
રાજ ગોસ્વામી
ઈઝરાયલ આજકાલ તેના રાજકીય ઇતિહાસના સૌથી મુશ્કેલ દૌરમાંથી પસાર થઇ રહ્યું છે. તેની બેન્જામિન નેતન્યાહૂ સરકાર દેશની ન્યાયપાલિકા(જ્યુડિસિયરી)માં મોટાપાયે બદલાવ લાવવા માંગે છે અને તેનો છેલ્લા ત્રણ મહિનાથી એટલો વિરોધ થઇ રહ્યો છે કે પાછલા દિવસોમાં દેશની જનતા સડકો પર ઊતરી આવી હતી. જનતાનો એ વિરોધ એટલો આક્રમક હતો કે નેતન્યાહૂએ ઘૂંટણીએ પડીને ન્યાયિક સુધારના પ્રસ્તાવને કામ ચલાઉ પાછો ખેંચી લઈને વિરોધીઓને આ વિવાદિત યોજના પર સમજૂતી કરવાનો સમય આપ્યો છે. વિરોધીઓ જો કે સમગ્ર પ્રસ્તાવને જ ખારીજ કરવા અડી ગયા છે.
લોકોમાં ગુસ્સો વધુ તો ત્યારે ફૂટી નીકળ્યો જ્યારે નેતન્યાહૂએ આ પ્રસ્તાવનો વિરોધ કરતાં તેમના રક્ષા મંત્રીને ગયા સોમવારે બરખાસ્ત કરી દીધા હતા. હિંસક પ્રદર્શનો અને હડતાળના પગલે દેશનું જન-જીવન ખોરવાઈ ગયું, વિમાનો ઊભાં કરી દેવાં પડ્યાં, હોસ્પિટલોમાં સેવા બંધ થઇ ગઈ, મોલ અને બેંકોએ શટર પાડી દીધાં.
નેતન્યાહૂએ તત્કાળ તો દેશને ગૃહયુદ્ધમાંથી બચાવી લીધો છે, પરંતુ રાજકીય નિરીક્ષકો હજુ અવઢવમાં છે કે આવનારા દિવસોમાં શું થશે. તેઓ નવી કાનૂની સુધાર તો કરવા માટે મક્કમ જ છે કારણ કે તેનાથી તેમની પાસે અમર્યાદ સત્તા આવી જવાની છે. જાણકાર લોકોને શંકા છે કે વિરોધીઓ કેવી રીતે સમજૂતી કરશે.\
સરકારના ટીકાકારો કહે છે કે સૂચિત કાનૂન અને બદલાવથી દેશમાં લોકતંત્ર ખતમ થઇ જશે. નેતન્યાહૂની સરકાર આ સુધારાઓ મારફતે સુપ્રીમ કોર્ટની તાકાતને સીમિત કરવા માંગે છે. જજોની નિમણૂકમાં સરકારની દખલ વધવા ઉપરાંત ખાસ તો કોઈ કાનૂનને રદ્દ કરવાની કોર્ટની સત્તા ખતમ થઇ જશે. ટૂંકમાં, સંસદ કોર્ટ પર હાવી થઇ જશે.
સુધારાઓના બિલમાં એવી પણ જોગવાઈ છે કે વડા પ્રધાનને ભ્રષ્ટાચારના આરોપસર પદ પરથી હટાવી નહીં શકાય (નેતન્યાહૂ પર ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આરોપ ઘણા વખતથી છે). બિલ પ્રમાણે, વડા પ્રધાન શારીરિક કે માનસિક રીતે અક્ષમ હોય તો જ પદ પરથી હટાવી શકાય. દેશના વિપક્ષી નેતાઓ, બુદ્ધિજીવીઓ, પત્રકારો, સરકારી અને સેનાના નિવૃત્ત અફસરો કહે છે કે નેતન્યાહૂ કાનૂનના નામે પાછલા બારણેથી તાનાશાહી લાવી રહ્યા છે.
ઈઝરાયેલના જગપ્રસિદ્ધ લેખક અને પ્રોફેસર યુવલ નોઆ હરારી તો શબ્દો ચોર્યા વગર નેતન્યાહૂની હરકતને ‘કૂ’ એટલે કે તખ્તાપલટો કહે છે. તેલ અવિવના લોકપ્રિય સમાચાર ‘હારેત્ઝ’માં લખેલા એક ધારદાર લેખમાં તેઓ કહે છે કે ઈઝરાયેલી સરકાર જે કરી રહી છે તે ન્યાયિક સુધાર નથી, તે તખ્તાપલટો છે. લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલી સરકાર સંસદમાં તેની બહુમતીના જોરે એક બિલ મારફતે કાનૂનોમાં ફેરફાર કરે તેને રાજ્ય વિરોધી વિદ્રોહ કહેવો એ આત્યાંતિક કે વિચાર્યા વગરનું વિધાન ન કહેવાય?
