Opinion Magazine
Number of visits: 9743069
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિવદાસ ઘોષ, ગદ્દર અને રાહુલ ગાંધી : થોડા સ્ફુટ વિચાર ‘હિંદ છોડો’ દિવસોમાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|10 August 2023

બે શબ્દો સ્વરાજની ચાલુ લડાઈ સંદર્ભે

1942ના યુવક હૃદય સમ્રાટ જયપ્રકાશ પચીસ વર્ષે પુનઃ કેન્દ્રમાં જયપ્રકાશ આવ્યા ત્યારે દેશજનતાએ રાજશક્તિ પર લોકશક્તિની સરસાઈની સાક્ષાત્કારક શક્યતાનો સંજીવની આંચકો અનુભવ્યો હતો.

સન બયાલીસના ‘હિંદ છોડો’ માહોલની ભારેલી સ્મૃતિ સોતો કલમ ઉપાડી રહ્યો છું. ત્યારે સ્વરાજની ચાલુ લડાઈ સબબ ત્રણ બાબતો એક સાથે નજર સમક્ષ આવે છે.

પ્રકાશ ન. શાહ

સોમવાર ને સાતમીએ સપ્તાહ સોજ્જ બેઠું : રાહુલ ગાંધી લોકસભામાં પુનઃ પ્રતિષ્ઠ થયા. આગલે દહાડે છઠ્ઠીએ કડખેદ ગદ્દરે ચિરવિદાય લીધી, અને પાંચમી ઓગસ્ટે એસ.યુ.સી.આઈ.ના સ્થાપક શિવદાસ ઘોષનું શતાબ્દી પર્વ ઉજવાયું. આ ત્રિપદી જેટલી તારીખી છે, એટલી જ તવારીખી પણ.

રાહુલનો વિકાસકિસ્સો શેક્સ્પિયરના રોમિયો જેવો છે. કાલ્પનિક પ્રેમમાં એ વધતી વયે પણ વયસ્ક થયો નહોતો. જેવો ખરેખર પ્રેમમાં પડ્યો કે પરિણત પુખ્તતાના અણસાર દેખાવા લાગ્યા. પદયાત્રા ઉત્તર એણે એક આભા ને સ્વીકૃતિ પ્રાપ્ત કરી. મુદ્દો એ છે કે, આ દરમિયાન પરિવર્તનની હદે નહીં પણ પડકારની કંઈક ભોંય કેળવાતી આવે છે. આંદોલનાત્મક કોશિશ અને ચૂંટણીજંગનું પારસ્પર્ય કેવુંક ને કેટલુંક હશે તે અલબત્ત જોવું રહે છે. લોકશાહી એ કેવળ ચૂંટણીગત હારજીતનો મામલો નથી અને પાર્ટી માત્રનું ભવિતવ્ય કેવળ ને કેવળ ઇલેક્શન એન્જિનમાં ઊગીને આથમે એ બેમતલબ છે. લોક અને શાસન વચ્ચે સાર્થક સંબંધની એક સોઈ આંદોલનમાં પડેલી છે, પણ એ સંભાવનાનો સંસદીય પડઘો પડે તે ય જરૂરી છે.

અહીં ક્રાંતિકારી જોધ્ધા ગદ્દરની યાદ લાજિમ છે. એ ક્યારેક – અમદાવાદ પણ આવી ગયા છે – સરૂપ ધ્રુવ મનીષી જાની, રાજુ સોલંકી જેવાની સ્મૃતિમાં એ રીતે સજીવ પણ હશે. આમ તો એમનું માઓવાદી સંધાન (કેટલા ગુજરાતીઓને યાદ હશે ન્યાયમૂર્તિ ભગવતીનો એ ચુકાદો કે માઓવાદી પ્રચાર સાહિત્યનું પ્રકાશન તે સ્વતઃ કોઈ ગુનો બનતો નથી.)

ગદ્દર ક્યારેક સ્વતંત્ર તેલંગાણા સારુ લડ્યા હતા, કેમ કે નવા એકમમાં જૂની જમીનદારશાહીને નવી મલ્ટિનેશનલ કંપનીશાહીમાંથી આમ આદમીને છોડાવી શકાશે એવી આશા હતી …. પણ એમને હિસ્સે નવા રાજ્યમાં બંદી બનવાનું આવ્યું! હમણેના વરસોમાં એમને લાગતું હતું કે પોતે જે આંદોલનો જગવે છે એને સારું સંસદીય પ્રવેશબારી જરૂરી છે. એમણે આગવો પક્ષ સ્થાપ્યો, પણ ચૂંટણી ભાળે એ પહેલાં જ ગયા.

હવે થોડું શિવદાસ ઘોષ ને એસ.યુ.સી.આઈ. નિમિત્તે. ખરું જોતાં, સ્થાપિત સામ્યવાદી પક્ષો કરતાં એની જુદી ભાત જોતાં એ તો એક સ્વતંત્ર પ્રબંધવિષય છે, જેમ ગદ્દરને પણ થોડી લીટીમાં ખતવ્યા તે મુદ્દલ ઠીક નથી. શિવદાસ ઘોષ મૂળે અનુશીલન સમિતિનું ફરજંદ, આગળ ચાલતાં, આંતરરાષ્ટ્રીય સામ્યવાદી ચળવળમાં લેનિન સાથે બરોબરીથી ચર્ચા કરી શકતા એમ.એન. રોયથી પ્રભાવિત. પણ સામ્યવાદી પક્ષની આરંભિક અવઢવ અને રોયથી વિપરીત સન બયાલીસની લડતમાં પૂરેવય. કારાવાસની સઘન અભ્યાસ તકે એમને માર્ક્સવાદની – લેનિનવાદ વિશે ભારતના તળ સંદર્ભ સમેત સજ્જ કર્યા. રાજા રામમોહન રાય, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર, શરદબાબુ, નઝરુલ ઇસ્લામ આદિના રેનેસાં અભિગમ અને સાંસ્કૃતિક પિછવાઈ પરની આંદોલન જમાવટ ને પક્ષબાંધણીનો એક નવો અધ્યાય તે એસ.યુ.સી.આઈ. – સોશલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા : જય પ્રકાશના આંદોલન વખતે જમણેરી સામ્યવાદી પક્ષે ઇન્દિરાજીની જોડે રહેવું પસંદ કર્યું. ડાબેરી સામ્યવાદી પક્ષ જેપી સાથે રહ્યો, પણ સલામત અંતરે. બંનેથી વિપરીત એસ.યુ.સી.આઈ.એ આંદોલનના અગ્નિદિવ્યમાં પૂરી તાકાતથી ઝુકાવ્યું.

જયપ્રકાશ પર્વમાં આપણે શું જોયું? આંદોલનની આબોહવામાં અનેરો ચૂંટણીજંગ, અને જનતા રાજ્યારોહણ : રાજશક્તિ પર લોકશક્તિની આણની આશા રૂપ લોકશાહી પુનઃ પ્રતિષ્ઠા ટૂંકજીવી પણ, સત્તા સામે જનતાના રુક્કાનો એ સાક્ષાત્મક હતો.

આ આબોહવા, રીનેસાંસનો આ સ્પંદ, સંસદીય લોકશાહીમાં પ્રજાસૂય ઊંજણ વાસ્તે જરૂરી છે. સાત ક્રાંતિ, સંપૂર્ણ ક્રાંતિ જેવા વ્યાપક દર્શન સાથે લડતા રહો અને લડતના જ એક ઉન્મેષ રૂપે ચૂંટણી સાથે કામ પાડો અને તમે જોશો કે …

ખેર, મે 2024ના ઉંબરમહિનાઓમાં આ બે શબ્દો સ્વરાજની ચાલુ લડાઈ સંદર્ભે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 09 ઑગસ્ટ 2023

Loading

બંધારણ સુધારાની સંસદની સત્તા અસીમિત નથી.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|10 August 2023

ચંદુ મહેરિયા

ભારતનું બંધારણ પરિવર્તનશીલ છે. સમય અને સંજોગો પ્રમાણે તેમાં ફેરફાર કે સુધારા કરી શકાય છે. બંધારણના ઘડવૈયાઓએ બંધારણમાં જ સુધારાની સત્તા અને પ્રક્રિયાની જોગવાઈ કરી છે. ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણ સભાએ પસાર કરેલ અને ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ અમલમાં આવેલ બંધારણમાં ૩૯૫ અનુચ્છેદ, ૨૨ ભાગ અને ૮ અનુસૂચિ હતા. આજે તેમાં ૪૪૮ અનુચ્છેદ, ૨૫ ભાગ અને ૧૨ અનુસૂચિ છે. બંધારણ અમલમાં આવ્યાના સવા સાત દાયકામાં,  જાન્યુઆરી ૨૦૨૩ની સ્થિતિએ, ૧૦૫ બંધારણ સુધારા થયા છે. એટલે વરસે સરેરાશ બે બંધારણ સુધારા થાય છે.

બંધારણના ભાગ ૨૦, અનુચ્છેદ ૩૬૮માં બંધારણ સુધારા અંગેની સંસદની સત્તા અને સુધારાની પ્રક્રિયા  દર્શાવી છે. સંસદના કોઈ પણ ગૃહમાં બંધારણ સુધારા વિધેયક રજૂ કરી શકાય છે. તેની મંજૂરી માટે જે તે ગૃહની કુલ સભ્ય  સંખ્યાની  બહુમતી, ગૃહમાં હાજર અને મતદાન કરનારા સભ્યોની બેતૃતીયાંશ બહુમતીની આવશ્યકતા છે. કેટલીક ખાસ બંધારણીય જોગવાઈ, ખાસ કરીને રાજ્યોને સંલગ્ન જોગવાઈઓમાં સુધારા માટે ૨/૩ બહુમતી ઉપરાંત દેશના કુલ રાજ્યો પૈકીના અડધા રાજ્યોની વિધાનસભાના સમર્થન પ્રસ્તાવ પછી જ બંધારણ સુધારો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી શકાય છે.

૧૯૫૧માં, બંધારણના અમલના બીજા જ વરસે, અસ્થાયી સંસદે પહેલો બંધારણ સુધારો કર્યો હતો. ૨૦૨૧માં એકસો પાંચમો સુધારો થયો છે. કેટલાક બંધારણ સુધારા બહુ જ મહત્ત્વના છે તો કેટલાક બંધારણીય જોગવાઈઓ નિભાવવા માટે કરવા પડ્યા છે. એકસો પાંચ સુધારામાં  સાત સુધારા તો દર દાયકે અનુસૂચિત જાતિ-જનજાતિની રાજકીય અનામતો વધારવા અંગેના છે !  એક આડવાત તરીકે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે એસ.સી. એસ.ટી.ની નોકરીઓ અને શિક્ષણની અનામતની કોઈ સમયમર્યાદા નથી. માત્ર લોકસભા અને રાજ્યોના વિધાનગૃહોની રાજકીય અનામત બેઠકોની મર્યાદા મૂળ બંધારણમાં દસ જ વરસની છે. તેને કોઈ પણ રાજકીય પક્ષની કેન્દ્ર સરકાર બંધારણ સુધારા મારફતે લગભગ સર્વાનુમતિથી વધુ દસ વરસ લંબાવે છે. રાજ્યોનાં નામો બદલવા કે ભાષાઓને આઠમી અનુસૂચિમાં સામેલ કરવા અંગેના સુધારા સામાન્ય બંધારણ સુધારા ગણી શકાય.

તાનાશાહ કાઁગ્રેસી વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી દરમિયાન ૧૯૭૬માં થયેલો બેતાળીસમો બંધારણ સુધારો ખૂબ જ વિસ્તૃત અને વિવાદાસ્પદ હતો. આ બંધારણ સુધારાને અભ્યાસીઓ લધુ બંધારણ ગણાવે છે. બેતાળીસમા બંધારણ સુધારામાં આમુખમાં ત્રણ શબ્દો(સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડતા)નો ઉમેરો કરવામાં આવ્યો, મૂળભૂત ફરજોનું પ્રકરણ ઉમેરવામાં આવ્યું, લોકસભા અને વિધાનસભાઓની મુદ્દત પાંચને બદલે છ વરસની કરવામાં આવી, વડા પ્રધાનની ચૂંટણીને કોર્ટમાં પડકારી શકાશે નહીં તેવો ન્યાયતંત્રને પાંગળુ બનાવતો સુધારો કર્યો તો રાજ્યોની સત્તા ઘટાડતો શિક્ષણ, વનસંપદા અને વસ્તી નિયંત્રણના વિષયોને રાજ્યને બદલે સમવર્તી યાદીમાં સમાવવામાં આવ્યા. જો કે તે પછી સત્તામાં આવેલી જનતા પક્ષની સરકારે ૧૯૭૮ના ચુંમાળીસમાં બંધારણ સુધારા મારફતે બેતાળીસમા સુધારાની મોટાભાગની બાબતો રદ્દ કરી હતી.

કેટલાક બંધારણ સુધારા મહત્ત્વના, લાંબા ગાળાની અસરો જન્માવતા અને અસામાન્ય છે. ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવા અંગેનો ૧૯૫૬નો સાતમો સુધારો, મિલકતના અધિકારને મૂળભૂત અધિકારમાંથી રદ્દ કરતો ૧૯૭૮નો ૪૪મો સુધારો, મતદાન માટેની વય એકવીસ વરસથી ઘટાડીને અઢાર કરવા અંગેનો ૧૯૮૯નો એકસઠમો સુધારો, પંચાયતી રાજ સંબંધી ૧૯૯૨-૯૩ના ૭૩મા અને ૭૪મા સુધારા, તમિલનાડુમાં અનામતની ટકાવારી ૫૦ ટકા કરતાં વધુ (૬૯ ટકા) કરતા કાયદાને બંધારણ કે ન્યાયિક સમીક્ષાથી પર ગણવા તેને નવમી અનુસૂચિમાં સામેલ કરવા સંબંધી ૧૯૯૪નો છોંતેરમો સુધારો, છથી ચૌદ વરસનાં બાળકોને ફરજિયાત અને મફત શિક્ષણનો અધિકાર આપતો ૨૦૦૨નો ૮૬મો સુધારો, કેન્દ્ર અને રાજ્યોના મંત્રીમંડળની સંખ્યા લોકસભા કે વિધાનસભાના કુલ સભ્યોની સંખ્યાના પંદર ટકા નિર્ધારિત કરતો ૨૦૦૩નો ૯૦મો સુધારો આવા અસામાન્ય બંધારણ સુધારા છે.

નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની વર્તમાન કેન્દ્ર સરકારે તેની બે ટર્મ (૨૦૧૪-૧૯ અને ૨૦૨૦-૨૪) દરમિયાન અત્યાર સુધીમાં સાત બંધારણ સુધારા કર્યા છે. ન્યાયાધીશોની નિમણૂક અંગેની હાલની કોલેજિયમ સિસ્ટમને બદલે રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ (૨૦૧૫નો ૯૯મો સુધારો), એક દેશ, એક કર માટેનો જી.એસ.ટી. અધિનિયમ (૨૦૧૬નો ૧૦૧મો સુધારો), સામાન્ય શ્રેણીના આર્થિક નબળા વર્ગોને શિક્ષણ અને નોકરીઓમાં ૧૦ ટકા અનામતનો કાયદો અને તેને અદાલતી સમીક્ષાથી પર ગણવા નવમી અનુસૂચિમાં સામેલ કરવો (૨૦૧૯નો ૧૦૩મો સુધારો),  સામાજિક –શૈક્ષણિક પછાતવર્ગોની ઓળખ કરી તેની યાદી જાહેર કરવાની રાજ્યોને સત્તા આપતો ૨૦૨૧નો ૧૦૫મો બંધારણ સુધારો તે પૈકીના છે.

બંધારણ સુધારા વિધેયક માત્ર સંસદના બે ગૃહોમાં જ રજૂ કરી શકાય છે. રાષ્ટ્રપતિ પાસે તેની કોઈ આગોતરી મંજૂરી લેવાની હોતી નથી. વળી રાષ્ટ્રપતિ તેને અન્ય વિધેયકની જેમ પુનર્વિચાર માટે પરત કરી શકતા નથી. બંધારણ સુધારા વિધેયકને મંજૂર કરવા તેઓ બાધ્યકારી છે. જો કે બંધારણ સુધારાની પ્રક્રિયા પ્રમાણે કેન્દ્ર સરકાર પાસે બંને ગૃહોમાં ઠરાવેલી બહુમતી હોવી અનિવાર્ય છે. જો બહુમતી ના હોય તો બંધારણ સુધારા ખરડા માટે સંસદનું સંયુક્ત સત્ર બોલાવી શકાતું નથી. જ્યાં રાજ્યોની અનુમતી જરૂરી છે તેવા બંધારણ સુધારા માટે રાજ્યો માટે કોઈ સમય સીમા નિર્ધારિત નથી તેથી બંધારણ સુધારા માટે રાજ્યસભામાં બહુમતીનો અભાવ જેમ બાધક છે તેમ દેશના અડધા રાજ્યોની સંમતિ અને અચોક્કસ સમય પણ બાધક બની શકે છે.

સંસદને બંધારણ સુધારાની સત્તા જરૂર છે પણ તેની આ સત્તા પર લગામ પણ મૂકાયેલી છે. કોઈપણ બંધારણ સુધારા ન્યાયિક સમીક્ષાથી પર નથી. એકસો પાંચ બંધારણ સુધારામાંથી સર્વોચ્ચ અદાલતે નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ કમિશન અંગેના એક જ બંધારણ સુધારાને ગેરબંધારણીય ઠેરવી રદ્દ કર્યો છે પરંતુ અદાલત સમીક્ષા કરી શકે છે. કેશવાનંદ ભારતી કેસના જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે સંસદ બંધારણના મૂળભૂત માળખામાં કે તેના હાર્દને અસર થાય તેવા કોઈ સુધારા કરી શકશે નહીં.

ભારતનું બંધારણ સ્થિતિસ્થાપક છે. તેમાં સુધારાની પ્રક્રિયા અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને સ્વિત્ઝરલેન્ડના બંધારણ જેવી અતિ કઠિન નથી તો બ્રિટનના જેવી સાવ સરળ પણ નથી. આયરિશ બંધારણમાં સરળતાથી સુધારા તો થઈ શકે છે, પરંતુ તે માટે બહુમતી જનતાનું સમર્થન અનિવાર્ય છે. બંધારણના ઘડવૈયા ડો. આંબેડકર સુધારા માટે સંસદમાં ૨/૩ બહુમતીની જરૂરિયાતને બહુ સરળ માનતા હતા. ભારતની ચૂંટણી વ્યવસ્થામાં સત્તા પક્ષને કુલ મતદાનના ૫૦ ટકા કરતાં ઘણા ઓછા મત મળે છે પરંતુ બેઠકો વધુ મળે છે. વોટશેર અને બેઠકો વચ્ચેનું આ અસંતુલન કેન્દ્રમાં ૨/૩ બેઠકોની બહુમતી ધરાવતા સત્તાપક્ષને અનૂકૂળ હોય તેવા બંધારણ સુધારા માટે અવકાશ પૂરો પાડે છે. ઇન્દિરાઈ કટોકટી વખતના બેતાળીસમા સુધારાના અનુભવ પછી પણ આ દિશામાં ગંભીરતાથી વિચારાતું નથી.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ઓમ બિરલાનાં આંસુ મગરનાં આંસુ હતાં

રમેશ ઓઝા|Opinion - Opinion|10 August 2023

રમેશ ઓઝા

રાહુલ ગાંધીની અપીલ પર ચૂકાદો આપતા સર્વોચ્ચ અદાલતના ત્રણ જજોએ સુરતની ટ્રાયલ કોર્ટના જજને અને ગુજરાતની વડી અદાલતના જજને એક સરખો સવાલ પૂછ્યો હતો કે બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને કાયદાપોથીમાં બતાવેલી પૂરેપૂરી (એક દિવસ પણ ઓછો નહીં) બે વરસની સજા કરવાનું શું કારણ? ન્યાયાધીશોને એટલી તો જાણ હશે જ કે સજા જ્યારે પ્રમાણબહાર કરાવામાં આવે ત્યારે એટલી સજા કરવા પાછળનાં કારણ આપવામાં આવે છે.

ન્યાયશાસ્ત્રમાં આને રૂલ ઓફ પ્રોપોર્શન કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિને જજ તરીકે નિયુક્ત કરવામાં આવે ત્યારે સૌથી પહેલાં આ પ્રમાણસરની સજાનો સિદ્ધાંત શીખવાડવામાં આવે છે. જેવો અને જેટલો ગુનો એટલી સજા. કાયદાપોથીમાં બતાવેલી વધુમાં વધુ સજા કરવી જરૂરી નથી હોતી અને કરવામાં આવતી પણ નથી. લોકોની અંદર ડારો પેદા કરવા માટે કાયદામાં વધુમાં વધુ સજા કરવાની જોગવાઈ હોય છે, પણ આપવા માટે નથી હોતી અને જો આપવી જરૂરી લાગે તો તેની પાછળનાં કારણો આપવાં જરૂરી છે.

બને ત્યાં સુધી ઓછામાં ઓછી સજા કરવાની જજો પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે. હા, ગુનેગારે એકનો એક ગુનો વારંવાર કર્યો હોય, ચેતવણીની અવગણના કરતો હોય, જેલમાં કેદીઓ માટેની શિસ્ત તોડી હોય અને પોલીસ પાસે ગુનેગારનો એ રીતનો ઇતિહાસ હોય તો જજ ખાસ સ્થિતિમાં સજા વધારે છે અને વધારતી વખતે ઉપર કહ્યાં હોય એવાં કારણો આપે છે.

રાહુલ ગાંધીની બાબતમાં આ વાત લાગુ થાય છે ખરી? તેઓ શું રીઢા ગુનેગાર છે? અને જો આવી કોઈ વાત રાહુલ ગાંધીની બાબતમાં જોવા નથી મળતી તો શા માટે કાયદામાં બતાવેલી વધુમાં વધુ સજા કરવામાં આવી? જજો પાસેથી અપેક્ષા હતી કે તે પૂરી સજા કરવામાં પાછળનાં કારણો આપે.

પણ ઈરાદો જુદો હતો. રાહુલ ગાંધીને જો પૂરી બે વરસની જેલની સજા કરવામાં આવે તો તેમનું લોકસભાનું સભ્યપદ રદ્દ કરી શકાય. માટે સુરતની નીચલી અદાલતના જજે અને ગુજરાતની વડી અદાલતના જજે સરકારને તેના ઇરાદામાં મદદ કરી હતી. રહી વાત સજાનાં પ્રમાણની તો એ વિશે એ બિચારા શું કહે? ગુલામી અને ફરજપરસ્તી સાથે ન જઈ શકે. એટલે સર્વોચ્ચ અદાલતના જજોનો નીચલી બે અદાલતોના જજોને પૂછેલો સવાલ કાન આમળનારો છે. સર્વોચ્ચ અદાલતે રાહુલ ગાંધીને કરેલી સજા સ્થગિત કરી છે. દરમ્યાન રાહુલ ગાંધીની સજા સામેની અપીલ એની જગ્યાએ કાયમ છે અને તે સર્વોચ્ચ અદાલતમાં ચાલશે.

અહીં લોકસભાના સ્પીકરની ભૂમિકા પણ વિવાદાસ્પદ હતી. સુરતની અદાલતે સજા સંભળાવી અને ચોવીસ કલાકમાં સ્પીકરે રાહુલ ગાંધીને લોકસભામાંથી બહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકરને વીનંતી કરી હતી કે પહેલાં તેમને સાંભળવામાં આવે. લોકસભામાં બોલવાની તક આપવામાં આવે. સ્પીકરે રાહુલ ગાંધીને એવી તક આપી નહોતી. લોકો દ્વારા ચુંટાયેલા સભ્યની વીનંતી ઠુકરાવી દીધી હતી. ઘ્યાન રહે વર્તમાન શાસકો સર્વોચ્ચ અદાલતના અધિકારને નકારવા માટે દલીલ કરે છે કે લોકો દ્વારા ચુંટાયેલા સભ્યોની સત્તા નિયુક્ત સત્તાધીશો કરતાં ઘણી વધુ છે.

હકીકતમાં રાહુલ ગાંધીએ લોકસભામાં નરેન્દ્ર મોદી અને અદાણી જૂથ સાથેનાં સંબંધો વીશે પ્રમાણો સાથે, તર્કબદ્ધ અને ધારદાર ભાષણ કર્યું અને તેને દેશવિદેશમાં વ્યાપક પ્રસિદ્ધિ મળી એ પછી તેઓ ટાર્ગેટ હતા. તેમને લોકસભામાંથી કાઢવા હતા. માટે સુરતની અદાલતે એ સમયે ચૂકાદો આપ્યો હતો જ્યારે લોકસભાનું સત્ર ચાલુ હતું અને સ્પિકરને રાહુલ ગાંધીને બહાર કાઢવાનો મોકો મળે. બધું આયોજપૂર્વક કરવામાં આવ્યું હતું કે જેથી રાહુલ ગાંધીને અપીલમાં જવાનો મોકો ન મળે. વડી અદાલતમાં તો અપેક્ષા મુજબ ન્યાય મળ્યો નહોતો, પણ સર્વોચ્ચ અદાલતે આપ્યો. રાહુલ ગાંધીનું સભ્યપદ ફરી બહાલ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ સ્પીકર પાસે નહોતો.

ગયા અઠવાડિયે લોકસભાના સ્પીકર ઓમ બિરલા દુઃખી થઈ ગયા હતા. તેમને લોકતંત્રની ચિંતા સતાવતી હતી. સભ્યો લોકસભામાં કામકાજ ચાલવા ન દે તો દેશમાં લોકતંત્ર બચશે કેમ? તેઓ સ્પીકરની ખુરશી છોડીને જતા રહ્યા હતા અને કહ્યું કે તેઓ લોકસભાનું નેતૃત્વ નહીં કરે. જો લોકતંત્ર અને માનમર્યાદાની આટલી બધી ખેવના છે તો એ રાહુલ ગાંધીની બાબતમાં કેમ જોવા ન મળી? બોલવા પણ ન દીધા! બીજું લોકસભામાં તેમની તટસ્થતા કેટલી છે અને પક્ષપાત કેટલો છે એ તો તમે જાણો જ છો. ઓમ બિરલાનાં આંસુ મગરનાં આંસુ હતાં.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 10 ઑગસ્ટ 2023

Loading

...102030...1,0601,0611,0621,063...1,0701,0801,090...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved