26મી સપ્ટેમ્બરે, સદાબહાર અભિનેતા દેવ આનંદની 100મી જન્મ સાલગિરાહ મનાવામાં આવી રહી હતી, તે જ દિવસે ભારત સરકારે તેમની સહ-કલાકાર વહીદા રહેમાનને આ વર્ષના દાદા સાહેબ ફાળકે ખિતાબથી નવાજવાની જાહેરાત કરી હતી. વહીદાએ દેવ આનંદ સાથે સૌથી વધુ, સાત, ફિલ્મો કરી હતી : સી.આઈ.ડી. (1956), સોલહવા સાલ (1958), કાલા બજાર (1960), બાત રાત કી (1962), ગાઈડ (1965), રૂપ કી રાની ચોરો કા રાજા (1961) અને પ્રેમ પૂજારી (1970).
અલબત્ત, બંનેની કારકિર્દીમાં, અને હિન્દી સિનેમાના ઇતિહાસમાં પણ, ‘ગાઈડ’ ફિલ્મ સરતાજ સમી છે અને અગાઉ આપણે અહીં તેની વાત પણ કરી ગયા છીએ, પરંતુ બંનેની પહેલી ફિલ્મ ‘સી.આઈ.ડી.’ની વાત બહુ થતી નથી. કદાચ એનું કારણ એ હશે કે તે આજે જૂનવાણી લાગતી હશે (ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટ હતી), પરંતુ સાઈઠના દાયકામાં તે બહુ ‘મોડર્ન’ સાબિત થઇ હતી.
પશ્ચિમની સિનેમામાં ‘નોઈર’ ફિલ્મોનો એક પ્રકાર છે. જેનો નાયક સ્વાર્થી અને ભાવશૂન્ય (સીનિકલ) હોય, દૃશ્યોમાં ડાર્ક લાઈટનો ઉપયોગ હોય, વાર્તામાં ઘણાબધા ફ્લેશબેક હોય, અટપટો પ્લોટ હોય અને ફિલ્મમાં અસ્તિત્વ સંબંધી ફિલસૂફી હોય, તેને ‘નોઈર’ કહે છે. ‘સી.આઈ.ડી.’ એ પ્રકારની નોઈર ફિલ્મ હતી.
વાસ્તવમાં, દેવ આનંદનાં પ્રારંભિક વર્ષોમાં આવા સીનિકલ નાયક તરીકે પેશ કરવાનું શ્રેય ગુરુ દત્તને જાય છે. નિર્દેશક તરીકે, ગુરુ દત્તે પહેલીવાર ‘બાઝી’(1951)માં દેવ આનંદને જુગારી અને હત્યાના આરોપી બનાવીને દર્શકોની એક ‘નવા પ્રકાર’ના નાયકનો પરિચય કરાવ્યો હતો. ‘સી.આઈ.ડી.’માં એવી જ વિષય વસ્તુનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું.
ઇન ફેક્ટ, ‘બાઝી’ અને ‘સી.આઈ.ડી.’ ફિલ્મ વચ્ચે એક અન્ય દિલચસ્પ સંબંધ છે. બંને એક સાથે હિન્દી ફિલ્મ જગતમાં આવ્યા હતા અને પગ જમાવાની કોશિશ કરતા હતા. 1946માં, ‘હમ એક હૈ’ નામની ફિલ્મના સેટ પર તે પહેલીવાર મળ્યા હતા. નાયક તરીકે દેવની એ પહેલી ફિલ્મ હતી અને ગુરુ દત્ત એમાં સહાયક નિર્દેશક હતા. એમાં એકવાર ધોબીના કારણે તેમનાં શર્ટ અદલાબદલી થઇ ગયેલાં – દેવે ગુરુનું શર્ટ પહેર્યું હતું અને ગુરુએ દેવનું. ‘અમે ત્યારથી એકબીજાના આજીવન દોસ્ત બની ગયા હતા,’ એમ દેવે કહ્યું હતું.
એ વખતે તેમણે એકબીજાને વચન આપ્યું હતું કે દેવ જો હીરો બનશે તો ગુરુને નિર્દેશક તરીકે તક આપશે અને ગુરુ નિર્દેશક બનશે તો દેવને હીરો તરીકે લેશે. દેવ હીરો બની ગયા એટલે ‘બાઝી’ નું સુકાન ગુરુને સોંપ્યું. 5 વર્ષ પછી, ગુરુએ તેમની સ્વતંત્ર ફિલ્મ કંપનીના બેનર હેઠળ ‘સી.આઈ.ડી.’ બનાવી તો દેવને મુખ્ય ભૂમિકામ લીધા.
ફિલ્મ ઘણી બધી રીતે સીમાચિન્હ રૂપ હતી. હિન્દી સિનેમામાં ક્રાઈમ ફિલ્મોનો દૌર 80-90ના દાયકામાં અન્ડરવર્લ્ડના માફિયાઓના જમાનાથી શરૂ થયો ન હતો. એથી ય પહેલાં, દેવ આનંદ અને ગુરુ દત્તે દર્શકોને પહેલીવાર ‘બોમ્બેનો ક્રાઈમ’ કેવો હોય તે બતાવ્યું હતું. ફિલ્મનો વિષય જ એવો હતો કે તેનું એક ગીત મુંબઈને જ ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યું હતું અને જે આજે પણ મુંબઈના સ્તુતિગાન જેવું છે : યે દિલ હૈ મુશ્કિલ જીના યહાં … જરા હટકે, જરા બચકે … યે હૈ બોમ્બે મેરી જાન.
ગીતની લોકપ્રિયતા એ હકીકત પરથી સબિત થાય છે તેની પંક્તિ પરથી પાછળથી બે ફિલ્મોનાં ટાઈટલ આવ્યાં હતાં : સૈફ અલી ખાનની ‘યે હૈ બોમ્બે મેરી જાન’ (1999) અને રણબીર કપૂરની ‘યે દિલ હૈ મુશ્કિલ’ (2016).
‘સી.આઈ.ડી.’માં નાયક, ટાઈટલ પરથી જ સ્પષ્ટ છે તેમ, પોલીસ ઇન્સ્પેકટર (શેખર) છે અને તે એક અખબારના સંપાદકની હત્યાની તપાસ કરી રહ્યો છે (પત્રકારની હત્યા પણ એ સમયના દર્શકો માટે નવીનતા હતી). કેસ એકદમ સીધો હતો, પણ ઇન્સ્પેકટરને એમાં બીજી કોઈ ગંધ આવે છે. તે કેસમાં ઊંડો ઉતરે છે. એમાં તેના હાથે સંપાદકના હત્યારાનું ખૂન થઇ જાય છે, અથવા એવો તેના પર આરોપ મુકાય છે. હવે, પોતાને અત્યંત હોંશિયાર માનતો શેખર પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે દર-દર ભટકે છે.
ફિલ્મમાં વહીદા રહેમાને ક્રિમીનલ ધરમદાસ(બિર શખુજા)ની ટોળકીમાં જાસૂસની ભૂમિકા ભજવી હતી. વહીદાની આ પહેલી હિન્દી ફિલ્મ હતી. વહીદા તેલુગુ ફિલ્મોમાં કામ કરતાં હતાં, અને ગુરુ દત્તની નજર તેમની પર પડી હતી. ગુરુ દત્તે જ તેમને ‘સી.આઈ.ડી.’ ફિલ્મ માટે મુંબઈ આવવાનું કહ્યું હતું. વહીદાની એ નેગેટિવ ભૂમિકા હતી. તેમની બીજી જ ફિલ્મ ‘પ્યાસા’માં ગુરુ દત્તે તેમને વેશ્યા તરીકે પેશ કર્યાં હતાં. તે વખતના રૂઢિચુસ્ત સમયમાં પણ ગુરુ દત્ત કેવી સાહસિક ફિલ્મો બનાવતા હતા તેની આ સાબિતી હતી.
‘સી.આઈ.ડી.’ ફિલ્મમાંથી બીજી એક પ્રતિભા હિન્દી સિનેમાને મળી તે નિર્દેશક રાજ ખોસલા. રાજજી ઓલ ઇન્ડિયા રેડિયોના સંગીત વિભાગમાં કામ કરતા હતા (સી.આઈ.ડી. સહિત ભવિષ્યની તેમની ફિલ્મો ‘વોહ કૌન થી?’ ‘મેરા સાયા,’ ‘મેરા ગાંવ મેરા દેશ,’ ‘મૈ તુલસી તેરે આંગન કી’માં કેમ શાનદાર ગીતો હતાં તેનું કારણ આ નોકરી હતી).
દેવ આનંદે એમનામાં બીજી પ્રતિભા જોઈ હતી અને તેમને ગુરુ દત્તના સહાયક તરીકે રખાવ્યા હતા. ‘સી.આઈ. ડી.’થી તેમણે સાબિત કર્યું કે ફિલ્મ નિર્દેશનની કેટલી અનન્ય સૂઝ હતી. ‘સી.આઈ.ડી.’ તેના દિલચસ્પ પ્લોટ, અનોખા કેમેરા વર્ક (વી.કે. મૂર્તિ), સોંગ પિક્ચરાઈઝેશન અને સંગીત માટે આજે પણ યાદગાર છે.
થ્રિલર ફિલ્મને અનુરૂપ તેનું બેકગ્રાઉન્ડ સંગીત અનોખું તો હતું જ પણ ગીતો ય કર્ણપ્રિય હતાં. કુલ છ ગીતો હતાં અને તમામે તમામ સુપરહિટ હતાં. સંગીતકાર ઓ.પી. નૈયર અને ગીતકાર મજરૂહ સુલતાનપુરીએ જાણે સંગીતનો જાદુ જ કર્યો હતો. ગુરુ દત્તની બીજી એક અનન્ય શોધ જોની વોકર પર ફિલ્માવાયેલા એક ગીતની તો આપણે ઉપર વાત કરી, એ સિવાય બીજા પાંચ પણ એટલાં જ સુંદર હતાં : બૂઝ મેરા ક્યા નામ રે (શમશાદ બેગમ), લેકે પહેલા પહેલા પ્યાર (શમશાદ, આશા ભોંસલે, રફી), જાતા કહાં હૈ દીવાને (ગીતા દત્ત), આંખો હી આંખો મેં ઈશારા હો ગયા (ગીતા દત્ત-રફી), કહીં પે નિગાહેં કહીં પે નિશાના (શમશાદ બેગમ).
‘સી.આઈ.ડી.’ 1956ની સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ હતી. કહેવાય છે કે તેણે સવા કરોડનો વકરો કર્યો હતો. ગુરુ દત્ત એટલા ખુશ થઇ ગયા હતા કે તેમણે નિર્દેશક રાજ ખોસલાને એક વિદેશી સ્પોર્ટ્સ કાર ભેટમાં આપી હતી.
જો કે, વહીદા રહેમાન અને રાજજીને વાંકું પડ્યું હતું. વહીદા સૌ પહેલાં તો તેમનું નામ બદલવાની ના પાડી હતી. બીજું, રાતે મોડે સુધી કામ કરવા ઇનકાર કર્યો હતો અને ત્રીજું, ઉઘાડાં કપડાં નહીં પહેરવાની શરત મૂકી હતી.
એક ઇન્ટરવ્યૂમાં વહીદાએ તેને યાદ કરીને કહ્યું હતું, “સી.આઈ.ડી. પછી રાજ ખોસલા મારાથી નારાજ હતા. તેમને એવી ફરિયાદ હતી કે મેં અમુક દૃશ્યો કરવાની, અમુક કપડાં પહેરવાની ના પાડી દીધી હતી. ‘એને તો અભિનય કરતાં ય આવડતો નથી’ એવું પણ તેમણે કહ્યું હતું. એ પછી અમે ‘પ્યાસા’ ફિલ્મનું શુટિંગ કરવા માટે કલકત્તા ગયા હતા, ત્યારે એક સહાયક નિર્દેશકે મને કહ્યું હતું કે ગુરુ દત્તજી તમારા કામથી બહુ ખુશ છે. એટલે મેં કહ્યું, એમ? રાજ ખોસલાજીને તો બહુ ખુશી નથી. વાસ્તવમાં, બંને નિર્દેશક એકબીજાથી એકદમ ભિન્ન હતા.”
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 04 ઑક્ટોબર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર