Opinion Magazine
Number of visits: 9743069
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૌન સંમતિના ચિત્કારો સાંભળવા માટે જાગતલ માયલો જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|20 August 2023

રમેશ ઓઝા

સંમતિ, અસંમતિ, વિરોધ, પ્રગટ વિરોધ, શરણાગતિ, મૌન, મોઢું ફેરવી લેવું એ બધા જે તે ઘટના સામે પ્રતિક્રિયાના પ્રકાર છે અને એવો કોઈ મનાવી નહીં મળે જે પ્રતિક્રિયાને ત્રાજવે તોળાયો ન હોય. હકીકતમાં આ માનવીની શોકાંતિકા છે કે તેણે રોજેરોજ વિવેક અને અંતરાત્માના ત્રાજવે તોળાવું પડે છે અને એનાથી બચી શકાતું નથી. વિકલ્પ માત્ર બે જ છે, કાં વિવેક અને અંતરાત્માની એરણે ખરા ઉતારો અને કાં વિવેક અને અંતરાત્માની એરણે નાપાસ થાવ. કેટલાક લોકો નાપાસ થવાના ડરથી મૌન રહે છે અથવા મોઢું ફેરવી લે છે, પણ એમાં પણ એ સરવાળે નાપાસ જ થાય છે. ખરા ઉતરવું હોય તો તેની કિંમત ચૂકવવી પડે છે અને એટલી હિંમત લોકોમાં હોતી નથી.

પણ સ્થાપિત હિતોએ અંતરાત્માની એરણેથી બચવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. વ્યવસ્થા જ એવી રચો કે શરણાગતિ સંમતિના સ્વરૂપમાં નજરે પડે. જેમ કે ગુરુ પાસે ભણ્યા હોય તો ગુરુદક્ષિણા આપવી પડે. શિષ્યનો ધર્મ છે અને શિષ્યએ શિષ્યધર્મનું પાલન કરવું જ જોઈએ. એક વાર ઉદાત્તતા(nobility)નો વરખ ચડાવી દો એ પછી અનીતિ નીતિ બની જાય. એમાં જેને ભણવાનો અધિકાર ન હોય અને ઉપરથી ગુરુની જાણ વિના ભણ્યો હોય તો એ તો સજાને પાત્ર ગંભીર ગુનો કહેવાય. ગુરુ દ્રોણે એકલવ્યનો જમણા હાથનો અંગૂઠો ગુરુદક્ષિણા તરીકે માગી લીધો અને એકલવ્યએ શિષ્યધર્મનું પાલન કરીને આપી દીધો. વિવેક અને અંતરાત્માની એરણેથી બચવા માગતા લોકો એકલવ્યની ગુરુનિષ્ઠા અને શિષ્યધર્મનાં ઓવારણા લેશે, અને દ્રોણની બાબતે ચૂપ રહેશે. બધું જ ધર્મસંમત થઈ રહ્યું હોય તો અન્યાય અને અનીતિ ક્યાં આવ્યાં? એકલવ્ય ગુનેગાર હતો અને તેણે મૌન રહીને સજા સ્વીકારી લીધી પછી શરમાવાની ક્યાં વાત આવી! ટૂંકમાં એકલવ્યની શરણાગતિનું સ્વરૂપ સંમતિનું હતું અથવા તેનું સંમતિનું સ્વરૂપ શરણાગતિનું હતું.

અને કર્ણ? એ કુંતીપુત્ર હતો, પણ કુંતીનાં જેની સાથે લગ્ન થયાં હતાં તેનાથી નહોતો થયો એટલે એ અનૌરસ પુત્ર હતો. આદિવાસી શિષ્ય એક જ ગુરુના ક્ષત્રીય શિષ્યની બરાબરી ન કરી શકે એમ અનૌરસ પુત્ર એક જ માતાના ઔરસ પુત્રોની બરાબરી ન કરી શકે. મહાભારતના પાત્રોમાં સૌથી વધુ શુરવીર, સૌથી મોટો બાણાવળી, સૌથી વધુ ટેકીલો, સૌથી વધુ સત્યનિષ્ઠ અને પોતાનાં મનોજગતને અભિવ્યક્ત કરવામાં સૌથી વધુ પ્રામાણિક માણસે સમાજધર્મને સ્વીકારી લીધો હતો. ભીષ્મ જેવાઓને કર્ણના અશ્રુ નજરે નહોતાં પડ્યાં, પણ કર્ણની સંમતિ ખપની હતી. આવાં બીજાં અનેક ઉદાહરણો પુરાણો અને મહાકાવ્યોમાંથી મળી રહેશે. માત્ર ભારતમાં નહીં વિદેશમાં પણ. અરે, આપણા ઘરમાં એક નજર કરો. સ્ત્રીધર્મ અને પત્નીધર્મ ન્યાયી છે? પણ એમાં સ્ત્રીની સંમતિ મળી રહેશે, કારણ કે એ તેને માટે નક્કી કરવામાં આવેલો અને આપવામાં આવેલો ઉદાત્ત ધર્મ છે. શરણાગતિને સંમતિનું સ્વરૂપ આપો અને ઉપરથી ધર્મનિષ્ઠાની ઉદાત્તતાનો વરખ ચડાવો એટલે કોઈને અન્યાય પણ કરી શકાય અને અન્યાયને ન્યાયી પણ ઠરાવી શકાય. અંતરાત્માની એરણેથી બચી નીકળવાની ચેષ્ટા પણ કરી શકાય. ચેષ્ટા, બચી તો શકાતું જ નથી.

દરેક વખતે મૌનનો અર્થ સંમતિ નથી થતો, સંમતિનો અર્થ સ્વીકૃતિ નથી થતો અને કેટલીક વખત, કેટલીક વખત શું મોટા ભાગે, મૌન સંમતિનો અર્થ શરણાગતિ જ થતો હોય છે. મૌન રહેનાર કે સંમત થનાર કોણ છે એ મહત્ત્વનું છે. અને કોની સામે એ મૌન રહે છે કે સંમત થાય છે એ મહત્ત્વનું છે. ખેતરોમાં થતા જાતીય સંબંધો સંમતિપૂર્વકનું સેક્સનું સેલિબ્રેશન છે કે સંમતિજન્ય બળાત્કાર એ તો બે પાત્રો કોણ છે અને કેવી સ્થિતિમાં છે એના પર નિર્ભર કરે છે. સંમતિજન્ય બળાત્કારોએ આ જગતમાં અનેક કોમ પેદા કરી છે.

પારસીઓ માટે આપણને બધાને ગૌરવ છે અને તેમની વસ્તી ઘટી રહી છે એ વાતે દુઃખી પણ છીએ. પણ તમે વાંસદા પારસીઓ વિષે જાણો છો? એક સમયે પારસીઓ ધરમપુર અને ડાંગના જંગલમાં ઘાસ કાપવાના, લાકડાં કાપવાના, દારુ બનાવવાના કોન્ટ્રાક્ટ લેતા હતા. આ સિવાય તેમની જમીનો પણ હતી. તેઓ દુબળા આદિવાસી સ્ત્રીઓનું જાતીય શોષણ કરતા હતા અને એમાંથી પારસીઓની એક કોમ્યુનિટી અસ્તિત્વમાં આવી જે વાંસદા પારસી તરીકે ઓળખાય છે. મા દુબળી અને બાપ પારસી. ગુજરાતના આદિવાસીઓ માટે વપરાતો દુબળા શબ્દ જ સંમતિશાસ્ત્ર વિષે ઘણું બધું કહી જાય છે. પારસીના સંતાનને આદિવાસીઓ ઉછેરતા હતા અને પોતાની સાથે રાખતા હતા. પારસીઓ તેમને પોતાનાં સંતાન તરીકે સ્વીકારતા નહોતા, ત્યાં નવજોત કરીને કોમમાં લેવાની તો વાત જ દૂર. ગાંધીયુગમાં એક પારસી દસ્તૂરે વાંસદા પારસીઓને નવજોત આપવાનું શરૂ કર્યું હતું, પણ પારસીઓ હજુ આજે પણ તેમનો દિલથી સ્વીકાર કરતા નથી.

પણ દુબળી સ્ત્રીની સંમતિ પ્રતિકાર વિનાની નહોતી. ગાયકવાડ રાજ્યે પ્રકાશિત કરેલી સયાજી લોકગીત માળામાં દુબળા આદિવાસીઓ હોળીના અવસરે જે ગીતો ગાતાં એમાં પારસીઓની નિંદા કરનારાં અનેક ગીતો મળે છે. દિલમાં સંઘરી રાખેલી પીડાને તેમ જ મૂંઝારાને વાચા આપવાની તક શોષિતો શોધતા જ હોય છે અને ત્યારે આપવામાં આવેલી સંમતિ ઓગળી જાય છે. પણ આપણે ક્યાં એના તરફ નજર કરી છે. મૌન સંમતિના ચિત્કારો સાંભળવા માટે જાગતલ માયલો જોઈએ.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 20 ઑગસ્ટ 2023

Loading

રેવાકાંઠે માંગરોળમાં સમાજકાર્યના ‘પ્રયાસ’નો માહિતી-સંગ્રહ 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|20 August 2023

પુસ્તક પરિચય

‘માટીની મહેંક’ સમાજકાર્ય કરનારી સંસ્થા ‘પ્રયાસ’ના અત્યાર સુધીના પિસ્તાળીસ વર્ષની કામગીરીનો દસ્તાવેજ છે. ‘સર્વાંગિણ ગ્રામવિકાસ મંડળ પ્રયાસ’ રેવા કાંઠે રાજપીપળાની નજીક આવેલાં માંગરોળ પંથકના પાંત્રીસેક ગામોમાં ગાંધી-વિનોબા પ્રેરિત માર્ગે કામો કરતું રહ્યું છે.

વિનોબા ભાવેએ સૂચવેલું કે સમાજે ગામડાંને સાત પાયાની જરૂરિયાતો માટે પગભર કરવા જોઈએ : અન્ન, વસ્ત્ર, રહેઠાણ, આરોગ્ય, ઓજાર, જીવન કેળવણી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ.

આ સપ્તસ્વાવલંબનના પહેલાં પગલાં તરીકે ‘પ્રયાસ’ સજીવ ખેતીની દિશામાં વર્ષોથી આગળ વધી રહ્યું છે, એમ સંસ્થાના પ્રમુખ શિલ્પિન મજમુદાર પુસ્તકની શરૂઆતમાં ‘વિચારબીજ’ લેખમાં નોંધે છે.

તેમાં જણાવ્યા મુજબ સંસ્થાના ઓજાર કેન્દ્રે 75 જેટલાં ગામોના સાડા સાતસોથી વધુ સીમાંત ખેડૂતોને ઓજાર પૂરાં પાડ્યાં છે. આરોગ્યશાસ્ત્રની બહુવિધ પ્રવૃત્તિઓ અને જીવનલક્ષી કેળવણી માટે ચાળીસ ગામોની શાળાઓમાં ગુંજતું ઘર પ્રવૃત્તિ પણ ચાલે છે.

શિલ્પિન આગળ લખે છે : ‘આ બધાની ઉપર ગ્રામશાળાની પ્રવૃત્તિ છે જેમાં પરિવારધન, માટીધન, જીવનધન અને ગ્રામધનનો સમાવેશ થાય છે.’

આવી અનેકવિધ પ્રવૃત્તિઓનો વિગતવાર તપસીલ સવા છસો પાનાંના પુસ્તકના પાછળના 341 પાનાંમાંથી મળે છે. ચૌદમા વિભાગ ‘અવિરત ઝરણું’માં વર્ષ 1985-86થી ગયાં વર્ષના ડિસેમ્બર સુધીનાં કાર્યોની સાલવાર ઝલક મુદ્દાસર અને ઘણાં કોષ્ટકો સ્વરૂપે મળે છે.

તેમાં 1988-90ના વર્ષોમાં ‘પ્રયાસ’ દ્વારા ઉત્પાદિત સુધારેલાં ખેતીના અને ગૃહઉદ્યોગના સાધનો વિશે રસપ્રદ માહિતી છે. જેમ કે ‘દિવેલા થ્રેશર’ આખા દિવેલાનું કવચ તોડી અંદરના એરંડા છૂટા પાડવાનું તેમ જ મગફળી ફોલવાનું સાધન છે.

ખળામાં અનાજના દાણા છૂટા કર્યા પછી દાણામાંથી કચરાને ઉડાડવા માટે ઉણપવાના પંખા ‘પ્રયાસે’ બનાવ્યા. માટીની ઇંટો પાડવા માટે પેડલથી ચાલતું મશીન, ખેતરમાંથી નીંદામણ ઉખાડવા માટે કારબડી સેટ, મરચાં અને તુવેરદાળ હાથઘંટી, નખથી મકાઈ ફોલવાને દાણા સરળતાથી કાઢવા માટેનું મકાઈ દાંતી મશીન પણ સંસ્થાએ બનાવ્યાં.

તેણે પાસેથી બાળકો માટે સુકોમળ જાજરૂ, કુંભારને માટી પકવવા માટે સુધારેલા નીભાડા, કોતર બાંધવા તેમ જમીન નવસાધ્ય કરવા કોતર પ્લગ, માલ-માટી-દાણ વહન કરવામાં શ્રમ બચાવતી બે પૈડાંવાળી સુપડા ગાડી જેવી ભેટ પણ લોકોને ધરી.

આવાં અનેક સાધનોનું નવપ્રવર્તન (ઇનૉવેશન) ‘પ્રયાસ’ના ‘માનવીય ટેક્નોલૉજી ફોરમે’ કર્યું છે. ફોરમ સંસ્થાની અનોખી મૌલિક સિદ્ધિ છે. તેનો ઉદ્દેશ ગામડાંના લોકોના અને ખાસ કરીને ખેડૂત વર્ગના શ્રમ હળવા બને તેવાં સસ્તાં, ટકાઉ અને લોકભોગ્ય સાધનો બનાવવાનો છે.

તેના પાયામાં ‘પ્રયાસ’નો વૈજ્ઞાનિક અભિગમ અને તેના સ્થાપકો-કાર્યકર્તાઓના, કાર્યગ્રામોચિત ટેક્નોલોજી તેમ જ ખેત ઇજનેરીનું જ્ઞાન રહેલાં છે. ઇકોફ્રેન્ડલિ અભિગમ પણ તેમાં પૂરેપૂરો સમાયેલો છે.

માનવીય ટેક્નોલૉજી ફોરમ, ગ્રામોચિત ટેક્નોલૉજી, એગ્રોપોલિટન ડિસ્ટ્રિક્ટ (ખેતી આધારિત ગ્રામવસાહતો), ગ્રામ પોલિટેકનિક અને ‘પ્રયાસ’ની એકંદર તાત્ત્વિક ભૂમિકા તેરમા વિભાગ ‘અગત્યની કર્મકણિકાઓ’ના નવ પ્રકરણોમાં વાંચવા મળે છે.

તેમાંથી મોટા ભાગનાં મહેન્દ્ર ભટ્ટે સર્વોદય વિચારધારાના પાક્ષિક મુખપત્ર ‘ભૂમિપુત્ર’માં પ્રસિદ્ધ  થઈ ચૂકેલા છે એવી માહિતી જાણીતા સર્વોદય કર્મશીલ રજનીભાઈ  દવે આપે છે.

તેમાં ‘કેટલાંક ગ્રામોપયોગી સંશોધનો’ મથાળા હેઠળ વિવિધ સાધનોની આકૃતિઓ સાથે આપેલી માહિતી વિશેષ રસપ્રદ છે. આ સાધનો છે : ડમરૂ ચુલો, સૂરજ ચુલો, એકલિયું, કામકડાં, મકાઈ દાંતી, શીકા ચાળણો / ફીરકી ચાળણો, સુકોમળ જાજરૂ, કોતર પ્લગ, ટેબલ-કમ-કબાટ અને ખાતર સૂયો. 

મહેન્દ્રભાઈ અને તેમનાં પત્ની ભારતીબહેન સંસ્થાના આધારસ્તંભ છે. આ સંવેદનસભર સમર્પિત યુગલ પુસ્તકનાં પોણા બસોથી વધુ પાનાંમાં પ્રગટે છે, જેમાં તેમનાં સ્વકથન અને દર્શન પણ આવી જાય છે.

લગ્નજીવનની અરધી સદી વીતાવી ચૂકેલાં દૃષ્ટિસંપન્ન દંપતીના ‘સંતસ્વરૂપ’નું કિર્તન પુસ્તકના અગિયારેક વિભાગોમાં પણ વ્યાપેલું છે. ‘પરિવારજનોની અમીદૃષ્ટિ’ એવાં કૌટુંબિક પ્રકરણ ઉપરાંત અનુક્રમણિકા મુજબ ‘પ્રયાસ’ના નામે આવતા સાત વિભાગોમાં સંસ્થાના સાથીદારો, મિત્રો-શુભેચ્છકો, તાલીમ સંગાથીઓ, શિબિરાર્થીઓ, સંવર્ધકો અને ટ્રસ્ટીઓ થઈને એંશી જેટલા સમાજકાર્યકરોએ કરેલાં લખાણો મુખ્યત્વે મહેન્દ્ર-ભારતીની મહત્તાને કેન્દ્રમાં રાખે છે. રમેશ સંઘવીએ નોંધ્યું છે : ‘પ્રયાસની કથા એટલે મહેન્દ્રભાઈ-ભારતીબહેનની જ કથા’.

જો કે રમેશભાઈએ સંસ્થાના ઇતિહાસ વિશે લખતાં તેની સ્થાપનામાં પહેલ કરનાર ‘નીમપાગલ’ વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો છે, જેમની વાત વત્તીઓછી વિગતે બીજા લેખોમાં પણ મળી આવે છે. રમેશભાઈ કહે છે : ‘… નાનુભાઈ મજમુદાર અને જગદીશભાઈ લાખિયા, મહેન્દ્રભાઈ અને ભારતીબહેન તેમ જ પદ્માબહેન ચોકસી, સુશીલાબહેન ડાંગરવાલા, ડૉ અશ્વિનભાઈ પટેલ અને ડૉ. અશોકભાઈ ભાર્ગવ આ અષ્ટજનોનો ‘પ્રયાસ’ યાત્રારંભે રહ્યો.’

મહેન્દ્ર-ભારતીએ પોતે ‘સંસ્થાનું જતન’ વિભાગમાં ‘મંગળેશ્વર મહાદેવની એક ઝૂંપડીથી’ શરૂ થયેલી સંસ્થાની કથા લખી છે, જે ‘જીવનગાન’નાં બાર ગીતો અને ‘જીવનમંત્રથી પૂરી થાય છે.

પુસ્તકમાંથી સંસ્થાનું જે શીલ ઉપસે છે તેમાં સકળ સૃષ્ટિ માટે સમજપૂર્વકનો આદર, સાદગી અને સૌંદર્ય, શોધન અને નવપ્રવર્તન, ધીરજ અને ઠાવકાઈ, ‘લોક’ માટેની અફર શ્રદ્ધા જેવા ગુણોનો સમાન્વય મળે છે.

‘પ્રયાસે’ સમાજોપયોગી કાર્ય નોંધપાત્ર પ્રમાણમાં કર્યું છે, એમ આ પુસ્તક બતાવે છે. પણ તેનું નામ બીજી કેટલીક સેવાસંસ્થાઓની સરખામણીમાં ઓછું જાણીતું હોવાની આ લખનારની છાપ છે. તેની પાછળ સંસ્થાની પ્રસિદ્ધિથી દૂર રહીને કામ કરવાની વૃત્તિ હોઈ શકે.

સંસ્થામાં વિવિધરૂપે ફાળો આપનાર ખેડૂતો, દાતાઓ, શ્રમજીવીઓ, ગ્રામજનો, કાર્યકર્તાઓ અને બાળકોને ગ્રંથ અર્પણ કરવામાં આવ્યો છે. પુસ્તકનાં છેલ્લાં આડત્રીસ પાનામાં પ્રવૃત્તિઓની પોણા બસો રંગીન છબિઓ ઉપરાંત પચાસેક સ્ત્રી-પુરુષ કાર્યકર્તાઓના ફોટોગ્રાફ્સ છે.

‘પ્રયાસ’ના આ મહત્ત્વના માહિતી-સંચયમાં સંપાદકની ગેરહાજરી અને સંપાદનની સતત જરૂર વર્તાય છે. ‘મહેંક’ એવી ભૂલભરેલી જોડણી (સાર્થ જોડણીકોશ મુજબ) મુખપૃષ્ઠ સહિત બધી જગ્યાએ છે.

જો કે જે પુસ્તકમાં જે વિત્ત એકઠું થયું છે તેમાંથી મૂડીવાદ, ઉદ્યોગવાદ અને ઉપભોગવાદની સામે એક વિચારણીય વૈકલ્પિક દર્શનની પ્રતીતિ જરૂર થાય છે.

*   *   *   *   *   *   *   *

● આભાર : ભદ્રાબહેન સવાઈ, રજનીભાઈ દવે, સ્વાતિબહેન દેસાઈ

● પુસ્તકનાં પ્રાપ્તિસ્થાન અને કિંમત જણાવેલાં નથી. 

● સંસ્થાનું સરનામું : ‘પ્રયાસ’, મુ.પો. માંગરોળ, તા. નાંદોદ, જિલ્લો નર્મદા 393 150, e.mail : sarvanaginprayas@gmail.com

[આજના ‘દિવ્ય ભાસ્કર’ ની પૂર્તિમાં આવેલા મારા લેખની વધુ વિગતો સાથેની વર્ઝન]
[750 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સામ્પ્રત સમ્પાદનપ્રવૃત્તિ વિશે 

સુમન શાહ|Opinion - Literature|20 August 2023

સુમન શાહ

સામ્પ્રતમાં ચાલી રહેલી સમ્પાદન-પ્રવૃત્તિના સંદર્ભમાં, મને થાય છે, થોડી મુક્તતાથી વાત કરવી જરૂરી છે.

આપણે ત્યાંનાં સમ્પાદનોના પ્રકારો અને તેમાંના કેટલાકના મને થયેલા અનુભવોને આધારે એ વાત કરું તે વાજબી ગણાશે.

મારા એક સર્વોચ્ચ અનુભવની વાત કરું. સમ્પાદકશ્રી એક જમાનામાં મારા મિત્ર તે કહે, સુમન, તારા એ પુસ્તકના એ પ્રકરણનો અંગ્રેજીમાં અનુવાદ કરી આપ. મેં એ પ્રકરણ પર નજર નાખી, મને એ સામાન્ય લાગ્યું. મેં એને જણાવ્યું, અનુવાદ કરી તો શકાય પણ એને અંગ્રેજીના વાચકો માટે મૂકવું મને યોગ્ય નથી લાગતું. તો કહે, તને ગમતા કોઈ બીજા પ્રકરણનો કર. એટલે મને પ્રશ્ન થયો કે આવી છૂટ આપે છે તો સમ્પાદનનો કેન્દ્રવર્તી હેતુ શું હશે -? એને કયા સાહિત્યપરક આશયે આવા લેખો સમ્પાદિત કરવા હશે? એટલે મેં પૂછ્યું. પણ એનો જવાબ આપવાને બદલે એ મને એમ કહેવા લાગ્યો કે – અમેરિકાના ‘રતલેજ’ પ્રકાશને મને આ સમ્પાદનનું કામ સૉંપ્યું છે. હવે, અમેરિકામાં આ નામનાં બે પ્રકાશગૃહો છે, Routledge Hill press અને Routledge Books. એને કયા રતલેજે એ કામ સૉંપ્યું હશે એ પ્રશ્ન પાસે હું થંભી ગયો. મેં કહ્યું, ભલે, મને રતલેજનું ઇન્વિટેશન માોકલી આપજો.

એ વાતને વરસો થઈ ગયાં, આજ સુધી એઓશ્રી મૂક છે. એઓશ્રીને અમુક પ્રશ્નોના જવાબો આપવાનું ભારે પડે છે એમ એઓશ્રી સાથેના એક બીજા પ્રસંગથી દૃઢ થયેલું.

મને નામોમાં રસ નથી પણ કામો પાછળની પદ્ધતિઓમાં છે, ખાસ છે.

સમ્પાદનના એ પ્રકારને હું ઉત્તમ ગણું છું. કેમ કે સમ્પાદકના બોલ પર તમારું જ પ્રકરણ તમે જ અનુવાદ કરીને આપો ને કશી પણ ચોખવટ ન પૂછો, નિમન્ત્રણ તો માગો જ નહીં, માગો તો મૂંગારો મળે ! તમારા કશા જ વાંક વિના તમારા માટે હીણપતભર્યું પણ એમના માટે કેટલું સરળ ! સરળતમ.

સાહિત્યિક સંસ્થાઓ સમ્પાદનો કરાવતી હોય છે. સાહિત્ય અકાદમી દિલ્હીએ હાથ ધરેલાં સમ્પાદનો માટે મારી બે વસ્તુઓ પસંદ થઈ છે, એક નિબન્ધ અને એક સિદ્ધાન્તલેખ. આ વાતની મને ખબર ન પડત પણ સમ્પાદકો મારા મિત્રોએ તે મને જણાવ્યું. મેં કહ્યું -આ નિબન્ધ તો બહુ પ્રાથમિક દશાનો છે, મને પૂછ્યું હોત તો. મેં કહ્યું – પૂર્વસમ્મતિ? તો કહે – એ કામ તો અકાદમીએ કરવાનું હોય છે. સિદ્ધાન્તલેખોના સમ્પાદકને મેં ક્હ્યું – તેં પસંદ કરેલા મારા એ સિદ્ધાન્તલેખનું પ્રૂફરીડિન્ગ થવું જરૂરી છે. પી.ડી.ઍફ. હશે કે કશીક ટૅક્નિકલ મુશ્કેલીને કારણે એ ન થયું. એટલે મેં કહ્યું કે અકાદમીને કહેજો કે આ બાબતનું ધ્યાન રાખવામાં આવે.

આ બન્ને સમ્પાદનોની વાતને બેએક વર્ષ થઈ ગયાં. નથી અકાદમી તરફથી મને નિમન્ત્રણ અપાયું, નથી પૂર્વસમ્મતિ માગવામાં આવી; બન્ને સમ્પાદનો પ્રકાશિત થયાં કે કેમ તે પણ હું નથી જાણતો. કેમ કે એની જાણ પણ ત્યારે જ થાય જ્યારે જેને ખબર પડી હોય એ બીજો લેખકમિત્ર તમને જણાવે ! સાહિત્ય અકાદમી, દિલ્હીનો મારો આ અનુભવ પણ શ્રેષ્ઠ કોટિનો નથી લાગતો?

અન્ય સંસ્થાઓ પણ સમ્પાદનો કરાવતી હોય છે. ત્યારે પણ લેખકોને આ જાતની તકલીફો વેઠવી પડે છે. એવા એક ઑનલાઇન સમ્પાદનના સમ્પાદકે મારો એક વિવેચનલેખ લીધેલો તેની ખબર મને ત્યારે પડી જ્યારે એ સમ્પાદન જાહેરમાં મુકાયું. મેં સંસ્થાને લખ્યું કે – આ મારો બહુ પહેલાંનો લેખ છે, એ પછી તો આ વિષયમાં મેં ઘણું લખ્યું છે, સમ્પાદકને કહો કે બીજો લેખ લે. એ તો એમણે ન કર્યું અને તેથી સમ્પાદનના એ પ્રકાશિત પુસ્તકમાં મારો લેખ નથી. મારો શો વાંક?

સમ્પાદકને સમ્પાદનના કોઈક વિશિષ્ટ આશયથી સમ્પાદન કરવાની છૂટ છે. આશય જ સમ્પાદનના સાહિત્યિક મૂલ્યનું કેન્દ્રસ્થ કારણ છે. એ આશયમાં બંધ બેસે એવી લેખસામગ્રી માટે સમુચિત ગણી શકાય તેવા જ લેખકોને નિમન્ત્રણ અપાવું જોઈએ.

સમ્પાદન માટે લેખકને અપાતા નિમન્ત્રણમાં એ આશયની સ્પષ્ટતા હોય, તેમાં તેની સમ્મતિ માગવામાં આવી હોય, જણાવાયું હોય કે લગભગ આ સમયે સમ્પાદન પુસ્તક રૂપે પ્રકાશિત થશે, પુસ્તકની નકલ મોકલવામાં આવશે, આટલો પુરસ્કાર આપીશું, અથવા પુરસ્કાર નથી આપી શકતા. તેમછતાં, કોઈક નિમન્ત્રણમાં આટલી ચોખવટો ભલે ન થઈ હોય પણ લેખક કોઈક મુદ્દા વિશે પ્રશ્ન કરે તો તેનો ઉત્તર વાળવો પડે. આવું નિમન્ત્રણ સમ્પાદક આપે કે સંસ્થા આપે, પણ કોઈપણ સમ્પાદન માટે આવું જ નિમન્ત્રણ જરૂરી છે, અનિવાર્ય છે.

લેખકની એવી સર્વસમ્મતિ પછી જ કામ હાથ ધરાય, તેને બદલે આપણે ત્યાં ઊંધું જોવા મળે છે, ઊંધું એટલે સુધી કે છેક લગી લેખકને જ બાદ રાખવામાં આવે છે. બને કે લેખકને સમ્પાદક વિષયસજ્જ ન લાગ્યો હોય અને એ સમ્મતિ ન પણ આપે. એવી અસમ્મતિને પણ વધાવી લેવી જોઈશે.

કૃતિનાં અન્યો દ્વારા રૂપાન્તરો થાય ત્યારે આ મુશ્કેલીઓ વધશે – જેમ કે વાચિકમ્ વખતે કે કૃતિ પરથી નાટક કે ફિલ્મો બનાવાય ત્યારે. ત્યારે પણ એ રજૂઆતકર્તાઓની સજજ્તાનો પ્રશ્ન થશે – કૃતિને રજૂઆતકર્તા સમ્યક રૂપે પામી શક્યો છે કે કેમ – કૃતિના કર્તાની સૃષ્ટિની જાતભાતથી વાકેફ છે કેમ. આ બધા મુદ્દાઓના સંદર્ભે મૂળ લેખકની સર્વસમ્મતિ માટે પૂર્વસંવાદ અનિવાર્ય છે. આમાં પુરસ્કાર વગેરે બાબતો પણ ઉમેરાશે, કેમ કે રજૂઆત કરનારાઓને ફી અપાતી હોય તો મૂળ લેખકને કેમ નહીં?

વ્યાપક અર્થમાં આ ‘પ્રજ્ઞાપરાધ’ છે. અંગ્રેજીમાં ‘પ્લેજ્યારિઝમ’ કહેવાય છે. પ્લેજ્યારિઝમ એટલે સાહિત્યચોરી. નાના કે મોટા લેખકની સૃષ્ટિમાંથી એ જાણે નહીં એ રીતે કંઈપણ લઈ લેવું તે ચોરી છે. પારકાની સમ્પદાને ચોર્યા પછી પોતાને નામે ચડાવી દેવી એ મહાચોરી છે. કૉપિરાઇટનો કાયદો એટલે તો છે. એ કાયદાનું સૌએ પાલન કરવું જરૂરી છે. પરભાષાના અનુવાદ વખતે તો લિખિત પૂર્વસમ્મતિ અનિવાર્ય છે. એ જ રીતે, સ્વભાષાના પુસ્તકને અન્ય ભાષામાં મૂકતી વખતે પણ મૂળ લેખકની પૂર્વસમ્મતિ અનિવાર્ય છે.

સાહિત્યના અધ્યયનમાં કે પરીક્ષામાં અધ્યેતા કે વિદ્યાર્થી કોઈપણ લેખકનું કંઈપણ અવતરણ રૂપે મૂકી શકે છે, પૂર્વસમ્મતિની જરૂર નથી. પણ ત્યારે એ અવતરણની વીગતો આપવી અનિવાર્ય છે, લેખકનું નામ, પુસ્તકનું નામ, પાનનમ્બર, આવૃત્તિસાલ. અરે ! આ બધું તો અધ્યાપકો વર્ગમાં ભણાવતા જ હશે ને?

આપણે હવે ઇન્ટરનેટ-યુગમાં ૨૧-મી સદીમાં જીવીએ છીએ જેમાં વ્યક્તિ પોતાની અંગત વીગતને ભાગ્યે જ છુપાવી શકે છે. એ સંજોગોમાં, આપણા વ્યવહારો વધુ ને વધુ પારદર્શક હોવા જોઈશે. પારદર્શકતા માટે જરૂરી છે કે વ્યવહારો તર્કપુર:સરના હોય. એ વ્યવહારોની વીગતો જેટલી લિખિત હશે, કરારબદ્ધ, તેટલા એ વ્યવહારો શ્રદ્ધેય લેખાશે. એને ફૅઅર બિઝનેસ ડીલ કહેવાય.

સમ્પાદનો કે પુસ્તકપ્રકાશનો પણ કરારબદ્ધ હોય એવો સદાગ્રહ લેખકોએ તેમ જ પ્રકાશકોએ રાખવો જોઈશે. તો જ એ ફૅઅર ડીલ બનશે. જાણી લો કે ગુજરાતી સિવાયની લગભગ બધી જ ભાષાઓમાં કરાર વિના લેખક કે પ્રકાશક ડગલું યે આગળ નથી ભરતા.

આજકાલ પ્રકાશકો તરફથી એવું જાણવા મળે છે કે સાહિત્યનાં પુસ્તકો વેચાતાં નથી, સાહિત્યનો વેપાર આર્થિક રીતે નફાકારક નથી રહ્યો. આ વાતમાં દમ છે એમ સ્વીકારીએ પછી પ્રશ્ન એ કરવો પડે કે એવાં પુસ્તકો શું કામ કરો છો, ન કરો; અને જો કરો છો તો સરસ કરાર કરો ! લખો ને કે આટલા ટકા જ અથવા ઝીરો રૉયલ્ટી આપી શકાશે. પ્લીઝ, ધ્યાનમાં લો કે આ, ઓછામાં ઓછાં ૪૦ વર્ષથી કશા જ કરાર વિના પુસ્તકો છપાવનાર સુમન શાહ કહે છે !

પણ આપણે ત્યાં કોઈ કોઈ લેખકને પ્રકાશક માટે કરુણા જાગે છે ત્યારે લેખક તરીકેના સ્વમાનને ય બાજુએ મૂકી દે છે અને સામેથી પૈસા આપીને છપાવે છે. આ સહકારી વૃત્તિપ્રવૃત્તિ સારી છે કે કેમ, એ જુદી વાત છે. પણ એ લેખકો પોતાના એ સહકારની વીગતો જાહેર કરશે ખરા? કરશે તો પ્રકાશકો ચલાવી લેશે ખરા? આર્થિક નુક્સાન કે આર્થિક સહકારનો મુદ્દો જ વેપારવિષયક છે, સાહિત્યિક નથી, એટલે વધુ ચર્ચા કરવી વ્યર્થ છે.

વાત એટલી જ છે કે પ્રકાશક કે સમ્પાદક સાહિત્યજગતમાં જરૂરી છે તેમછતાં માત્ર એ જ કારણે લેખકની પુસ્તક વગેરે સામગ્રી એની સમ્મતિ વિના બજારમાં લઈ જવાનો પરવાનો નથી મળી જતો.

હું આશા રાખું કે ગુજરાતી સાહિત્યસમ્પાદનોની તેમ જ પ્રકાશનોની આ દુ:ખદ સ્થિતિનો નાશ થાય અને ગિવ ઍન્ડ ટેકના સ્વસ્થ ડીલની કમર્સિયલ પૅટર્ન પર બધું સરસ ચાલે અને એ રીતે આ વ્યવસાય આધુનાતન ઢબે વિકસ્યો હોય.

યાદ રાખો કે લેખન જ જ્યોતિ છે, પ્રકાશક કે સમ્પાદક એના પ્રકાશને માત્ર પ્રસરાવે છે.

= = =

(08/20/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0501,0511,0521,053...1,0601,0701,080...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved