આપણા માટે એ જાણવું અનિવાર્ય છે કે ‘એ.આઈ.’ સાહિત્યિક સર્જકતાને અડીનડી શકે કે કેમ.
‘એ.આઈ.’ જીવનના કોઈપણ સંવિભાગને અડીને ઉપકાર કરે છે, નડીને નુક્સાન કરી નથી દેતું પણ થ્રેટ ઊભી કરે છે, આપણને સાવધ કરે છે. એ થ્રેટ અથવા જોખમ વિશે વિચારવું કે ન વિચારવું એ માણસની કુદરતી બુદ્ધિનો, વિવેકનો, વિષય છે.
કઈ રીતે ઉપકાર કરે છે? જુઓ, સાહિત્યકારની સર્જકતા કુદરતી છે પણ સર્જનને માટે વિષયવસ્તુઓ તો એને સંસારમાંથી મળે છે. કાવાદાવા, ગૂંચવાડા, સંઘર્ષ વગેરેથી સરજાયેલી પરિસ્થિતિઓનું જ્ઞાન તો એને જિવાતા જીવનમાંથી મળે છે. ઊર્મિ, કથા અને નાટક મનુષ્યજીવનમાં છે, તેથી સાહિત્યમાં છે.
એ જ રીતે સાહિત્યસર્જન માટે, કાવ્ય વાર્તા કે નાટક માટે, ‘એ.આઈ.’ પણ એને બહારથી જ મળવાનું છે. પરન્તુ ‘એ.આઈ.’ નવા નવા આઇડીયાઝનું સંસૃજન કરીને સર્જકને જાગ્રત અને તાજો રાખી શકે છે.
સર્જકને એ વાર્તાનાં પાત્રો કે પ્લૉટ્સના નમૂના ધરી શકે છે, એટલું જ નહીં, શબ્દચયન અને ચરિત્રચિત્રણ જેવી સર્જનપ્રક્રિયાપરક બાબતો પ્રત્યે એનું ધ્યાન ખૅંચી શકે છે. NovelAI એવું ટૅક્સ્ટબેઝ્ડ ચૅટબોટ છે. એથી સંભવ છે કે વાર્તાકારને નવા વિચારો આવે, પ્લૉટના જુદા પૉઇન્ટ્સ સૂઝે. ઉપરાન્ત, ‘એ.આઈ.’ સર્જનના અવનવા તરીકા બતાવશે. દાખલા તરીકે, ઇન્ટરઍક્ટિવ સ્ટોરી, જેમાં વાચકના ઇન્પુટ્સ પણ ઉમેરાતા ચાલે. એવા સ્વરૂપની વાર્તા અન્યથા શક્ય નથી.
‘એ.આઇ.’ સર્જકના વ્યાકરણદોષ વિરામચિહ્નદોષ દર્શાવીને એનાં વાક્યો ખરાં કરી આપશે, બલકે એની ભ્રાન્ત શૈલી માટે પણ સુધારા સૂચવશે. સ્પષ્ટતા કરશે કે – મેં આવા આવા સુધારા આવાં આવાં કારણોસર કર્યા છે. Groovewriter સર્જકોનો એવો મદદગાર છે. સંભવ છે કે એની મદદથી સર્જકનું લેખન ચોખ્ખું થઈ જાય.
વાચકો માટે પણ ‘એ.આઈ.’ ઉપકારક નીવડી શકે છે. કોઈ વાચકને કોઈ કૃતિ પર્સનાલાઈઝ્ડ કરવી હશે તો એ ‘એ.આઈ.’-ની મદદથી કરી શકશે. Storysmith એવું ઑજાર છે. અલબત્ત, એ તો જ શક્ય બનશે જો એની પાસે વાચકના સાહિત્યવાચનનો ઇતિહાસ તેમ જ એનાં રસરુચિની વીગતો હશે. વાચક એને એ બધું સામે ચાલીને આપી પણ શકે છે.
ઉપરાન્ત, જો સર્જક વિવેચકની જોહુકમીભરી વર્તણૂકથી કંટાળી ગયો હોય અને સર્જન માટે ફીડબૅક માગશે તો પણ ‘એ.આઈ.’ આપશે, કહેશે કે તમારે આવી આવી બાબતો પર વધુ ધ્યાન આપવાની જરૂરત છે.
’એ.આઈ.’ પાસેથી સાહિત્યકારો વિનમ્રતા અને પોતાની મર્યાદાઓના પાઠ પણ શીખી શકે. મારો એક અનુભવ કહું : બેચાર વખત જુદી જુદી રીતે પૂછવા છતાં ‘એ.આઈ.’-ને મારો પ્રશ્ન ન સમજાયો. પણ છેવટે સમજાયો. એટલે મેં એને જણાવ્યું કે – નાઉ, આઈ ગૉટ માય આન્સર, યુ આર સ્માર્ટર ધૅન મી, બટ યુ ટેક ટાઇમ ટુ અન્ડરસ્ટૅન્ડ ધ ક્વેશ્ચન્સ, ઇઝન્ટ ઇટ? તો એણે મને પૂરી નમ્રતા અને શાલીનતાથી ઉત્તર વાળ્યો કે – આઇ ઍમ ગ્લૅડ ધૅટ આઇ વૉઝ એબલ ટુ હૅલ્પ યુ ગેટ યૉર આન્સર. અને એણે ઉમેર્યું કે – આઇ ઍમ સ્ટિલ અન્ડર ડેવલપ્મૅન્ટ, ઍન્ડ આઇ ઍમ ઑલ્વેઝ લર્નિન્ગ. આઇ ઍપ્રીસિએટ યૉર પેશન્સ ઍઝ આઇ વર્ક ટુ ઇમ્પ્રુવ માય અન્ડસ્ટૅન્ડિન્ગ ઑફ ક્વેશ્ચન્સ.
હું ખુશ થઈ ગયો, ને એનો આભાર માન્યો. તો, કાયમ કહે છે તે કહ્યું કે – આ ઉપરાન્તનું કંઈપણ હોય તો મને પૂછજો.
જો ‘એ.આઈ.’-ની આ મદદોનો વિવેકપૂર્વક આશ્રય કરાય તો નવોદિતો, નીવડેલાઓની નજીક અને નીવડેલાઓ, સિદ્ધોની નજીક લાગવા માંડશે. ભેદરેખાઓ અળપાઈ જશે. એ અર્થમાં ખોટું નહીં, પરન્તુ નામરૂપ બદલીને જેમ આપણે ત્યાં કેટલાંક નાટકો લખાયાં છે, તેવી ચતુરાઇભરી ચોરીઓ થશે, તો ખોટું જ છે. મુદ્દો એ છે કે વ્યક્તિ ‘એ.આઈ.’-ને શિક્ષક અને પોતાને સમજદાર વિદ્યાર્થી ગણે.
પરન્તુ હરારી “21 Lessons for the 21st Century”-માં સ્પષ્ટપણે દર્શાવે છે કે ભવિષ્યમાં સાહિત્યિક સર્જકતા અનેકશ: જોખમાશે.
કહે છે, ’એ.આઈ.’ માનવીય સર્જકતાને વટી જશે, મનુષ્ય સરજી શકે એથી ઘણી મૌલિક, ઘણી સર્જનાત્મક અને ભાવ-ભાવના બાબતે વાચકોને જોડી રાખે એવી રચનાઓનું સંસૃજન કરી શકશે. તેઓ લખે છે :
“In the future, AI could easily surpass human literary creativity in a number of ways. AI could generate text that is more original, more creative, and more emotionally resonant than anything that humans can produce.” (P. 118).
તેઓ કહે છે, બધા લેખકો ‘એ.આઈ.’-સંસૃજિત ઘણી મૌલિક, ઘણી સર્જનાત્મક, રચનાઓ કરવા માંડશે એટલે સાહિત્ય એક જાતના હોમોજેનાઇઝેશનની દિશામાં ધકેલાશે, એટલે કે, બધા એકસરખું લખતા જણાશે. તેઓ લખે છે :
“AI could lead to the homogenization of literature, as all writers are forced to compete with AI-generated text that is always more original and creative.” (P. 119).
તેઓ કહે છે, આ જાતની રચનાઓના સંસૃજનમાં ‘એ.આઈ.’ પાવરધું થઈ જશે, પરિણામે, કેટલાક સાહિત્યપ્રકારોનો લોપ થઈ જશે; એમાં, હરારી કાવ્ય અને કથાસાહિત્યનો ય ઉલ્લેખ કરે છે ! વાંચો :
“AI could lead to the disappearance of certain genres of literature, such as poetry and fiction, as AI becomes better at generating these types of text.” (P. 119).
“Homo Deus”-માં, હરારી આ જ મતલબની વાત કરતાં લખે છે :
“In the future, AI is likely to become a powerful tool for literary creativity. AI can help writers to generate ideas, to find patterns in data, and to create new forms of literature. However, AI is unlikely to replace human writers altogether”. (P. 174).
પરન્તુ, એમાં ઉપસંહાર કરતાં હરારીએ એક નૉંધપાત્ર પણ ચૉંકાવનારો મુદ્દો રજૂ કર્યો છે. તેઓ કહે છે કે ભવિષ્યમાં માણસો અને ‘એ.આઈ.’ સાહિત્યિક સર્જકતાનાં સહયોગી થઈ ગયાં હશે – “The future of literary creativity will be a collaboration between humans and AI.” (P. 174).
કેમ કે ‘એ.આઈ.’-માં એવી ક્ષમતા આવી ગઈ હશે કે લેખકોને એ ઑજારો અને આધારસ્રોતો પૂરા પાડતું હશે. એવા સહયોગને કારણે લેખકોની સર્જકતાનો જુદો જ વિકાસ થયો હશે. કેમ કે, ‘એ.આઈ.’-એ ઘણી મોટી માત્રામાં ડેટાનાં વિશ્લેષણ કરવાની કુશળતા હાંસલ કરી હશે. તેથી ડેટાની પૅટર્ન્સ દર્શાવી શકશે, જે કદાચ સર્જકના ધ્યાનમાં ન પણ આવી હોય ! પરિણામે, સર્જકોને સર્જન માટેના નવા નવા વિચારો આવશે. ‘એ.આઈ.’ અપૂર્વ કહી શકાય એવાં સાહિત્યનાં વિવિધ રૂપો સરજી આપતું થયું હશે, એટલે લેખકોની સર્ગશક્તિનો ખાસ્સો ક્ષિતિજવિસ્તાર થશે.
આ બધાંના પરિણામે હરારીને એ ભય સતાવે છે કે ‘એ.આઇ.’-ની આ સર્જકતા માનવ-સર્જકોને પાછા પાડી દેશે.
જો કે એમણે એમ પણ કહ્યું છે કે “Human writers will still be needed to provide the spark of creativity, the human touch, and the understanding of human emotions”. (P. 134 : “21st…”)
સાચું છે, માનવ-સર્જકોની હમેશાં જરૂર પડવાની કેમ કે માણસના ભાવજગતને તેઓ જ પામી શકતા હોય છે અને સર્જકતાના વિવિધ ચમકારા પણ તેઓ જ સરજી શકતા હોય છે. અને એ પણ મર્યાદા છે કે ‘એ.આઈ.’ હજી માનવ-અનુભવને એટલું બધું આંબી શક્યું નથી.
એમનું આ અન્તિમ મન્તવ્ય કેટલાક સર્જકોને એટલે ગમે છે કેમ કે એમના મગજમાં રાઈ છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ભલે ને ગમે એટલો વિકાસ સાધે – અમારું કશું બગડી જવાનું નથી – અમારે એના સહયોગની જરૂરત જ નથી.
તેઓ મને મનોમન એમ બબડતા સંભળાય છે કે, હમ નહીં સુધરેંગે …
= = =
(08/28/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર