તેમણે થોડા દિવસ પહેલાં ઇમર્જન્સીની ૪૦મી વરસી નિમિત્તે ઇન્દિરા ગાંધીની દેશ પર ઇમર્જન્સી લાદવા માટે નિંદા કરી હતી અને કહ્યું હતું કે અત્યારના યુગમાં મીડિયાનું મોં બંધ કરવું એ અવ્યવહારુ ચેષટા ગણાશે, ચાલીસ વર્ષ પહેલાં સેન્સરશિપ શક્ય હતી જે હવે નથી. વડા પ્રધાન તરીકે સફળ નીવડવા માટે નરેન્દ્ર મોદીએ અને તેમની સરકારે એટલાં ચડેલાં કામ કરવાનાં બાકી છે કે આવી ફાલતુગીરી માટે સરકાર પાસે સમય જ ન હોવો જોઈએ
કેન્દ્ર સરકારે ત્રણ ચૅનલોને રાષ્ટ્રપતિનું અને સર્વોચ્ચ અદાલતનું અપમાન કરવા માટે કારણદર્શક નોટિસ મોકલી છે. આ ત્રણ ચૅનલોમાં બે હિન્દી ચૅનલ ‘આજ તક’ તેમ જ ABP ન્યુઝ અને અંગ્રેજી ચૅનલ NDTVનો સમાવેશ છે. ૧૯૯૩ના મુંબઈ બૉમ્બવિસ્ફોટના ગુનેગાર યાકૂબ મેમણને કરવામાં આવેલી ફાંસીની સજા યોગ્ય હતી કે અયોગ્ય એ વિશેની ચર્ચામાં એવી કેટલીક વાતો કહેવામાં આવી હતી જેમાં ન્યાયતંત્રનું અને રાષ્ટ્રપતિનું અપમાન થતું હતું. પ્રોગ્રામ કોડ ઑફ કેબલ ટેલિવિઝન નેટવર્ક રૂલ્સ ૧૯૯૪ના નિયમ છની સેક્શન ૧ (G) હેઠળ આ નોટિસ કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયે મોકલી છે. મીડિયાને જવાબ આપવા માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે.
પહેલી વાત તો એ છે કે રાષ્ટ્રપતિના અને અદાલતોના ફેંસલાની ચર્ચા શા માટે ન થાય? એવું કોણે કહ્યું કે આ બે સંસ્થાઓ પવિત્ર ગાય છે અને એમના નિર્ણયોની ટીકા થઈ જ ન શકે? કોઈ પૅનલિસ્ટે એવું તો કહ્યું નહોતું કે રાષ્ટ્રપતિએ કે જજે પૈસા ખાધા હતા કે પછી એ મૂર્ખ છે કે પછી તેઓ કાયદાનું જ્ઞાન નહીં ધરાવતા અભણ છે. કોઈએ એમ પણ નહોતું કહ્યું કે રાષ્ટ્રપતિ કે જજો કોમવાદી છે. ચર્ચામાં કેટલાક લોકોનો સૂર એવો હતો કે યાકૂબ મેમણની સામેના કેસમાં કેટલીક સંદિગ્ધતાઓ જોતાં તેને શંકાઓનો લાભ મળવો જોઈતો હતો. જગત આખામાં એવો વણલખ્યો નિયમ છે કે જ્યારે શંકાઓ મોટી હોય અને ખટલો સાંભળ્યા પછી જજોનું તારણ એક ને એક બે જેવું સ્પષ્ટ ન હોય ત્યારે ગુનેગારને શંકાનો લાભ મળવો જોઈએ. આખરે જજોનો ચુકાદો એક તારણ છે જે એક સંભાવના છે, જ્યારે ગુનેગારની જિંદગી એક નક્કર વાસ્તવિકતા છે. સંભાવના માટે નક્કર વાસ્તવિક જિંદગી આંચકી લેવામાં ન આવે એ માટે આવા વણલખ્યા નિયમનું જગત આખામાં ન્યાયતંત્રમાં પાલન કરવામાં આવે છે.
પાછું યાકૂબના કેસમાં તો સર્વોચ્ચ અદાલતના બે જજોમાંથી એક જજે જ કહ્યું હતું કે યાકૂબને સર્વોચ્ચ અદાલતમાં ક્યુરેટિવ પિટિશનમાં ન્યાય નથી મળ્યો. કેન્દ્ર સરકારે સૌથી પહેલી નોટિસ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ જોસેફ કુરિયનને મોકલવી જોઈએ. રહી વાત રાષ્ટ્રપતિની. તો રાષ્ટ્રપતિ તો અદાલત જેટલા વિશેષાધિકારના કાયદાથી સુરક્ષિત પણ નથી. શા માટે રાષ્ટ્રપતિની ટીકા ન થઈ શકે? મીડિયાએ રાષ્ટ્રપતિની અંગત ટીકા નથી કરી. તેમણે રાષ્ટ્રપતિ તરીકે લીધેલા નિર્ણયની ટીકા કરી છે અને એ કરવાનો ભારતના નાગરિકને અધિકાર છે. અદાલતોને વિશેષાધિકારનું કવચ એટલા માટે આપવામાં આવ્યું છે કે કોઈ અદાલતનો તિરસ્કાર કરીને એની વગ સાથે ચેડાં ન કરે. કેન્દ્રના માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અરુણ જેટલી સર્વોચ્ચ અદાલતમાં પ્રૅક્ટિસ કરતા દેશના નામધારી વકીલોમાંના એક છે. તેમને એટલી તો જાણ હોવી જ જોઈએ કે રાષ્ટ્રપતિ કોઈ વિશેષાધિકાર નથી ધરાવતા અને અદાલતો વિશેષાધિકારની નોટિસ મોકલીને અને અદાલતનું અપમાન કરનાર સામે કામ ચલાવવાની સત્તા ધરાવે છે. અદાલતનો તિરસ્કાર કરનારને અદાલતે દંડ્યા હોય એવું અનેક વાર બન્યું છે. અદાલતો કેન્દ્ર સરકારની મોહતાજ નથી. ટીવી-ચૅનલો પરની ચર્ચા વિશે નથી રાષ્ટ્રપતિભવને કોઈ ખુલાસો કર્યો કે નથી સર્વોચ્ચ અદાલતે નારાજગી બતાવી. કન્ટેમ્પ ઑફ ર્કોટ અને વિશેષાધિકારના ભંગ માટેની નોટિસ તો બહુ દૂરની વાત છે.
કેન્દ્ર સરકાર પાસે કરવા જેવાં ઘણાં કામ છે. હવે લોકોની ધીરજ ખૂટી રહી છે અને વડા પ્રધાન ઠઠ્ઠા-મશ્કરીનો વિષય બની રહ્યા છે. આઠ-આઠ વટહુકમોને કાયદા બનાવવાના બાકી છે. સંસદનું સત્ર ચાલી શકે એ માટેની અનુકૂળતા બનાવવાની છે. મેક ઇન ઇન્ડિયા માટે અનુકૂળતા પેદા કરવાની બાકી છે. અનેક કાયદાઓમાં સુધારાઓ કરવા જરૂરી છે. નીતિ આયોગની અધૂરી રચનાને પૂરી કરવાની બાકી છે. વિદેશોમાં સહી કરવામાં આવેલા સો જેટલા સમજૂતીના મુસદ્દાઓ(મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ)ને કાયદાકીય કે કાયમી ઍગ્રીમેન્ટમાં ફેરવવાનું બાકી છે. વડા પ્રધાન તરીકે સફળ નીવડવા માટે નરેન્દ્ર મોદીએ અને તેમની સરકારે એટલાં ચડેલાં કામ કરવાનાં છે કે આવી ફાલતુગીરી માટે સરકાર પાસે સમય જ ન હોવો જોઈએ.
દેશનું દુર્ભાગ્ય છે કે આ સરકાર પાસે આવાં કામો માટે પુષ્કળ સમય અને શક્તિ બન્ને છે. તીસ્તા સેતલવાડને સતાવવા માટે સમય છે; ખાનગી સ્વયંસેવી સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવા માટે અને એના પર નજર રાખવા માટે સમય છે; અશ્લીલ વેબસાઇટો પર પ્રતિબંધ મૂકવા માટે સમય છે; સામૂહિક યોગાસનોનો ખેલ યોજવા માટે સમય છે; શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓમાં સંઘના હિન્દુત્વવાદીઓની ભરતી કરવા માટે સમય છે; ગુજરાતના, માલેગાંવના, સમઝૌતા એક્સપ્રેસના ગુનેગારોને બચાવવા માટે સમય છે. કોણ કહે છે કે નરેન્દ્ર મોદીની સરકાર કામ નહીં કરતી સરકાર છે? બસ, પ્રાથમિકતાઓ જુદી છે.
ચૅનલોને નોટિસ મોકલનારા કેન્દ્રના પ્રધાન અરુણ જેટલીએ હજી થોડા દિવસ પહેલાં ઇમર્જન્સીની ૪૦મી વરસી નિમિત્તે ઇન્દિરા ગાંધીની દેશ પર ઇમર્જન્સી લાદવા માટે નિંદા કરી હતી અને ખુલ્લા સમાજનો મહિમા કર્યો હતો. એ તો જાણે ઠીક છે, પ્રધાનોને બે મોઢે બોલવાની આદત હોય છે અને એમાં અરુણ જેટલી અને ટેલિકમ્યુિનકેશન ખાતાના પ્રધાન રવિશંકર તો વકીલ છે એટલે બે મોઢે બોલવાની વિશેષ આવડત ધરાવે છે. ત્યારે મહત્ત્વની વાત અરુણ જેટલીએ એ કહી હતી કે અત્યારના યુગમાં મીડિયાનું મોં બંધ કરવું એ અવ્યવહારુ ચેષ્ટા ગણાશે. ચાલીસ વર્ષ પહેલાં સેન્સરશિપ શક્ય હતી જે હવે નથી. આ ઓપન કમ્યુિનકેશનનો યુગ છે. ટેક્નૉલૉજીએ નિયમનોને નિષ્પ્રભાવી બનાવી મૂક્યાં છે.
આમ છતાં ચૅનલોને નોટિસો મોકલવામાં આવે છે, બીજા પ્રતિબંધો મૂકવામાં આવે છે એનું કારણ એ છે કે યુગ બદલ્યો છે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તૈયાર થયેલા લોકોનું માનસ નથી બદલાયું. તેમના સંસ્કાર પ્રાચીનયુગીન આધિપત્યવાળા છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 11 અૉગસ્ટ 2015
http://www.gujaratimidday.com/features/columns/feature-columns-11-8-2015-6