હું તેમને પત્ર લખું કે ન લખું પણ દર ત્રણ મહિને મને તેમના તરફથી ‘સમુદ્ગાર”નો અંક તો મળતો જ રહ્યો છે અને સમયે સમયે ખુશી ખબરનો ઈ-મેઈલ પણ મને મળતો જ રહે છે.

ગુલાબભાઈ જ્યારે સાતમા ઘોરણમાં અભ્યાસ કરતા હતા, ત્યારે તેમની માતાનું અવસાન થયું. માતાની છત્રછાયા ગુમાવી દીઘા બાદ ગુલાબભાઈ અને તેમના બે વર્ષના નાનાભાઈને તેમના નાનાનાની પોતાની સાથે જસદણ લઈ ગયા. આર્થિક સ્થિતિ બહુ સારી ન હોવા છતાં નાનાનાનીએ દીકરીનાં આ બે સંતાનોને લાડકોડથી ઉછેર્યાં. માતાના મૃત્યુ બાદ ગુલાબભાઈમાં કિશોર અવસ્થાથી જ પ્રૌઢતા આવી ગઈ. તેમણે મનોમન નક્કી કરી લીઘું કે ‘જીવનમાં જો કંઈ કરવું હોય તો ઘીરગંભીરતા સાથે મક્ક્મતાથી મારે અભ્યાસ કરવો જોઈએ. જો અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરી લઈશ તો જીવનમાં બહુ જ ખુશીથી આગળ વઘી શકીશ.” એ વખતે ખોબા જેવડા જસદણ ગામમાં એક નાનું સરખું જનતા પુસ્તકાલય હતું. ગુલાબભાઈ રમવા-ભમવાની એ ઉંમરે રોજ આ પુસ્તકાલયમાં દિવસના બે-ત્રણ કલાક વાંચન પ્રવૃત્તિમાં વિતાવતા હતા. ત્રણ-ચાર વર્ષ જેવા ટૂંકા ગાળામાં ગુલાબભાઈએ પુસ્તકાલયનાં લગભગ તમામ પુસ્તકો વાંચી નાંખ્યાં.

ગુલાબભાઈ જ્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા તે વખતે યોગાનુયોગે વિનોબાજીની ભૂદાન યાત્રા સૌરાષ્ટ્રમાં યોજાણી હતી. જસદણના ખાદી ભંડારના સંચાલક મનસુખભાઈની સંગાથે તેમને વિનોબાજીને સાંભળવાની તેમ જ જોવાની પહેલી વાર તક મળી. વિનોબાજીના વ્યક્તિત્વ અને ખાદી વિશેના તેમના પ્રેમનો, બાળ ગુલાબભાઈ પર બહુ જ પ્રભાવ પડ્યો. ગુલાબભાઈએ તે જ ઘડીએ આજીવન ખાદી પહેરવાનો મનમાં સંકલ્પ કરી લીઘો.  

મૅટ્રિકમાં પ્રથમ વર્ગમાં પાસ થયેલા ગુલાબભાઈને કૉલેજમાં આગળ અભ્યાસ કરવાની ખૂબ ઈચ્છા. તેઓ પોતાના નાનાનાનીની આર્થિક પરિસ્થિતિથી પરિચિત હતા. તેઓ હવે તેમને વઘુ બોજારૂપ થવા ઈચ્છતા ન હતા. તેમના એક પરમ મિત્ર ગફુરભાઈ પરમાર સાથે કૉલેજના આગળ અભ્યાસ અર્થે મક્કમ મને જસદણથી રાજકોટ આવી ગયા.

રાજકોટમાં બંને મિત્રો પેટે પાટા બાંઘી નાનાંમોટાં ટ્યૂશનો કરી જીવતરનું ગાડું જેમ તેમ હાંકતા હતા. ઈશ્વરની ઈચ્છાથી બંને મિત્રોને પોતપોતાના સમાજની બોર્ડિગમાં પ્રવેશ મળી ગયો. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ગુલાબભાઈ કૉમર્સમાં અભ્યાસ ન કરી શકયા. તેમના તે વખતના આચાર્ય સાહેબનાં સલાહ-સૂચનને કારણે ગુલાબભાઈ કૉમર્સમાંથી આર્ટ્સમાં દાખલ થઈ ગયા.

ગુલાબભાઈ જ્યારે ઘર્મેન્દ્રસિંહ કૉલેજમાં એમ.એ.નો અભ્યાસ કરતા હતા ત્યારે તેમને સહાઘ્યાયી ઉષાબહેન જોશી સાથે અનેક વકતૃત્વ સ્પર્ઘા, ચર્ચામાં ભાગ લેવાનું થયું. એ ગાળામાં પુસ્તકપ્રેમી ગુલાબભાઈ અને ઉષાબહેનના હાથમાં કુલપતિ ક્ઝીન્સનું પુસ્તક “We Together” આવ્યું. આ પુસ્તક બંને જણાંએ બહુ જ રસપૂર્વક સંગાથે વાંચ્યું. આ પુસ્તકના વાચને આ બંને જણને જીવનના સાવ એક નવા જ માર્ગ તરફ દોડતાં કરી દીઘાં. પુસ્તકથી ખૂબ જ પ્રભાવિત થયેલાં ઉષાબહેન અને ગુલાબભાઈની આંખમાં એક સંયુકત સ્વપ્ન દેખાવા લાગ્યું. બંનેની ઈચ્છા ભાવિના શિક્ષણ ક્ષેત્રે કંઈક  કરી છૂટવાની ભાવના હોવાથી બંને જણાંએ પવિત્ર લગ્નગ્રંથિથી જોડાવાનું નક્કી કરી લીઘું.

ગાંઘી વિચારક ગુલાબભાઈએ અને ઉષાબહેને લગ્ન બહુ જ સાદાઈથી કર્યા. આ યુગલે લગ્ન એટલાં સાદાઈથી કર્યાં હતા કે તેમની વાત અત્યારના યુવાનોને માનવામાં ન આવે. લગ્નમાં ન કોઈ માંડવો, ન કોઈ જાનૈયા, ન કોઈ જમણવાર. બસ, ફકત ગુલાબભાઈ ખાદીનો ઝભ્ભો-લેંઘો પહેરી લગ્નને સ્થાને, જાનમાં નાનાભાઈને, એક મિત્રને અને તેમના એક હરિજન વિઘાર્થીને સાથે લઈ ઉષાબહેનને પરણવા આવી પહોંચ્યા. ઉષાબહેનના પિતા ડી.પી જોશી સાહેબ સંસ્કૃતના પ્રખર વિદ્ઘાન હતા. તેમને દીકરીના લગ્નની વિઘિ ખુદના હાથે કરી. દીકરીને આશીર્વાદ સાથે વિદાય આપી. સસરાની હાજરીમાં જ ગુલાબભાઈએ અને ઉષાબહેને આજીવન સોનાનાં આભૂષણ ન પહેરવાની પ્રતિજ્ઞા લીઘી.

કૉલેજના અભ્યાસ કાળથી જ ગુલાબભાઈએ મનમાં એક ગાંઠ વાળી હતી કે અભ્યાસ પૂરો થતાં જ, પોતે જે કૉલેજમાં અભ્યાસ કર્યો હતો તે કૉલેજમાં જ અઘ્યાપક તરીકે જોડાઈ જવું. ગુલાબભાઈ એમ.એ., એલએલ.બી. થયા પછી તેમને ઘણા સગાંસંબંઘી તેમ જ મિત્રો તરફથી આઈ.એ.એસ. થવાની સલાહ મળી હતી. ગુલાબભાઈને સરકારી શુષ્ક વહીવટમાં તલભારનો પણ રસ હતો નહીં. તેઓ ઉચ્ચ પગારની એલ.આઈ.સી.ની નોકરી છોડી, રાજકોટની ઘમેન્દ્રસિંહ કૉલેજમાં અર્થશાસ્ત્રના અઘ્યાપક તરીકે જોડાઈ ગયા.

એ જ ગાળામાં ગુલાબભાઈ રાજકોટના રામકૃષ્ણ આશ્રમના અઘ્યક્ષ સ્વામી આત્મસ્થાનંદ મહારાજના પરિચયમાં આવ્યા. સ્વામીજીના આગ્રહથી દર રવિવારે થોડાક વિઘાર્થી મિત્રોને ગુલાબભાઈ સ્વામીજીના વ્યાખ્યાનમાં લઇ આવતા. રામકૃષ્ણ આશ્રમ સાથે બંઘાયેલા સંબંઘને કારણે ગુલાબભાઈ બહુ જ ટૂંક સમયમાં રામકૃષ્ણ-વિવેકાનંદની વિચારઘારામાં રંગાઈ ગયા. આ વિચારઘારામાં તેઓ આટલા ઓતપ્રોત થઈ ગયા કે તેમણે મા શારદાદેવીનાં શિષ્યા સ્વામી વીરેશ્વરાનંદજીના હસ્તે મંત્રદીક્ષા લીઘી.

૧૯૬૭માં સિસ્ટર નિવેદિતાનું જન્મશતાબ્દી વર્ષ ઊજવાતું હતું. ગુલાબભાઈ અને ઉષાબહેન સિસ્ટર નિવેદિતાના જન્મશતાબ્દીની ઉજવણીમાં બહુ જ નિષ્ઠાપૂર્વક ડૂબી ગયાં હતાં. એ જ ગાળામાં સ્વામી આત્મસ્થાનંદે બંને પતિપત્નીને આશ્રમમાં મળવા બોલાવ્યાં. સ્વામીજીએ ગુલાબભાઈ અને ઉષાબહેનના કાનમાં એક વાત નાંખી. “પ્રાઘ્યાપકજી, તમે કૉલેજના ગ્રેજયુએટ માટે તો ઘણું કાર્ય કરી રહ્યા છો, તે મારી દૃષ્ટિએ બહુ જ ઘણું કહેવાય. તમે જે અત્યારે કાર્ય કરી રહ્યાં છો એનાથી વિશેષ જો તમારે કંઈ નવું જ કરવું હોય તો તમે કેળવણી ક્ષેત્રે હજી પણ કંઈક નક્કર કામ કરી શકો તેમ છો, જે કામ સિસ્ટર નિવેદિતાજીએ કર્યું છે. કેળવણી વિકાસ તો બાળમંદિરથી શરૂ થાય છે. બાળમંદિર જ કેળવણીનો પાયો.”

આ વાત ગુલાબભાઈ અને ઉષાબહેનનાં હ્રદય-સોંસરવી ઊતરી ગઈ. સ્વામીજીના આશીર્વાદ માથે ચઢાવી. આ કેળવણી પ્રેમી યુગલે અઘ્યાપક જેવી ઉચ્ચ પગારની નોકરીને ઠેબે મારી. ૧૯૬૮માં સિસ્ટર નિવેદિતાજીના નામે જ સિસ્ટર નિવેદિતા નામની પ્રથમ શાળાની સ્થાપના રાજકોટમાં કરી. હજી ગઈ કાલે જ જેનાં બીજ રોપાણાં હતાં તે શૈક્ષણિક સંસ્થા આજે એક વટવૃક્ષ તરીકે વિકાસ પામી છે.

માણસ ઘારે તો શું નથી કરી શકતો? એ વાત આપણને આ શિક્ષણ, કેળવણીપ્રેમીના જીવનમાંથી ડગલે ને પગલે જાણવા મળે છે. ગુલાબભાઈએ કેળવણી જેવા ક્ષેત્રને ખેડવા જે હિંમતપૂર્વક બાથ ભીડી છે, તે ખરેખર ગુજરાતના તમામ કેળવણી પ્રેમીઓ માટે એક ગૌરવની વાત છે. ગુલાબભાઈ જેવા આદર્શ, આઘુનિક કેળવણીકાર ગુજરાતને પ્રાપ્ત થયા છે તે ગુજરાતનું મારી દૃષ્ટિએ એક સદ્ભાગ્ય છે.

ગુલાબભાઈનું જેવું નામ છે એવું જ એમનું મહેકતું કાર્ય અને જીવન છે. ગુલાબભાઈ બહુ જ સહજ અને સરળ સ્વભાવના મુલાયમ માણસ છે. પોતે ખુદ જે પ્રકાશમાં જીવે છે એ જ પ્રકાશ તેઓ બીજાના જીવનમાં પાથરવા માટે ઉત્સુક છે.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

અનાથનું એનિમેશન

સુરેશ જાની|Opinion - Opinion|8 August 2023

પરેશ! તને તો ક્યાંથી યાદ હોય કે, તું અધૂરા માસે જન્મ્યો હતો? – સાવ સુકલકડી – મરવાના બદલે જીવી ગયેલો. અને જન્મ સાથે જ તારી સગી માતાએ તને રસ્તા પર છોડી દીધેલો. કેવો હશે તે બિચારીનો માનસિક પરિતાપ? સાત મહિના પેટમાં તને ઉછેરેલો હશે; ત્યારે એના મનના વિચાર કેવા હશે? ધિક્કાર છે; એ સમાજને જે, એક તરફ માતૃત્વનાં ગૌરવનાં ગીતો ગાય છે અને બીજી તરફ કુંવારી માતાને પથ્થર મારતો રહે છે.

ખેર, એ તો વર્ષો પહેલાંની ભુલાઈ ગયેલી ઘટના હતી. પણ વિધાતાએ તારા લેખ કાંક અવનવા જ લખ્યા હતા. અનાથાશ્રમના બારણેથી વહેલી સવારે તારી સવારી એ આશ્રમની અંદર પહોંચી ગઈ; અને તારા જીવન આશ્રમની શરૂઆત થઈ ગઈ. તને જીવતો રાખવા એ ભલા માણસોએ તને તરત હોસ્પિટલ ભેગો કરી દીધો હતો. સમયસર મળેલા એ કૃત્રિમ શ્વાસોચ્વાસે તારા હૃદયને ધબકતું રાખ્યું હતું.

માંડ ત્રણ જ મહિના વીત્યા, ન વીત્યા… અને એક ખાનદાન, નિઃસંતાન દંપતીએ તને દત્તક લઈ લીધો. તારાં પુનિત પગલાંથી અને તારા આક્રંદ અને કિલકારીઓથી એમનું ઘર ભર્યું ભર્યું થઈ ગયું. તારા પાલક માતા પિતાના બધા કુટુમ્બીઓએ પણ તેમના સમાજમાં બાળક દત્તક લેવાના આ પહેલા જ અવસરને ઉમંગભેર વધાવી લીધો. તારા એ નવા ઘરમાં એ સૌએ આપેલી ભેટોથી એ ઘર ચમકી ઊઠ્યું.

સમયને જતાં કાંઈ વાર લાગે છે? ક્યાં છ વર્ષ પસાર થયાં તેની ખબર જ ના પડી. તને નિશાળમાં દાખલ કરવામાં આવ્યો; અને હવે તારા જીવનનાં આકરાં ચઢાણોની બીજી સફર શરૂ થઈ ગઈ.

પૂરા સમય કરતાં વહેલાં થયેલા જન્મ અને જન્મ સમય પહેલાંની ગર્ભ પાડી નાંખવાની કોશિશોને કારણે તારા શરીર અને મગજ પર વિપરિત અસર પડી હતી. શરીરનો નબળો બાંધો; અને જીવનના નવા નવા પાઠો શીખવામાં તને પડતી મુશ્કેલીઓ હવે તને નિશાળમાં નડવા લાગી. માંડ માંડ ઉપર ચઢાવવાના પ્રતાપે, ચાર ધોરણ સુધી તો તું પહોંચી જ ગયો; પણ માધ્યમિક શિક્ષણની કોઈ જાણીતી શાળા તને દાખલ કરવા તૈયાર ન હતી. હવે તને પોતાને પણ તારી નબળાઈઓ સમજાવા લાગી જ હતી ને? તું એ માનસિક તાણનો છુટકારો ઘરની દિવાલો પર આડા અવળા લીટા પાડીને મેળવતો હતો. માબાપ વઢે; તો ચોરી છુપીથી ખૂણે ખાંચરે તારી કલા પર તું ગર્વ લેતો થઈ ગયો.

આગળ અભ્યાસ માટે મ્યુનિસિપલ શાળા સિવાય તારે માટે કોઈ બીજો વિકલ્પ ન હતો. ત્યાંના શિક્ષકોની બેદરકારી અને શિક્ષણનાં નીચાં ધોરણો તારી નબળાઈઓને વકરાવતા જ રહ્યા. અને એનો પડઘો તારાં ચિત્રોમાં પડતો રહ્યો. તને હમ્મેશ ઘેરા, શોગિયા રંગો જ ગમતા. અને ચિત્રોના વિષયોમાં પણ કોઈ ફૂલ કે ઝાડ નહીં. રાતના ડિબાંગ અંધારાથી ભરેલા આસમાનમાં ચમકતા તારા – એ તારા ચિત્રોનો સૌથી વધારે ગમતીલો વિષય રહેતો.

એટલે જ તો પાંચમા ધોરણમાંથી માંડ માંડ ઉપર ચઢાવતી વખતે વર્ગ શિક્ષકે રિપોર્ટમાં લખ્યું ન હતું,  “ભણવામાં કાચો છે; પણ ચિત્રો સારાં દોરે છે.”

તારાં પાલક માબાપ પણ ક્યાં આર્થિક રીતે બહુ સદ્ધર હતાં? છતાં પેટે પાટા બાંધીને તેમણે છઠ્ઠા ધોરણથી જ તારા માટે ટ્યુશનની વ્યવસ્થા કરી દીધી. આમ ને આમ શામળશાહના વિવાહ વખતના ગાડાની જેમ તારું રગશિયું ગાડું, મેટ્રિકના દરવાજા લગણ તો પહોંચી ગયું.

