“નવનીત સમર્પણ”, ફેબ્રુઆરી 2015માં પ્રકાશિત ગઝલ – થોડા સંમાર્જન અને એક વધારાના શેર સાથે :-
શિખર પર ગોઠવી શય્યા ઉદિતની રાહ જોઉં છું,
ઘટાટોપે છો ઘેરાઉં, તડિતની રાહ જોઉં છું.
પ્રતિક્ષણ પુષ્પ જેવી પલ્લવિત આશા-નિરાશાઓ,
સતત સમભાવ રાખી સંભવિતની રાહ જોઉં છું.
વિહિતની રૂઢતા વચ્ચે, નિહિતની ગૂઢતા વચ્ચે,
વચન વાણી ને વર્તનમાં વિદિતની રાહ જોઉં છું.
તપી નીતરી ધવલ રંગે ફરકતાં શત શરદ અંતે,
સ્વયં સ્મશ્રુ તણા યજ્ઞોપવીતની રાહ જોઉં છું.
જીવન સંગીત ભરપૂર પ્રેમથી માણી લીધું મિત્રો,
હૃદયકુંજે હવે હું હંસગીતની રાહ જોઉં છું.
નથી સરયૂ, નથી નૈયા, નથી કેવટ, નથી રઘુવર,
ચરણ ધોઈ હું ખુદના પારમિતની રાહ જોઉં છું.
19/10/2014
તડિત : વીજળી
સ્મશ્રુ : દાઢીના વાળ
વિહિત : શાસ્ત્રોક્ત
નિહિત : ત્યાજ્ય, તજવા યોગ્ય
વિદિત : જાણમાં આવેલું, જ્ઞાન
હંસગીત : આખરી ગીત, swan song/final performance
કેવટ : ખારવો, માછીમાર
પારમિત : પાર ઊતરી ગયેલ, પાર પામેલું, સર્વોત્તમ
e.mail : spancham@yahoo.com