શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે કે “નહિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઈહ વિદ્યતે” એટલે કે “ઈહલોકમાં જ્ઞાન જેવી પવિત્ર ચીજ એકેય નથી.” જે યુનિવર્સિટીઓ જ્ઞાનના સર્જન અને પ્રચાર-પ્રસાર માટે છે તેમાંની એક એવી દિલ્લીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના કુલપતિ જગદીશકુમારે દેશના વિદેશ રાજ્ય પ્રધાન જનરલ વી. કે. સિંહને વિનંતી કરીને કહ્યું છે કે તેઓ લશ્કરની એક ટેંક યુનિવર્સિટીના પ્રાંગણમાં મૂકવા માંગે છે કે જેથી વિદ્યાર્થીઓને દેશના સૈનિકો જે બલિદાન આપે છે તેની યાદ સતત આવતી રહે.
રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિ કઈ હદ સુધી મનુષ્યને પાગલ અને નશાબાજ બનાવે છે તેનું આથી વધારે વરવું ઉદાહરણ આપવું અઘરું થઇ પડે. હજુ હમણાં જ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતાં નવોદય વિદ્યાલયો અને કેન્દ્રીય વિદ્યાલયોમાં દેશની સૈનિક શાળાઓ(ગુજરાતમાં બાલાછડીમાં છે તેવી)માં જે પ્રકારે લશ્કરી તાલીમ આપવામાં આવે છે, તે પ્રકારની તાલીમ દાખલ કરવા માટેની તજવીજ કરવા માટે કેન્દ્ર સરકારે જે હિલચાલ આદરી છે, તેને જ આ ઘટના આગળનો ક્રમ આપે છે.
રાજ્ય એક સંસ્થા તરીકે મનુષ્યના હિંસક અને દુષ્ટ સ્વરૂપનું પ્રતીક છે. તેને અનિવાર્ય અનિષ્ટ ગણવાનું છે તે સમજવાને અને સમજાવવાને બદલે સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિને નામે રાજ્યને માટે ગમે તે ભોગે બલિદાન આપવા પ્રેરવા એ હકીકતમાં તો એક નિમ્ન કક્ષાની દેશભક્તિ છે. દેશના સૈનિકો જે બલિદાન આપે છે તેના પ્રત્યે અને તેમના પ્રત્યે માન, સન્માન અને આદરની ભાવના વિકસવી જ જોઈએ. પણ એ તો કોને ના હોય. પણ તેનો અર્થ એ નથી કે જ્ઞાનનાં કેન્દ્રો એવાં વિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો ખાતે લશ્કરી સરંજામ ગોઠવી દેવો. સરહદ પર મરતા અને ઘવાતા સૈનિકો પ્રત્યેના સંપૂર્ણ માન સાથે એમ તો કહી જ શકાય કે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે દેશના સૈનિકો સિવાય પણ બલિદાન આપનારા ઘણા લોકો છે. એ લોકોમાં દેશના લાખો-કરોડો બાળ મજૂરો, ખેડૂતો, ખેત મજૂરો અને ઔદ્યોગિક મજૂરો છે કે જેઓ એવી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં જ એમના જીવનની ઇતિશ્રી કરી નાખે છે કે જે વસ્તુઓ અને સેવાઓ તેઓ પોતે મોટે ભાગે વાપરી પણ શકતા નથી. જો કે, એમને ખબર નથી હોતી કે તેઓ દેશને માટે બલિદાન આપી રહ્યા છે અને બાકીના બધાને તો તે બલિદાન દેખાતું પણ નથી.
યુનિવર્સિટીના પ્રાંગણમાં ટેંકનું શું કામ? વિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો તો જ્ઞાનની ઉપાસના કરવા માટેનાં મંદિરો છે કે જ્યાં નવતર વિચારોનું સર્જન થાય અને તે વિચારોને મનુષ્યનાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના હિત માટે વાપરવા માટે વિચારાય. ટેંક બળનું અને હિંસાનું પ્રતીક છે અને જાણે-અજાણે તે વિચાર કરવાની મનુષ્યની સ્વતંત્રતા અને મૂળભૂત માનવ અધિકારો સામે જ ખતરો ઊભો કરે છે. મનુષ્યો યુદ્ધો ના કરે તે માટે ‘સંયુક્ત રાષ્ટ્રો’ના ૧૯૪૫ના ખતપત્રમાં તમામ દેશોને સાર્વભૌમ ગણાવાયા અને કોઈએ કોઈના સાર્વભૌમત્વ ઉપર હુમલો ના કરવો એમ ગર્ભિત રીતે કહી દેવાયું. માનવજાતને આટલું શીખતાં હજારો વર્ષો ગયાં છે.
એનો સ્પષ્ટ ઈરાદો તો મનુષ્યના સાર્વભૌમત્વને નિખારવાનો અને સંવારવાનો છે. એટલે યુદ્ધો કોઈ કાળે મહાન હોઈ શકે નહિ અને એ મનુષ્યની મહામૂર્ખતાના અને હલકટ પાશવીપણાના નમૂના જ બની રહે છે. મોટે ભાગે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિનો આફરો યુદ્ધો કરવા માટેનું ઇંધણ પૂરું પડે છે એટલું જ. શું આપણે જ્ઞાનનાં મંદિરોમાં આવો નશો ચડાવવા માંગીએ છીએ? આજકાલ દેશમાં વિચાર કરવાની, વાણીની અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને કચડી-મસળી નાખવાનો જે માહોલ ઊભો થયો છે તેમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રવાદની સાવ સંકુચિત વ્યાખ્યા કરીને યુનિવર્સિટીઓમાં વાદ-વિવાદને સ્થાને અને ‘વાદે વાદે જાય તે તત્ત્વબોધઃ’ એમ મૂળભૂત રીતે સમજવાને સ્થાને, સત્તાની સીનાજોરીને આધારે માનવીના જન્મજાત અધિકારોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે અને તેને સત્તાવાર શૈક્ષણિક મહોર મારવાની જ આ નવતર હિલચાલ છે, કે જ્યાં એક કુલપતિ પોતે યુનિવર્સિટીમાં ટેંક ગોઠવવા માટેની માગણી કરે છે, કે જ્યારે ખરેખર તો આવી કોઈ પણ સરકારી નુક્તેચીની સામે તેમણે જ બાંયો ચડાવવાની હોય અને શિંગડાં ભેરવવાનાં હોય. પણ વર્તમાન સત્તાનશીનો કુલપતિઓની નિમણૂક માટે જે લાયકાત જુએ છે તે સમજ્યા પછી તેમની પાસેથી આવી અપેક્ષા રાખવી એ જ નરી નાદાની છે.
લશ્કરી સાધનો, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત જેવાં પ્રતીકો દેશ પ્રત્યે બલિદાન આપવા માટે પ્રેરે છે એ એક ધારણા માત્ર છે. જો એમ જ હોય તો, રાષ્ટ્રગીત સૌથી વધુ ગાનારા અને ગવડાવનારા રાજકીય નેતાઓ ભ્રષ્ટતમ ના હોત. એટલે રાષ્ટ્ર પ્રત્યે બલિદાન કોને કહેવાય તેની વ્યાખ્યા બદલવી પણ જરૂરી છે.
વિશ્વ વિદ્યાલયોમાં જ્યારે ઝંડા અને ટેંક જેવાં પ્રતીકો વધી જાય ત્યારે તે રાષ્ટ્ર પ્રત્યે બલિદાન આપવા માટે પ્રેરે છે તેના કરતાં તો નેતાઓ જે કહે છે તે બલિદાન છે અને એ તો આપવું જ જોઈએ એમ માનવા માટે વધારે પ્રેરે છે. નેતાઓ જ રાષ્ટ્ર છે એમ માનવાની અને મનાવવાની ઘેલછા તેમાંથી જન્મે છે. મનુષ્યના મનનું લશ્કરીકરણ અને બીબાંઢાળીકરણ કરવા માટે રાજસત્તા હંમેશાં વલખાં મારે છે કારણ કે તેને ઘેટાંની ખપત હોય છે, વિચાર કરનારા સ્વતંત્ર મનુષ્યોની નહિ.
‘વિજયી વિશ્વ તિરંગા પ્યારા’ એમ જ્યારે વગર સમજે આપણે ગાયા કરીએ છીએ ત્યારે એ વિચારવામાં નથી આવતું કે શા માટે વિશ્વ પર વિજય મેળવવો છે અને શું એ ખરેખર જરૂરી છે ખરો? આપણે રાષ્ટ્ર્ભક્તિનો નશો કરવામાં જે વિવેકભાન ગુમાવીએ છીએ તે જ્ઞાનને કુંઠિત કરે છે અને તેનું જ પરિણામ છે કે યુનિવર્સિટીમાં ટેંકને સ્થાન મળે તેવી તજવીજ થાય છે.
વાસ્તવમાં, તે તો વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને રાજ્યની એ હિંસક તાકાતની યાદ આપાવે છે કે જો તમે રાજ્ય-વિરોધી વિચારો કર્યા તો આ ટેંક જેનું પ્રતીક છે એ રાજ્ય તમારા પર તૂટી પડશે, માટે રાજ્યને તાબે થાવ.
કારગિલ વિજય દિવસની ઊજવણી પ્રસંગે જે.એન.યુ.માં બે વક્તાઓએ જે.એન.યુ. કબજે કરી છે અને બીજી બે યુનિવર્સિટીઓ(કોલકાતાની જાદવપુર યુનિવર્સિટી અને હૈદરાબાદની કેન્દ્રીય યુનિવર્સિટી) કબજે કરવાની હજુ બાકી છે એવો સ્વચ્છંદી હુંકાર પણ કર્યો. એ તથાકથિત વિદ્વાનોને કોણ સમજાવે કે યુનિવર્સિટી એ કંઈ દુશ્મનનો પ્રદેશ નથી કે એને કબજે કરવાની કે હડપ કરવાની હોય.
આ ગળચટી લાગતી રાષ્ટ્રભક્તિ આપણને ભારત નામના એક મહાન રાષ્ટ્રના જંતુ કે પશુ માત્ર બનાવી દેવાની પેરવી છે અને આસનીથી ના સમજાય તેવી સાજિશ છે એ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ગળે ઉતારવાની આવશ્યકતા છે. શસ્ત્રો અને શાસ્ત્રો વચ્ચેની આ લડાઈ દુનિયાભરમાં અવિરત ચાલતી રહી છે અને રહેશે. વિખ્યાત ફ્રેંચ દાર્શનિક જ્યાં પોલ સાર્ત્ર કહે છે તેમ “સ્વતંત્ર થવાનો અભિશાપ” જેના પર છે એવા વિચાર કરવાની શક્તિ ધરાવતા મનુષ્યો તરીકે વિશ્વવિદ્યાલયોને જ્ઞાનના ઉપાસકો તરીકે જીવંત રાખવા માટે આપણે અથાક રીતે લડીએ એ જ વર્તમાન કાળનું કર્તવ્ય છે.
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 117, વર્ષ – 11, અૉગસ્ટ 2017; પૃ. 12-13