હરારીને ખબર છે કે તો શું લખી રહ્યા છે અને તેના સમર્થનમાં તર્ક પણ આપે છે. માનવજાતિના ઇતિહાસ પર ‘સેપિયન્સ’ નામનું વિક્રમી પુસ્તક લખનાર હરારી કહે છે કે ઇતિહાસમાં બે પ્રકારના તખ્તાપલટ થયા છે. પહેલા પ્રકારના તખ્તાપલટમાં નીચેથી, એટલે કે સૈન્યના સ્તરેથી વિદ્રોહ થાય. જેમ કે કોઈ કમજોર, ગરીબ અને ભ્રષ્ટ દેશમાં લશ્કરના જનરલને એક દિવસ એવો વિચાર આવે કે દેશ બરાબર ચાલતો નથી અને તેના માટે મારે કશુંક કરવું પડશે.
બીજા દિવસે, રાજધાનીની સડકો પર સેનાની ટેંકો ફરવા લાગે. સશસ્ત્ર દળોની એક ટુકડી સંસદને ઘેરી લે, બીજી એક ટુકડી વડા પ્રધાનના નિવાસ્થાન પર ધાવો બોલે અને તેમને હાથકડી પહેરાવી દે અને ત્રીજી ટુકડી દેશના ટી.વી. તેમ જ રેડિયો સ્ટેશન પર કબજો જમાવી દે, જ્યાંથી જનરલ દેશને નામ સંદેશમાં ઘોષણા કરે કે જનતાની ભલાઈ માટે મેં દેશની કમાન હાથમાં લીધી છે.
જેમ કે 1958, પાડોશી પાકિસ્તાનમાં 1958માં ફિરોઝ ખાન નૂનની સરકારને બરખાસ્ત કરીને આર્મી કમાન્ડર ઇન ચીફ જનરલ અયૂબ ખાને સત્તા હાથમાં લીધી હતી. વિદ્રોહની વાત આવે ત્યારે લોકો તેનો અર્થ એવો જ કરે છે કે નાકામ કે ભ્રષ્ટ સરકાર હોય તો દેશહિત માટે સેના અથવા રાજકીય દળ, સંપ્રદાય કે વિદ્રોહી જૂથ તેને ઉથલાવીને ગેરકાનૂની રીતે ખુરશીમાં બેસી જાય. દુનિયા આવા તખ્તાપલટથી પરિચિત છે.
હરારી કહે છે, બીજા પ્રકારનો તખ્તાપલટ પણ ઇતિહાસમાં એટલો જ સામાન્ય છે, પરંતુ એ ‘ઉપર’થી થાય છે એટલે લોકો તેને ઓળખી શકતા નથી. ‘ઉપરથી તખ્તાપલટ’ ત્યારે થાય જ્યારે બંધારણીય રીતે સત્તામાં આવેલી સરકાર તેને બાધ્ય કરે તેવાં કાનૂની નિયંત્રણો દૂર કરીને અમાપ સત્તાઓ હાંસલ કરી લે. ઇતિહાસમાં આ પ્રકારની યુક્તિ બહુ જૂની છે; પહેલાં કાનૂનના રસ્તે સત્તામાં આવવાનું અને પછી એ જ સત્તાનો ઉપયોગ કરીને એ કાનૂનને કમજોર કરી નાખવાના.
સ્પેનિશ ભાષામાં આના માટે એક શબ્દ પણ છે; ઓટોગોલ્પે. આપણી સુવિધા માટે તેને ‘સેલ્ફી-કૂ’ કહી શકાય; સરકાર અથવા સરકારમાં બેઠેલો માણસ જાતે જ કૂ કરે તે. આવો તખ્તાપલટ સમજમાં ના આવે. તેમાં ટેંકો સડકો પર ન ફરે, સંસદને કબજે કરવામાં ન આવે કે ટી.વી. સ્ટેશન પરથી વિધિસર ઘોષણા ન થાય. આવો તખ્તાપલટ બંધ બારણાઓ પાછળ થાય.
તેમાં એવા નિયમો અને કાનૂનો બનાવામાં આવે જેમાં સરકાર ઈચ્છા પ્રમાણે કરી શકે અને તેને પૂછવાવાળું / રોકવાવાળું કોઈ ન હોય. તેમાં કાનૂન અને પોલીસની મદદથી બંધારણીય સંસ્થાઓ અને સિવિલ સોસાઈટીનાં જૂથો પર ‘સ્ક્રૂ’ ટાઈટ કરવામાં આવે અને વિરોધીઓને દેશના દુ:શ્મન જાહેર કરવાને બદલે અલગ-અલગ ગુનાઓમાં અપરાધી ઘોષિત કરવામાં આવે અને તેમની બોલતી બંધ કરવામાં આવે અથવા જેલમાં નાખવામાં આવે. સરકાર તેને ‘કૂ’નું નામ ન આપે. સરકાર તેને ‘જનહિતમાં કાનૂની સુધાર’નું નામ આપે.
આવા ‘ઉપરથી થયેલા તખ્તાપલટ’નાં ઉદાહરણ રશિયાના પુતિનમાં, તુર્કીના રેચપ તય્યપ એર્ડોગનમાં, હંગેરીના વિકટર ઓર્બાનમાં વેનેઝુએલાના હ્યુગો ચાવેઝ / નિકોલસ માદુરોમાં છે. ઈઝરાયેલમાં જે થઇ રહ્યું છે તે, વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ લોકોને કહે છે તેમ, સાચેસાચ દેશને વધુ મજબૂત બનાવવા માટેના સુધાર છે કે અઘોષિત ‘સેલ્ફી-કૂ’ છે?
હરારી તેનો તર્ક આપતાં લખે છે કે આ પ્રશ્નનો ઉત્તર એ પ્રતિપ્રશ્નમાં છે કે નવા સુધારમાં સરકાર પર નિયંત્રણો છે? સરકારો જ્યારે કાનૂન અને નૈતિકતાની સીમામાં રહીને સુધાર કરે ત્યારે તે તેને મળેલી સત્તા પરનાં ચેક્સ એન્ડ બેલેન્સીસનું સન્માન કરે જેથી ભવિષ્યમાં આવનારી બીજી કોઈ સરકારોના ગળે ધુંસરી મુકાયેલી રહે. સરકાર જો પોતાને તમામ કાનૂનો કે નિયંત્રણોની ઉપર મૂકી દે તો પછી તેને તખ્તાપલટ જ કહેવાય.
ધારો કે સરકાર કોઈ ચોક્કસ વર્ગ(ઈઝરાયેલના કિસ્સામાં આરબો)નો મતાધિકાર છીનવી લે, તો સરકારના એ કદમને રોકવા માટેની વ્યવસ્થા છે? ઈઝરાયેલમાં માત્ર સુપ્રીમ કોર્ટને જ એ સત્તા છે કે આરબ નાગરિકોના મતાધિકાર, કામદારોનો હડતાળ કરવાનો હક્ક કે સરકારની ટીકા કરવાની મીડિયાની છૂટની રક્ષા કરી છે અને સરકાર એ જ સત્તા ખારીજ કરવા માંગે છે.
એવી દલીલ થઇ શકે કે સરકાર પર અંકૂશ મુકવા માટે સંસદ છે ને, પરંતુ ઈઝરાયેલની સરકાર તો સંસદને એવી બનાવી દેવા માગે છે કે તે સરકાર ઈચ્છે તે કાનૂન બનાવી શકે (જેને સુપ્રીમ કોર્ટ પણ ખારીજ કરી ન શકે) અને વડા પ્રધાનને જ અમાપ સત્તાઓ આપે. આવી સંસદ, ગુજરાતીમાં કહેવત છે તેમ, ‘ભૂવો ધૂણે તો ય ગામ ભણી’ જેવી હોય.
આવા નેતાઓને જ્યારે પૂછવામાં આવ્યું હોય કે નવી વ્યવસ્થામાં તમે કાનૂન અને સત્તાનો દુરપયોગ કરશો તો કોણ રોકશે, ત્યારે તેમનો એક બહુ જાણીતો જવાબ હોય છે; અમારામાં વિશ્વાસ રાખો, અમે જનહિતમાં કામ કરીએ છીએ. સેનાના જનરલોએ પણ જ્યારે ટેંકો પર સવાર થઈને રાજધાનીમાં સત્તા હાંસલ કરી છે ત્યારે તેમણે પણ એવી જ બાંયધરી આપી હતી; મારામાં વિશ્વાસ રાખજો, હું તમારી અને તમારા હિતોની રક્ષા કરીશ.
ટેંક પર સવાર જનરલ હોય કે ચૂંટણીના વિજયરથમાં નેતા હોય, જનતા જ્યારે ન્યાયતંત્ર જેવા ઇન્સ્ટિટ્યૂટશનને બદલે નેતાઓના ‘શુભ ઈરાદાઓ’ પર આધાર રાખતી થઇ જાય ત્યારે તેને તાનાશાહી જ કહેવાય એમ હરારી કહે છે. એ દૃષ્ટિએ બેન્જામિન નેતન્યાહૂએ ‘લોકતાંત્રિક તાનાશાહ’નું રૂપ અખત્યાર કર્યું છે. આગમી દિવસોમાં એ કેવી રીતે આગળ વધે છે તેના પર તેમનું અને ઈઝરાયેલનું ભવિષ્ય ટકેલું છે.
લાસ્ટ લાઈન :
“સાચા લોકતંત્રને કેન્દ્રમાં વીસ લોકો બેસીને ચલાવી ન શકે. તેણે નીચેથી કામ કરવું જોઈએ, લોકતંત્રનું સંચાલન ગામડે-ગામડે લોકો દ્વારા થવું જોઈએ.”
— મહાત્મા ગાંધી
(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 02 ઍપ્રિલ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર