Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9376831
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—296

દીપક મહેતા|Opinion - Opinion|5 July 2025

જ્યારે ઘણી યુવતીઓએ લિપસ્ટિક લગાડેલા હોઠની છાપવાળા રૂમાલ નાણાવટી પર ફેંકીને શુભેચ્છા પ્રગટ કરી      

‘નાણાવટી ગન લે લો, નાણાવટી ગન, દો રૂપયે મેં. તીન ગોલી મેં સામનેવાલા ખતમ.’

‘આહુજા ટોવેલ લે લો દો રૂપયે મેં આહુજા ટોવેલ. મરને કે બાદ ભી નિકલેગા નહિ.’

૧૯૫૯ના સપ્ટેમ્બરની ૨૩મી તારીખે ગ્રેટર બોમ્બેના સેશન્સ જજની ફ્લોરા ફાઉન્ટન નજીક આવેલી કોર્ટની બહાર ફેરિયાઓ ગન અને ટુવાલ વેચવા માટે આ રીતે બૂમો પાડી રહ્યા હતા. અને કોર્ટની બહાર ભેગા થયેલા લોકોનાં ટોળાં ભાવ-તાલ કરાવ્યા વગર ગન કે ટુવાલ ખરીદી લેતાં હતાં. એ ટોળાંમાં યુવાન સ્ત્રીઓ પણ સારી એવી સંખ્યામાં હતી. તેમાંની ઘણી સ્ત્રીઓ આજે ત્રણ-ચાર હાથ રૂમાલ સાથે લઈને આવી હતી. તેમણે ડાર્ક લાલ રંગની લિપ સ્ટિક લગાડી હતી. અને પોતાના હોઠોની છાપ એ રૂમાલો પર લીધી હતી. કોર્ટની બહાર કડક પોલીસ બંદોબસ્ત હતો. આઝાદીની લડત વખતે કેટલાક કેસ ચાલતા ત્યારે લોકોનાં ટોળાં અદાલતોની બહાર ભેગાં થતાં. પણ આજે હતા તેટલા લોકો તો અગાઉ ક્યારે ય જોવા મળ્યા નહોતા.

અદાલતનું મકાન

સવારે બરાબર ૧૦ ને ૫૫ મિનિટે ઇન્ડિયન નેવીની મોટ્ટી સફેદ કાર આવીને કોર્ટના દરવાજા પાસે ઊભી રહી. ૩૭ વરસના કાવસ નાણાવટીની બાજુમાં નેવી કમાન્ડર એમ.બી. સેમ્યુઅલ પ્રોવોસ્ટ માર્શલ બેઠા હતા. પાછલી સીટ પર નેવીના બે ઓફિસર અને નેવીના હથિયારધારી પોલીસ બેઠા હતા. મોટર ઊભી રહ્યા પછી ડ્રાઈવરે બારણું ખોલ્યું એટલે ૩૭ વરસના, છ ફૂટ ઊંચા કમાન્ડર કાવસ નાણાવટી નીચે ઊતર્યા. અગાઉની લડાઈઓ દરમ્યાન બતાવેલ બહાદુરી માટે મળેલા સાત-સાત ચંદ્રક તેમની છાતી પર શોભતા હતા. ચાલતા હતા ટટ્ટાર ચાલે, પણ આંખો નીચી ઢળેલી હતી. તેમને આવતા જોઈને કેટલા ય લોકોએ ‘નાણાવટી ઝિન્દાબાદ’ના પોકારો કર્યા. ઘણી યુવતીઓએ પોતાના હોઠની છાપવાળા હાથ રૂમાલ નાણાવટી પર ફેંકીને પોતાની શુભેચ્છાઓ પ્રગટ કરી. 

ત્રીજે માળે આવેલો જજ મહેતાનો કોર્ટ રૂમ, એ વખતનાં છાપાંનો મનગમતો શબ્દ વાપરીને કહીએ તો ‘હકડેઠઠ’ ભરાઈ ગયો હતો. છાપાના ખબરપત્રીઓ તો હોય જ, પણ કેટલાક આગળ પડતા વકીલો હાજર હતા, કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાજર હતા, અને બહાર કોરિડોરમાં પણ માણસો ઊભરાતા હતા. તેમાં પારસીઓ અને સિંધીઓની હાજરી ખાસ ધ્યાન ખેંચતી હતી. જેમને કોરિડોરમાં જગ્યા ન મળી તે નીચે કમ્પાઉંડમાં ઊભા હતા અને જેમને ત્યાં પણ જગ્યા ન મળી તે રસ્તા પર ઊભા હતા. 

જજ રતિલાલ ભાઈચંદ મહેતા

જજ રતિલાલ ભાઈચંદ મહેતા આવ્યા. તેઓ મૂળ પાલનપુરના વતની. વકીલ પિતા ભાઈચંદભાઈ ઝૂમચંદભાઈના એ સૌથી નાના દીકરા. તેમના મોટા ભાઈ મણિલાલ મહેતા ૧૯૪૭ સુધી પાલનપુરના દેશી રાજ્યના દીવાન હતા. રતિલાલભાઈએ એલ.એલ.બી.ની પરીક્ષા મુંબઈની ગવર્નમેન્ટ લો કોલેજમાંથી ૧૯૨૪માં ફર્સ્ટ ક્લાસમાં પાસ કરી હતી. ૧૯૨૭થી તેમણે બોમ્બે હાઈ કોર્ટમાં પ્રેક્ટીસ શરૂ કરી. ૧૯૪૮માં તેમની નિમણૂક બોમ્બે સિટી સિવિલ કોર્ટના એક જજ તરીકે થઈ અને ૧૯૫૭માં તેઓ સેશન્સ કોર્ટ ઓફ બોમ્બેના પ્રિન્સિપલ જજ બન્યા. ૧૯૬૦માં મહારાષ્ટ્ર અને ગુજરાતનાં બે અલગ રાજ્યોની સ્થાપના થઈ ત્યારે જજ રતિલાલ મહેતાએ અમદાવાદ જવાનું પસંદ કર્યું. નવી સ્થપાયેલી ગુજરાત હાઈકોર્ટના પહેલવહેલા ન્યાયાધીશોમાંના એક હતા જસ્ટીસ રતિલાલ મહેતા. ૧૯૬૫ના જાન્યુઆરીની પાંચમી તારીખે તેમનું અવસાન થયું. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની એલ.એલ.એમ.ની પરીક્ષામાં સૌથી વધુ માર્ક મેળવનાર વિદ્યાર્થીને ‘ઓનરેબલ મિસ્ટર જસ્ટિસ આર.બી. મહેતા ગોલ્ડ મેડલ’ આપવામાં આવે છે.  

હવે પાછા જઈએ ૧૯૫૯ના સપ્ટેમ્બરની ૨૩મી તારીખની એ સવારે. કોર્ટની કારવાઈ શરૂ થઈ. સૌથી પહેલાં કોર્ટના રજિસ્ટ્રાર ડી.આર. નાડકર્ણીએ ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૩ હેઠળ કમાન્ડર નાણાવટી ઉપર મૂકવામાં આવેલ આરોપ વાંચી સંભળાવ્યો. યુનિવર્સલ મોટર્સના માલિક પ્રેમ આહુજાનું મૃત્યુ નીપજાવવાનો આરોપ નાણાવટી પર મૂકવામાં આવ્યો. જજ મહેતાએ કાવસ નાણાવટીને પૂછ્યું: ‘આ આરોપ તમે સ્વીકારો છો?’ ‘ના, નામદાર. મેં આવો કોઈ ગુનો કર્યો નથી. એટલે મારી આપને અરજ છે કે મારા ઉપર ખટલો ચલાવવામાં આવે.’ એટલે પછી જ્યુરીના નવ સભ્યો કોર્ટ રૂમમાં દાખલ થયા અને પોતપોતાની જગ્યાએ બેઠા. એ પછી પબ્લિક પ્રોસિક્યૂટર સી.એમ. ત્રિવેદીએ કેસની શરૂઆત કરતાં કહ્યું: ‘અહીં આરોપીના કઠેડામાં ઊભા છે તે કમાન્ડર કાવસ નાણાવટી ઇન્ડિયન નેવીના સૌથી વધુ બાહોશ અફસરોમાંના એક હોવાનું મનાય છે. અને જેમનું ખૂન થયું હોવાનું કહેવાય છે એ પ્રેમ આહુજા મુંબઈના એક જાણીતા વેપારી હતા. તેમનો ધંધો મોટર વેચવાનો હતો.’ લગભગ ૬૦ મિનિટ ચાલેલા ભાષણમાં ત્રિવેદીએ આ કેસની વિગતો જણાવી હતી. પછી જ્યુરીના સભ્યોને ઉદ્દેશીને કહ્યું હતું કે કોઈના પણ તરફ પક્ષપાત કે દુશ્મનાવટ રાખ્યા વગર, તમારી સામે જે હકીકતો રજૂ થાય તેને આધારે જ શુદ્ધ બુદ્ધિથી અને નિષ્પક્ષપાત રહીને તમારો નિર્ણય બાંધશો એવી મને આશા છે. સદોષ મનુષ્યવધ અને ખૂન વચ્ચેના કાનૂની તફાવતની તેમણે ચર્ચા કરી. જો આ કિસ્સો ખૂનનો હોય તો એ ખૂન કરવા પાછળ કયાં કારણો હતાં એની સાથે કાયદાને કે અદાલતને કશો સંબંધ નથી. પછી પબ્લિક પ્રોસિક્યૂટર ત્રિવેદીએ કોર્ટને જણાવ્યું કે આ ખટલામાં હું કુલ સત્તર સાક્ષીને જુબાની માટે બોલાવવાની મંજૂરી આપવા વિનંતી કરું છું. 

પ્રેમ આહુજા

કોર્ટની મંજૂરી મળતાં કાનૂની દૃષ્ટિએ જરૂરી એવી પોલીસના એક-બે અફસરોની પૂછપરછ કર્યા બાદ મરનાર પ્રેમ આહુજાની બહેન મિસ મામી આહુજાને સાક્ષી તરીકે બોલાવવામાં આવી. તેણીએ અદાલતને જણાવ્યું કે ૧૯૫૯ના જાન્યુઆરીમાં મારે મારા ભાઈ પ્રેમ આહુજા સાથે વાત થઈ ત્યારે તેણે મને કહ્યું હતું કે તે સિલ્વિયા નાણાવટી સાથે લગ્ન કરવા ધારે છે. અલબત્ત, તેનો વર કાવસ નાણાવટી તેને ડાઈવોર્સ આપે તો જ આ શક્ય બને. મામીએ અદાલતને કહ્યું કે મેં આ વાતનો ઉગ્ર રીતે વિરોધ કર્યો અને કહ્યું કે સિલ્વિયાને ત્રણ-ત્રણ બાળકો છે, એમનો તો વિચાર કર! ત્યારે ભાઈએ મને કહ્યું કે સિલ્વિયાએ તો છૂટાછેડા લેવાનું નક્કી કરી જ નાખ્યું છે. મામી આહુજાએ આટલું કહ્યું એ જ વખતે અદાલતનો સમય પૂરો થયો. અને તેની જુબાની અધૂરી રહી. 

બીજે દિવસે તો લોકોનો ધસારો ઘણો વધી ગયો. કોર્ટનું આખું મકાન ચિક્કાર. સાક્ષીઓને કોર્ટ રૂમ સુધી લઈ જવાનું પણ મુશ્કેલ બન્યું. છેવટે જજસાહેબની પરવાનગી લઈને પોલીસ બોલાવીને લોકોને આઘા ખસેડવા પડ્યા. મામી આહુજાની જુબાની આગળ વધી. તેમણે કહ્યું કે અમે જીવનજ્યોત મકાનમાં રહેવા આવ્યાં તે પહેલાં મરીન ડ્રાઈવ પર આવેલા શ્રેયસ નામના મકાનમાં રહેતાં હતાં. ૧૯૫૬ના અરસામાં ઇન્ડિયન નેવીમાં કામ કરતા મિસ્ટર યાજ્ઞિક અને તેમનાં પત્નીએ અમારી ઓળખાણ નાણાવટી કુટુંબ સાથે કરાવી હતી. તે વખતે હું પહેલી વાર સિલ્વિયાને મળી. તેની જુબાની રોકીને ત્રણ સ્ત્રીઓને તેમની સામે ખડી કરવામાં આવી. મામી આહુજાએ તેમાંથી સિલ્વિયાને ઓળખી બતાવી તે પછી જુબાની આગળ વધી ત્યારે મામી આહુજાએ કહ્યું કે એપ્રિલની ૨૭મી તારીખે બપોરે લગભગ પોણા બે વાગે પ્રેમ અને પોતે સાથે જમવા બેઠાં હતાં. પછી બંને પોતપોતાના બેડ રૂમમાં સૂવા ચાલ્યાં ગયાં. બપોરે સવા ચાર વાગે ડોર બેલ વાગી તે પોતે સાંભળેલી એમ મામીએ કહ્યું. નોકરાણીએ બારણું ખોલ્યું. થોડી વાર પછી પ્રેમ આહુજાના બેડ રૂમમાંથી પહેલાં રાડારાડી અને પછી ચીસ સંભળાઈ. બે નોકરોને લઈને હું તરત પ્રેમના બેડ રૂમમાં ગઈ. એ જ વખતે કમાન્ડર નાણાવટી રૂમમાંથી બહાર આવી રહ્યા હતા. ત્યારે તેમના હાથમાં રિવોલ્વર હતી. એ જોઈ મેં પૂછ્યું: ‘આ શું થયું?’ નાણાવટીએ જવાબ આપ્યો નહિ. પછી મેં મારા ભાઈને લોહીલુહાણ હાલતમાં બેડરૂમની ફર્શ પર પડેલો જોયો. તેના શરીર પર માત્ર એક ટુવાલ વીંટાળેલો હતો. મેં પ્રેમ, પ્રેમ, એવી બૂમો પાડી. પણ તેના તરફથી કશો જવાબ મળ્યો નહિ. કારણ તેનું ખૂન થઈ ચૂક્યું હતું.

એ વખતે બચાવ પક્ષના વકીલ કાર્લ ખંડાલાવાલાએ જજસાહેબને સંબોધીને કહ્યું: ‘માય લોર્ડ. આ સાક્ષીએ જ્યારે કાવસ નાણાવટીને જતાં જોયા ત્યારે તેમના હાથમાં રિવોલ્વર હતી એટલું જ જોયું હતું. આરોપીને પ્રેમ આહુજા પર રિવોલ્વર ચલાવતાં જોયો નહોતો. તેવી જ રીતે તેમણે પોતાના ભાઈને બેડ રૂમમાં ફર્શ પર પડેલો જોયો હતો. તેના પર ગોળીબાર થતો કે તેને ગોળીથી ઘવાતો જોયો નહોતો. એટલે કે મિસ આહુજા એક ચશ્મદીદ ગવાહ નથી. એટલે તેમની જુબાનીને આધારે આરોપીને ખૂની ઠરાવી શકાય નહિ. 

ત્યાર પછીના સાક્ષી હતા સી.ટી. ભણગે, બેલિસ્ટિક એક્સપર્ટ. એ ક્ષેત્રનો બાવીસ વરસનો અનુભવ. પહેલાં તેમણે આરોપી નાણાવટીએ સરન્ડર કરેલી રિવોલ્વર, તેની વપરાયેલી ત્રણ ગોળીઓ અને ન વપરાયેલી ત્રણ ગોળીઓ વિષે વિગતે વાત કરી. તેમણે કહ્યું કે વપરાયેલી ત્રણમાંથી બે ગોળી દબાઈને ચપટી થઈ ગઈ હતી. કોઈ બહુ કઠણ વસ્તુ સાથે ગોળી અથડાય ત્યારે આવું બની શકે. ત્રણે ગોળી પરની નિશાનીઓ સરખાવ્યા પછી કહી શકાય કે એ ત્રણે એક જ રિવોલ્વરમાંથી છોડવામાં આવી હશે.

બચાવ પક્ષના વકીલે રજૂ કરેલું પુસ્તક

સાક્ષીને અટકાવીને બચાવ પક્ષના વકીલ ખંડાલાવાલાએ પૂછ્યું: મેજર સર ગેરાલ્ડ બુરાડનું Identification of Fire-Arms and Forensic Ballistic નામનું પુસ્તક તો તમે વાંચ્યું જ હશે. ભણગેએ ‘હા’ પાડી. ‘આ વિષય પરનું આ એક ઉત્તમ પુસ્તક છે એ વાત તમે સ્વીકારો છો?’ ભણગે: ‘હા, જી.’ ખંડાલાવાલાએ પુસ્તકમાંથી થોડાં વાક્યો વાંચ્યાં:

“If two persons are struggling for the possession of a loaded revolver, it can easily be fired by accident – because most modern revolvers have what is called double-action as well as ordinary single action.” પછી તેમણે ભણગેને પૂછ્યું: ‘લેખકની આ વાત સાથે તમે સહમત થાવ છો?’ ‘સહમત ન થવા માટે મારી પાસે કોઈ કારણ નથી. એટલે હું સહમત થાઉં છું.’ ખંડાલાવાલાએ જજ મહેતા સામે જોઈને કહ્યું: ‘સરકારી નિષ્ણાતના આ અભિપ્રાયની નોંધ લેવી ઘટે, યોર ઓનર. કમાન્ડર કાવસ નાણાવટી અને મરનાર પ્રેમ આહુજા વચ્ચેની ઝપાઝપી દરમ્યાન રિવોલ્વરમાંથી અકસ્માત ગોળીઓ છૂટી હોય એવો પૂરો સંભવ છે.’

એ જ વખતે અદાલતનો સમય પૂરો થતાં વધુ જુબાની લેવાનું કામ મુલતવી રાખવામાં આવ્યું. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 05 જુલાઈ 2025

Loading

5 July 2025 દીપક મહેતા
← ‘જેમ મને ગુલામ થવું ન ગમે, તેમ માલિક થવું પણ મને ન ગમે !’
ગાંધીજી જીવતા હોત તો →

Search by

Opinion

  • ‘સાવન ભાદો’ની કાળી અને જાડી રેખાનું નમકીન આજે 70 વર્ષે પણ અકબંધ 
  • હંસને કી ચાહને કિતના મુઝે રુલાયા હૈ
  • પણે કેવળ પ્રાસંગિક થઈને રહી ગયા છીએ ….
  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો

Poetry

  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved