આપણને જે જે જોઈએ છે તે-તે ધરાર લઈને / મેળવીને જ જંપીએ છીએ. કાંકલૂદી કરીએ કાં ત્રાગાં કરીએ. પ્રેમની ખટપટ કરીએ. બળજબરી કરીએ. પણ હાંસલ કરીએ, કરીએ ને, કરીએ. બધું ભેગું કરી લેવું છે. લવાય એટલું લઈ લેવું છે. કોઠાકબાડા કરીને કે હેં…હેં…હેં… આદર નમન કરીને છેવટ તો કંઈ હાંસલ કરવાનો જ પેંતરો!
નદીમાંથી જોઈએ છે આપણને રેતી, પાણી નહીં. પર્વતો પરથી ઝટ લઈ લેવા છે પથ્થરો, ઔષધિ નહીં. વૃક્ષો પાસેથી ઇચ્છીએ છીએ લાકડું, છાંયડો નહીં. ખેતરોમાંથી જોઈએ છે રોકડિયા પાક, અનાજ નહીં. રેતી કાઢવાના ચક્કરમાં નદીના પટો ભેંકાર બની ગયા. મોતના ખાડાઓ ઊભા કર્યા ચોફેર. વચમાં જાળવી-જાળવીને પગ મૂકવાના, નહીં તો ગયા. છાંયડાઓ કાપીકાપીને વેચી નાખ્યા છે. બધું વેચીસાટીને ઝટ રોકડ ગજવે ઘાલી લેવી છે. નદીઓને કચરાના ખાડાઓ બનાવી દીધી. તળાવ? ક્યાં છે તળાવ. એને શોધવા બહુ આઘે નહીં જવું પડે. જરાક ઝીણવટથી જોજો. તળાવોનાં તળાવો પર કોલોનીઓ ઊભી થઈ ગઈ. બહુમાળી મકાનો ખડાં થઈ ગયાં. સોસાયટીઓ વસી ગઈ. ગૌચરોને કઈ ગાયો ચરી ગઈ છે. એની તપાસમાં વખત બગાડશો નહીં. જેને એનો વહીવટ કરવા આપ્યો હતો, એ જ વહેંચીને હજમ કરી ગયા છે.
હવે ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયા છીએ. કાપો, હજી કાપોના ખોબચ્યાં ખૂંચ્યાં ઝાડને કે વાત પતે. ઘરમાં એ.સી. નખાવી લઈશું. બપોરના બહાર નહીં નીકળીએ. ગમે ત્યાં ગમે ત્યારે વરસાદ પડી જાય છે. કલાકમાં વીસ ઇંચ પાણી પડી જાય. ગટરો તો બધી પ્લાસ્ટિકનાં ઝભલાઓથી પૅક કરી દીધી છે. ચારે તરફ ઘડીમાં તો પાણી ફરી વળે. ગાંડો વરસાદ ક્યાંથી આવી જાય છે? કુદરત રૂઠી બીજું શું. માણસ બિચારો શું કરે?
કોઈ-કોઈ દોઢડાહ્યાઓ હડી કાઢીને ધસી આવશે. એક તો ગરમીનો મારો. વરસાદનો કોપ. એમાં આમ કરો ને આમ ન કરો. નકરી સલાહોનો મારો. તમે ય મારો. શું કામ પાછળ રહી જાવ, તમે બાપલિયા. તમે ય કાઢો વારો ?
નર્મદાનગર, જિ. ભરૂચ, ૩૯૨ ૦૦૫.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 13
![]()


ભારત સરકારે ઘઉંની નિકાસ ઉપર ૧૩મી મેથી પ્રતિબંધ મૂક્યો. લોકોને પડવાની અગવડનો વિચાર કર્યા વિના ચાર કલાકની નોટિસથી લૉકડાઉન કરવા માટે ટેવાયેલી સરકારે એનાં પગલાંથી જે પ્રશ્નો ઊભા થશે, તેનો વિચાર કર્યો નહીં. ઘઉંની નિકાસના જે સોદા થઈ ગયા હોય, એનો અમલ થાય એ સ્વાભાવિક છે. સરકારના હુકમને કારણે ઘઉંની ટ્રકો કંડલા બંદરે એકઠી થઈ ગઈ, ત્યારે સરકારને ખ્યાલ આવ્યો. પછી સરકારને કેટલીક છૂટછાટો આપવી પડી.
આ બ્રહ્મપુત્રા નદી આવે છે ક્યાંથી? આજથી પોણા બસો વરસ પહેલાં ભારત ઉપર રાજ કરનારા અંગ્રેજોને આ સવાલ થયો હતો. આ પ્રશ્ન પાછળ શુદ્ધ કુતૂહલ અને સંશોધન કરીને સત્ય શોધવાની વિજ્ઞાનનિષ્ઠા તો હતાં જ, પણ એમાં રાજકારણ અને આર્થિક સ્વાર્થ પણ હતાં. ભારતની કોઈ નદીમાં જોવા નથી મળતી એટલી વિપુલ જળરાશિ આ નદી ધરાવે છે, પણ છે તોફાની. ચોમાસામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે આ નદી વિનાશનું પણ કારણ બને છે. માટે જાણવું જોઈએ કે આ નદી આવે છે ક્યાંથી? ચીનથી, તિબેટથી, મોંગોલિયાથી? બર્મા તો અંગ્રેજોના કબજામાં હતું એટલે એ વાતની તેમને ખબર હતી કે આ નદી બર્માથી ઉત્તરમાં ફંટાય છે. જો નદીનાં મૂળની અને તે કયા કયા દેશોમાંથી પ્રવાસ કરતી ભારતમાં આવે છે એની જો ખબર પડે તો તેનાં પાણીનો વિનિયોગ કેમ કરવો તેની ખબર પડે. જો નદીની સંહારકશક્તિને મેનેજ કરવામાં આવે તો પાણીનો અને જે પ્રદેશમાંથી થઈને આ નદી બંગાળના ઉપસાગરને મળે છે એ ઇશાન ભારત તેમ જ પૂર્વ બંગાળની જમીનનો ઉપયોગ કરી શકાય. રોજગારી પેદા કરીને અન્ય ભારતમાંથી લોકોને અહીં વસાવી પણ શકાય અને એ પ્રદેશોના વાંશિક જૂથોની દાદાગીરીને નાથી શકાય. આમ આ પ્રશ્ન પાછળ હકીકત જાણવાનું કુતૂહલ અને ભવિષ્યનું રોકાણ એમ બન્ને હતાં.