I am passionate about politics, but when it comes to political parties, I am despondent.
– F. Murry Abraham
હોલીવુડના અમેરિકન અભિનેતા એફ. મરી અબ્રાહમ કહે છે કે રાજકારણની વાત આવે ત્યારે હું ઉત્તેજના અનુભવું છું, પણ જ્યારે રાજકીય પક્ષોને જોઉં છું તો નિરાશ થઈ જવાય છે. મનમાં અવસાદ પેદા થાય છે.
અબ્રાહમને જે અનુભવ થઈ રહ્યો છે એ આ લખનારને ૧૯૭૦થી રાજકારણ સમજતો થયો ત્યારથી થઈ રહ્યો છે. આમ પણ ભારતીય રાજકારણમાં ૧૯૬૦નો દાયકો મહત્ત્વનો છે. ૧૯૬૪માં જવાહરલાલ નેહરુનું અવસાન થયું. લાલબહાદુર શાસ્ત્રીનાં ટૂંકા ગાળાના શાસન પછી ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન બન્યાં. કાઁગ્રેસની અંદર જમણેરી અને ડાબેરી એમ બે છાવણી રચાઈ જે બહુ ઓછી વિચારધારા પર આધારિત હતી અને વધુ તો સત્તા માટેની હતી. ઇન્દિરા ગાંધી વડીલોને ગાંઠતા નહોતાં અને વડીલોને એમ લાગતું હતું કે નેહરુની દીકરી હોવાની એકમાત્ર લાયકાત ધરાવનારાં ઇન્દિરા ગાંધીએ તેમને પૂછીને શાસન કરવું જોઈએ અને માનસન્માન આપવાં જોઈએ. કાઁગ્રેસમાં વિભાજન થયું. સાઠીના દાયકામાં કાઁગ્રેસનો વિચારધારા સાથેનો સંબંધ ખતમ થઈ ગયો અને તે ચૂંટણી લડવા અને જીતવાના એક મશીનમાં ફેરવાઈ ગયો. જાણીતા સમાજશાસ્ત્રી રજની કોઠારીએ નવા આકાર પામેલા રાજકારણને કાઁગ્રેસ સીસ્ટમ તરીકે ઓળખાવ્યું હતું. દેખીતી રીતે જ્યારે કાઁગ્રેસનો વિચારધારા સાથેનો સંબંધ ખતમ થતો ગયો ત્યારે વિચારધારાથી પ્રેરાઈને આવનારા કાર્યકર્તા આવતા બંધ થઈ ગયા. હવે જે કાઁગ્રેસમાં આવતા હતા તેમનું લક્ષ માત્ર અને માત્ર સત્તા હતું.
અહીં બે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એક એ કે એ સમયે જે વિરોધ પક્ષો હતા તેને કાઁગ્રેસ સીસ્ટમ વિષે શું કહેવાનું હતું અને બીજો પ્રશ્ન એ કે એ પક્ષો કાઁગ્રેસ સીસ્ટમથી ન અભડાય એ માટે શું કર્યું? અહીં એફ. મરી અબ્રાહમ કહે છે એવી સ્થિતિ પેદા થવા લાગી. આઝાદી પછી તરત જ કેટલાક સમાજવાદીઓ સામે ચાલીને કાઁગ્રેસમાંથી બહાર નીકળ્યા. ઉદ્દેશ એવો હતો કે દેશને કાઁગ્રેસનો મધ્યમમાર્ગી પણ કેન્દ્રની ડાબે એવો એક વિકલ્પ મળે. તેમણે સમાજવાદી પક્ષની સ્થાપના કરી. સી. રાજગોપાલાચારી જેવા કાઁગ્રેસીઓ પણ થોડાં વર્ષ પછી કાઁગ્રેસમાંથી બહાર નીકળ્યા. તેમને એમ લાગતું હતું કે કાઁગ્રેસ સામ્યવાદની નજીક લઈ જતાં સમાજવાદી ધોરણને અપનાવી રહી છે અને એમાં દેશનું લાંબે ગાળે નુકસાન થઈ શકે એમ છે. તેમણે મધ્યમમાર્ગી પણ કેન્દ્રની જમણે એવો સ્વતંત્ર પાર્ટી નામે પક્ષ રચ્યો. નહોતા કાઁગ્રેસમાંથી સમાજવાદીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા કે નહોતા સી. રાજગોપાલાચારી જેવા જમણેરી કાઁગ્રેસીઓને પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યા. તેઓ સ્વેચ્છાએ વિશાળ ઉદ્દેશથી પ્રેરાઈને બહાર નીકળ્યા હતા.
તેમની સામે બે પડકારો હતા. એક તો પોતાના ઉદ્દેશને વફાદાર રહેવું પછી ગમે એટલા વિઘ્નો આવે અને ગમે એટલા પરાજયો થાય. બીજો પડકાર હતો કાઁગ્રેસ સીસ્ટમથી બચવું. આખરે કાઁગ્રેસ સીસ્ટમ કારગર સીસ્ટમ હતી. વિચારધારાથી મુક્ત, વિવેક-મર્યાદાથી મુક્ત, ગમે તેની સાથે ચાલી શકાય અને ગમે તેને પગમાં આંટી મારીને પછાડી શકાય. કોઈ સગો નહીં કે કોઈ વૈચારિક સહોદર નહીં. સગી માત્ર સત્તા. જ્ઞાતિનાં સમીકરણો પ્લસ બાહુબલીઓ પ્લસ કુબેરપતિઓ. ચૂંટણીમાં અપરાધ દાખલ થયો અને પૈસાનું પ્રાબલ્ય વધ્યું. ચૂંટણી લડવાનું અને જીતવાનું કાઁગ્રેસ સીસ્ટમ નામનું એક કારગર મશીન અસ્તિત્વમાં આવ્યું હતું અને જે લોકો વિશાળ ઉદ્દેશથી પ્રેરાઈને કાઁગ્રેસમાંથી બહાર નીકળ્યા હતા તેમની સામે તેનાથી બચવું એ પડકાર હતો.
બન્નેમાંથી કોઈ બચી ન શક્યા. ન સમાજવાદીઓ કે ન જમણેરીઓ. કાઁગ્રેસ સીસ્ટમ તોડવામાં જન્મવારો નીકળી જાય એવી એ મજબૂત લોખંડી હતી. ખૂબ ધીરજ રાખવી પડે એમ હતી. કાર્યકર્તાઓ નિરાશ ન થાય અને દાયકાઓ સુધી ધ્યેયપ્રાપ્તિ માટે મંડ્યા રહે એવો જોસ્સો પેદા કરવો પડે એમ હતો. તેઓ એ ન કરી શક્યા. તેઓ વિચારધારા સાથે અને રાજકીય સાધનો સાથે સમાધાન કરવા માંડ્યા. આ સિવાય જે લોકોને કાઁગ્રેસમાં સત્તા નહોતી મળતી એવા લોકો કાઁગ્રેસમાંથી બહાર નીકળીને સમાજવાદી કે સ્વતંત્ર પાર્ટીમાં જોડાતા હતા અને એ બન્ને પક્ષો કાઁગ્રેસને પરાજીત કરવા તેમને આવકારતા પણ હતા. એ બન્ને પક્ષો કાઁગ્રેસ સીસ્ટમને તોડવાની જગ્યાએ અને દેશમાં તેમની કલ્પના મુજબના વિચારધારા આધારિત શાસન આપવાની જગ્યાએ કાઁગ્રેસ-સીસ્ટમનો શિકાર બની ગયા. પહેલાં પ્રજાની અંદર નિરાશા અને અવસાદ પેદા થયો અને પછી કાર્યકર્તાઓમાં.
દેશમાં બે પક્ષો બીજા પણ હતા જેમાંથી ભારતીય જનસંઘ નામનો પક્ષ કેન્દ્રની છેક જમણે હતો અને બીજો ભારતીય સામ્યવાદી પક્ષ જે કેન્દ્રથી છેક ડાબે હતો. એ બન્ને પક્ષો ભારત અંગેની બંધારણમાં વ્યાખ્યાઈત કલ્પનાનો વિરોધ કરતા હતા. તેમની કલ્પનાનું ભારત જૂદું હતું. સત્તા સુધી પહોંચવામાં કાઁગ્રેસ સીસ્ટમ નામનું વિઘ્ન હતું એ તો તેમને પણ નડતું હતું. તેઓ પણ તેને તોડી નહોતા શક્તા. એક વાતનું સુખ હતું કે સત્તા નહીં મળવાને કારણે નારાજ થતા કાઁગ્રેસીઓ આ બે પક્ષોમાં નહોતા આવતા. જો જનસંઘમાં જોડાય તો મુસ્લિમ વિરોધી હિન્દુત્વવાદી બનવું પડે અને જો સામ્યવાદી પક્ષમાં જોડાય તો સામ્યવાદી બનવું પડે અને એ બન્ને વિચારધારાને ભારતની સામાન્ય જનતાએ અપનાવી નહોતી. વળી આ બન્ને પક્ષો વિચારધારાને વરેલા અને વિચારધારાને સમર્પિત કાર્યકર્તાઓની કેડર ધરાવનારા.
પણ પેલી કાઁગ્રેસને વિજય અપાવનારી અને બીજાનો પરાજય કરનારી કાઁગ્રેસ સીસ્ટમ તો તેમને પણ નડતી હતી. કેટલાં વર્ષ રાહ જોવી? શું કરવું? આ બેમાંથી સામ્યવાદીઓએ સમાધાન ન કર્યાં અને પરિણામે ધીરેધીરે ખતમ થઈ ગયા. જનસંઘના નેતાઓએ જૂદો માર્ગ અપનાવ્યો. અમે ભલે અછૂત, પણ અમારી પાસે કાઁગ્રેસ સીસ્ટમનો મુકાબલો કરી શકે એવા પ્રતિબદ્ધ કાર્યકર્તાઓની ફોજ છે અને ભલે કુલ પાંચ ટકા પણ હિન્દુત્વને વરેલા કાઁગ્રેસ વિરોધી પ્રતિબદ્ધ મતદાતાઓ છે. બોલો જોઈએ છે મદદ? સમાજવાદી પક્ષના અને સ્વતંત્ર પાર્ટીના અધીરા થયેલા નેતાઓ જનસંઘની મદદ લેવા લાગ્યા. જનસંઘ ફાયદામાં હતો. જનસંઘની ધીરે ધીરે રાજકીય જગ્યા બનતી જતી હતી, રાજકીય સ્વીકૃતિ બનતી જતી હતી અને રાજકીય ચારિત્ર્ય સમાજવાદી પક્ષના અને સ્વતંત્ર પક્ષના નેતાઓનું ખરડાતું હતું. ડૉ રામ મનોહર લોહિયા અને સી. રાજગોપાલાચારી જનસંઘીઓ સાથે? કાઁગ્રેસની જગ્યા આંચકવામાં ભલે સફળતા ન મળે, પણ વિરોધ પક્ષોની જગ્યા જનસંઘ અને પછી ભા.જ.પ. આંચકવા લાગ્યા. આને પરિણામે સહિયારા ભારત વિશેની બંધારણપ્રણિત કલ્પનામાં માનનારા અને કેન્દ્રની ડાબે કે જમણે સ્થાન ધરાવનારા વિકલ્પ ખતમ થઈ ગયા. આજે એ પ્રાદેશિક પક્ષના સ્વરૂપમાં જ્યાં ત્યાં નજરે પડે છે, પરંતુ એની જગ્યા પણ આંચકી લેવામાં આવી રહી છે. એ બધા પરિવાર આધારિત પક્ષ છે અને તેની આબરૂ બચી નથી.
ભેંસનાં શિંગડાં ભેંસને ભારે એવી કહેવત છે એમ દાયકાઓ સુધી સફળતા અપાવનારી કાઁગ્રેસ સીસ્ટમ સફળતા આપતી બંધ થઈ કાઁગ્રેસને ભારે પડવા લાગી. ૧૯૮૯થી આની શરૂઆત થઈ અને ૨૦૧૪ પછી તો સાવ વસૂકી ગઈ. પહેલાં તો કાઁગ્રેસે રાહ જોઈ કે હંમેશાં બને છે એમ મ્તાદાતાઓ ભા.જ.પ.ની સરકારથી હતાશ થઈ જશે અને કાઁગ્રેસને સ્વાભાવિક વિકલ્પ તરીકે મોકો મળશે. ૨૦૧૯ પછી રાહુલ ગાંધીને સમજાઈ ગયું કે રાહ જોઇને બેસી રહેવાથી ચાલે એમ નથી. ભા.જ.પે. કાઁગ્રેસ સીસ્ટમ જેવી જ પણ થોડી અલગ બી.જે.પી. સીસ્ટમ વિકસાવી છે જેને તોડવી મુશ્કેલ છે. એને જો તોડવી હોય તો અલગ માર્ગ અપનાવવો પડે એમ છે. કાઁગ્રેસને ત્યાં લઈ જવી પડે એમ છે જ્યાંથી તેણે માર્ગ બદલ્યો હતો. વિચારધારા સાથે પાછો નાભીનાળ સંબંધ બાંધવો પડે એમ છે. કાઁગ્રેસનું વજૂદ ભારત અંગેની વિચારધારા છે અને માત્ર આ વિચારધારા જ બી.જે.પી. સીસ્ટમનો મુકાબલો કરી શકે એમ છે.
ત્રણ પ્રશ્નો છે. એક. શું છે બી.જે.પી. સીસ્ટમ? બે. શા માટે બી.જે.પી.ને પણ તે અપનાવવી પડી જે રીતે કાઁગ્રેસે પોતાની સીસ્ટમ અપનાવી હતી? ભેંસનાં શિંગડાનો ન્યાય એક દિવસ બી.જે.પી.ને પણ લાગુ પડવાનો છે. અને ત્રણ. શું રાહુલ ગાંધીને સફળતા મળશે? છ દાયકાનો બોજો છે અને ઠીક ઠીક પ્રમાણમાં કલંકિત ઇતિહાસ છે. શું તેઓ કાઁગ્રેસનું પ્રક્ષાલન કરી શકશે? તેમનામાં આ જોશ ક્યાંથી આવ્યું? શું સપાટી નીચે કાઁગ્રેસની પ્રાસંગિકતાનાં સંકેતો મળી રહ્યા છે?
આની ચર્ચા આગળ કરશું.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 ઑક્ટોબર 2024