જોતીરાવ ફુલેના જન્મ દિવસ નિમિત્તે તેમણે જગાવેલી ક્રાંતિ જ્યોતની ઝલક મેળવવા જેવી છે
જોતીરાવ ફુલે એટલે મહાત્મા, સમાજસુધારક, ક્રાંતિકારી, દલિતઉદ્ધારક, લેખક, વિચારક, પ્રેરણાપુરુષ … જોતીબા કેટકેટલું હતા, પણ એનો અંદાજ બહુ ઓછા લોકોને હશે. આજકાલ દેશમાં જે માહોલ ઊભો થઈ રહ્યો છે, તેમાં જોતીબાને યાદ કર્યા વિના, તેમના સંઘર્ષ અને રચનામાંથી પ્રેરણા લીધા વિના ચાલે એવું નથી. દસ દિવસ પહેલાં એટ્રોસિટી અંગે સુપ્રીમ કોર્ટે આપેલા દિશાનિર્દેશોથી નારાજ દલિત સમાજે ભારત બંધ થકી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ દેશમાં દલિત સંબંધિત મુદ્દાઓ ફરી ચર્ચામાં આવ્યા.
રાજકારણીઓ તો ચોકો વાગે એવા મોકાની જ તલાશમાં હોય છે, પરંતુ જેમને ખરેખર માનવ સમાજ અને દેશની પરવા હોય તેમણે દલિતના મુદ્દે જરા નિસબતપૂર્વક અને ઊંડાણપૂર્વક વિચારવું પડે. દલિતના મુદ્દાને નાત-જાતની સંકુચિત દૃષ્ટિએ નહિ, પરંતુ સામાજિક સમાનતા, સમાજસુધારણા અને વ્યાપક માનવ અધિકારોની દૃષ્ટિએ જોવો કે વિચારવો જોઈએ. આવી વ્યાપક દૃષ્ટિ કેળવવાનો સૌથી સરળ માર્ગ છે, મહાત્મા ફુલે, મહાત્મા ગાંધી અને ડૉ. આંબેડકર જેવા મહામાનવોનાં જીવન અને સંઘર્ષનો પરિચય કેળવવો. આજે જોતીબા ફુલેનો જન્મ દિવસ (11 એપ્રિલ, 1827) છે ત્યારે તેમણે જગાવેલી ક્રાંતિ જ્યોતની ઝલક મેળવીએ.
માળી સમાજમાં જન્મેલા જોતીબાનો પરિવાર પૂનાના પેશવાનો માનીતો હતો, એટલે સમાજમાં તેમની પ્રતિષ્ઠા સારી હતી. જોતીરાવને બાળપણનાં વર્ષોમાં જાતિગત ભેદભાવનો કોઈ અંદાજ નહોતો. ભણવામાં તેજસ્વી જોતીરાવને શાળામાંથી ઉઠાડીને ખેતીમાં જોતરી દેવાયો, તેની પાછળ પણ બ્રાહ્મણવાદી માનસ જ જવાબદાર હતું, જેનો જોતીરાવને એ વખતે ખ્યાલ સુધ્ધાં નહોતો. અલબત્ત, વાંચતા શીખી ગયેલા જોતીરાવનો વાંચનપ્રેમ જોઈને તેમના પાડોશી મુસ્લિમ શિક્ષક અને ખ્રિસ્તી પાદરીએ તેમના પિતાને સમજાવ્યા અને ફરી ભણાવવા બેસાડ્યા હતા. વાંચનપ્રેમી જોતીબાએ થૉમસ પેઇનનું ‘રાઇટ્સ ઑફ મેન’ પુસ્તક વાંચ્યું, જેનો તેમના પર બહુ મોટો પ્રભાવ પડ્યો અને આજીવન રહ્યો હતો. મહિલાઓની સમસ્યા હોય કે દલિતોની, તેમણે દરેક મુદ્દાને માનવ અધિકારની દૃષ્ટિએ જોયો હતો અને એવી રીતે જ ઉકેલ લાવવા મથામણ કરી હતી. દલિતના મુદ્દે આત્મપરિવર્તનની નહિ, પણ અધિકારની દૃષ્ટિએ સમાજસુધારણા કરવી જોઈએ, એવા તેમના અભિગમને કારણે જ કદાચ ડૉ. આંબેડકરે તેમને ગુરુ માન્યા હતા.
એક બ્રાહ્મણ મિત્રના ઘરે લગ્નપ્રસંગે ગયેલા જોતિરાવને વરઘોડા દરમિયાન ભૂલથી અછૂત ગણીને હડધૂત કરવામાં આવ્યા ત્યારે તેમને દલિત સમસ્યાનો અને બ્રાહ્મણવાદી માનસના વર્ચસ્્નો અંદાજ આવ્યો. આ બનાવે તેમને ઝકઝોરી દીધા અને સમાજક્રાંતિ માટે તેમનો આત્મા પ્રતિબદ્ધ બન્યો. જોતીબાને થયું કે શિક્ષણ થકી જ સામાજિક ચેતના જાગશે અને સમાજસુધારણા શક્ય બનશે. તેમણે એ જ વર્ષે એટલે કે 1848માં શૂદ્રાતિશૂદ્રોની દીકરીઓ માટે શાળા શરૂ કરી. શાળામાં ભણાવે કોણ? તેમણે પોતાનાં પત્ની સાવિત્રીબાઈને ભણાવ્યાં હતાં. અનેક દબાણો અને પડકારો છતાં સાવિત્રીબાઈએ બાળાઓને ભણાવવાની જવાબદારી ઉપાડી લીધી હતી.
જોતીબા વિધવાવિવાહની ચળવળના પણ એક અગ્રણી સમર્થક હતા. તેમણે બાળહત્યા પ્રતિબંધક ગૃહ શરૂ કરેલું, જેમાં કોઈ વિધવા સમાજથી છુપાવીને સંતાનને જન્મ આપી શકે, એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. અનેક વિરોધો અને હુમલાઓ સામે તેમણે બહાદુરીથી ઝીંક ઝીલી હતી.
મજૂરનો પ્રશ્ન હોય કે ખેડૂતનો, વંચિત-શોષિત વર્ગના હિતમાં તેમણે હંમેશાં મોરચો સંભાળ્યો હતો. જોતીરાવે પુસ્તકો લખીને પણ પોતાની વાત સમાજ સુધી પહોંચાડવા મથામણ કરી હતી. જોતીબાની આજે અત્યંત જરૂર છે. બીજા જોતીબા મળવા તો મુુશ્કેલ છે, પણ તેમનાં કાર્યો અને વિચારો આપણા માટે અમર પ્રેરણા બની રહો!
e.mail : divyeshvyas.bhaskar@gmail.com
સૌજન્ય : ‘સમય સંકેત’, ’કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 11 અૅપ્રિલ 2018
![]()


ધ્રુવ ભટ્ટ મારા પ્રિય લેખકોમાંના એક છે. એમની લેખનશૈલીની એક લાક્ષણિકતા એ છે કે એ બૂમ-બરાડા પાડીને, ભારપૂર્વક કે તાર સ્વરે ગાઈવગાડીને ક્યારે ય, કશું ય કહેતા નથી. એ હંમેશાં સામેની વ્યક્તિને સહમત કે અસહમત થવાની મોકળાશ રહે એ રીતે, હળવા, સંયમિત સ્વરે પોતાની વાત મૂકે છે.
એમની નવલકથા ‘તત્ત્વમસિ’ના પ્રાણ સમો આ સ્વર ‘રેવા’ની લેખક-દિગ્દર્શક જોડી રાહુલ ભોળે અને વિનીત કનોજિયાએ બરાબર પકડ્યો છે, એ એમની પ્રથમ અને સૌથી મોટી ઉપલબ્ધિ. ગંભીરમાં ગંભીર વાત હળવી શૈલીમાં, રમૂજી પ્રસંગો અને અસરકારક સંવાદો દ્વારા પ્રેક્ષકો સુધી પહોચાડવામાં દિગ્દર્શકો સફળ થયા છે. ફિલ્મને મનોરંજક બનાવવા માટે જરૂર પૂરતી નાટ્યાત્મકતા ઉમેરી છે, પણ ધ્રુવ ભટ્ટના મૂળ સ્વરને હાનિ પહોંચાડ્યા વિના.
અમેરિકામાં વેસ્ટર્ન વિચારધારામાં ઉછરેલા કરણના મનમાં ભારત વિશેની એક કાલ્પનિક છબી છે. એ નર્મદા કિનારાના અંતરિયાળ ભારતમાં આવીને જે જુએ છે એ તંતોતંત એના મનમાંની છબીને અનુરૂપ છે – વિચિત્ર માન્યતાઓ, અંધશ્રદ્ધા, મૂળભૂત સુવિધાઓનો અભાવ, હાડમારીભર્યું જીવન વગેરે. પણ મઝાની વાત એ છે કે આ જ બધી વાતો પાછળનાં ખરાં કારણો, આપણી સનાતન સંસ્કૃિતનાં પોત ઉપર અંકિત નર્મદા કિનારાના ભોળા નિષ્પાપ આદિવાસીઓની માન્યતાઓ, શ્રદ્ધા-અંધશ્રદ્ધા અને આ બધા સાથે સહિષ્ણુતાથી, કળપૂર્વક કામ લેતાં લેતાં એમના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કરી રહેલા આશ્રમના હોદ્દેદારો, આ બધું કરણ સામે પરત-દર-પરત ખૂલતું જાય છે અને એમાંથી એને એની પોતાની ઓળખ જે રીતે ક્રમે ક્રમે સાંપડતી જાય છે એનો એક જકડી રાખતો આલેખ એટલે ‘રેવા’. પોતે અહીં એક બે દિવસથી વધુ રહી નહીં શકે એટલે બધા ટ્રસ્ટીઓની સહી મેળવીને ત્વરિત અમેરિકા પાછા ફરવાની કરણની યોજના કેવી રીતે વેરવિખેર થતી જાય છે અને એ આશ્રમમાં જ કેમ રહી પડે છે એ રસપ્રદ ઘટનાક્રમ માણવા માટે ‘રેવા’ ફિલ્મ જોવી જ રહી.
સુગમ સંગીતને સામાન્ય જન સુધી પહોંચાડવામાં અવિનાશ વ્યાસનું પ્રદાન અનન્ય છે.
પરંતુ, અવિનાશ વ્યાસના ગીત-સંગીતમાં આશા ભોંસલેના કંઠે સૌપ્રથમ ગવાયા બાદ આજે આ ગીત મોટાભાગનાં કાર્યક્રમોમાં, ગરબામાં ગવાય છે. આ ગીત ‘સોન કંસારી’ નામની ગુજરાતી ફિલ્મમાં લેવાયું હતું પણ સ્નેહલતા અને ઉપેન્દ્ર ત્રિવેદીની જોડી હોય એવી કદાચ એકે ય ગુજરાતી ફિલ્મ અમે જોઈ હોય એવું યાદ નથી આવતું એટલે ફિલ્મની કથા માંડવાનો અર્થ નથી.