સુપ્રીમ કોર્ટના બીજા નંબરના સૌથી સિનિયર ન્યાયમૂર્તિ જસ્ટિસ એ.એમ. ખાનવિલકર, મની લૉન્ડરિંગ એક્ટ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ(ઈ.ડી.)ને વ્યાપક સત્તાઓ બહાલ રાખીને નિવૃત્ત થયા, તે પછી તરત જ બે મોટા સમાચાર આવ્યા. જેને ‘ઈડી’ કહીને ઉદ્ધવ ઠાકરે ચીડવ્યા હતા તે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર બની, પછી ઉદ્ધવના વિશ્વાસુ અને પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતની પાત્રા ચાલ ગોટાળામાં ઈ.ડી.એ ધરપકડ કરી. તે પછી દિલ્હીમાં રાહુલ ગાંધી-સોનિયા ગાંધીની લાંબી પૂછપરછ બાદ ઈ.ડી.એ .નેશનલ હેરાલ્ડ’ની ઓફીસ સીલ કરી.
આ બે દરોડા તો માત્ર લેટેસ્ટ હતા. ઈ.ડી. તો ઘણા વખતથી સક્રિય છે. વિરોધ પક્ષો કહે છે “વધારે પડતી જ સક્રિય છે.” રાજ્યસભામાં જ આપવામાં આવેલા એક આંકડા મુજબ, 2014થી 2022 વચ્ચે ઈ.ડી.ના દરોડાઓમાં 27 ટકાનો જબ્બર વધારો થયો છે. 2004 અને 2014 વચ્ચે ઈ.ડી.એ 112 દરોડા પાડ્યા હતા, જ્યારે 14થી 22 વચ્ચે દરોડાની સંખ્યા 3,010 થઇ હતી. કેન્દ્રિય રાજ્ય નાણા મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં લેખિત જવાબમાં કહ્યું હતું કે દરોડાઓમાં વધારો થવાનું કારણ જૂના કેસોનો નિકાલ કરવાનું અને નવા કેસોમાં સમયસર તપાસ પૂરી કરવાનો ઈરાદો છે.
દેશમાં એક પણ ખૂણો બાકી નથી, જ્યાંથી ઈ.ડી.ના દરોડાના કોઈ સમાચાર આવતા ન હોય. ક્યાંક મંત્રી તો ક્યાંક અધિકારી, ક્યાંક વેપારી તો ક્યાંક કંપની, ઈ.ડી. લગાતાર છાપા મારી રહી છે અને મીડિયામાં કરોડો રૂપિયા પકડાયાના સમાચારો પ્રગટ થઇ રહ્યા છે. સરકાર આને ‘ભ્રષ્ટાચાર મુક્ત ભારત’નું શાસન ગણાવી રહી છે, જ્યારે વિરોધ પક્ષો તેને રાજકીય વેરઝેરનો હિસાબ-કિતાબ ગણાવી રહી છે. વિરોધ પક્ષોનો આરોપ છે કે જે લોકો સરકારને સવાલ કરે છે, જે લોકો સરકારનો ‘હુકમ’ માનતા નથી, તેને ઈ.ડી.ના નામે પરેશાન કરવામાં આવે છે.
મહારાષ્ટ્રમાં સંજય રાઉતે આક્ષેપ કર્યો હતો કે ભા.જ.પ.ની સરકારે ઈ.ડી.ના દમ પર મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે. સરકારે કહ્યું છે કે ઈ.ડી. એક સ્વાયત્ત સરકારી સંસ્થા છે, જેમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી. ઈ.ડી. તેની સામે જ કાર્યવાહી કરી રહી છે જે ભ્રષ્ટ છે, અને કોઈને જો ખોટું લાગતું હોય તો અદાલતનો સહારો લઇ શકે છે.
વિપક્ષોએ તો અદાલતના વલણ સામે જ સવાલ ઉઠાવ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને જસ્ટિસ સી.ટી. રવિકુમારની પીઠ દ્વારા પી.એ.એમ.એલ.(પ્રિવેન્શન ઓફ મની લૉન્ડરિંગ એક્ટ)ની ધારાઓને બંધારણીય જાહેર કરી તે પછી વિપક્ષોએ ચિંતા વ્યક્ત કરી છે કે આનાથી ઈ.ડી.ના ગેરઉપયોગનું ચલણ વધશે. સુપ્રીમ કોર્ટના ફેંસલા પછી ઈ.ડી. હવે દેશની સૌથી શક્તિશાળી તપાસ એજન્સી બની ગઈ છે. તેના પર અપરાધિક ન્યાય પ્રક્રિયા સંહિતાની જોગવાઈઓ લાગુ નથી પડતી. એજન્સી કોઇ પણ વ્યક્તિની, ગમે ત્યારે, ગમે ત્યાંથી ધરપકડ કરી શકે છે, તેની સંપત્તિ જપ્ત કરી શકે છે અને દરોડા પાડી શકે છે.
સામાન્ય ગુનાઓમાં એ જવાબદારી પોલીસની હોય છે કે તે કોર્ટમાં સબૂતો સાથે સાબિત કરે કે ગુનેગાર કોણ છે. મની લૉન્ડરિંગના કેસમાં એ જવાબદારી આરોપીની હોય છે કે તે એ સાબિત કરે કે તેની પાસે પૈસા ક્યાંથી આવ્યા. બીજું, સામાન્ય ગુનામાં પોલીસ સમક્ષ કરવામાં આવેલું નિવેદન અદાલતમાં સ્વીકાર્ય નથી (પોલીસના મારથી બચવા અપરાધીઓ નિવેદન આપી દેતા હોય છે), જ્યારે ઈ.ડી.ની પૂછપરછમાં અધિકારીને આપવામાં આવેલું નિવેદન અદાલતમાં માન્ય ગણાય છે. મજાની વાત એ છે કે ઈ.ડી.ને પોલીસનો દરજ્જો આપવામાં નથી આવ્યો, પણ તેની સત્તાઓ પોલીસ કરતાં વધુ અને સખ્ત છે.
એટલા માટે, છેલ્લા ઘણા સમયથી સી.બી.આઈ. ગાયબ થઇ ગઈ છે અને હાલ ચારેતરફ ઈ.ડી.ની ‘બોલબાલા’ છે. એનું એક કારણ એ છે કે સી.બી.આઈ.ને રાજ્યમાં કાર્યવાહી કરવાની મંજૂરી આપવી કે ના આપવી તે રાજ્ય સરકારના હાથમાં છે. કેન્દ્રમાં ભા.જ.પ.ની સરકાર આવી તે પછી વિપક્ષી રાજ્યો સાથે તેનો તાલમેલ બગડ્યો એટલે નવ રાજ્યોએ સી.બી.આઈ.ને આપેલી મંજૂરી પાછી ખેંચી લીધી હતી. તેમાં પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ, ઝારખંડ, છત્તીસગઢ, (ભા.જ.પ. શાસિત) મેઘાલય, મિઝોરમ અને પંજાબનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં તો શિંદે સરકારે આવતાં વેંત જે મહત્ત્વના નિર્ણયો કર્યા હતા, તેમાં સી.બી.આઈ.ને મંજૂરી પાછી બહાલ કરવાનો પણ એક નિર્ણય હતો.
કેન્દ્ર સરકારે આમાંથી રસ્તો કાઢીને સી.બી.આઈ.ના સ્થાને ઈ.ડી.ના હાથ મજબૂત કર્યા છે. 2018માં, સંજય કુમાર મિશ્રાએ એજન્સીનો હવાલો સંભાળ્યો તે પછી ઈ.ડી.ના કર્મચારીગણમાં પણ 50 ટકાનો વધારો થયો છે. ‘ધ ટ્રિબ્યુન’ સમાચારપત્રના અહેવાલ અનુસાર, એજન્સીમાં અગાઉ 5 સ્પેશ્યલ ડિરેકટર્સ અને 18 જોઈન્ટ ડિરેકટર્સ હતા. આજે 9 સ્પેશ્યલ ડિરેકટર્સ, 3 એડીશનલ ડિરેકટર્સ, ૩૬ જોઈન્ટ ડિરેકટર્સ અને 18 ડેપ્યુટી ડિરેકટર્સ છે.
ઈ.ડી. નાણા મંત્રાલયના રેવન્યુ વિભાગ હેઠળ એક વિશેષ નાણાંકીય તપાસ એજન્સી છે. પાછલા ચાર વર્ષોમાં ઈ.ડી.ની કારવાઈ એટલી વધી ગઈ છે કે દરેક મોટું કૌભાંડ ઈ.ડી. જ પકડી રહી છે. એટલા માટે જ મની લૉન્ડરિંગ એક્ટને ગેરબંધારણીય ઠેરવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે એ એક્ટ હેઠળ ઈ.ડી.ની સત્તાઓને કાયમ રાખી છે.
સુપ્રીમ કોર્ટે એવું કહીને આ ફેંસલો આપ્યો છે કે આર્થિક ગુનાઓ, ડ્રગ્સની હેરફેર, આંતરરાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક લેવડદેવડ અને હવાલા તેમ જ આતંકવાદ જેવી ગતિવિધિઓ પર કાબૂ મેળવવા માટે એક્ટની જોગવાઈઓ ઉચિત છે, પરંતુ તેનો દુરઉપયોગ ન થાય તે બાબતે કોર્ટે વિચાર નથી કર્યો.
મની લૉન્ડરિંગ એક્ટ 2002માં બન્યો હતો અને 2005માં અમલમાં આવ્યો હતો. 2012માં તેમાં સુધારા કરીને તેનો વ્યાપ વધારવામાં આવ્યો હતો. એમાં જ ઈ.ડી.ને વધુ સત્તાઓ આપવામાં આવી હતી. તે પછી ત્રણ રાજ્યોના ચાર મંત્રીઓને ઈ.ડી.એ જેલમાં મોકલ્યા છે; મહારાષ્ટ્રના અનિલ દેશમુખ, નવાબ માલિક (અને હવે સાંસદ સંજય રાઉત), દિલ્હી સરકારના સત્યેન્દ્ર જૈન અને બંગાળના પાર્થ ચેટરજી.
વિરોધ પક્ષોનો આરોપ આ જ છે; સરકાર પક્ષપાતપૂર્ણ રીતે વિરોધ પક્ષને ઈ.ડી.નું નિશાન બનાવી રહી છે. કાઁગ્રેસ, આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કાઁગ્રેસ સહિત 17 વિપક્ષી નેતાઓએ ઈ.ડી.ને મળેલા અધિકારો અંગે ચિંતા વ્યક્ત કરી છે અને સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા અંગે નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે મની લૉન્ડરિંગ એક્ટમાં સુધારાની બંધારણીય યોગ્યતા પર સુપ્રીમ કોર્ટની મોટી પીઠ દ્વારા સમીક્ષા થવી જોઈએ.
એક સંયુક્ત બયાનમાં વિપક્ષોએ કહ્યું છે કે “અમને સુપ્રીમ કોર્ટના આ ફેંસલાનાં દૂરગામી પરિણામોની ચિંતા છે. કાલે જો સુપ્રીમ કોર્ટ નાણા બિલ મારફતે આ સુધારાને ખોટા જાહેર કરશે, તો પૂરી કાનૂની પ્રક્રિયા વ્યર્થ સાબિત થશે. અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ, છતાં એ કહેવા મજબૂર છીએ કે આ એક્ટમાં કરવામાં આવેલા સુધારાઓની બંધારણીયતા પર વિચાર કરવાવાળી મોટી ખંડપીઠના ફેંસલાની રાહ જોવાની જરૂર હતી. આ સુધારાઓથી એ સરકારના હાથ મજબૂત થયા છે જે વેરઝેરની રાજનીતિ કરી રહી છે અને તેનો ઉપયોગ કરીને સરકાર તેના વિરોધીઓને દુર્ભાવનાપૂર્ણ રીતે નિશાન બનાવી રહી છે.”
દેશની અપરાધિક ન્યાયિક વ્યવસ્થા એક સ્વયં-સિદ્ધ સિદ્ધાંત પર કામ કરે છે: જ્યાં સુધી વ્યક્તિ દોષિત સાબિત નથી થતી, ત્યાં સુધી તેને નિર્દોષ માનવામાં આવે છે. વર્તમાન એક્ટમાં સૌથી મોટી ફરિયાદ એ છે કે તેમાં વ્યક્તિને પહેલેથી જ દોષિત માની લેવામાં આવે છે અને તે નિર્દોષ છે તે પુરવાર કરવાની જવાબદારી તેની ખુદની બને છે.
આ વાતને તમે સુપ્રીમ કોર્ટે અન્ય એક ઠેકાણે કરેલી ટીપ્પણી સાથે જોડીને જુઓ, તો કોર્ટના તાજા ફેંસલા સામે કેમ ચિંતા છે તે સમજાશે. ભા.જ.પ.ની એક સમયની પ્રવક્તા નૂપુર શર્માના વાઈરલ વીડિયોથી ચર્ચામાં આવેલા અને એક ટ્વીટને લઈને પોલીસના હાથમાં ફસાયેલા ‘ઓલ્ટ-ન્યૂઝ’ના પત્રકાર મહોમ્મદ ઝુબેરને જામીન આપતી વખતે, જસ્ટિસ ધનંજય ચંદ્રચુડની બેન્ચે કહ્યું હતું કે, “પાઠ ભણાવવા માટે ધરપકડનું હથિયાર વાપરાવું ન જોઈએ, કારણ કે તેનાથી વ્યક્તિગત આઝાદીનું ઉલ્લંઘન થાય છે. વ્યક્તિઓને માત્ર આરોપના આધારે સજા ન કરવી જોઈએ. કાયદાની ઐસીતૈસી કરીને, વગર વિચારે જો ધરપકડ કરવામાં આવે તો તે સત્તાનો ગેરઉપયોગ છે.”
થોડા વખત પહેલાં જ મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી. રામન્નાએ કહ્યું હતું, “આપણે ત્યાં પ્રોસેસ એ જ પનિશમેન્ટ છે.”
લાસ્ટ લાઈન:
“કાનૂન અને ન્યાયના નામે જે જુલ્મ ગુજારવામાં આવે છે, તેનાથી મોટો બીજો કોઈ જુલ્મ નથી.”
— મોન્ટેસ્ક્યુઈયુ, ફ્રેંચ જજ (1689-1755)
પ્રગટ : ‘ક્રોસલાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સન્નડેલાઉન્જ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 07 ઑગસ્ટ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર