Opinion Magazine
Number of visits: 9458201
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગરીબોના ખોરાક બરછટ અનાજના અચ્છે દિન આવશે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 March 2023

ચંદુ મહેરિયા

ભારતની પહેલથી સંયુક્ત રાષ્ટ્રસંઘે ૨૦૨૩ના વરસને ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ ઘોષિત કર્યું છે. અગાઉ ૨૦૧૮માં ભારત સરકારે નેશનલ મિલેટ્સ યર મનાવ્યું હતું. આ ઉજવણીનો ઉદ્દેશ મિલેટ્સ એટલે કે પોષણયુક્ત બરછટ અનાજના મહત્ત્વને સ્થાપિત કરી, તેનો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રસાર કરવાનો છે. બાજરી, મકાઈ, જુવાર, રાગી, કોદરા કે કોદરી જેવા બાર પ્રકારના ધાન્ય બરછટ અનાજ કે જાડું ધાન્ય કહેવાય છે. પોષણના પાવરહાઉસ જેવા સ્વદેશી બરછટ અનાજ સુપરફૂડ છે. તે પોષકતત્ત્વોથી ભરપૂર અને આરોગ્યપ્રદ છે. જો દેશ-વિદેશમાં બરછટ અનાજનો વપરાશ વધે તો પોષણનું સ્તર ઊંચુ આવી શકે તેમ છે.

જ્યારે દેશ આઝાદ થયો ત્યારે અનાજની તીવ્ર તંગી હતી. મોટા ભાગનું અનાજ વિદેશોથી મંગાવવું પડતું હતું. તત્કાલીન સરકારને તેનો ઉકેલ હરિયાળી ક્રાંતિમાં જણાયો. એટલે ઘઉં-ચોખાનું ઉત્પાદન વધારી ખાધ્યાનમાં આત્મનિર્ભરતા હાંસલ કરી છે. આજે આપણા દેશમાં ઘઉં-ચોખાનો સરપ્લસ પુરવઠો છે. આ પહેલો તબક્કો હતો. પણ હવેનો તબક્કો  ના માત્ર પેટ પૂરતું અન્ન પણ પોષણયુક્ત અનાજનો છે. ઘઉં-ચોખા કરતાં બરછટ અનાજમાં વધુ પોષકતત્ત્વો છે એટલે તેનો દેશ અને દુનિયાને પરિચય કરાવી તેનો લાભ અપાવવા સરકાર પ્રયાસરત છે.

બરછટ અનાજના વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો વીસ ટકા છે. તો એશિયામાં એંસી ટકા છે. ચીન, અમેરિકા, નાઈજીરિયા, નાઈજર, આર્જેન્ટિના અને સુદાન સહિત દુનિયાના  ૧૩૦ દેશોમાં તેનું ઉત્પાદન થાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ બરછટ અનાજ એક પ્રકારે ઘાસના ફળ છે. દર વરસે પાકતા નાના બી વાળા ઘાસનો સમૂહ છે. તેને ઘાસના બીજ કે બીવાળાં ફળ પણ કહી શકાય. આ ધાન્ય ફળદ્રુપ, રેતાળ, પથરાળ, ખારી કે એવી કોઈપણ જમીનમાં ઊગી શકે છે. તેનો પાક ઘણી ગરમી સહન કરી શકે છે. તેની ખેતી ઓછાં પાણીથી થઈ શકે છે. તે ઓછા ખર્ચે, ઓછા સમયમાં પાકે છે. તેને ગ્લોબલ વોર્મિંગની ઓછી અસર થાય છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓન ઉપયોગ વિના સરળતાથી પાકે છે. મુખ્યત્વે હલકી ગુણવત્તાની જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો, જે ઓછાં પાણીથી સૂકી ખેતી કરે છે,  તેઓ તેનું વાવેતર કરે છે. આદિવાસી અને ડુંગરાળ વિસ્તારમાં તેની ખેતી સવિશેષ થાય છે. 

મિલેટ્સમાં ફાઈબર, પ્રોટીન, મિનરલ્સ અને વિટામીન ભરપૂર માત્રામાં હોય છે. તે પોષણયુક્ત અને જીવનરક્ષક છે. તેનો આહારમાં ઉપયોગ થાય છે ત્યારે શરીરમાં તે ધીમે ધીમે ગ્લુકોઝમાં ફેરવાય છે, એટલે સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે. તેમાં રહેલ ફાઈબર આંતરડાની દીવાલ પર ફિલ્ટર બનાવે છે. આ ફાઈબર ખોરાકના ગ્લુકોઝ રૂપાંતરને ધીમું કરે છે. તેને કારણે લોહીના પ્રવાહમાં પોષકતત્ત્વો માટે વધુ જગ્યા ઊભી થઈ શકે છે. સ્વાદિષ્ટ અને કાર્બોહાઈડ્રેટ્સયુક્ત ખોરાકની તુલનાએ બરછટ ખોરાકથી વધુ પોષણ મળે છે. પચવામાં આસાન મિલેટ્સનો આહાર વજન નિયંત્રિત કરે છે, હાડકાં મજબૂત કરે છે અને લોહી વધારે છે. વજન વધારતા ગૂલેટન(એક જાતનો પ્રોટીન)નું પ્રમાણ મિલેટસમાં બહુ ઓછું હોય છે.

બીજી ઘણી બાબતોની જેમ બરછટ અનાજને જગત ચોકમાં મૂકવાનું શ્રેય  વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવે છે. બોંતેર દેશોના સહયોગથી ૨૦૨૧માં ભારતે યુનોની બેઠક સમક્ષ વિશ્વ કક્ષાએ મિલેટ્સ યરની ઉજવણીનો પ્રસ્તાવ મંજૂર કરાવ્યો હતો. ૨૦૨૩-૨૪ના કેન્દ્રીય બજેટમાં પણ બરછટ અનાજના બનેલા ઉચ્ચ કક્ષાના ભોજનની પ્રસંશા કરવામાં આવી છે. ભારત જેની અધ્યક્ષતા કરી રહ્યું છે તે જી-૨૦ની બેઠકોમાં મિલેટ્સની બનેલી વાનગીઓ પિરસવામાં આવી રહી છે. એક હજાર જેટલા સ્ટાર્ટ અપ્સ મિલેટ્સના અનૂઠા ઉત્પાદનો બજારમાં મૂકવાના છે. ઘઉં-ચોખા કરતાં બરછટ અનાજની એમ.એસ.પી. વધારે નક્કી કરી છે. જો કે ૨૦૧૩માં યુ.પી.એ. સરકારે સૌ પ્રથમ વખત બરછટ અનાજની એમ.એસ.પી. વધારી હતી તે પણ નોંધવું જોઈએ.

બરછટ અનાજના ‘ખાયે બુઢા જુવા હો જાય’ની હદના ગુણગાન ગવાય છે. તેની પ્રશસ્તિનો આશય તેની ઉપયોગિતા છે કે બીજો પણ છે તે પણ ચર્ચાનો મુદ્દો છે. ભારતમાં ૨૦૨૧-૨૨માં મિલેટ્સનું ઉત્પાદન ૧,૫૯૨ કરોડ મેટ્રિક ટન થયું હતું. પરંતુ માત્ર એકા જા ટકો નિકાસ થઈ હતી. એટલે સરકાર તેને પ્રોત્સાહન આપીને, નિકાસ વધારી, વિદેશી હૂંડિયામણ કમાવા માંગતી હોવાનો આશય પણ હોઈ શકે. એશિયા-આફ્રિકાના લગભગ સાઠ કરોડ લોકો, મોટેભાગે ગરીબો, તેનો ખોરાકમાં ઉપયોગ કરે છે. છતાં દુનિયામાં ૭૬.૮ કરોડ અને ભારતમાં ૨૨.૪ કરોડ લોકો કુપોષિત છે. જો જાડું ધાન્ય કુપોષણનો એક માત્ર ઈલાજ હોય તો મુખ્યત્વે તે જ ખાતા ગરીબ આદિવાસીઓનાં બાળકો કુપોષિત કેમ છે ? જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગરીબોને મફત કે સસ્તા ભાવે ઘઉં-ચોખાને બદલે બરછટ અનાજ કેમ અપાતું નથી? તેવા  સવાલો થવા સ્વાભાવિક છે.

એક સર્વ પ્રમાણે ૧૯૬૨માં ભારતમાં બરછટ અનાજનો પ્રતિ વ્યક્તિ વાર્ષિક ઉપયોગ ૩૩ કિલોગ્રામ હતો. ૨૦૧૦માં તે ઘટીને માત્ર ૪ કિ.ગ્રા. થઈ ગયો છે. ૨૦૧૮ના નેશનલ મિલેટ્સ યરમાં ભારત સરકારે કેટલાક જાડા ધાન્યોને ન્યૂટ્રી સિરિયલ્સ જાહેર કર્યા પછી તેના વપરાશમાં મોટો ઉછાળો જોવા મળ્યો નથી. હરિત ક્રાંતિના દાયકા પછી, ૧૯૭૦ સુધી, તેનો વપરાશ ૨૦ ટકા હતો પણ હવે ૬ ટકા જ છે. ૨૦૨૨-૨૩ના રવિ પાકમાં જાડા ધાન્યનો વાવેતરા વિસ્તાર પાંચ ટકા અને છેલ્લા દાયકામાં પંદર ટકા ઘટ્યો છે. ૧૯૫૫-૬૫માં દેશમાં ૩.૫ કરોડ હેકટર જમીનમાં નવ મિલેટ્સ ઉગાડાતા હતા હવે ૧.૪ કરોડ હેકટરમાં પાંચ ઉગાડાય છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે આજે ૧.૫ કરોડ ટન ઘઉં અને ૧.૬ કરોડ ટન ચોખાનો બફરસ્ટોક છે પરંતુ બરછટ અનાજનો સ્ટોક ૧૧.૯ લાખ ટન જ છે. એમ.એસ.પી.થી સરકારી ખરીદી પણ ઘઉં-ચોખાની જ થાય છે ત્યારે મિલેટ્સ રિવોલ્યુશન બહુ આઘું ભાસે છે.

ભારતીયો આરોગ્યના ભોગે પણ સ્વાદિષ્ટ ભોજન પસંદ કરે છે. તેમની આહારની ટેવો બદલવાનું કામ બહુ ધીરજ માંગી લેતું અને લાંબા ગાળાનું છે. કેટલાક લોકો માટે મિલેટ્સનો ખોરાકમાં ઉપયોગ ફેશનેબલ છે. વળી જાડા ધાન્યને મુખ્ય આહાર બનાવી શકાય તેવી શક્યતાઓ બહુ ઓછી છે. તે ઘઉં-ચોખાનો વિકલ્પ બનવાને બદલે તેના આહારમાં પૂરક બની શકે. બરછટ અનાજની આહારમાં ઉપયોગિતા નિ:શંક ઘણી વધારે છે. પરંતુ તેનો વપરાશ સતત ઘટતો રહ્યો છે અને ગરીબોને પણ તેનાથી દૂર કરાયા છે, ત્યારે ફરી તેને ખોરાકની મુખ્ય ધારામાં સામેલ કરવાનો પડકાર આસાન નથી.

e.mail : maheriyachandu@gmail.com  

Loading

કોરોનાકાળમાં કળાની સમીપે : 3

અમર ભટ્ટ|Opinion - Opinion|30 March 2023

30 ઍપ્રિલ 2020ના દિવસે કુન્દનિકા કાપડિયાના અવસાનના સમાચાર મળ્યા. એમણે કરેલા પ્રાર્થનાઓના સંપાદન – ‘પરમ સમીપે’માંની આ પ્રાર્થના કોરોનાકાળમાં આશ્વસ્ત કરી રહી હતી –

‘હે પ્રભુ,

સંજોગો વિકટ હોય ત્યારે સુંદર રીતે કેમ જીવવું તે મને શીખવ, ……

ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે,

શ્રદ્ધા ડગુમગુ થઇ જાય

ત્યારે ધૈર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતીક્ષા કેમ કરવી તે શીખવ’

કવિ મકરન્દ દવેનું પ્રાર્થનાકાવ્ય “સૌંદર્યનું ગાણું” કઈ રીતે લખાયું તેની રસપ્રદ વાત કુન્દનિકાબહેને મને કરેલી. કવિએ નોકરીમાંથી રાજીનામું આપેલું; કાંઈ આવકનું સાધન હતું નહીં; બચત ઝાઝી હતી નહીં અને અમદાવાદમાં ઘર તો હતું જ નહીં. આ અનિશ્ચિતતાઓ વચ્ચે કવિ સાયકલ પર નોકરીસ્થળ છોડીને નીકળ્યા ત્યારે એલિસબ્રીજ પર આ પંક્તિઓ એમને સ્ફુરી –

‘સૌંદર્યનું ગાણું મુખે મારે હજો!

જ્યારે પડે ઘા આકરા

જ્યારે વિરૂપ બને સહુ

ને વેદનાની ઝાળમાં સળગી ઊઠે વન સામટાં

ત્યારે અગોચર કોઈ ખૂણે

લીલવરણા ડોલતા હસતા કૂણા

તરણા તણું ગાણું મુખે મારે હજો!

સ્વપ્નથી ભરપૂર આ મારા મિનારાઓ પરે

જયારે પ્રહારો વજ્રના આવી પડે

ને નોબતો સંહારની આવી ગડે

ધૂળભેગા કાટમાળો પીંખતી ઉપહાસની

ડમરી કદી ઊંચી ચડે

ત્યારે અરે પ્રેમે પ્રફુલ્લિત કો સ્વરે

આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો!’

મકરન્દ દવેના પ્રથમ સંગ્રહ “તરણાં”નું આ પ્રથમ કાવ્ય છે. વિશ્વકોશમાં કવિ મકરંદ દવેનાં કાવ્યોના ગાનના કાર્યક્રમમાં કુન્દનિકા કાપડિયાની ઉપસ્થિતિમાં મેં આ રચના ગાયેલી ને પછી અમારા આલબમ “ગીત ગગનનાં”માં પણ એ લીધેલી.

કુન્દનિકાબબહેન મારે ઘેર આવ્યાં હતાં એ દિવસે ભરબપોરે કાળું ડિબાંગ આકાશ ગોરંભાયેલું હતું.  બગીચામાં ભીનાં ઘાસમાં ચમકતાં ચંપાનાં ફૂલોની સરખામણી એમણે વિન્સેન્ટ વાન ગૉઘના સુખ્યાત ચિત્ર “સ્ટારી નાઈટ”ના તારાઓ સાથે કરેલી. પછી એ ચિત્રની નાની પ્રતિકૃતિ ફ્રૅમમાં મઢીને મોકલાવેલી. [“વાન ગૉઘ”નું ઉચ્ચારણ ઇંગ્લિશ, અમેરિકન ઇંગ્લિશ ,ફ્રૅન્ચ અને ડચ ભાષાઓમાં અલગ અલગ થાય છે એટલે હવે પછી માત્ર વિન્સેન્ટ કહીશ.]

 

 

કુન્દનિકાબહેનનું સ્મરણ મને મકરન્દ દવેના કાવ્ય પાસે અને પછી વિન્સેન્ટનાં પત્રો ને ચિત્રોના પુસ્તક  “વિન્સેન્ટ બાય હિમસેલ્ફ” પાસે લઇ ગયું.

 

૩૭ વર્ષની વયે અવસાન પામેલ આ ચિત્રકારની એના જીવનકાળ દરમિયાન કોઈ કદર ન થઇ. યોગાનુયોગે યુટ્યુબ પર લિયોનાર્ડ નિમય દ્વારા લિખિત-દિગ્દર્શિત-અભિનિત એકપાત્રી નાટક “વિન્સેન્ટ” જોવા મળ્યું. 

https://youtu.be/7aFiSfBFXdk 

“સ્ટાર ટ્રેક”માં સ્પૉકનું પાત્ર ભજવનાર લિયોનાર્ડ નિમય રંગમંચના એક ઉચ્ચ કક્ષાના અદાકાર, દિગ્દર્શક હતા. “વિન્સેન્ટ” નાટકમાં વિન્સેન્ટના નાના ભાઈ થિયો અને વિન્સેન્ટ વચ્ચેના પત્રવ્યવ્હારનો  આધાર છે. નાટકના આરંભના દૃશ્યમાં વિન્સેન્ટના અવસાન પછી એક અઠવાડિયા પછી થિયો વિન્સેન્ટને અંજલિ આપી રહ્યો છે અને વાત આગળ વધે છે. સંનિવેશમાં એક પછી એક વિન્સેન્ટનાં ચિત્રો આવતા જાય છે. અવાજમાં બદલાવ લાવીને; અવાજના ઉતાર-ચઢાવ કે અટકાવ દ્વારા નિમય પોતે જ થિયો અને વિન્સેન્ટના પાત્રોમાં તદ્રૂપ થઇ પત્રોનો ભાવ અભિવ્યક્ત કરે છે.  

વિન્સેન્ટે લખેલા પત્રોમાંથી સંગ્રહાયેલા 820 જેટલા પત્રોમાં કવિતા, કુદરત ને કળા પણ છે ને પ્રેમ ને પરમેશ્વર અંગેના એના વિચારો પણ છે. વિન્સેન્ટે શેક્સપિયર, ચાર્લ્સ ડિકન્સ, વિકટર હ્યુગો બધાને રસપૂર્વક વાંચ્યા હતા. જુલાઈ 1880ના એક પત્રમાં એ થિયોને લખ્યું હતું –

“….. but my God, how beautiful Shakespeare is, who else is as mysterious as he is; his language and method are like a brush trembling with excitement and ecstasy. But one must learn to read, just as one must learn to see and learn to live.”

(… પણ હે પ્રભુ, શેક્સપિયર કેટલું સુંદર લખે છે, એના જેટલું રહસ્યમય અન્ય કોણ છે? એની ભાષા અને શૈલી આવેશ અને ભાવાવેશથી છલકતી પીંછી જેવાં છે. પણ જેમ આપણે જોતાં અને જીવતાં શીખવું જોઈએ તેમ આપણે વાંચતાં પણ શીખવું જોઈએ.)

કવિતાપ્રેમી વિન્સેન્ટે પોતાની બહેનને વૉલ્ટ વ્હિટમેનનાં કાવ્યો વાંચવા આગ્રહ કરેલો ને એમાં રહેલી  રહસ્યગર્ભિતા તરફ એનું ધ્યાન દોરેલું. કેટલાકને એના “સ્ટારી નાઈટ” ચિત્રમાં વ્હિટમેનની પ્રેરણા દેખાય છે. વ્હિટમેન “Songs of myself”માં  કહે છે – 

“I am he that walks with the tender and growing night,  

I call to the earth and sea half-held by the night.   

Press close bare-bosom’d night–press close magnetic nourishing night!  

Night of south winds–night of the large few stars!  

Still nodding night–mad naked summer night.”  

વિન્સેન્ટના એક પત્રના શબ્દો અને આ ચિત્ર કવયિત્રી ઍન સૅક્સટનને હચમચાવે છે, અને તે ” કાવ્ય લખે છે –

Starry Night

“That does not keep me from having a terrible need of — shall I say the word — religion. Then I go out at night to paint the stars.
 (Vincent Van Gogh in a letter to his brother)” 

The town does not exist
except where one black-haired tree slips
up like a drowned woman into the hot sky.
The town is silent. The night boils with eleven stars.
Oh starry night! This is how
I want to die.
It moves. They are all alive.
Even the moon bulges in its orange irons
to push children, like a god, from its eye.
The old unseen serpent swallows up the stars.
Oh starry starry night! This is how
I want to die:
into that rushing beast of the night,
sucked up by that great dragon, to split
from my life with no flag,
no belly,
no cry.

 1889માં વહેલી સવારે દક્ષિણ ફ્રાન્સમાં આવેલ સાં રૅમી શહેરમાંના પાગલખાનાના પોતાના ઓરડાની બારીમાંથી વિન્સેન્ટે કરેલા અનુભવ પરથી “સ્ટારી નાઈટ” ચિત્ર એણે દોર્યું હતું. એણે લખ્યું હતું કે તારાઓનું દૃશ્ય મારામાં સ્વપ્નો જગાડે છે ને જેમ એક શહેરમાંથી બીજા શહેરમાં જવા આપણે ટ્રેઈન લઈએ તેમ તારાઓ સુધી પહોંચવા આપણે મૃત્યુની ટ્રેઈન લેવાની છે. “સ્ટારી નાઈટ” ચિત્રમાં 11 તારાઓ અને સળગતો ચંદ્રમા આપણી આંખો આંજી દે છે. એમાં સાયપ્રસનું વૃક્ષ અમંગળનો નિર્દેશ કરે છે ને એ સમયની વિન્સેન્ટની માનસિક અવસ્થા સૂચવે છે એમ ઘણા વિન્સેન્ટપ્રેમીઓને લાગ્યું છે. વિદગ્ધ વિવેચકોએ જીવન-મૃત્યુ, આશા-નિરાશા જેવાં દ્વંદ્વો આ ચિત્રમાં જોયાં છે. વિન્સેન્ટના જ આ શબ્દો જાણે  કે “સ્ટારી નાઈટ” ચિત્ર સમજાવે  છે!

