‘વૃદ્ધાવસ્થા’ શબ્દનો ડર ? ના, ના … મને એવો ડર જરી કે લાગતો નથી. મને આ શબ્દોની લેશમાત્ર બીક નથી; કારણ કે ઘડપણ મારા જીવનનાં બારણાં ખખડાવે તે પહેલાં, તેના સ્વાગતની મેં તૈયારી કરી લીધી છે. કેવી છે આ તૈયારી ?
વૃદ્ધાવસ્થા સામે તમે કઈ દૃષ્ટિએ જુઓ છો, તેનું ખૂબ મહત્ત્વ છે. તમારા જીવનના આંગણે તિથિ આપીને આવનારો એ મહેમાન, તમારો જીગરજાન દોસ્ત પણ બની શકે અને તમારો જીવલેણ શત્રુ પણ બની શકે. એનો આધાર તમારા અભિગમ પર છે, તમારા દૃષ્ટિકોણ પર છે. કો’ક વહેલી સવારે, અચાનક અરીસામાં જોતાં માથા પર હરતો ફરતો કોઈ સફેદ વાળ તમારા હૃદયમાં હાહાકાર વર્તાવે છે કે હાશકારો કરાવે છે, તેનો આધાર છે તમારા દૃષ્ટિકોણ પર. તમારી માનસિક તૈયારી થઈ ગઈ હશે, તો તમે એ વૃદ્ધાવસ્થાને આવકારવા તત્પર થઈને ઊભા રહેશો. જીવનનાં મહામૂલાં વર્ષો ખરચીને આંગણે આવેલી આ વૃદ્ધાવસ્થા તમારા માટે અણમોલ રતન બની જશે.
ગુજરાતના એક સુપ્રસિદ્ધ સ્વર્ગસ્થ લેખકનો આ દાખલો છે. સદ્દગત રસિકભાઈ ઝવેરી ઇંગ્લેંડના પ્રવાસે જાય છે. લંડનની શેરીઓમાં ભટકતાં ભટકતાં એ અલગારી પ્રવાસી એક નાનકડી ગલીમાં પ્રવેશે છે. જ્યાં સામે નજરે પડે છે – એક કેશગુંફન તથા કેશસુશોભનની દુકાન. દુકાનમાં બેઠેલી બહેને એમને બોલાવ્યા એટલે કુતૂહલવશ એ ત્યાં ગયા. પેલાં બહેન બોલ્યાં : ‘જુઓ મહાશય, તમારા વાળ ધોળા થઈ ગયા છે. તમે આ ખુરશીમાં બેસો, ઘડીકમાં હું આ તમારા ધોળા વાળને કાળા ભમ્મર કરી દઈશ. મુંઝાશો નહીં, આ માટે તમારે કોઈ કિમ્મત ચૂકવવી નહીં પડે. ડેમોન્સ્ટ્રેશન કરવા માટે સામેથી હું તમને વાળ રંગવાની શીશી ભેટ આપીશ.’
ખૂબી લેખકના જવાબમાં છે. એ સફેદ વાળ હેઠળ એક ગજબનું સ્વસ્થ વ્યક્તિત્વ બેઠેલું છે, તેનું ભાન આ જવાબમાં થાય છે. રસિકભાઈ કહે છે, ‘માવડી મારી, માથાના કાળા વાળને ધોળા કરવા માટે મેં મારી જિન્દગીનાં મહામૂલાં પચાસ પચાસ વર્ષો ખરચ્યાં, તે આમ પાણીના મૂલે ઘડીકમાં કાળા કરાવી દઉં ! ના માવડી ના !’
કાળા વાળનું સફેદ વાળમાં રૂપાન્તર એ કેવળ કોઈ સ્થૂળ રૂપાન્તર નથી. આપણા કાન જો સાબદા હોય તો આ રૂપાન્તર કેવળ વાળનું નથી; આપણી વૃત્તિઓનું પણ છે. ભીતર કશુંક બદલાવા માંગે છે. અન્દર કોઈ ક્રાન્તિ સર્જાવાની છે; તેનો આ સળવળાટ છે; પણ આપણે આપણી દોડધામવાળી, કોલાહલભરેલી જિન્દગીમાં અન્દરના અવાજ, અન્દરના સળવળાટ તરફ ધ્યાન આપવા નવરાં જ પડતાં નથી અને પછી ચાલતી રહે છે – ‘વો હી રફતાર બેઢંગી !’
રસિકભાઈ ઝવેરીના આ જવાબમાં માનવના જીવનનું એક પરમ સુન્દર સત્ય છુપાયેલું છે. વૃદ્ધાવસ્થા એ માનવજીવનને ઈશ્વર તરફથી મળેલો અભિશાપ નથી; બલકે વરદાન છે. જીવનની અત્યન્ત કિંમતી મૂડી ખર્ચીને પ્રાપ્ત થતી એ કમાણી છે. એટલી વાત સાચી કે તે ચીંથરે વીંટ્યું રતન છે; પણ મોટા ભાગના લોકોનું એ રતન ધૂળ ભેગું થઈ જતું હોય છે. ઘડપણ બહારથી ઉપલક દૃષ્ટિએ તો, જેમ ચીંથરું જોવું ન ગમે, તેવી જીવનની અણગમતી ચીંથરેહાલ સ્થિતિ જ છે. માથાના વાળ ધોળાભખ્ખ, ચામડી લબડી જાય, ઠેર ઠેર કરચલીઓ, મોઢું સાવ બોખલું અને પગ તો જાણે ગરબે ઘૂમે ! પણ સવેળા ચેતી જવાયું હોય અને સમગ્ર જીવન અંગેની સાચી સમજ કેળવાઈ હોય તો ઉપરનાં આ બધાં ચીંથરાં સરી પડે છે અને અંદરનું ઝળહળતું રતન ઝગમગી ઊઠે છે.
દિવસ-રાતના ચોવીસ કલાક, એમાં મોંસૂઝણું થાય, આભા પ્રગટે, ઉષા આવે, પ્રભાત પ્રસરે, સૂરજ ઊગે, સવાર પડે. સૂરજ માથે ચઢે, બપોર થાય, વળી પાછો મધ્યાહ્ન થાય અને સલૂણી સંધ્યા અને સમી સાંજ પ્રગટે; અને પછી રાત, મધરાત અને પાછું પરોઢ ! દિવસ-રાતના આ એકએક સમયનું – કાળખંડનું પોતાનું એક આગવું સૌંદર્ય છે!
પ્રત્યેકનો એક આગવો આનંદ હોય છે. આવું જ જીવનનું ! શું શિશુ અવસ્થા, શું બાળપણ, કિશોરાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા કે શું ઘડપણ ! દરેક અવસ્થાને પોતાનું સૌંદર્ય અને પોતપોતાની સમસ્યાઓ હોય છે. સમસ્યાઓ હોવી એ કાંઈ જીવનઘાતી વસ્તુ નથી. એ તો જીવનનો પડકાર છે. સમસ્યાઓને કારણે જીવનનાં ઊંડાણ અને સૌંદર્યો ખૂલતાં હોય છે. વૃદ્ધાવસ્થામાં કદાચ સમસ્યાઓ વધારે હશે અને એ સમસ્યાઓના ઉકેલમાં જ એનો આનંદ અને સર્જકતા માટે વધારે અવકાશ ભર્યો પડ્યો છે.
આપણામાંનાં મોટાભાગનાં લોકોએ રવીન્દ્રનાથ ટાગોર, અરવિન્દ કે વિનોબાને વૃદ્ધાવસ્થામાં જોયા ન હોય; પણ એમની તસ્વીર તો મોટાભાગના લોકોએ જોઈ હશે. ગુરુદેવની એ વયોવૃદ્ધ છબિ કેટલી મનોહર છે ! માથાના રૂપેરી વાળ જાણે એમના સૌંદર્યની વસંત બનીને ફરફરે છે ! એમની આંખોનું તેજ ! ચહેરા પર સ્મિતમાં તો જાણે ત્રણે ય ભુવનનો આનંદ ઘુંટાઈ ઘુંટાઈને કાલવાયો ન હોય ! ક્યાંથી પ્રગટ્યું આ સૌંદર્ય !
વિનોબાની 85 વર્ષની વયે ચામડી જુઓ, જાણે હમણાં જ તાજા જન્મેલા બાળકની સ્નિગ્ધ સુંવાળી, માખણ જેવી મૃદુ ચામડી ! શું આ મહાનુભાવો કોઈ બ્યુટી પાર્લર(સૌંદર્ય પ્રસાધન કેન્દ્ર)માં જઈ કોઈ પાવડર, ક્રીમ કે કોસ્મેટીક લઈ આવતા હશે ? શું છે આ સૌંદર્યનું રહસ્ય ?
રહસ્ય છે – જીવન અંગેની સમજ ! સાચી સમજણમાંથી જ જીવનનું સાચું સૌંદર્ય અને સાચું શીલ પ્રગટી ઊઠે છે ! અને આપણા દેશની ખૂબી તો જુઓ ! અંગ્રેજીમાં ઘરડા માણસને કહેશે ‘ધ ઓલ્ડ મેન’ – જૂનો માણસ. જ્યારે ભારતીય ભાષા એને કહે છે – ‘વૃદ્ધ !’ આ ખખડી ગયેલા દેહવાળો મનુષ્ય જૂનો મનુષ્ય નથી. એ તો વૃદ્ધ છે. વૃદ્ધિ પામેલો અને વળી સતત વૃદ્ધિ પામનારો, નિત્ય નૂતન, નિત્ય વર્ધમાન વૃદ્ધ છે. શું આ વૃદ્ધાવસ્થાના ટોપલામાં કેવળ વર્ષોનો ઢગલો જ ભરેલો છે ?
જી નહીં, એમાં તો છે જીવનનો અમૂલ્ય અનુભવ ! ભાતભાતના અનુભવોથી સિંચાઈને પ્રાણવંત બનેલા જ્ઞાનના તાણા અને જીવનની આકરી તાવણીમાંથી અણીશુદ્ધ તવાઈ, તવાઈને બહાર નીકળેલા તપના વાણાથી વણાયેલી જીવનની આ ચાદર છે. વૃદ્ધના પ્રત્યેક સફેદ વાળમાં અને એના દેહ પર પડતી પ્રત્યેક કરચલીમાં વિતેલાં વર્ષોનો એક ઇતિહાસ છુપાયો છે. જીવાયેલા શ્વાસોછ્વાસનો ધબકાર ગોપાયો છે. જીવનમાં કેટલાંક શાશ્વત સત્યોને આત્મસાત કરી પાલવમાં સંતાડીને આ વૃદ્ધાવસ્થા આવતી હોય છે. વૃદ્ધાવસ્થામાં પ્રગટતી શરીરની ક્ષીણતા એક પલ્લામાં મૂકો અને બીજા પલ્લામાં જીવનભરના અનુભવોનું ભાથું મૂકો; તો બીજું પલ્લું નમી જશે.
આમ, વૃદ્ધાવસ્થા એ તો જીવનની વૃદ્ધિ, સમૃદ્ધિ અને સિદ્ધિનો સંકેત છે. વૃદ્ધાવસ્થા એટલે કેવળ વર્ષોનો, ક્ષણોનો સરવાળો નથી. એ તો પશુજીવનમાં પણ થાય છે. પણ માનવીની વૃદ્ધાવસ્થામાં તો ક્ષણોની સાથોસાથ જીવનભરના જ્ઞાન, અનુભવ, તપ, સ્નેહ, સેવા અને સુજનતાના સરવાળા થતા હોય છે.
આનો અનુભવ આપણને વનસ્પતિસૃષ્ટિમાં પણ થાય છે. આંબાની જ વાત કરીએ. લીલીછમ્મ કાચી કેરી ખાટી લાગશે. કોઈને માથામાં મારો તો લોહીની ધાર છૂટી જાય તેવી સખત હોય છે; પણ એ જ લીલીછમ્મ કેરી જ્યારે પાકટ બનીને સોનેરી થાય ત્યાર પછીના તેના રસની મધુરતાને કોની સાથે સરખાવી શકીશું ? જાણે પૃથ્વી પરનું અમૃત ! તો આંબો જો વયોવૃદ્ધ થઈને આવો અમૃતરસ રેલાવી શકે તો મનુષ્યમાં તો વિશેષ ચૈતન્ય પ્રગટે છે ! જીવનના આંબાવાડિયામાં વૃદ્ધાવસ્થા આવે તો કેવળ મીઠોમધ મધુર રસ રેલાવવા માટે જ આવે. માણસમાં રહેલ અંધકાર જ્યારે સાવ ગળી જાય છે; ત્યારે તેમાંથી રસસુધા ઝરે છે. આ જ છે માણસનું સત્ત્વ. માણસ એટલે નર્યો દેહ નથી. મન, બુદ્ધિ, ચિત્ત, અંત:કરણ એ માનવીનો આંતરદેહ છે. વૃદ્ધાવસ્થામાં બહારનો સ્થૂળ દેહ ખખડી જાય છે; પણ જીવનભરના તપથી શુદ્ધ થઈ, અગ્નિમાંથી પસાર થયેલા સુવર્ણની જેમ વૃદ્ધ માણસનું આંતરિક વ્યક્તિત્વ ઝળહળી ઊઠે છે.
આમ વૃદ્ધાવસ્થા અંગેની આવી સાચી, સ્વસ્થ પાકટ સમજ કેળવવી – તે બની જાય છે પૂર્વતૈયારી. મોટાભાગના લોકો માટે વૃદ્ધાવસ્થા એ પોતાના સમસ્ત જીવનના ફળરૂપે, પરિપાકરૂપે, આવી મળેલું પરિણામ છે, નિશ્પત્તિ છે. પૂર્વજન્મનાં કર્મો, ટેવો, વૃત્તિઓ, વલણો જેવાં હશે તે મુજબની વૃદ્ધાવસ્થા ઘડાતી આવે છે. એટલે જ વૃદ્ધાવસ્થાનું સમસ્ત સૌંદર્ય પ્રગટ થાય એ માટે પૂર્વજીવનમાં થોડો અભ્યાસ થાય, થોડું ઘરકામ (હોમવર્ક) થાય એ જરૂરી છે. વૃદ્ધાવસ્થામાં માથે ચમકતા રૂપેરી વાળની પોતાની એક સુંદર અને પવિત્ર સૃષ્ટિ છે. એ રૂપેરી વાળ હેઠળના મસ્તિષ્કમાં એક ભવ્ય હીમાલય સર્જી શકાય છે. જ્યાંથી સૌને પાવન કરનારી પૂણ્યસલીલા ગંગા વહી શકે.
લેખિકાના પુસ્તક ‘જીવનસંધ્યાનું સ્વાગત’ – (પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ –૩૮૦ ૦૦૧ : ત્રીજી આવૃત્તિ : ૨૦૦૩; પાનસંખ્યા : ૮૦; મૂલ્ય : ૫૦ રૂપિયા) પુસ્તકમાંથી સાભાર
સર્જક સંપર્કઃ મીરાંબહેન ભટ્ટ, 73 – રાજસ્થંભ સોસાયટી, પોલો ગ્રાઉન્ડ પાસે, વડોદરા – 390 001
સૌજન્ય: “સન્ડે ઈ–મહેફીલ” – વર્ષઃ આઠમું – અંક : 270 – May 19, 2013