અને જ્યારે દસમા ધોરણનું પરિણામ બહાર પડ્યું; ત્યારે તું ચાર વિષયમાં નાપાસ થયો હતો; અને એમાંનો એક તો ગુજરાતી ભાષાનો! છ છ માસે લેવાતી બીજી બે પરીક્ષાઓના અંતે અભિમન્યુનો એ કોઠો તેં પાર તો કર્યો; પણ કુલ માર્ક માંડ ૪૫ ટકા આવ્યા હતા!

અને એક સોનેરી સવારે સુબોધભાઈ નામના તારા પિતાના એક સંબંધી તમારે ઘેર મળવા આવ્યા. સ્વાભાવિક રીતે તેમણે તારા પિતા અને તેમના મશિયાઈ ભાઈને પૂછ્યું,” કેમ, અવિનાશ! પરેશનું દસમાનું શું પરિણામ આવ્યું ?”

“શું કહું? માંડ માંડ ધક્કા મારીને પાસ તો થયો છે; પણ શહેરની કોઈ કોલેજમાં એને એડમીશન મળવાનું નથી. આર્ટ્સની કોલેજ માટે પણ બાજુના નાના શહેરમાં એને ભરતી કરાવવો પડશે.”

ઘરના દિવાન ખંડની દિવાલ પર બે ચિત્રો લટકતા હતા. સુબોધે એ ચિત્રો જોઈ પૂછ્યું, “આ ચિત્રો કોણે દોર્યા છે?”

“આ કાળમુખાએ જ તો. એ સિવાય એને બીજું ક્યાં કશું ય આવડે છે? નાનો હતો ત્યારની ભીંતો બગાડવાની એની કુટેવ હજી ગઈ નથી.”

“અવિનાશ! એમ ન કહે. આટલાં સરસ ચિત્રોને તું લીંટા કહે છે? કોઈ પ્રદર્શનમાં મૂકે તો ઈનામ લઈ આવે.”

“ધૂળ અને ઢેફાં! એમ ચિતરામણ ચીતરે કાંઈ પેટ ભરાવાનું છે? આજકાલ મોંઘવારી પણ કેટલી બધી વધી ગઈ છે? મારી નોકરી બંધ થાય પછી, મારી બચતમાંથી જ ઘર ચલાવવું પડશે. એ અક્કરમી થોડો જ કમાઈ લાવવાનો?”

“અવિનાશ! તને ખબર નથી. હવે તો કલાકારોની નવી ટેક્નોલોજીમાં બહુ જરૂર હોય છે. મારે ઘેર એને લઈને આવજે. હું તમને કોમ્યુટર પર ચિત્ર કરવાના સોફ્ટવેર બતાવીશ.”

અને અઠવાડિયા પછી, તમે પપ્પા મમ્મીના હાઉસન જાઉસન સાથે સુબોધભાઈના ઘેર પહોંચી ગયાં. સુબોધે તમને કોમ્પ્યુટર પર ચિત્ર શી રીત બનાવવું એનો સહેજ ખ્યાલ આપ્યો; અને પછી બન્ને મશિયાઈ ભાઈઓ, મમ્મી અને કાકી દિવાન ખંડમાં વાતે વળગ્યા.

થોડી વારે તમે દિવાન ખંડમાં ગયા અને પૂછ્યું,” કાકા, બીજું ચિત્ર દોરવું હોય તો શું કરવાનું?” તારું ચિત્ર જોઈને સુબોધ ભાઈ બોલી ઊઠ્યા, “અલ્યા અવિનાશ! આ જો તારા રાજકુમારની કોમ્પ્યુટર પર પહેલી જ કરામત. હું તને હાથ જોડીને કહું છું કે, પરેશને આર્ટ્સનો ડિપ્લોમા કરાવ અને સાથે સાંજના વખતે કોમ્પ્યુટરના કોર્સમાં દાખલ કરાવી દે.”

આ સાંભળી પરેશ! તમારી આંખો ચમકી ઊઠી ન હતી?

એક અઠવાડિયા પછી, તમારા પપ્પાએ સુબોધભાઈને ફોન કર્યો, “સુબોધ! મેં તપાસ કરી. પરેશને એ ડિપ્લોમા કોર્સમાં એડમીશન તો મળી જાય એમ છે. પણ એના ભવિષ્યનું શું? કોણ આ ચિતારાને નોકરી રાખશે? આપણા બધા સંબંધીઓ પણ આ પ્લાનનો સજ્જડ વિરોધ કરી રહ્યા છે; અને મને કહે છે,’ દીકરાને ખાડામાં નાંખવો છે?’

સુબોધે શું કહ્યું, એ તો તમે સાંભળી ન શક્યા; પણ કપાળ કૂટીને તમારા પપ્પાએ તમને કહ્યું, “લે! આ તારો કાકો તને ચૂલામાં નાંખવાનું કહે છે – તો તું જાણે અને એ. કાલે મારી નોકરી નહીં હોય; ત્યારે ભીખ માંગવાની તાલીમ લેવા પણ એની પાસે જજે.”

અઠવાડિયામાં તો શહેરથી ચાળીસ માઈલ દૂર આવેલી ચિત્રકામની તાલીમ આપતી સંસ્થાના બારણે તમારા પપ્પા તમને મૂકી ગયા.

પરેશ! તમારાં સીધાં અને ઝડપી ચઢાણ હવે શરૂ થયાં. સવારના ચાર વાગે ઊઠવાનું. બપોરના લન્ચના ટિફિન સાથે પપ્પા તમને એસ.ટી. સ્ટેન્ડ પર મૂકી જાય અને તમે બસમાં સવાર થઈ, નવી નિશાળે હાજર. સાંજે આવો જ વળતો ક્રમ. આઠ વાગે નિત્યક્રમ પરવારી ત્રણ કલાક તમારું લેસન ચાલે, છેક બાર વાગે તમે નિંદર ભેળા થાઓ.

પણ હવે તમારી સુકલકડી કાયામાં નવો પ્રાણ ફુંકાવા લાગ્યો હતો. તમારી આંખો કોઈક અજાણી ખુમારીથી ચમકવા લાગી હતી. પદ્ધતિસરની તાલીમથી તમારાં ચિત્રોમાં નવો જ નિખાર આવવા લાગ્યો હતો. ઘેરા, શોગિયલ રંગોનું સ્થાન આશાની ઉષાની સુરખી લેવા લાગી હતી. એમાં તમારો થનગનતો આત્મા અભિવ્યક્ત થઈ રહ્યો હતો.

અને….એક વર્ષ પછી તમે ઘેર આવીને એક કાગળ તમારા પપ્પાના હાથમાં પકડાવી દીધો હતો. ત્રીસ જણના વર્ગમાં તમારો બીજો ક્રમ આવ્યો હતો; અને વર્ષાન્તે યોજાયેલી ચિત્રકામની હરીફાઈમાં તમારા ચિત્રને પહેલું ઈનામ મળ્યાંનું સર્ટિફિકેટ પણ સાથે સામેલ હતું.

પરેશ! યાદ કરો; પપ્પાએ વહાલથી જીવનમાં પહેલી વાર તમારો ખભો થાબડ્યો; એ તમારે માટે સૌથી મોટું ઈનામ ન હતું?

ચાર વરસની એ આકરી તપસ્યા પછી; તમે ડિપ્લોમા સર્ટિફિકેટ લઈને ઘેર આવ્યા ત્યારે તમારો જૂનો મિત્ર ત્રીજા વર્ગમાં બી.એ. પાસ થયો હતો; અને બી.કોમ.ના ક્લાસ ભરવા કે એલ.એલ.બી. એની મૂંઝવણમાં હતો. કોઈ નોકરી મળવાની તો કોઈ જ આશા ન હતી.

તમે છાપામાં આવેલી એક જાહેર ખબર પર અવિનાશનું ધ્યાન દોર્યું. શહેરની એક જાણીતી સંસ્થાના, મહિના પછી ભરાનાર પ્રદર્શનમાં સુશોભન કામ માટે ચિતારાઓની જરૂર હતી; અને તમારા જેવા ડિપ્લોમા ધરાવનાર ઉમેદવારોની અરજીઓ મંગાવી હતી. અવિનાશે કમને રજા આપી; જાણે અંદરથી એ વિચારી રહ્યા હતા, “છટ્ટ, ચિતારો!”

જ્યારે એ પ્રદર્શન ખુલ્લું મુકાયું ત્યારે એના પ્રવેશદ્વાર પર અને અંદરની મોખરાની જગ્યાએ, મનોહર રંગોથી દીપી રહેલાં તમારાં દોરેલાં ચિત્રો અને સજાવટ સૌનું ધ્યાન ખેંચી રહ્યા હતા. પરેશ! તમારી વર્ષો જૂની હૈયાની આકાંક્ષાઓ તે દિવસે વિજયનાદના ઢોલ પીટી પીટીને તમારા ઉત્સાહને પ્રજ્વલિત કરી રહી હતી.

પણ આમ છૂટક કામ હમ્મેશ થોડું જ મળે? ફરી પાછા સુબોધભાઈ તમારા ઘેર આવી પહોંચ્યા. એમના હાથમાં ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં આવેલી, બેન્ગલોરમાં ‘કોમ્પ્યુટર એનિમેશન’નું કામ કરતી એક સંસ્થાની જાહેરખબર હતી. એ લોકો વર્ષે ૫૦,૦૦૦ રૂપિયા લઈ, તાલીમ આપવાના હતા; અને એમાં સફળ થાય તો કાયમી નોકરીએ રાખવાની આશા આપતા હતા.

અવિનાશ તો કેમ કરીને આવું સાહસ કરવા તૈયાર થાય? પેટે પાટા બાંધીન ઉછેરેલ આ રતન જેવા દીકરાને આટલે દૂર મોકલવાનો? અને એ પણ આટલી મોટી રકમ ખર્ચીને?

સુબોધભાઈ બોલ્યા, “લે! અડધી રકમ હું આપીશ. અને ત્યાં ગયા પછી, પરેશને પાર્ટ ટાઈમ નોકરી પણ કદાચ મળી જાય.”

પરેશ! તમારું હૃદય પણ જોર જોરથી ધડકવા લાગ્યું ન હતું? ‘શહેરથી ચાલીસ માઈલ દૂર જવું એક વાત હતી; અને આ? છેક બેન્ગલોર જવાનું? અને એકલા રહેવાનું? મમ્મી, પપ્પાને પણ ન મળી શકાય.’

તમે જાતે જ નન્નો ભરી દીધો. પણ સુબોધભાઈ? બાબરા ભૂતની પ્રતિકૃતિ જેવા એ કાકા તો થેલીમાંથી બીજી જાહેર ખબરો કાઢીને બતાવવા લાગ્યા. આવી તાલીમ લીધી હોય, તેવા લોકોને નોકરી માટેની એ જાહેર ખબરો હતી. એકેયમાં મહિનાના ૪૦,૦૦૦ રૂપિયાથી ઓછી રકમની ઓફર ન હતી.

અને છેવટે તમારા પપ્પા પીગળ્યા; અને તમે ડરતા દિલ સાથે બેન્ગલોરના સ્ટેશન પર પગ મૂક્યો. અને કેવી હરકતોથી ભરપૂર એ જિંદગી? કમ્પનીની ઓફિસ તો શહેરના મુખ્ય વિસ્તારમાં હતી. એનાથી ઘણે દૂર, એક નાના ફ્લેટમાં સાવ અજાણ્યા પ્રદેશના ચાર સાથીઓ સાથે રહેવાનું. કલાક જતી વખતે અને કલાક પાછા વળતી વખતે બસની ધક્કામુક્કીમાં સફર. ઘેર જઈને મિત્રોની સાથે બનાવેલું, સાવ બેસ્વાદ ભોજન લસલસ કેમે કરી ગળેથી નીચે ઉતારવાનું. એમાંથી જ બચેલી સામગ્રીમાંથી સવારનો નાસ્તો અને બીજા દિવસ માટેનું ઓફિસમાં ખાવાનું લન્ચ. અને રાતે મોડા સુધી હોમવર્ક તો પતાવવાનું જ ને? ક્યાં મમ્મીના હાથની ગરમાગરમ અને વ્હાલથી ભરેલી ગુજરાતી રસોઈ અને ક્યાં આ ચવ્વડ, જાડા રોટલા?

ખેર, ઉજળા ભવિષ્યની એક માત્ર આશા જ થાકથી ઉભરાતી તમારી સુકલકડી કાયાનો એક માત્ર આધાર ન હતી?

એક વર્ષ પછી.

પરેશ! તમે ઉત્સાહથી ઓફિસની બાજુમાં આવેલ એસ.ટી.ડી. કોલ સેન્ટર પરથી પપ્પાને ફોન જોડ્યો, “પપ્પા! મને આજે કમ્પનીએ નોકરીની ઓફર આપી છે. મહિનાના ૫૦,૦૦૦ રૂપિયા પગાર. બધા ટ્રેઈનીઓમાં મારો બીજો નમ્બર આવ્યો. પગાર ઉપરાંત મને બે બેડરૂમના ફ્લેટમાં રહેવાનું ભાડું પણ આપશે. ઘેર કામ કરી શકું એ માટે કમ્પની જ મને લેપટોપ આપવાની છે; અને સેલફોન પણ. તમે અને મમ્મી અહીં મારી સાથે રહેવા ક્યારે આવશો??

પરેશ! એ શુકનિયાળ દિવસના એક મહિના પછી તમે હૈદ્રાબાદના સ્ટેશન પર પપ્પા/મમ્મીના આવવાની રાહ જોઈ રહ્યા છો. કમ્પનીએ આપેલા બે બેડરૂમના ફ્લેટમાં તમે તેમને માટે એક બેડ રૂમ કેવો સજાવી રાખ્યો છે? અને… ‘દિવાલો પર તમે બનાવેલા કોમ્પ્યુટર ગ્રાફિક્સના લેમિનેટેડ પ્રિન્ટ આઉટ જોઈ, મમ્મી ભીંતો પર તમે કરેલા લીટા યાદ કરતી, કેવી મલકાશે?’- એની કલ્પના કરીને તમારા ચહેરા પણ આછી આછી મુસ્કાન રમત રોળિયાં નથી કરી રહી?

ત્યાં જ તમારો સેલફોન રણકી ઊઠે છે. એની ઉપર તમે જ બનાવેલું રંગબેરંગી એનિમેશન કૂદકા અને ભુસકા મારતું તમારા મિત્રના ટેક્સ્ટ સંદેશાની જાણ કરે છે,”પરેશ! તારાં પપ્પા મમ્મી આવી ગયાં?”

e.mail : surpad2017@gmail.com

Loading

ચાલો, હરારી પાસે – 12 

સુમન શાહ|Opinion - Opinion|8 August 2023

સુમન શાહ

પ્રાચીન મનુષ્ય કશીક ભાવદશામાં અનાયાસ સહજપણે ગાઈ ઊઠતો’તો, નાચી ઊઠતો’તો. એમાં એને કિંચિત્ ઉમેરો કરીને કશુંક જુદું અને નવું કરવાનો વિચાર આવ્યો.

એ વિચાર નાનકડી ‘કળ’ કરવાથી ફળીભૂત થયો; ત્યારે ગાવું ‘ગાયન’ બન્યું, નાચવું ‘નૃત્ય’ બન્યું. છેવટે આપણે એને ‘કળા’ કહેવા લાગ્યા. ધીમે ધીમે સંગીતકળા નૃત્યકળા શાસ્ત્રીય સંગીત સુગમ સંગીત ભરતનાટ્યમ્ કથક કે બ્રેકડાન્સ કહેવા લાગ્યા.

એ ઉમેરામાં વાંસળી વીણા સિતાર શરણાઇ વાજાપેટી ક્લેરોનેટ આદિ વાદ્યો ઉમેરાયાં, એમાં ઘૂંઘરું ઘૂઘરા મંજીરા ઢોલ તબલાં કે ટ્રમ્પેટ ઉમેરાયાં એટલે પણ પેલી ‘કળ’-નો અને તેથી ‘કળા’-નો વિકાસ થયો.

માણસ લખતો થયો એટલે વાણી ભાષા કહેવાઇ. લેખનવ્યવસ્થાએ માણસને જુદી જુદી રીતે લખતાં અને લખેલું બોલતાં શીખવ્યું. એ પેલા ગાયનને લખતાં શીખ્યો જેમાંથી ગીત જનમ્યું. ન ગાઈ શકાયું તેને એણે કાવ્ય ગણ્યું. જીવનમાં બનેલી ઘટનાઓની માણસે કથાઓ કરી અને લખી. એ જ રીતભાતમાં નાટકો કર્યાં ને લખ્યાં. પ્રેસ અને કમ્પ્યૂટરે લેખનવ્યવસ્થાને સાવ બદલી નાખી. આ બધાં જ ઐતિહાસિક સ્થિત્યન્તરો દરમ્યાન કલાસર્જન માટે જવાબદાર પેલો આયાસ ટિપાતો અને ઘડાતો, બદલાતો રહ્યો છે.

તાત્પર્ય, મનુષ્યના ભાવોમાં કશોક સાયાસ વધારો કરાય છે ત્યારે જે પ્રગટે છે એ કલા છે. આયાસના એ સંયોગને કારણે ભાવો રસમાં રૂપાન્તરિત થાય છે અને અનુભવાય છે. જે સહજ રૂપે હતું એ બદલાઈને અ-સહજ રૂપનું થઈ જાય છે. એ અ-સહજ રૂપને આપણે કલાસૌન્દર્ય કહીએ છીએ.

એ અર્થમાં કલા પોતે જ કૃત્રિમ પદાર્થ છે.

આ વાત આમ છેડવાનું કારણ એ છે કે ‘એ.આઈ.’-પાવર્ડ કલાઓ – સંગીતિ – ગાયન – નર્તન – વાદન – ચિત્ર – શિલ્પ – સ્થાપત્ય કે સાહિત્યકૃતિઓ રચાય ત્યારે એ કૃત્રિમતા ઘણી વધી ગઈ હોય, પેલો આયાસ અતિ દીર્ઘકાય થઈ ગયો હોય. કહો કે ‘એ.આઈ.’-સર્જનોની પછીતે એ આયાસ તો અનેકશ: અનેકગણો મોટો થઈ ગયો હોય છે. અને નૉંધવા સરખો મુદ્દો એ છે કે પછીતના એ આયાસમાં માનવ-બુદ્ધિનો ઘણો ખર્ચ થયો હોય છે. ‘એ.આઈ.’-ને એનાં કલાસર્જનોની તાલીમ આપવા ભલે નિષ્ણાતોની જરૂરત પડે પણ ત્યારે નિષ્ણાતો માણસો જ હશે.

આટલે લગી મને બધું લગભગ સરખું દીસે છે : પેલી મનુષ્યનિર્મિત કલાસૃષ્ટિ અને ‘એ.આઈ.’-નિર્મિત કલાસૃષ્ટિ બન્ને સાયાસ છે, કળામય છે અને બન્નેમાં મનુષ્ય હાજર છે. હું એટલે લગી માનું છું કે બન્ને સૃષ્ટિઓ તત્ત્વાર્થમાં મૌલિક છે કેમ કે મૅનમેડ છે. બન્નેનાં ફન્કશન, કાર્ય કે પરિણામ સરખાં છે કેમ કે બન્ને સૌન્દર્યાનન્દ આપે છે.

પણ ચિન્તાકારક મોટું પરિબળ એ છે કે ‘એ.આઈ.’ ઍક્સ્પોનેન્શિયલી વિકસી રહ્યું છે, એટલે કે, નિત્યવર્ધમાન ઝડપે, ગતિએ, કદમાં તેમ જ સામર્થ્યમાં.

જરા નિરાંતે સમજીએ :

કમ્પ્યૂટરોની શક્તિને આધારે જ ‘એ.આઈ.’ વિકસી શકે, તેથી બધાંને બાથ ભીડી શકે એવાં સમર્થ કમ્પ્યૂટરોની જરૂરત પડવાની. પરન્તુ હવે, એ જરૂરત સારી પૅઠે સંતોષાઈ રહી છે. કમ્પ્યૂટરોનું સામર્થ્ય ઝડપથી વિકસી રહ્યું છે. એને સમજવા માટે નિષ્ણાતો ‘મૂર્સ લૉ’-ને આગળ કરે છે.

મૂર્સ લૉ દર્શાવે છે કે માહિતીને પ્રોસેસ કરનારા ચાવીરૂપ ઘટકની – ટ્રાન્ઝિસ્ટર્સની – સંખ્યા લગભગ દર બે વર્ષે બે-ગણી થઈ જતી હોય છે, તેથી કમ્પ્યૂટરોના સામર્થ્યમાં ઘણો ઝડપી સુધારો થયો છે. એથી ઑલ્ગોરિધમને ઘણાં જટિલ પણ શક્તિશાળી બનાવી શકાયાં છે તેમ જ વપરાશમાં પ્રયોજી શકાયાં છે.

આજકાલ મશીન-લર્નિન્ગ ઑલ્ગોરિધમમાં પ્રગતિ થઈ રહી છે; એ ઘણી ઝડપે આધુનિક અને કાર્યદક્ષ બની રહ્યાં છે. કમ્પ્યૂટરોને એથી વગર ભણ્યે, એટલે કે કશા નિયત પ્રોગ્રામિન્ગ વિના, કામ કરવાની જાણે કે છૂટ મળી ગઈ છે. એ ઑલ્ગોરિધમ વિશાળ ડેટાસૅટ્સ પાસેથી ઘણું શીખી લે છે અને ચૉક્કસ આગાહીઓ કરી શકે છે. ‘એ.આઈ.’ એને કારણે ‘સૅલ્ફ-ડ્રાઇવિન્ગ કાર’ કે ‘ફેસિયલ રૅક્ગનિશન સૉફટવૅઅર’ જેવાં અનેક ઉપકરણો સરજી શક્યું છે.

આ પ્રકારે, ડેટાસૅટ અગત્યની ચીજ બની રહે છે. પરન્તુ તાજેતરનાં વરસોમાં વિશાળ ડેટાસૅટ્સ ઉપલબ્ધ થવા લાગ્યા છે. જેમ કે, ઇમેજીસ માટે imageNet અને ટૅક્ટ્સ માટે Google Books. પણ બન્યું છે એમ કે એથી કરીને ‘એ.આઈ.’ ઑલ્ગોરિધમને વધુ ને વધુ વિશાળ ડેટાસૅટ્સ માટે વિકસાવી શકાયાં છે. તેથી પરિણામો અનેકશ: સુધર્યાં છે.

આ બધા વિકાસ માટે નાણું જોઈએ. એ વાતે પણ તાજેતરનાં વરસોમાં પ્રાઇવેટ અને પબ્લિક બન્ને સૅક્ટર્સમાંથી મોટાં મોટાં રોકાણ થઈ રહ્યાં છે અને વધી રહ્યાં છે. એથી ‘એ.આઈ.’-ક્ષેત્રે વિકાસલક્ષી સંશોધનો વધી રહ્યાં છે, એથી પણ વિકાસ વિકસી રહ્યો છે.

Exo Insight અનુસાર, ૨૦૨૨માં, ગૂગલે $30.7, ફેસબુકે $12.7, ઍમેઝોને $10.9, માઇક્રોસૉફ્ટે $9.8 અને આઈ.બી.ઍમે. $7.8 બિલિયન રોકેલા. આ કમ્પનીઓ ‘એ.આઈ.’-ટૅક્નોલૉજિમાં નવોન્મેષો માટે નાણાં રોકી રહી છે તેની સીધી અસર બીજી કમ્પનીઓ પર પણ થઈ રહી છે. સૂચવાય છે એમ કે આ સમગ્રમાં કોઈ દેશ મૉખરે હોય, નેતા હોય, તો તે છે અમેરિકા.

આ વિકાસશીલ પગરણ બે ભય સ્પષ્ટપણે ચીંધી રહ્યું છે :

‘એ.આઈ.’ મોટા પાયે મારી-તમારી ને સૌની માહિતી – ડેટા – મેળવીને તેનો સંગ્રહ કરી રહ્યું છે, તેનાં વિશ્લેષણ કરી રહ્યું છે. અંગતતા પરની એ તરાપ ચિન્ત્ય છે.

બીજો ભય એ છે કે સ્વયંસંચાલિત શસ્ત્રોના ઉત્પાદનની સિસ્ટમ્સ માટે ‘એ.આઈ.’-નો સીધો જ ઉપયોગ કરવામાં આવે એમ થવું વૈશ્વિક રાજકારણ જોતાં પૂરેપૂરું સંભવિત ભાસે છે. બને કે એથી પૃથ્વી પરનો દરેક દેશ અસલામતિ અનુભવે.

’એ.આઈ.’-નો ઇતિહાસ વેગળો નથી. વીસમી સદીના છઠ્ઠા અને સાતમા દાયકાઓ ‘એ.આઈ.’ વિકાસનો શરૂઆતનો ગાળો છે. ત્યારે નિષ્ણાતો અલ્પવિકસિત બહુ સાદાં ઑલ્ગોરિધમ તૈયાર કરી શકેલા. આઠમા અને નવમા દાયકાઓમાં થોડાં મુશ્કેલ કામો કરી આપી શકે એવાં ઑલ્ગોરિધમ વિકસ્યાં – પણ બહુ બહુ તો એ ચૅસ રમી શકે એટલાં બહોશ હતાં.

દસમા અને એકવીસમી સદીના પહેલા દાયકામાં નિષ્ણાતોએ મશીન-લર્નિન્ગ ઑલ્ગોરિધમ વિકસાવ્યાં. એથી કમ્પ્યૂટરોને જાણે વગર તાલીમે મ્હાલવાની છૂટ મળી ગઈ. એથી ‘એ.આઈ.’ સિસ્ટમ્સની શક્તિમાં નાટ્યાત્મક વધારો થઈ ગયો.

પરન્તુ હાલ જે બની રહ્યું છે એ પૂર્ણ નથી થયું છતાં જે બની રહ્યું છે એને ‘એ.આઈ.’-નો અભૂતપૂર્વ વિકાસ કહેવો જોઈશે. હવે એ વિકાસનું નામ છે, AGI – આર્ટિફિશ્યલ જનરલ ઇન્ટેલિજન્સ.

માનવબુદ્ધિનો જેટલો મહિમા કરીએ છીએ એટલો ‘એ.આઈ.’-ના એ અદ્યતન રૂપનો કરવો જોઈશે. કેમ કે માણસ કરી શકે એ તમામ કામો ‘AGI’ કરતું હશે.

ટ્રેન પ્લેન સાઇકલ કે સ્કુટરના આગમને કરીને માણસના ગતિવિષયક ખયાલો બદલાયા છે. કૅમેરાની શોધ પછી ચિત્રકલામાં ‘તાદૃશતા’ ‘મૌલિકતા’ અને ‘કલાસૌન્દર્ય’-ના સંકેતાર્થો બદલાયા છે. કૅમેરાએ શિલ્પ અને સ્થાપત્ય કલાઓને પણ પ્રકાશ-છાયાપરક અસરો પ્હૉંચાડી છે. કૅમેરાએ સાહિત્યસર્જનને પણ પ્રભાવિત કર્યું છે. કથામાં વીગતખચિત વર્ણનોને સ્થાને સૂચક દૃશ્યો અને દૃશ્યાવલિઓનાં નિરૂપણ આવકાર્ય બન્યાં છે. કાવ્યમાં દૃશ્ય-શ્રાવ્ય કલ્પનોનો મહિમા વધ્યો છે. આ વારાફેરા દરમ્યાન ‘કલા વિશેની રુચિ’ ‘કલાનો આસ્વાદ’ ‘કલાની સમીક્ષા’ ‘કલાના સિદ્ધાન્ત’ વગેરે સંકેતાર્થો પણ બદલાયા છે.

જે કલાકારોએ આ બદલાવોને હૃદયંગમ કર્યા, આત્મસાત્ કર્યા, તેઓ ગતિશીલ રહી શક્યા છે. પણ ‘એ.આઈ.’-ના આગમને જે લોકો કચવાશે અને કલાઓ વિશેની પોતાની સમગ્ર સંચિત સૂઝસમજને બરાબર બદલીને નહીં વિકસાવે, તો તેઓ ગતિશીલ નહીં રહી શકે, એ સ્પષ્ટ છે.

જો કે દુ:ખદ પ્રશ્ન એ નથી પણ એ છે કે ‘એ.આઈ.’-ના આગમનને કલાકારો અને સાહિત્યસર્જકો પૂરું જાણવા માગે છે ખરા -?

હવે પછીના લેખમાં જોઈશું કે ‘એ.આઈ.’-ના આ ઍક્સ્પોનેન્શ્યલ વિકાસ અંગે હરારી શું કહે છે.

= = =

(08/08/23 : USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0621,0631,0641,065...1,0701,0801,090...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved