હેલો ફ્રૅન્ડ્ઝ,
માય નેઇમ ઇઝ કોરોના કપૂર,
હાલ હું વિશ્વના પ્રવાસે નીકળ્યો છું.
રસ્તામાં થોડો સમય મળ્યો
મેં મારી બાયોગ્રાફી લખી.
ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી.
તમે અત્યારે લૉક ડાઉનમાં બોર થતા હશો.
વાંચજો.
યુ મે ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ.
ઇસવી સન 1999ની મધ્ય રાત્રિએ
જ્યારે દુનિયાભરનાં કમ્પ્યૂટર્સ
વાયટુકેના વાઇરસથી ફફડતાં હતાં
ત્યારે ઇન્ડિયામાં મારો જન્મ થયો હતો.
નાનપણથી હું ટૅલન્ટેડ હતો.
ડાઇપર પહેરતાં,
ભાંખોડિયા ભરતાં,
કેડબરીઝ ચગળતાં,
શર્ટનાં બટન વાસતાં,
સાઇકલ ચલાવતાં,
યુ નો, ઇન એવરીથિંગ,
આઈ વૉઝ અ ફાઇટર.
મારા ડૅડ ગ્રેટ હતા.
મને એમણે કૉન્વેન્ટમાં ભણવા મુક્યો.
આઇ ગૉટ, વી ગૉટ, યુ ગૉટ, યુ ગૉટ
હી, શી, ઇટ ગૉટ, ધે ગૉટ
સ્કૂલમાં જોરદાર પરફૉર્મ કરતો.
'બટ મિશનરીઝ આર બિગોટ',
ઘરે આવીને હું મૉમને કહેતો.
મારું ફૅમિલી વસુધૈવ કુટુમ્બકમ્માં બિલિવ કરે છે.
મારી નાનીનો ન્યૂ જર્સીમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર.
ને મામાની મિશિગનમાં મોટેલ છે.
અંકલની વેવાણ વર્જીનિયામાં,
ને ફોઈ ફેન્કફર્ટમાં છે,
ડેડીના ફાસ્ટ ફ્રેન્ડ,
લંગોટિયા દોસ્ત લોસ એન્જેલસમાં છે.
અમારું ડાયાસ્પોરા ફૅન્ટાસ્ટિક અને ફૅબ્યુલસ છે.
અમારા માટે તો લખાયેલી
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની
ગ્લોબલ ગુજરાતીની સિરીઝ છે.
2018માં હું કૅમ્બ્રિજ ગયો.
મૅનેજમેન્ટ ભણવા.
એ વર્ષે ક્રિસમસ મેં ન્યૂ યોર્કમાં સેલિબ્રેટ કરી.
મારી ફિયાન્સી ફૅની ફ્લોરિડાથી આવી.
ફૅની માસ્ટર શૅફ છે.
કેક્સ એન્ડ કુકીઝ,
કસ્ટાર્ડ્ઝ એન્ડ પેસ્ટ્રીઝ,
પાઇઝ એન્ડ પુડિંગ્સ.
ફૅની કેન કૂક એવરીથિંગ
એન્ડ સ્પિક્સ એક્સેલન્ટ ઇંગ્લિશ.
લવ યુ ફૅની.
2019ના નાતાલમાં મારું ફૅની સાથે બ્રેક અપ થયું.
હું એકલો યુરોપના પ્રવાસે નીકળ્યો.
મેડ્રિડ, પેરિસ, ફ્રેન્કફર્ટ, ઝુરીચ.
પ્રવાસમાં મેં ફૅનીને યાદ કરી.
મેં એને વોટ્સપ કર્યો,
મિસ યુ ફૅની.
મને ખબર નહોતી
હું તારા વિરહમાં આટલો બધો ઝૂરીશ.
રસ્તામાં ડૅડનો કૉલ આવ્યો.
મૉમ મૅટ સિરિયસ એક્સિડેન્ડ. કમ સૂન
મારા મોતિયા મરી ગયા.
હું સાંજની ફ્લાઇટમાં ઇન્ડિયા ભાગ્યો.
મૉમની બહુ જ ચિંતા હતી મને.
હું બહુ જ ડીપ્રેસ હતો.
પણ, જેવો હું સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યો.
મોમ ત્યાં જ હતી, ડેડ સાથે સાજીનરવી.
અને તેમની સાથે હતા હજારો લોકો.
રસ્તાની બંને બાજુએ.
મને વૅલ કમ કરતા હતા.
એમના હાથમાં મોટાં મોટાં હોર્ડિંગ્સ હતાં
એમાં લખેલું, 'વી લવ યુ, કોરોના કપૂર'.
'લોંગ લિવ કોરોના કપૂર'
'કમ એન્ડ સ્ટે ઇન ગુજરાત'.
'કુછ દિન તો ગુજારીયે ગુજરાતમેં'.
હું બધાંને ભેટ્યો.
બહુ જ ઇમોશનલ થઈ ગયો હું.
મને સેંકડો લોકોએ હગ કર્યું.
એમણે બીજા હજારોને હગ કર્યું.
લોકોએ ગગનભેદી નારો લગાવ્યો.
'હર હર કોરોના કપૂર
ઘર ઘર કોરોના કપૂર'.
એમનો પ્રેમ જોઇને હું અવાચક થઈ ગયો
આઇ વોઝ સ્પિચલેસ.
આવા ડિસન્ટ, લવિંગ લોકો
મને દુનિયામાં ક્યાં ય જોવા ના મળ્યા.
જ્યાં હું કદી ગયો નથી એવી જગ્યાએ
ઇવન સ્લમ્સમાં
લોકોએ મારો ફોટો મૂકીને મને ગારલેન્ડ કર્યું.
એમના પ્રેમનો બદલો હું કઈ રીતે વાળું?
મને કંઈ જ સમજાતું નથી.
હાલ તો વિશ્વપ્રવાસે નીકળ્યો છું.
હું ફરી આવીશ.
માય ડીયર ગુજરાત.
આઈ લવ યુ.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 10 મે 2020