
રાજ ગોસ્વામી
વિશ્વમાં, ચોખાના વેપાર અને તેના ઉપભોગમાં સંકટ ઊભું થવાના અણસાર છે. કેમ? દેશમાં અનાજના ભાવોમાં ફૂગાવાને નિયંત્રણમાં લેવા માટે ભારતે બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચોખાના આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતની નિકાસ 40 ટકા છે. ગયા વર્ષે, ભારતે 140 દેશોમાં 2.2 કરોડ ટન ચોખાની નિકાસ કરી હતી. એમાં 60 લાખ ટન સફેદ સસ્તા ઇન્ડિકા જાતિના ચોખા હતા. ભારતે આ ઇન્ડિકાની નિકાસ બંધ કરી છે. પરિણામે, આયાતકર્તા દેશોમાં ચોખાની તંગી સર્જાવાનો ભય છે.
વૈશ્વિક સ્તરે, આહારની ચીજ-વસ્તુઓમાં ચોખા, ઘઉં અને મકાઈનો દબદબો છે. એમ કહો કે વધુ પડતી નિર્ભરતા છે, અને તે ચિંતાનું કારણ પણ છે. વિશ્વમાં, મનુષ્યજાતિનો પોણા ભાગનો આહાર માત્ર 12 વનસ્પતિ અને પાંચ પ્રાણીઓમાંથી આવે છે. તેમાં 51 ટકા કેલેરી ચોખા, ઘઉં અને મકાઇમાંથી આવે છે.
એમાં વધુ એક વિભાજન છે. પશ્ચિમમાં, વિશેષ કરીને યુરોપિન દેશોમાં, ઘઉં વધુ ખવાય છે, જયારે પૂર્વમાં ચોખાનો વપરાશ વધુ છે. વિશ્વમાં સૌથી વધુ ચોખા ચીન, ભારત અને ઇન્ડોનેશિયામાં પાકે છે. એશિયા બહાર, બ્રાઝિલ સૌથી વધુ ચોખા પકવે છે. ચોખાનો સૌથી વધુ વપરાશ એશિયા, લેટિન અમેરિકા અને આફ્રિકાના અમુક ભાગોમાં થાય છે. ચોખાની પહેલી ખેતી ભારત અથવા દક્ષિણપૂર્વ એશિયામાં થઇ હતી.
ભારત-ચીન ઉપરાંત અમેરિકા, ફ્રાન્સ અને રશિયા સૌથી વધુ ઘઉં પકવે છે. ઘઉંની પહેલી ખેતી મધ્યપૂર્વમાં ઈરાક નજીક શરૂ થઇ હતી. હકીકતમાં, કૃષિ ક્રાંતિની શરૂઆત જ ઘઉંની ખેતીથી થઇ હતી.
કૃષિ અને સામાજિક વિજ્ઞાનીઓમાં તો એવો પણ મત છે કે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓમાં જે તફાવત છે, તેના મૂળમાં ચોખા અને ઘઉંની ખેતીની ભૂમિકા છે. જેમ કે ડાંગરની ખેતીમાં વધુ મહેનત કરવી પડતી હોય છે એટલે એ સમુદાયોમાં સહકારનું પ્રમાણ વધુ છે, જે અંતત: તેમની સહિયારી સામાજિક જીવનશૈલીમાં પ્રતિબિંબિત થાય છે, જ્યારે ઘઉં પકવતા લોકો સ્વતંત્ર જીવનશૈલીવાળા હોય છે કારણ કે તેમાં ડાંગર કરતાં અડધી મહેનતની જરૂર પડે છે.
આ થિયરીનું શ્રેષ્ઠ ઉદાહરણ ચીન છે. ચીનના ઘઉં પકવતા ઉત્તરીય પ્રદેશની સરખામણીમાં દક્ષિણ ચીનના ચોખા ખાતા લોકો સર્વગ્રાહી, શાંતિપ્રિય અને મિત્રાચારવાળા છે. યુનિવર્સિટી ઓફ વર્જિનિયા, અમેરિકાનો સાયકોલોજીનો પીએચ.ડી. વિદ્યાર્થી થોમસ થેલ્હેમ 2007માં ચીનમાં અંગ્રેજી ભણાવવા ગયો, ત્યારે તેના ધ્યાનમાં આવ્યું હતું કે ઉત્તર અને દક્ષિણ ચીનને જાન્સ્તી નામની નદી વિભાજિત કરે છે. એમાં જાન્સ્તીના ઉપરવાસમાં ઘઉંની ખેતી થાય છે અને નીચાણમાં ડાંગરની.
થેલ્હેમ ‘સાયન્સ’ નામના એક પ્રતિષ્ઠિત સામયિકમાં લખ્યું હતું કે ડાંગરની ખેતી કઠિન છે અને ખેડૂતોએ સિંચાઇ માટે જમીનો તૈયાર કરવાથી લઇને ડેમ બનાવવા અને એકબીજાના સહકારમાં પાણી વહેંચવા જેવા સંગઠિત પગલાં ભરવાં પડે. એની સામે ઘઉં પકવવા માટે માત્ર વરસાદનો સમય જ સાચવવાનો હોય છે. થેલ્હેમ કહે છે કે ડાંગરની ખેતી કરતી જનતા સંગઠિત અને સહકારી હોય છે, કારણ કે તેમનો આપસી સંઘર્ષ ખેતીમાં નુકસાનકારક નીવડે છે.
તમે ઉત્તરવાળા ચીનીઓને પૂછો તો એ કહેશે કે દક્ષિણના ચીનાઓ રાજકારણમાં ઓછા અને પૈસા કમાવવામાં વધુ વ્યસ્ત હોય છે. દક્ષિણવાળાને પૂછો તો એ કહેશે કે ઉત્તરની પ્રજા ખાઉધરી અને ‘અસંસ્કૃત’ છે. દક્ષિણવાળા ભાગ્યે જ રસ્તા પર થૂંકે, જ્યારે ઉત્તરવાળા તો ગાળો ય થૂંકની જેમ કાઢે. આધુનિક ચીનના રચયિતા ડેંગ ઝિયાપોંગના 80ના દાયકાના સુધારીકરણમાં, ઉત્તરની સરખામણીમાં દક્ષિણનો વિકાસ બહુ ઝડપથી થયો હતો અને એમાંથી એક ડર પ્રચલિત થયેલો કે ચીનની સંસ્કૃતિમાં ‘સરકારી ઉત્તર’ અને ‘ધંધાદારી દક્ષિણ’ વચ્ચેની ખાઈ મુસીબત સર્જશે.
લૂ સૂન નામના પ્રખ્યાત લેખકે લખ્યું હતું, “મારી દૃષ્ટિએ ઉત્તરવાળા નિષ્ઠાવાન અને ઇમાનદાર છે. દક્ષિણમાં લોકો કુશળ અને તેજ દિમાગ છે.” ૧૭મી સદીનો શેંગ સ્તુ નામનો ચાઇનીઝ રાજા કહી ગયો હતો કે, “ઉત્તરવાળા મજબૂત છે. એમણે દક્ષિણવાળાના તરંગી ખોરાકની નકલ ન કરવી જોઇએ કારણ કે એ લોકો નબળા છે, જુદી આબોહવામાં રહે છે અને તેમનાં પેટ તથા આંતરડાં જુદાં છે.”
દક્ષિણ ચીન-ઉત્તર ચીનના વિભાજનના તર્કને જરા વધુ ખેંચીએ તો વિશ્વ પણ પશ્ચિમ અને પૂર્વમાં વહેંચાયેલું છે. સાયકોલોજિસ્ટ કહે છે કે પશ્ચિમની ઘઉં પ્રેમી જનતા વ્યક્તિ કેન્દ્રિત, વિશ્લેષણાત્મક મગજવાળી છે. તેની સરખામણીમાં ચોખા ખાતા પૂર્વીય લોકો સમૂહપસંદ અને કોઠાસૂઝવાળા છે.
ભારતમાં ઉત્તર ભારતીયોને ‘ભૈયા’ અને દક્ષિણ ભારતના લોકોને ‘મદ્રાસી’ કહીને ઉતારી પાડવાની વૃતિમાં પણ ઘઉં-ચોખાની ભૂમિકા છે? દક્ષિણમાં ચોખા મુખ્ય ખોરાક છે. ત્યાંના ઉષ્ણ કટિબંધીય પ્રદેશમાં ડાંગરની ખેતી વધુ થાય છે, જ્યારે સમશીતોષ્ણ ઉત્તરની ભૂમિ ઘઉં માટે વધુ ફળદ્રુપ છે. દક્ષિણમાં પણ રોટી ખવાય છે પણ તે ચોખાની બને છે. ઉત્તરમાં જે ચોખા ખવાય છે તે લાંબા, ઓછા ચીકાસવાળા અને ખુશ્બોદાર હોય છે.
1876-78માં, ભારતમાં દુષ્કાળ પડયો, ત્યારે મદ્રાસના તત્કાલીન સેનેટરી કમિશનર ડબલ્યુ. આર. ર્કોનીશે બ્રિટિશ સરકારના સલાહકાર સર રિચાર્ડ ટેમ્પલને બ્રિટિશરોએ ભારતમાં શું ખાવું જોઇએ અને શું ન ખાવું જોઇએ તેનું વિવરણ કરતાં લખ્યું હતું કે ચોખા સુખી-સંપન્ન, વિલાસ અને ઉપલા વર્ગના, બ્રાહ્મણ લોકોનો ખોરાક છે. ભારતમાં આજે પણ ઘણા લોકો માને છે કે ચોખા ખાવાથી ઉજળા થવાય અને ઘઉં ખાવાથી કાળા.
1912માં, કલકત્તા મેડિકલ કોલેજના શરીરશાસ્ત્ર ડો. મેકેયે નોધ્યું હતું કે બંગાળ અને યુનાઇટેડ પ્રોવિન્સની જેલોના કેદીઓની સરખામણીમાં, ઉત્તરની જેલોના ખોરાકમાં ઘઉંની ઉપસ્થિતિના કારણે રોજનું 12થી 14 ગ્રામ વધુ નાઇટ્રોજન મળે છે. ચોખામાં એનું પ્રમાણ 8 થી 9 ગ્રામ છે.
1915 સુધીમાં ભારત સંબંધી બ્રિટિશ સૈનિક વિચારધારા અને વ્યૂહરચનામાં એ માન્યતા સ્વીકારાઇ ગઈ હતી કે ઉત્તર અને ઉત્તરપશ્ચિમના ઘઉં પ્રેમી પંજાબીઓ, પઠાણો અને બીજી જાતિઓ ઉમદા યૌદ્ધા પુરવાર થાય છે. જ્યારે ચોખા ખાતા બંગાળીઓ અને મદ્રાસીઓ દુર્બળ, ટૂંકા અને સ્ત્રૈણ છે.
બ્રિટિશરોના ચોખા-વિરોધી આ અભિગમની અસર બંગાળીના ભદ્રલોક પર પણ પડી હતી. 1929માં, આહાર સંબંધી ચર્ચામાં કલકત્તા મેડિકલ કોલેજના કેમિસ્ટ્રીના પ્રોફેસર ચુનીલાલ બોઝે કહ્યું હતું કે ચોખામાં પોષક તત્ત્વો ઓછાં હોય છે અને ભારતમાં ઊંચા મૃત્યુદર તથા નીચા જન્મદર પાછળ ચોખા જવાબદાર છે.
ટૂંકમાં, આર્યો ઘઉં ખાતી જનતા હતી અને દ્રાવિડિયનો ચોખા પ્રેમી પ્રજા હતી એવું સમીકરણ બેસે છે. સિંધુ સંસ્કૃતિમાં ડાંગરની ખેતી થતી હોવાના પુરાવા છે. ભારતના એક પત્રકારે સાયકોલોજિસ્ટ થોમસ થેલ્હેમને આ ‘રાઇસ થીયરી’ અંગે ઇ-મેલથી પૂછ્યું હતું, તો એણે કહ્યું હતું, “ભારતમાં ચોખા ખાતા લોકો વિશાળ દિલના છે,” ગુજરાતીઓ પણ માફીપસંદ છે. ગુજરાતીઓ ફાંકા-ફોજદારી કરતા નથી. ‘વાણિયાની મૂંછ નીચી’ એવી કહેવત કદાચ ગુજરાતીઓની ‘દાળ-ભાતિયા’ માનસિકતામાંથી જ આવી હશે?
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 13 ઑગસ્ટ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર