સર જમશેદજી નસરવાનજી તાતા : રાત-દિવસ સપનાં જોનારા એક ઉમદા આદમી
આય આપરા જમશેદજી સેઠ બી સપનાના સોદાગર હુતા! એવને એક નહિ પણ બબ્બે સપનાંની વાત સ્વામી વિવેકાનંદને કરી હુતી. વાત જાને એમ છે કે સ્વામીજી અને સર જમશેદજી, બંને ‘એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા’ નામની સ્ટીમરમાં સાથે ટ્રાવેલ કરી રહ્યા હુતા. ૧૮૯૩ના મે મહિનાની ૩૧ તારીખે સ્વામીજી પેનેનસુલા નામની આગબોટમાં મુંબઈથી નીકલિયા. સીધો રસ્તો લેવાને બદલે લાંબો રસ્તો લીધો. મુંબઈથી ગિયા ચીન, અને ત્યાંથી ગિયા જાપાન. તાંના યોકોહામા બંદરેથી એસ.એસ. એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા નામની સ્તિમરમાં વાનકુવર જવા નીકલિયા. એ જમાનામાં એરોપ્લેન તો હુતાં નહિ. એટલે એક દેસથી બીજે દેસ જવા માટે આગબોટ એક જ સાધન હુતું. આય એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા કેનેડિયન પેસિફિક સ્ટીમશિપ્સ નામની કંપનીને વાસ્તે ગ્રેટ બ્રિટનમાં ૧૮૯૦-૧૮૯૧માં બંધાઈ હુતી. કલાકના ૧૬ દરિયાઈ માઈલની ઝડપે ચાલતી આય ટ્વીન પ્રોપેલર બોટ એ વખતે સૌથી ફાસ્ટ ચાલતી સ્ટીમર હુતી. તેમાં એકુ વખતે ૭૭૦ મુસાફરો બેસી સકતા હુતા.
એસ.એસ. એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા
પન પછી ૧૯૧૪માં કેનેડિયન કંપનીએ આય બોટ આપના દેસના ગ્વાલિયરના મહારાજાને વેચી દીધી. એવને બોટનું નવું નામ રાખ્યું ‘લોયલ્ટી.’ પણ તે વારે જ પહેલી વર્લ્ડ વોર સુરુ થઈ. સરકારે આ બોટમાં ફેરફાર કરી તેને સૈનિકો માટેની ઓસ્પિટલ બનાવી નાખી. વોર પૂરી થયા પછીથી ૧૯૧૯ના માર્ચમાં આપના દેસની પહેલવહેલી ‘દેશી’ શિપિંગ કંપની સિંધિયા સ્ટીમ નેવિગેશને આય શીપ ખરીદી લીધું. અને એ જ વરસના એપ્રિલ મહિનાની પાંચમી તારીખે આપના દેસના વહાનવટાના હિસ્ટરીમાં એક નવું સોનેરી ચેપ્ટર લખાયું. તે દહારે આય દેશી કંપનીની ‘લોયલ્ટી’ સ્ટીમર મુંબઈથી ગ્રેટ બ્રિટન જવા નીકલી. તે દહારા સુધી હિન્દુસ્તાન-બ્રિટન વચ્ચેની મુસાફરી પર અંગ્રેજ કંપનીઓની મોનોપોલી હુતી.
જો કે એક વાત બહુ કમ લોકોને માલમ છે. સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની કરતાં બી પહેલાં ‘દેશી’ કંપની સુરુ કરવાનો અખતરો જમશેદજીએ કીધો હૂતો. ૧૮૯૩માં જમશેદજી જાપાન કાંઈ સહેલગાહ કરવા ગયેલા નહિ. હિન્દુસ્તાન અને ગ્રેટ બ્રિટન વચ્ચે એ વખતે કપાસ અને કાપડનો ધીખતો ધંધો. પણ માલની બધી જ આવનજાવન અંગ્રેજ શિપિંગ કંપનીઓના જ હાથમાં. એટલે નૂરના ભાવ મન ફાવે તેમ લે. વલી આય કંપનીઓ ‘સર્કલ’ બનાવીને કામ કરે. એટલે સર્કલની એક કંપનીનો ઘરાક એ કંપની છોરીને બીજે જવા ચાહે તો કોઈ એનો માલ લાવવા લઈ જવા તૈયાર થાય નહિ. જાપાનની NYK નામની એક મોટ્ટી શિપિંગ કંપની સાથે જમશેદજીએ કોલ કરાર કીધા. જમશેદજીએ બે બારકસ ભાડે લીધાં અને NYK કંપનીએ પોતાનાં બે વહાણ જમશેદજીને ફાળવ્યાં. કોટન અને કાપડની લાવ-લઈ જા સુરુ કીધી. બ્રિટીશ કંપનીઓ એક ટન માલ લાવવા લઇ જવાના ૧૮ રૂપિયા લેતી હુતી. જમશેદજીએ ૧૨ રૂપિયા ભાવ રાખ્યો. વેપારીઓ તેમની કંપની તરફ દોડ્યા. પણ અંગ્રેજ કંપનીઓ કાંઈ ગાંજી જાય એવી હુતી નહિ. તેમને પોતાનો ભાવ ઘટાડીને એક ટનનો દોઢ રૂપિયો કરી નાખ્યો! પન આ ભાવ તો કોઈને બી પોસાય નહિ. એટલે કંપનીઓએ બ્રિટિશ સરકાર પાસે ધા નાખી. સરકારે કહ્યું કે ચિંતા કરુ નકો. તમુને જે ખોટ જસે તે સરકાર ભરપાઈ કરશે! (આજની સરકારો છુટ્ટે હાથે ‘પોતાના’ વેપારીઓને લહાણી કરતાં અંગ્રેજ સરકાર પાસેથી જ શીખી હશે ને!)
જમશેદજીએ સેક્રેટરી ઓફ સ્ટેટને રાવફરિયાદ કીધી. પણ કોઈ કારી ફાવી નહિ. બીજી બાજુ અંગ્રેજ કંપનીઓએ વેપારીઓને ધમકી આપી : જો એક વાર બી તાતાની કંપનીને માલ આપીયો, તો પછી કોઈ બી બ્રિટિશ કંપની તમારા માલને ચીપિયા વરે હાથ બી નહિ લગારે. એટલે મતલબી વેપારીઓએ તાતાની કંપનીને મૂકી પડતી. છેવટે હારી-થાકીને જમશેદજીએ પોતાની કંપનીનો વીંટો વાલી દીધો. અને બીજા જ દિવસથી બ્રિટિશ કંપનીઓએ એક ટનનો ભાવ ફરીથી સોળ રૂપિયા કરી નાખ્યો!
જમશેદજી તાતાએ સ્વામી વિવેકાનંદને લખેલો પત્ર
સર જમશેદજી અને સ્વામી વિવેકાનંદની વાત કરતાં આપરે જરા જુદી દિશામાં નીકલી ગિયા. હવે અસલ વાત આગળ ચલાવીએ! એસ.એસ. એમ્પ્રેસમાં બેસીને જાપાનથી કેનેડાની મુસાફરી સુરુ કીધી ત્યારે સર જમશેદજી અને સ્વામી વિવેકાનંદ એકુમેકુને ઓલખતા હુતા નહિ. પન શીપની લાંબી મુસાફરીમાં એકુમેકુને મલિયા, વાતો કીધી. તે વારે સર જમશેદજીએ સ્વામીજીને કીધું કે આપ તો આપરા દેસનું નામ રોશન કરવા જાવ છો. પન મારાં બી બે નાલ્લાં સપનાં છે આપરા દેસ માટે. એક તો સાયન્સના ટીચિંગ અને રીસર્ચ માટે એક મોટ્ટી ઇન્સ્ટિટ્યૂટ શુરુ કરવી ચ આપરા દેસમાં. અને બીજું સપનું તે પાણીની મદદથી પાવર પેદા કરવા એકુ હાઈડ્રોલિક પાવર પ્લાન્ટ નાખવો ચ, મુંબઈની પાસે. સ્વામીજીએ એવનની વાત સાંભલીને કીધું કે બહુ ઉમદા વિચાર છે આપના. આવું કોઈ કામ કરો અને મદદની જરૂર પડે ત્યારે મને યાદ કરજો.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સનું પહેલું મકાન
સ્વામી વિવેકાનંદ સાથેની સફર પછી પાંચ વરસે જમશેદજી શેઠે કાગજ લખિયો : ‘આજથી પાંચ વરસ પર જાપાનથી વાનકુવર જતી શીપ પર આપરે મલિયા હુતા તે આપને કદાચ યાદ હોસે. એ વખતે મેં મારાં બે સપનાં બાબત વાત કરી હુતી. મને કહેતાં ખુસી ઉપજે છ કે તેમાંથી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટનું કામ હવે સુરુ થૈ ગિયું છે. બેંગલોરમાં આય માટે મૈસૂરના મહારાજાએ ૩૭૧ એકર જમીન અને પાંચ લાખ રૂપિયા આપ્યા છે. મેં બી મારી થોરી જમીન અને મકાનો આપ્યાં છે.’ નવાં મકાનો બંધાવા લાગિયાં, બીજી બધી સગવરો ઊભી થવા લાગી. આય બધી તૈયારી જોઈને જમશેદજી જરૂર હરખાયા હોસે. પન એવન પરદેશની મુસાફરી પર ગિયા હુતા ત્યારે જર્મનીમાં ૧૯૦૪ના મે મહિનાની ૧૯મી તારીખે એવન આ ફાની દુનિયા છોરીને ચાલી ગિયા.
જમશેદજી નસરવાનજી તાતાના બીજા સપનાની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 26 ઓક્ટોબર 2024