પાંચમી જૂનને સોમવારે પર્યાવરણ દિન નિમિત્તે વિચારવા જેવો સવાલ

અમદાવાદમાં ૨૧-૨૨ મેએ વરસાદી માહોલ બન્યો. ઝાપટાં પડ્યાં, પવન ફૂંકાયો. એટલાંમાં તો અઢીસોથી વધુ ઝાડ પડી ગયાં. વીતેલા ચાર મહિનામાં આશ્રમ રોડ પર ઇન્કમટૅક્સ પાસે બની રહેલા પુલ માટે ઉસ્માનપુરાથી લઈને લગભગ સેલ્સ ઇન્ડિયા સુધીનાં સંખ્યાબંધ મોટાં વૃક્ષ કાપી નાખવામાં આવ્યાં. એવું જ અંજલિ સિનેમા પાસેના પુલ માટે પણ બન્યું છે. મેટ્રો રેલવે માટે કપાઈ રહેલાં ઝાડની સંખ્યા ઓછામાં ઓછી બે હજારની થવાની છે, એની ખતરનાક વિગતો અખબારોમાં આવતી રહી છે. અમદાવાદમાં દર સો માણસે અગિયાર જ ઝાડ છે, એટલે કે દરેક વ્યક્તિને ભાગે એક ઝાડ પણ આવતું નથી. અલબત્ત આવી હાલત બીજાં ઘણાં મોટાં શહેરોની છે. સાથે ભારતમાં વ્યક્તિદીઠ વૃક્ષ સંખ્યા ૨૮, જે ઇંગ્લેન્ડમાં ૪૮, કૅનેડામાં ૮૯૫૩ અને ચીનમાં ૧૦૨ છે. ગ્રીન કવર એટલે કે વૃક્ષ-વનસ્પતિ થકી જળવાતું શહેરનું લીલું આવરણ એટલે કે અમદાવાદનું ગ્રીન કવર ૧૫% ને બદલે ૪.૬૬% જ રહ્યું છે.
અમદાવાદમાં તાજેતરમાં જે ઝાડ પડ્યાં તેનાં કારણો અંગે અખબારોએ જાણકારો અને સત્તાવાળા પાસેથી માહિતી મેળવી. તેમાં મહાનગરપાલિકાના બગીચા વિભાગના નિયામક જિજ્ઞેશ પટેલે એ મતલબની સમજૂતી આપી કે જે વૃક્ષો પડી ગયાં તેની આસપાસ થોડા દિવસો પહેલાં ખાનગી કંપનીઓએ ખોદાણ કર્યું હતું. તેને કારણે ઝાડનાં જમીન સાથે ચોંટેલાં મૂળિયાં ઢીલાં થઈ ગયાં હતાં. કામ પૂરું કર્યાં બાદ જે પૂરાણ કરવામાં આવે તે બરાબર કર્યું ન હતું, જેને કારણે વૃક્ષો પડી ગયાં. છાપાંએ એમ પણ લખ્યું છે કે ગટર-પાણી-રોડનાં કામો માટે થયેલાં ખોદકામમાં વૃક્ષોની આસપાસ પોલાણો થયાં હતાં. એમ પણ જાણવા મળે છે કે ગયાં વર્ષમાં આઠસો કિલોમીટર જેટલી લંબાઈના રોડ પર ખોદકામ થતાં ઝાડને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું. મેયરે ગયાં ચોમાસામાં આપેલા ગ્રીન અૅક્શન પ્લાન હેઠળ વાવવામાં આવેલાં ઝાડમાંથી પોણા ભાગનાં ઝાડ ગાયબ છે.
પવનમાં રસ્તા પરનાં વૃક્ષો પડી જાય તેનું એક સીધું કારણ એ છે કે તેમની આસપાસ છેક તેમનાં થડ સુધી ડામર અને સિમેન્ટ જેવો બાંધકામ માલ ઠાંસવામાં આવે છે. આને કૉન્ક્રિટાઇઝેશન ઑફ ટ્રીઝ કહે છે. વૃક્ષો ઊગ્યાં પછીનાં વર્ષોમાં માલનાં થર જામતા રહે છે. મૂળિયાં પકડી શકે એટલી માટી રહેતી નથી. વળી માટી ન હોવાને કારણે ઝાડને મૂળિયાં થકી મળતું પાણી અને પોષણ અટકી જાય છે. મૂળિયાં પકડ ગુમાવે છે ઝાડ તાકાત ગુમાવે છે. ઉદાર કુદરત અક્કલ વિનાના માણસ સામે હાથ હેઠાં મૂકી દે છે. ઝાડ પડી જાય છે.
આ વિનાશક પ્રક્રિયા રોકવા માટે ગવર્નમેન્ટ ઑફ નૅશનલ કૅપિટલ ટેરિટરિ ઑફ દિલ્હી, એટલે કે દિલ્હીની સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ફૉરેસ્ટ્સ અૅન્ડ વાઇલ્ડ લાઇફે ૨૦૧૫ની ગાંધી જયંતીએ કરેલી જાહેરાત બહુ જ પ્રસ્તુત છે. તેનો પરિપત્ર જણાવે છે : ‘ઝાડનું કૉન્ક્રિટાઇઝેશન રૂટ અૅરેશન માટે એટલે કે મૂળિયાંમાં થતાં વાયુસંચારણ અને મિશ્રણની તેમ જ પર્કોલેશન એટલે કે પાણી ઝમવાની પ્રકિયાઓ માટે નુકસાનકારક છે. કૉન્ક્રિટાઇઝેશનને કારણે આખરે ઝાડ મરી જાય છે. એટલા માટે ઝાડનું કૉન્ક્રિટાઇઝેશન દિલ્હી પ્રિઝર્વેશન ઑફ ટ્રીઝ અૅક્ટ, ૧૯૯૪ની કલમ આઠ મુજબ અપરાધ બને છે અને તેનાથી નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશનો ભંગ પણ થાય છે.’ પરિપત્રમાં સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે : ‘રસ્તા કે ફૂટપાથનાં બાંધકામ દરમિયાન ઝાડ તળેની એક મીટરની જગ્યા ડિકૉન્ક્રેટાઇઝ્ડ રાખવાની રહેશે. આ જગ્યા માટીથી સમથળ બનાવવાની રહેશે અને જરૂર પડે તો તેની પર ઘાસ ઊગાડવાનું રહેશે.’ પરિપત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ‘જે ઝાડની આસપાસ કૉન્ક્રિટાઇઝેશન થયેલું છે તેને ડિકૉન્ક્રેટાઇઝ કરવામાં આવે. મૂળને નુકસાન ન થાય તે માટે આ કામ, જે.સી.બી. કે અન્ય કોઈ યંત્ર દ્વારા નહીં પણ માનવશ્રમ દ્વારા કરવામાં આવે.’ ઝાડના તળિયે એક મીટરની જમીન રાખવાની શરત ટેન્ડરમાં ઉમેરવી એમ પણ જણાવવામાં આવ્યું છે. ‘તમામ સિવિક એજન્સિઝ, સરકારી વિભાગો, નાગરિક કલ્યાણ મંડળોને ઝાડ પરનાં જાહેરખબરોનાં જુદાં જુદાં પાટિયાં, ઇલેક્ટ્રિકનાં વાયર અને હાઈ ટેન્શન કેબલ્સ દૂર કરવાની તકેદારી રાખવાનું જણાવવામાં આવે છે. આમ નહીં કરનાર એજન્સિને ઝાડને હાનિ પહોંચાડવાના અપરાધ હેઠળ દસ હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. વળી જાહેરખબર કે વાયરિંગ જેની માલિકીના છે તે વ્યક્તિ કે એકમને પણ દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે’ ,એમ પણ દિલ્હી સરકારે ઉમેર્યું છે.
દિલ્હીની મેટ્રો રેલવે એક સિદ્ધિ છે. તેના શિલ્પકાર એન્જિનિયર ઈ. શ્રીધરન પર એમ.એસ. અશોકને મલયાલમમાં લખેલા જીવનચરિત્રનો અંગ્રેજી અનુવાદ ‘કર્મયોગી’ (પેંગ્વિન, ૨૦૧૬) નામે બહાર પડ્યો છે. તેમાં નોંધાયું છે : ‘મેટ્રોના પાટા માટે લગભગ દસ હજાર ઝાડ કાપવાં પડ્યાં. દરેક ઝાડની સામે એક નવું ઝાડ ઊગાડવાનું દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશને ખાસ નક્કી કર્યું હતું અને એ નિર્ણય અમલમાં આવે એની તકેદારી પણ રાખવામાં આવતી. એમ છતાં એક એક ઝાડ કાપવા માટે ડી.એમ.આર.સી.ને અનેક સરકારી કચેરીઓના ઉંબરા ઘસવા પડ્યા હતા.’ મુંબઈમાં કોલાબા-બાન્દ્રા મેટ્રો ૩ ના તેંત્રીસ કિલોમીટર માટે પાંચ હજાર ઝાડ કાપવા પડે તેમ છે. તે અટકાવવા માટે મુંબઈગરા લાંબી લડત આપી ચૂક્યા છે. નીના વર્મા નામનાં બહેને ફેબ્રુઆરીમાં મુંબઈની વડી અદાલતથી સર્વોચ્ચ અદાલત સુધી દાદ માગી હતી. બીજાં અનેક નાગરિકો અને જૂથોએ પણ ઝુંબેશો ચલાવી હતી. પણ હવે સુપ્રીમ કોર્ટના 23 મેના આદેશ અનુસાર વૃક્ષછેદન શરૂ થઈ ચૂક્યું છે. એમ છતાં નાગરિકોનાં દબાણને કારણે, ઓછામાં ઓછા ઝાડ કપાય તે રીતે પ્રોજેક્ટમાં ફેરફાર કરવાની અને વૈકલ્પિક વૃક્ષારોપણની બાંહેધરી આપવાની સત્તાવાળાઓને ફરજ પડી છે. એટલું જ નહીં સર્વોચ્ચ અદાલતના આદેશથી, રહીશોનાં વાંધા અને સૂચનોની નોંધ લેવા માટે વડી અદાલતના બે ન્યાયાધીશોની સમિતિ પણ રચાઈ છે. જો કે ગયાં અઠવાડિયામાં ચર્ચગેટના વર્ષો જૂનાં અનેક વૃક્ષોની થઈ રહેલી કાપણી દરમિયાન બહુ આક્રોશિત રહીશો અને સત્તાવાળા વચ્ચેનાં ઘર્ષણ તેમ જ અટકાયતનાં દૃશ્યો સર્જાયાં હતાં. વિરોધ ચાલુ રાખવાનો અને વૈકલ્પિક વાવેતર પર કડક નજર રાખવાનો નિર્ધાર વારંવાર વ્યક્ત થઈ રહ્યો છે.
હમણાં પહેલી માર્ચે કર્ણાટકની સરકારને બંગલુરુનો પોણા સાત કિલોમીટરનો પંદરસો કરોડના બજેટવાળો સૂચિત સ્ટીલ ફ્લાયઓવર પ્રોજેક્ટ પડતો મૂકવાની ફરજ પડી હતી. તેનું રાજકીય કારણ ભ્રષ્ટાચારનો થયેલો પર્દાફાશ હતું. પણ વધુ મહત્ત્વનું કારણ લોકોનો વૃક્ષપ્રેમ હતો. સવા આઠસોથી વધુ વૃક્ષોનો ભોગ ન લેવાય તે માટે સમાજના તમામ વર્ગના લોકોએ જોરદાર વિરોધ કરીને આ પ્રોજેક્ટ અટકાવ્યો હતો. આપણે ત્યાં આની આસપાસનું પણ કંઈ થઈ શકે? કે પછી આપણે આપણાં વિકાસના મૉડેલમાં જ મસ્ત રહેવાના છીએ ?
++++++
૦૧ જૂન ૨૦૧૭
e.mail : sanjaysbhave@yahoo.com
(‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 02 જૂન 2017)
![]()


અનન્ય અર્ધવાર્ષિક ‘સાર્થક જલસો’ના તાજા (આઠમા) અંકમાંથી હેમન્ત દવેનો આ લેખ ઉતારતાં ‘નિરીક્ષક’ આભાર સહ આનંદની લાગણી પ્રગટ કરે છે. હજુ હમણેના મહિનાઓમાં ગૂજરાત વિદ્યાપીઠે, ખાસાં પચાસ વરસના અંતરાલ પછી, સાર્થ જોડણીકોશની નવી (છઠ્ઠી) આવૃત્તિ પ્રકાશિત કરી છે. અનાયાસ એ જ અરસામાં આપણા અઠંગ અભ્યાસી હેમન્તભાઈ મારફતે મળી રહેલ કોશ-સર્વેક્ષણ હજુ આપણે કેવું ને કેટલું અંતર કાપવાનું છે, ભૂલસુધાર ઉપરાંત કેવીક નવી ભોં ભાગવાની છે એની સુપેરે ઝાંખી કરાવે છે. વિદ્યાપીઠે આરંભિક એવું એક મોટું કામ જરૂર પાર પાડ્યું, પણ તે અનેક રીતે પુનર્વિચાર અને નવનિર્માણ માગતું હોય એ પણ સ્વાભાવિક છે. આ પુનર્વિચાર અને નવનિર્માણમાં એક સાથી ગુજરાતી તરીકે ઉપયોગી તેમ સહભાગી થવાની દૃષ્ટિએ અહીં આ લેખ ઉતારવો મુનાસિબ લેખીએ છીએ. અચ્છા પ્રૂફચી વજેસિંહ પારગીની ઓન લાઈન વંચાતી નુક્તેચીની હોય કે હેમન્ત દવેનો અભ્યાસલેખ, આવી સઘળી ટીકાટિપ્પણ સમગ્ર સબબ વિદ્યાપીઠના કુલનાયક અનામિક શાહે વિધાયક પ્રતિસાદ આપ્યો છે ત્યારે પૂરા કદના કોશ કાર્યાલય સાથે વિદ્યાપીઠ આ મહેણું જરૂર ભાંગશે એવી ઉમેદ રહે છે …
ગુજરાતી-ગુજરાતી કોશ બનાવવાનો કદાચ સૌથી મહત્ત્વપૂર્ણ પ્રયત્ન એટલે સાર્થ ગુજરાતી જોડણીકોશ. પ્રારંભે તો એનો ઉદ્દેશ માત્ર જોડણી આપવાનો હતો, અને એ રીતે જોડણીની અરાજકતામાં થોડી વ્યવસ્થા આણવાનો હતો. સરકારે પણ એની જોડણીને માન્યતા આપી, એથી એ સરકારી રીતે પણ માન્ય બન્યો. ત્યાર બાદ એમાં અર્થ ઉમેરીને એને સાર્થ બનાવવામાં આવ્યો. એમાં એ સમયના કેટલાક સાહિત્યિક કર્મશીલોએ કામ કરેલું. પણ જોડણી અને અર્થ વિશે શાસ્ત્રીય રીતે વિચારનારા એ સમયના પંડિતોનો એમાં ગમે તે કારણે સહયોગ લઈ શકાયો નહોતો. વળી, આ કામ સ્વતંત્રતાસંગ્રામ દરમિયાન કરવામાં આવેલું અને એમાં કામ કરનારા કેટલાયે વિદ્વાનો – જેમ કે, મહાદેવ દેસાઈ, કાકા કાલેલકર, નરહરિ પરીખ, વગેરે સ્વાતંત્ર્યસેનાની પણ હોવાથી તેઓ કોશ માટે સંપૂર્ણ સમય કે ધ્યાન ફાળવી શકે તેમ નહોતા; એ કામ એમની માટે ખંડસમયનું હતું. આમ, બધી રીતે જોતાં આ કોશ નબળો બને એમાં નવાઈ નથી. શરમની વાત એ છે કે એ પછી – ભારતદેશ સ્વતંત્ર થયા બાદ, ગુજરાતમાં એક કરતાં વધારે વિશ્વવિદ્યાલયો સ્થપાયાં બાદ અને કોશવિદ્યામાં પદ્ધતિની રીતે મોટાં પરિવર્તનો આવ્યાં પછી – પણ એની જે આવૃત્તિઓ આવી, તે બધી રીતે રેઢિયાળ અને બેજવાબદાર હતી. ૪. અલબત્ત, આપણે સંસ્થાગત મર્યાદાઓ પણ ધ્યાને લેવી રહી. જેમ કે, સાર્થના પ્રકાશકના નિવેદનમાં જણાવાયું હતું કે કોશના કામને અંગે વિદ્યાપીઠમાં કોશવિભાગ ચાલે છે. તેમાં સાધનોની મર્યાદાના કારણે મોટી સંખ્યામાં કાયમી સેવકો રાખી શકાતા નથી. પણ જ્યારે-જ્યારે જરૂર પડે ત્યારે જુદા-જુદા સેવકોને મદદમાં લેવામાં આવે છે. આમ છતાં, બીજી ભાષાઓમાં શાસ્ત્રીય કોશો કેટલાયે વિદ્વાનોએ એકલપંડે તૈયાર કર્યા છે, એ જોતાં કોઈને આ પ્રકારનો બચાવ લૂલો લાગે એ સંભવિત છે.