“I often think that the night is more alive.….At present I absolutely want to paint a starry sky. It often seems to me that night is still more richly coloured than the day; having hues of the most intense violets, blues and greens. If only you pay attention to it you will see that certain stars are lemon-yellow, others pink or a green, blue and forget-me-not brilliance. And without my expatiating on this theme it is obvious that putting little white dots on the blue-black is not enough to paint a starry sky” 

(હું ઘણીવાર વિચારું છું કે દિવસ કરતાં રાત્રી વધુ જીવંત છે … હમણાં મારે તારામઢ્યું આકાશ ચોક્કસપણે દોરવું છે. મને ઘણીવાર લાગે છે કે દિવસ કરતાં રાત્રી ઘણી વધારે વિપુલતાસભર રંગીન છે – જેમાં ઘેરી રાખોડી, ભૂરી અને લીલી રંગછટાઓ છે. જો તમે એના પર ધ્યાન આપો તો તમે જોશો કે કેટલાક તારાઓ આછા પીળા છે, તો એકાદ તારો ગુલાબી અથવા લીલો, ભૂરો અને ભૂલી ન શકાય એવો તેજસ્વી. અને આ જ વિષયને વધુ વિસ્તાર્યા વગર કહું તો એ દેખીતું છે કે તારાઓથી સુશોભિત આકાશને ચીતરવા ભૂરા-કાળા રંગ ઉપર કેટલાંક ધોળાં ટપકાં મૂકવાં તેટલું પૂરતું નથી.)

પ્રહ્લાદ પારેખના શબ્દો ઉછીના લઈને કહું તો વિન્સેન્ટે  પણ “ખુશબોભર્યો અંધાર” અનુભવીને  આ ચિત્રમાં “અંધારું શણગાર્યું” છે ને “શ્યામલને સોહાવ્યું” છે. મેં તો “સ્ટારી નાઈટ” જોતાં જોતાં બીથોવનનું “મૂનલાઇટ સોનાટા” સાંભળવાનું રોમહર્ષણ પણ અનુભવ્યું.

એનાં ટાંકી શકાય એવાં વિધાનોનો ઢગલો – ક્વૉટેબલ કવૉટ્સ – છે –

– “… and then, I have nature and art and poetry, and if that is not enough, what is enough”

(કૈંક આવો જ ભાવ મનોજ ખંડેરિયાના આ શેરમાં છે –

“કહો આથી વધુ શું જિંદગીમાં જોઈએ બીજું  

ગઝલ છે, ગીર છે, ગિરનાર છે સોરઠની ધરણી છે.”)

– “If you hear a voice within you say you cannot paint, then by all means paint and that voice will be silenced.” 

(જો તને તારી અંદરનો અવાજ એમ કહે કે તું ચિત્ર નહીં દોરી શકે; તો તો ખાસ ચિત્ર દોરજે અને પછી એ અવાજ શાંત પડી જશે.)

-“Art is to console those who are broken by life.” 

(જીવનથી હારેલી વ્યક્તિઓને કળા સાંત્વન આપે છે.)

પ્રણયવૈફલ્યની પીડા, કળાક્ષેત્રે કૈંક સર્વોત્તમ કરવાની ખેવના, પોતાના ભાઈ પાસેથી મળતી રકમને આધારે જીવન ગુજારવું – આ બધાંને લીધે એ દુઃખી હતો. એના અવસાન પછી થિયોએ પોતાની બહેનને 5 ઑગસ્ટ 1890ના પત્રમાં લખ્યું હતું કે વિન્સેન્ટના છેલ્લા શબ્દો આ હતા – “La tristesse durera toujours” [The sadness will last forever.]

 વિન્સેન્ટ, એના પત્રો, એનાં ચિત્રો, એના પરનું નાટક – આટલું ઓછું હોય તેમ “Loving Vincent” નામની એક અદ્દભુત ઍનિમેશન ફિલ્મ જોઈ. 

https://youtu.be/6Slhjwc7lx0

115 જેટલા વિશ્વભરના કલાકારો દ્વારા વિન્સેન્ટની શૈલીમાં દોરાયેલાં 60,000 તૈલચિત્રો વડે બનેલી આ ફિલ્મ વિન્સેન્ટને અપાયેલ ઉત્તમ અંજલિઓમાંની એક છે. એમાં વિન્સેન્ટની કલાનું મહિમાગાન તો છે જ; સાથેસાથે એમાં એનાં જીવન અને મૃત્યુ વિષેની કેટલીક, સવાલો ઊભા કરે તેવી, વાતો છે. 30 માર્ચ 2023ના દિવસે વિન્સેન્ટનો 170મો જન્મદિન આવશે. મકરન્દ દવેના શબ્દોમાં એ જાણે કે કહી રહ્યો છે –

“અમે તો જઈશું અહીંથી પણ આ અમે ઊડાડ્યો ગુલાલ રહેશે 

  ખબર નથી શું કરી ગયા પણ કરી ગયા તે કમાલ રહેશે.”

પ્રગટ :  “બુદ્ધિ પ્રકાશ”; માર્ચ 2023

Loading

વખોડું છું….   

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|30 March 2023

ગુજરાતી સાહિત્ય પરિષદની અસાધારણ સામાન્ય સભા આજે બપોરે બે વાગ્યે તેના બંધારણમાં જરૂરી ફેરફાર અંગે મળી રહી છે. તેમાં હાજર રહેવા વિશે ગઈ કાલે રાત્રે વિચારતો હતો ત્યારે અચાનક જ થયું કે કે ‘લાવ ને, આ સભામાં જતાં પહેલાં પરિષદના 2022ના વાર્ષિક અહેવાલ પર નજર ફેરવી લઉં.’

આ અહેવાલ મને સાયલા ખાતે 15-16-17 ડિસેમ્બર 2022 દરમિયાન યોજાયેલા જ્ઞાનસત્રમાં મળ્યો હતો, તેની સાથે પારિતોષિક-પુરસ્કૃત લેખકો વિશેની પુસ્તિકા પણ હતી. એ વખતે તે વાંચી, પણ અહેવાલની પુસ્તિકા વંચાઈ નહીં, ને ગેરવલ્લે મુકાઈ ગઈ. અત્યારે આ આસાધારણ સભા સંદર્ભે યાદ આવ્યું એટલે એક મિત્રને પૂછતાં તેણે અહેવાલ-પુસ્તિકાની પી.ડી.એફ. બનાવીને મોકલી.

પાનાં ફેરવતાં યાદ આવ્યું કે  ‘2022 જાન્યુઆરીમાં પરિષદમાં થયેલું વૃક્ષછેદન, તે અંગે નિમાયેલી તપાસ સમિતિ, તેણે પરિષદને સુપરત કરેલો એકસો છ પાનાંનો અહેવાલ, તેની પરિષદના સભ્યોને મોકલવામાં આવેલી મુદ્રિત નકલ અને અહેવાલને પગલે પરિષદના તત્કાલીન મહામંત્રીએ આપેલું રાજીનામું આ બનાવોનો ઉલ્લેખ 20022 ના વાર્ષિક અહેવાલમાં ક્યાં ?’

એને લગતો એક પણ શબ્દ ન જડ્યો.

વાર્ષિક અહેવાલ બે વખત વાંચ્યો. થયું કે કદાચ હું ચૂકી ગયો હોઉં. પરિષદ જેવી જાહેર સંસ્થાના અહેવાલમાં આટલી મોટી વાત પડતી મૂકાય તે ન બને. પણ મારી ચૂક ન હતી.

એક માતબર વાચક-સંપાદકને પણ ખરાઈ કરી આપવા વિનંતી કરી. તેણે પણ કહ્યું : ‘વૃક્ષછેદન અંગે કશું જ નથી.’

અરે, સમિતિ અને અહેવાલ તો જવા દો, પણ પરિષદમાં મોટા પાયે વૃક્ષછેદન થયું અને તેને પગલે મહામંત્રીએ રાજીનામું આપ્યું આ બે બનાવો — તેનું સારા — નરસાપણું કે તેની અભૂતપૂર્વતા બાજુ પર રાખીને ય – બનાવો  તરીકે તો અહેવાલમાં હોવા જોઈએ કે નહીં ? 2022માં ઉમાશંકર જોશીના જન્મદિવસે થયેલા વૃક્ષારોપણ કાર્યક્રમની નોંધ થાય તેમ, ‘અહેવાલ’માં  એક ‘બનાવ’ તરીકે વૃક્ષછેદનની નોંધ ન હોય?

ગ્લાનિ અને આક્રોશની લાગણી થઈ આવી. શું કહેવું ?

વૃક્ષછેદન અને તે પગલે જે બન્યું તેની તવારીખ તરીકે વાર્ષિક અહેવાલમાં નોંધ કરવામાં પરિષદને સંકોચ થયો (સૌમ્ય શબ્દપ્રયોગ) ? અપરાધભાવ જાગ્યો ?

વૃક્ષછેદન અને તે પગલે જે બન્યું તેની તવારીખ તરીકે નોંધ પડતી મૂકવામાં પરિષદને સંકોચ ન થયો ( સૌમ્ય શબ્દપ્રયોગ )? અપરાધભાવ ન જાગ્યો ?

વૃક્ષછેદન અને તે પગલે જે બન્યું તે અંગે પરિષદને આ અહેવાલના લેખન-નિર્માણ દરમિયાન અને તે છપાયાં પછી વરેણ્ય સામૂહિક સ્મૃતિભ્રંશ – collective selective amnesia –  થયો ?

વૃક્ષછેદન અને તે પગલે જે બન્યું તે અંગે પરિષદમાં એકંદરે જળવાયેલાં મૌનના કારસ્તાન – conspiracy of silence -ને વર્ષ 2022ના અહેવાલમાં કાયમી સ્વરૂપ આપવામાં આવ્યું – enshrine કરવામાં આવ્યું ?

દેશના સર્વોચ્ચ સાહિત્યિક પારિતોષિકો-સન્માનો મેળવનાર, લેખો – પુસ્તકો – ભાષણોમાંમાં વારંવાર મૂલ્યોની દુહાઈ દેનારા, વર્ષોથી ઇતિહાસબોધની વાતો કરતા રહેનારા,  સાહિત્યમાં ઇતિહાસદૃષ્ટિ પર ચર્ચાઓ કરનાર વગેરે સહુને કહેવું ઘટે કે –

પરિષદમાં વૃક્ષછેદન થયું હતું, તે અંગે સમિતિએ લખેલા અહેવાલે એક કરતાં વધુ વ્યક્તિઓને જવાબદાર ગણ્યા હતા, અહેવાલને પગલે તત્કાલીન મહામંત્રીએ રાજીનામું આપ્યું હતું – આ બનાવ વાર્ષિક અહેવાલ રૂપે સમકાલીન ઇતિહાસમાં ન જાય, તેની નોંધ જ ન હોય તેની પૂરેપૂરી તકેદારી લેવાઈ હોય તેમ લાગે છે. ઇતિહાસ જ ન હોય ત્યાં બોધ શેનો ?

વૃક્ષછેદન અને તે પગલે જે બન્યું તે અંગે પરિષદે શાસકો જેવી નીતિ સ્વીકારી ? – ઇતિહાસને ઢાંકો, છૂપાવી દો, વિકૃત કરો અને બને તો ભૂસી જ નાખો ! અથવા સહુથી ઉત્તમ તો પોતાના ચોપડે ચઢવા જ ન દો !

એક નાની હકીકત (સત્ય તો મોટો શબ્દ છે) વાર્ષિક અહેવાલમાં આવે તેનાથી પણ ડરીએ છીએ, તેની ભોંક સહન નથી થતી ?

સૉક્રેટિસ, ટૉલ્સ્ટૉય, ગાંધી, ચૉમ્સ્કી, દર્શક ને એવાં (યાદી તો ઘણી લાંબી થાય જ ને…) વિશે લખ્યું છે ને ? તેમને ટાંક્યા છે ને ? રથ જમીનને અડ્યા જ કરે છે, ને જાહેરમાં લખવા-બોલવામાં લોકોને બતાવવાની કોશિશ છીએ કે રથ ઊંચો ચાલે છે ?  

ગુજરાતી સાહિત્ય પરિષદના 2022ના વર્ષિક અહેવાલ મુજબ post- truth (કંઈ નહીં તો ય આ શબ્દની તો મને પણ ખબર છે) એ છે કે પરિષદમાં વૃક્ષછેદન થયું જ ન હતું …. No one killed Jessica!

30 માર્ચ 2023  
[582 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0561,0571,0581,059...1,0701,0801,090...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved