લો-લેસ ગુજસીટોક અને અકાદમી ઉર્ફે હાથી વગરની અંબાડી … આનંદો, અચ્છે દિન આ ગયે હૈ !
ખબર નથી, આ રીતે વાત શરૂ કરી શકાય કે નહીં; પણ તમે જુઓ કે ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ બિલ (ગુજસીટોક) અને ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષપદે નિવૃત્ત સનદી અધિકારી ભાગ્યેશ ઝાની નિયુક્તિની સરકારી જાહેરાત બેઉ વાનાં આ દિવસોમાં લગભગ એક સાથે આવી પડ્યાં છે! કોઈ કહી શકે કે તમે આ બે બાબતો ક્યાં ભેગી કરી નાખો છો? ગુજસીટોકની ટીકા એ થાય છે કે તે મનમુરાદ પોલીસરાજના પરવાના જેવી જોગવાઈ છે. એથી ઊલટું, જડસુ હોઈ શકતા પોલીસરાજથી વિપરીત ભાગ્યેશ ઝા કંઈ નકરા સરકારી અધિકારી તરીકે તો ઓળખાતા નથી.
સાહિત્યપદારથ સાથે કામ પાડનાર એક સહૃદય જણ તરીકેનું કંઈક ભામંડળ પણ એમની કને છે. જડસુ પોલીસ અને કોમળ કોમળ કટારચી, બેઉને એક લાકડીએ કાં હાંકો, ભલા. કબૂલ. ત્રિવાર કબૂલ. પ્રશ્ન પોલીસનો નહીં, ભાગ્યેશ ઝાનો નહીં એવો ને એટલો એમની પાછળનાં બળોનો અને માનસિકતાનો છે. પોલીસ, છેવટે તો, એક અર્થમાં ચીઠ્ઠીનો ચાકર છે. પણ એને મનમાની ચલાવવાની સગવડ જો ગુજસીટોક જેવી કાનૂની જોગવાઈથી અપાવાની હોય તો એનો અર્થ એ થયો કે આવી જોગવાઈ કરવા સારુ તડે પેંગડે અને તલપાપડ રાજકીય-શાસકીય માનસિકતા એની પૂંઠે કામ કરી રહી છે. આ પ્રકારનો કાયદો (તમે એને વિશે જાહેર ચર્ચા યોજો તો પણ કાનૂનભંગને ધોરણે પકડાવાપાત્ર ઠરી શકો, એ હદનો કાયદો) ખરેખર તો કોઈ લોકશાહી પ્રજાસત્તાકનાં મૂલ્યો અને બંધારણની ભાવનાની કસોટીએ કાનૂની કરોડરજ્જૂ વગરનો કહેતાં લો-લેસ છે. ગુજસીટોકની તરાહ ને તાસીર જોતાં તેને લો-લેસ કહેવાનું સૂચન ગુજરાતના એક ખ્યાત ધારાશાસ્ત્રીનું છે.
ખેર, અગાઉ બે વાર રાજ્યપાલ-રાષ્ટ્રપતિના તબક્કે આ પ્રકારનો ખરડો રોકાયો છે તેમ આ વખતે શું થશે તે જોવું રહેશે. પણ મુદ્દાની વાત, એની પૂંઠે જે મનમુરાદ આપખુદવાદ સોડાય છે તે છે. અને આરંભે જ, કોઈને ગોસ્મોટાળો લાગે તેમ સાહિત્ય અકાદમીના પ્રમુખપદે પરબારા ભાગ્યેશ-પ્રવેશની જિકર કરી છે તેમાં પણ સવાલ તો આ અને આ જ છે – જે પણ સત્તારૂઢ છે તે મનમાની ચલાવવા માગે છે. ચાલો, આ વાત સમજીએ. આપણે ત્યાં બે સ્વાતંત્ર્યસૈનિક અને શીર્ષસ્થ સર્જક પ્રતિભાઓએ જે માહોલ બનાવ્યો એમાં સ્વાયત્ત સાહિત્ય અકાદમીનું નિર્માણ શક્ય બન્યું હતું. ઉમાશંકર જોશીએ બાંધેલ સમો અને દર્શકની એવી જ આદર્શલક્ષી વ્યવહારકુશળતાનું એ સુફળ હતું. આ જે અકાદમી અસ્તિત્વમાં આવી એની એક તરી આવે એવી વિશેષતા એ હતી કે તેમાં જેમ સાહિત્ય-અને-શિક્ષણ-સંસ્થાઓના પ્રતિનિધિઓ બેસતા તેમ લેખકોની કોન્સ્ટિટ્યુઅન્સીમાંથી ચૂંટાઈને નવ લેખકો પણ બેસતા. આ સૌ, પછીથી, સાથે મળીને એક ગૃહ તરીકે પોતાના પ્રમુખની વરણી કરતા.
દર્શકે આ ધોરણે જવાબદારી બજાવી. એમના પછી ભોળાભાઈ પટેલ પણ વિધિવત્ ચૂંટાઈને, રિપીટ, ચૂંટાઈને આવ્યા. પરંતુ, હવે તો એ વાતને સહેજે દસકો વીતી ગયો હશે જ્યારથી આખી પ્રક્રિયા ઠપ થઈ ગઈ છે, અને સ્વાયત્ત અકાદમીની સ્વાયત્તતા સુવાંગ સરકાર તાબે એવા ઈલાકામાં તબદિલ થઈ એક ખાતું માત્ર બની રહેલ છે. એમાં પણ સંવેદનશૂન્ય અને વિવેકહીન સત્તાવાદ તો જુઓ! લેખકીય કોન્સ્ટિટ્યુઅન્સીમાંથી ચૂંટણીની પ્રક્રિયા પણ પાર પડી ગઈ હતી. સરકારે હવે બાકીની પ્રક્રિયા પૂરી કરી અકાદમીને કાર્યરત જ માત્ર કરવાની હતી, પણ સ્વાયત્તતાનાં રાંધ્યાં ધાન પડી રહ્યાં અને અકાદમી સરકારી ખાતું માત્ર બની ગઈ. મોરારજી દેસાઈના વડપણ હેઠળ અડવાણી સૂચના અને પ્રસાર મંત્રી હતા ત્યારે વર્ઘીસની અધ્યક્ષતામાં એમણે પ્રસાર ભારતી સમિતિ નીમી હતી. આ સમિતિએ રિપોર્ટ તો સરખો આપ્યો પણ અડવાણીએ ખાતાના પ્રધાન તરીકે એવું વલણ લીધું કે સ્વાયત્ત કોર્પોરેશનની શી જરૂર છે, અમે ખાતાકીય (ડિપાર્ટમેન્ટલ) સ્વાયત્તતા આપીશું.
અાકાશવાણીને બધો વખત ઇન્દિરાવાણી કહેતા રહેલા નેતાજીએ અકાશવાણીને "અડ-વાણી' રાખવામાં પોતાની મુક્તિ જોઈ! ગમે તેમ પણ, ગુજરાત સરકારે, પહેલાં સાહિત્યરસિક લેખાતા મુખ્યમંત્રીએ અને હવે શિક્ષક મુખ્યમંત્રીએ ગુજરાતમાં સ્વાયત્તતાને ટુંપાવી અધિકારી-રાજ ચલાવવાનો રસ્તો લીધો છે. તેમણે અકાદમીને માથે પરબારા પ્રમુખ પણ બેસાડી દીધા છે. સદ્દભાગ્યે, હમણાં સુધી સહેજ ગણગણાટ માત્રથી વધુ અવાજ નહીં ઉઠાવતા સારસ્વત સમાજે કંઈક અવાજ ઉઠાવવા માંડ્યો છે. અમદાવાદ-વડોદરાથી શરૂ થયેલી સહીઝુંબેશ આગળ વધે એવાં પણ ઈંગિતો મળી રહ્યાં છે. આ ઝુંબેશ, કોઈક સંવાદદાતાએ લખ્યું છે તેમ "ભાગ્યેશ ઝાના વિરોધ' માટેની નથી; કેમ કે તે સ્વાયત્તતા માટેની છે એટલે ખુદ લેખક ઝા પણ ઈચ્છે તો જોડાઈ શકે એવું, સ્વાયત્તતાની પુન:પ્રતિષ્ઠાનું લેખકોનું આંદોલન કેવાંક કદ અને કાઠી દાખવે છે, જોઈએ અને સરકાર સમય તેમ જ ધોરણોની નજાકત કેવીક સમજે છે. જે પણ હોય, જનતાની નજરમાં આ પ્રસંગ અક્ષરકર્મીઓના વજૂદની કસોટીનો તો છે અને છે જ.
પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 18 અૅપ્રિલ 2015