‘ટીટ ફૉર ટેટ’ ક્યાં સુધી
ગુરુદાસપુરની આંતકવાદી ઘટના અને પૂર્વરાષ્ટ્રપતિ કલામની (છાત્રો વચ્ચે, એમને સારુ સ્વધર્મે નિધનં શ્રેયઃ સરખી) ચિરવિદાયની પિછવાઈ પર આ લખી રહ્યો છું ત્યારે એક વાર અશોક ભટ્ટની ચોકી વટીને લોકશાહી આંદોલન વતી અમદાવાદમાં અને બીજી વાર સપ્ટેમ્બર, ૨૦૦૨માં દિલ્હીમાં ચુનીકાકા અને ઈન્દુકુમાર જાની સાથે ગુજરાત લોકસંઘર્ષ સમિતિની આવાહકત્રયીની હેસિયતથી મળવાનું થયું હતું એ સાંભરે છે. બંને મુલાકાતોમાં એમની સરળતા અને સૌહાર્દનો હૃદ્ય અનુભવ થયો હતો. પહેલી મુલાકાતને અંતે એ અમને બારણા સુધી મૂકવા આવ્યા હતા તો બીજી મુલાકાત પતતે પતતે ચુનીકાકાએ પૌત્ર પૂર્ણમના પ્રણામ કહ્યા ત્યારે મેં ‘કલામ કો સલામ’ એમ ઉમેર્યું તો અભિવાદન કરતા હોય તેમ ઊભા થઈ ગયા હતા અને બાળકિશોરઉમંગી ઢબે કહ્યું હતું : ઇટ ર્હાઇમ્સ વૅલ!
જો કે, આ લખું છું ત્યારે પહેલી મુલાકાતમાં એમણે કોઈ વારે નિરાંતે સેક્યુલરિઝમ વિશે વાત કરીશું એમ અભિનવ શુકલ અને મને ‘સર’ સંબોધન સાથે કહેલું તે વિશેષરૂપે યાદ આવે છે. અલબત્ત, એવો પ્રસંગ પછી મળ્યો નહીં અને સર્વધર્મસમભાવી પાક મુસ્લિમ એવા કલામ સાહેબ સાથે આ મુદ્દે વિમર્શ થયો હોત તો જરૂર ગમ્યું હોત. માર્ચ ૨૦૦૨ પછી એ રાષ્ટ્રપતિપદે પહોંચ્યા હતા. એક રીતે ભાજપ શ્રેષ્ઠીઓ અને સંઘ પરિવારને માટે એ દ્વિધાવિભક્ત નિર્ણય હતો તો ઉલટ પક્ષે જગદીશ શાહનાં બેબાક વચનોમાં કહું તો આ જ ભાજપશાસિત અમદાવાદ-ગુજરાતમાં માર્ચમાં એ હોત તો રાષ્ટ્રપતિપદે એમનું, એક મુસ્લિમનું, પહોંચવા વાસ્તે હયાત હોવું એ શંકાના દાયરામાં હતું.
હિંદુત્વને (ખરું જોતાં હિન્દુઇઝમ/હિન્દુધર્મને) જે જસ્ટિસ વર્માએ ‘વે ઑફ લાઇફ’ કહી ભાજપશ્રેષ્ઠીઓને પ્રચારવાજાની સોઈ અનાયાસ પૂરી પાડી હતી. એમણે જ્યારે હિન્દુત્વ રાજનીતિની માનસિકતાને ‘ઇન ઍક્શન’ જોઈ ત્યારે હ્યુમન રાઇટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે ઘટતું કહેવા સાથે પોતાના પૂર્વ ચુકાદાના રાજકીય ઉપયોગ એટલે કે દુરુપયોગ બાબત અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. જેમ નિર્ભયા પ્રકરણ સંદર્ભે કાનૂની સુધારતાકીદ સહિતનો સર્વગ્રાહી એટલો જ સપાટાબંધ હેવાલ તેમ આ અફસોસ, બેઉ માટે જસ્ટિસ વર્મા લાંબો સમય યાદ રહેશે. જરી અવાન્તર પણ આ મુદ્દો કીધો તે સરળભોળા સર્વધર્મ સમભાવ કરતાં આપણો વિમર્શ વધુ મૂળગામી અને વ્યાપક હોવાની જરૂરત ઘૂંટવા માટે.
આતંકવાદી ઘટનાક્રમ, કથિત ‘હિંદુ આતંક’ બાબતે ધરાર તપાસઢીલમાં રહેલા સંમિશ્ર સંકેતો તેમ જ સંસદીય સ્ટૅન્ડ ઑફ હમણાં સામે આવ્યાં છે પણ તરતમાં જ બિહારનો નિર્ણાયક ચૂંટણીજંગ કેન્દ્રમાં આવશે. સ્ટાર કેમ્પેઈનર અને ‘મને મત આપો’ની ગત પર આગળ જતા મોદીએ ‘વિકાસ’ને આગળ કરી ઝુંબેશ છેડી છે. યથાપ્રસંગ હિંદુ અગર ઓબીસી કે વિકાસપુરુષની એમની શૈલી અને વ્યૂહ બિહારમાં સામાજિક ન્યાયની રાજનીતિના પડકાર સામે તેમ નીતિશની વિકાસછાપ સામે કેવાક વળ અને આમળા લે છે તે જોવું રહેશે.
મુદ્દે, મંડલ-કમંડલના હેવાયા લાભાર્થીઓએ આખી ચર્ચાને નાગરિક ઓળખના દાયરામાં આણવા જરૂર છે. જેમ મોદી ભાજપ માટે તેમ નીતિશ-લાલુ માટે બિહારનું પરિણામ નિર્ણાયક બનવાનું છે એમાં શંકા નથી. માત્ર, ભાવિ ઇતિહાસ આ સૌને એમના વિમર્શમાં નાગરિક તત્ત્વ કેટલું આવ્યું અગર ન આવ્યું એ રીતે જોશે મૂલવશે. તે સિવાય, લાંબા સંસદીય ગતિરોધથી વિપક્ષની ‘સ્વીકૃતિ’ વધે કે સત્તાપક્ષની ‘દૃઢતા’ માન પ્રેરે એમાં બેઉ છાવણીઓની ‘ટીટ ફૉર ટેટ’ ઢબછબ ભાગ્યે જ ઉપયોગી થઈ શકે.
(જુલાઈ ૨૮, ૨૦૧૫)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2015; પૃ. 01