હૈયાને દરબાર
સુગમ સંગીતને સામાન્ય જન સુધી પહોંચાડવામાં અવિનાશ વ્યાસનું પ્રદાન અનન્ય છે.
એ હંમેશાં કહેતા કે કવિતાનો ઈજારો જેટલો સાક્ષરોનો છે તેટલો જ અભણ, અપંડિત કે નિરક્ષરોનો છે
એક સમય હતો જ્યારે ગુજરાતી ગીતો ઘર ઘરમાં ગવાતાં હતાં. એટલિસ્ટ, ગુજરાતમાં તો ખરાં જ. યાદ કરો, તમારાં મા, દાદી કે નાનીને. એમના કંઠે તમે ગુજરાતી લોકગીત, ભજન, ગરબા અને કંઈ નહીં તો હાલરડાં તો સાંભળ્યાં જ હશે. એમને કોઈ તાલીમની જરૂર નહોતી. હૃદયમાંથી સીધો નીકળતો સૂર અને મનપસંદ ગીતો એમને કંઠસ્થ હતાં. ગુજરાતી ગીતોમાં નારી સંવેદનાની વાત કરીએ છીએ તો આપણાં મૂળ લોકગીતો કોણે રચ્યાં હશે એવો સવાલ સ્વાભાવિક રીતે થાય એ શક્ય છે. એમાં કવિ-ગીતકારનું નામ તો ભાગ્યે જ જોવા મળે.
તો પછી એ લોકગીતો આપણી દાદી-નાની કે પરદાદીએ જ કદાચ રચ્યા હોઈ શકે. એટલે જ પારંપારિક ગીતોમાં ઘંટી, મેડી, સાંબેલું, ચૂંદડી, નણંદ, ભોજાઈ, સાસુ, સસરા, શોક્ય, દીકરી, માતા જેવા શબ્દો બહુ સ્વાભાવિક રીતે વણાઈ ગયા છે. એ જમાનાની સ્ત્રીઓ તો ભણેલી ય નહોતી.
મુખોપમુખ અને કર્ણોપકર્ણ સાંભળેલાં ગીતો જ પેઢી દર પેઢી સુધી પ્રચલિત થતાં. સાક્ષરતા વધી પછી પુરુષ કવિઓ દ્વારા નારીહૃદયનાં સ્પંદનો લેખિત સ્વરૂપે ઝિલાવાં લાગ્યાં. કન્યા કેળવણીના વ્યાપ પછી સ્ત્રીઓ કવિતા લખતી થઈ અને આજે તો સ્ત્રી કવિની બંડખોર કવિતાથી લઈને સુંવાળી સંવેદનશીલ કવિતાઓ અને ગીતો આપણને સાંભળવા મળે છે.જ્યારે માત્ર લોકગીતો અને ભજન પરંપરા જ સંગીત તરીકે વ્યાપ્ત હતી એવા સમયે એક એવો ગરવો ગુજરાતી પાક્યો જેણે આખા ગુજરાતને ગાતું કરી દીધું. એ મહા ગુજરાતી એટલે અવિનાશ વ્યાસ. વીસમી સદીમાં અવિનાશ વ્યાસ ગુજરાતી સુગમસંગીતના પર્યાય કહેવાય છે. એવા આ અવિનાશી અવિનાશ વ્યાસનું સદાબહાર ગીત એટલે છેલાજી રે …! એ જમાનામાં સ્ત્રીના હાથમાં તો નાણાંનો વહીવટ હતો નહીં (હજુ આજે ય કેટલાં ય કુટુંબોમાં કમાતી પત્ની હોય છતાં પૈસાનો દોર પતિના હાથમાં જ હોય એ દુર્ભાગ્ય) એટલે ઘરખર્ચ સિવાય સાજ શણગાર માટે સ્ત્રીએ પતિદેવને રિઝવવા પડે. જો કે, આ ગીતમાં રિઝવવા કરતાં ફરમાનનો ભાવ વધારે દેખાય છે. નવી નવેલી પરણેતર પાટણ જતા પ્રિયતમને પટોળું લાવવાનું ફરમાન કરે છે અને કહે છે પાટણથી પટોળાં મોંઘાં લાવજો. અહીં ‘મોંઘાં’ શબ્દ બહુ અગત્યનો છે. પટોળાની સેકન્ડ, થર્ડ કોપી નહીં ચાલે. પટોળું તો ઓરિજિનલ મોંઘું જ જોઈશે અને પાછું રતુંબલ લાલ ચટ્ટક જ. એમાં મોરલિયા ખાસ ચિતરાવજો. પટોળાની ભાતમાં મોર-પોપટ અને હાથી શુકનવંતા મનાય છે એટલે જ વહુરાણી કહે છે, રંગ રતુંબલ, કોર કસુંબલ, પાલવ પ્રાણ બિછાવજો રે …! પટોળું આખું ભલે મોરલાની ભાતનું હોય પણ સાડીનો મુખ્ય ભાગ પાલવ કહેવાય ત્યાં તમે પ્રાણ બિછાવજો .. એટલે કે હોંશથી અને મારા પર જાન ન્યોછાવર કરીને લાવજો, માત્ર હું કહું છું એટલે નહીં. તમારા હૃદયના ઈશારેથી, વ્હાલ વેરીને પાલવ બંધાવજો. સ્ત્રીની કહેવાની રીત જ એવી કે ભલભલો પુરુષ પીગળી જાય. પાછું એને માત્ર પટોળું જ નથી જોઈતું. એને તો પાટણની પદમણી નાર થવાનાં ઓરતાં છે. સૌંદર્યમૂર્તિ રાજરાણી જેવા શણગાર સજવા છે. તેથી એ કહે છે :
ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,
ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે …
હીરાજડિત ચૂડો અને ઝળહળતાં ઝૂમખાં વિના સ્ત્રીનો શણગાર અધૂરો કહેવાય. પટોળાં સાથે ચૂડો અને ઝૂમખાં લઈ આવવાનો ટહુકો કરતી નારનું પ્રેમભર્યું ફરમાન કયો પુરુષ અવગણી શકે? આવી સરસ મજાની લાગણી અને મીઠી માગણીને અભિવ્યક્ત કરતું ગીત સુગમસંગીત જાણતી અને માણતી દરેક મહિલાએ ક્યારેક તો ગાયું જ હશે. અવિનાશ વ્યાસે એવાં સરળ ગીતો લખ્યાં અને સ્વરબદ્ધ કર્યાં કે આજે પણ અવિનાશ વ્યાસનાં ગીતો લોકોના કંઠમાં સચવાયેલાં છે. આ એમની જેવી તેવી સિદ્ધિ નથી.
સુગમ સંગીતને સામાન્ય જન સુધી પહોંચાડવામાં અવિનાશ વ્યાસનું પ્રદાન અનન્ય છે. એ હંમેશાં કહેતા કે કવિતાનો ઈજારો જેટલો સાક્ષરોનો છે તેટલો જ અભણ, અપંડિત કે નિરક્ષરોનો છે. કવિતાનું સગપણ જેટલું વિદ્વત્તા સાથે છે, કવિતાનો કસબ જેટલો સાક્ષર જાણે છે તેટલો જ, કદાચ વધારે, સામાન્ય માણસ પણ જાણે છે. મીરાંએ કયા કવિ સંમેલનમાં જઈને કવિતા વાંચી હતી? છતાં જગતને મોંઘેરો વારસો આપી ગઈ. અમદાવાદની દેસાઈની પોળનો અખો ભગત ક્યાંનો સાક્ષર? પણ એની કવિતાના ચાબખાનો સ્વાદ ચાખ્યો છે ને આપણેે? આ બધું જોઈ-જાણીને જ અવિનાશ વ્યાસે ગુજરાતની દરેક ગૃહિણી અને દરેક સદગૃહસ્થ સરળતાથી ગાઈ શકે એવાં ગીતોનું સર્જન કર્યું. ૧૯૫૦ પછી અર્વાચીન ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે અવિનાશ વ્યાસ નામનો સિતારો ચમક્યો અને ગુજરાતી સુગમ સંગીત, કાવ્ય સંગીત કે પછી એને લોકજીભે ચડેલું સામાન્ય ગીત કહો, એનો જન્મ થયો. તેમણે બોલચાલની ભાષાથી લઈને ઉચ્ચ સાહિત્યિક ગીતો ૧૫, ૦૦૦ જેટલાં લખ્યાં. દોઢસોથી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું. ૧૯૭૦માં પદ્મશ્રી સન્માન એમને પ્રાપ્ત થયું હતું.
પરંતુ, અવિનાશ વ્યાસના ગીત-સંગીતમાં આશા ભોંસલેના કંઠે સૌપ્રથમ ગવાયા બાદ આજે આ ગીત મોટાભાગનાં કાર્યક્રમોમાં, ગરબામાં ગવાય છે. આ ગીત ‘સોન કંસારી’ નામની ગુજરાતી ફિલ્મમાં લેવાયું હતું પણ સ્નેહલતા અને ઉપેન્દ્ર ત્રિવેદીની જોડી હોય એવી કદાચ એકે ય ગુજરાતી ફિલ્મ અમે જોઈ હોય એવું યાદ નથી આવતું એટલે ફિલ્મની કથા માંડવાનો અર્થ નથી.
પરંતુ, મહારાષ્ટૃિયન આશાજીના કંઠે પાટણને બદલે ‘પાટન’ ઉચ્ચાર જરા ખટકે. તેમ છતાં એમના અવાજમાં આ સુંદર ગીત સાંભળવું એ એક લહાવો જ. યુ ટ્યુબ પર સર્ચ કરશો તો પહેલાં તો આ ગીતનું કોઈક સુચેતાબહેને ગાયેલું અત્યાધુનિક વર્ઝન જ દેખાશે જેમાં, ‘છેલાજી’ ‘મોંઘી દાટ કારમાંથી ઊતરે છે ને મોડર્ન વેશભૂષા ધરાવતી’ ‘પદમણી’ નાર સિડક્ટિવ વોઈસમાં છેહલાહજી રેએએએ, મારે હાટું પાટણથી પટોડાં મોંઘા લાહવજોહ …જેવું કંઈક ગાય છે. એ તમારે સાંભળવું હોય તો સાંભળજો પણ મૂળ વર્ઝન તો કંઠસ્થ કરી જ લેજો.
અતિ લોકપ્રિય ગીતો જ નવી પેઢીમાં કવર સોન્ગ કે રીમિક્સ તરીકે આવે છે.
નવી પેઢીને ગુજરાતી ગીતો તરફ આકર્ષવા ભલે ગુજરાતી રિમિક્સ કે કવર વર્ઝન થાય પણ બાપલા, યુવા પેઢીમાં આજકાલ ‘ળ’ ને બદલે ‘ડ’ બોલવાની બોલબાલા વધી રહી છે એ કોઈ સુધારે તો સારું. ગુજરાતી ન વાંચી શકતી નવી પેઢીને ભાષા સમજાય એ માટે અંગ્રેજી લિપિમાં લખાતાં ગુજરાતી ગીતોમાં અધકચરા જાણકારો ‘ળ’ ને બદલે ‘ડ’ લખીને આપે અને સમજ્યા વિના ગાયકો ગાઈ નાંખે! તમે આવું ન ગાતાં, પ્લીઝ! ક્યારેક અર્થનો અનર્થ થઈ જાય. એક કાર્યક્રમમાં એક છોકરીએ પેલું જાણીતું ગીત ગાયું, હું તો ગઈ’તી મેળે, મન મળી ગયું એની મેળે મેળામાં … હવે બધી જગ્યાએ એ મેળેને બદલે મેડે ગાતી હતી. તમે જ કહો, એ એમ કહે કે હું તો ગઇ’તી મેડે … તો હવે મેડે ચડીને શું શું ના થાય? અર્થનો અનર્થ થયો કે નહીં? ગીત ગાવામાં સુર-તાલ-લય સાથે ભાષા અને ઉચ્ચારણ પણ એટલાં જ અગત્યનાં છે એ ભૂલવું નહીં.
ચાલો ત્યારે, યુ ટ્યુબ પર તમારો ગીત સાંભળવાનો સમય થઈ ગયો છે. સ્ટે ટ્યુન્ડ! [નીચે તે લિંક આપીએ જ છીએ.]
————————-
છેલાજી રે..
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ;
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો છેલાજી રે
રંગ રતુંબલ કોર કસુંબલ,
પાલવ પ્રાણ બિછાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો છેલાજી રે…
ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,
ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો છેલાજી રે
ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,
એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે;
નથણી લવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો છેલાજી રે
—————————
https://www.youtube.com/watch?v=yWknJsnIOzc
સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 05 અૅપ્રિલ 2018