Opinion Magazine
Number of visits:
10130339
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આખરે આપણી નાગરિકતા પુરવાર શાનાથી થાય છે?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|20 August 2026

ચંદુ મહેરિયા

ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારાં ભાઈબહેન છે એવા શબ્દોથી શરૂ થતાં પ્રતિજ્ઞાપત્રનું વાચન તો આપણે પ્રાથમિક શાળાઓથી કરાવીએ છીએ. પરંતુ ભારતીય કે ભારતનો નાગરિક કોણ અને કોઈ દેશની નાગરિકતા કઈ રીતે મેળવાય તથા તેના નિયમો શું છે, તે વિષે બહુ ઓછું જાણીએ છીએ. હાલમાં નાગરિકતાનો સવાલ ચર્ચામાં છે. પહેલા સર્વોચ્ચ અદાલતે આધારકાર્ડને નાગરિકતાનો પુરાવો માનવા ઈન્કાર કર્યો. હવે ભારત સરકાર પાસપોર્ટને ટ્રાવેલ ડોક્યુમેન્ટ ગણાવે છે અને તેનાથી કોઈની નાગરિકતા પુરવાર થતી નથી તેવી સ્પષ્ટતા કરે છે. તો પછી નાગરિકતા પુરવાર થાય છે શાનાથી? એવા ક્યા આધાર, પુરાવા, પ્રમાણ છે કે જે નાગરિકતા પુરવાર કરે? 

વ્યક્તિ અને સાર્વભૌમ રાજ્ય વચ્ચેનો કાનૂની સંબંધ એટલે નાગરિકતા. જેના દ્વારા વ્યક્તિને દેશની પૂર્ણ સદસ્યતા મળે છે. નાગરિકતા વ્યક્તિને તે દેશના રાજકીય, કાયદાકીય અને સામાજિક અધિકારો આપે છે. નાગરિકતા ઓળખ, અધિકાર અને ફરજ સાથે જોડાયેલી છે. ભારતમાં નાગરિકતાનો સવાલ આજકાલ બેહદ સંવેદનશીલ, ગંભીર અને મહત્ત્વનો મુદ્દો છે. પાસપોર્ટ, આધારકાર્ડ, ચૂંટણી ઓળખપત્ર, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, વીમાના કાગળો, જન્મનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનો દાખલો, ઘર કે જમીનની માલિકીના દસ્તાવેજો, ડોમિસાઈલ સર્ટિફિકેટ, એવા સઘળા પુરાવા આપણી નાગરિકતા પુરવાર કરવામાં નિષ્ફળ ગયા છે. 

આખી દુનિયામાં નાગરિકતા નક્કી કરવા માટે બે લેટિન શબ્દો જૂસ સૈંગ્યુનિસ અને જૂસ સોલીનો ઉપયોગ થાય છે. એટલે વંશ કે રક્ત સંબંધના આધારે નાગરિકતા અને દેશની ભૂમિ પર જન્મના આધારે નાગરિકતા.જન્મ અને વંશ ઉપરાંત રજિસ્ટ્રેશન અને નેચરલાઈઝેશનથી સિટિઝનશિપ મેળવી શકાય છે. સંવિધાન મુજબ નાગરિકતા કેન્દ્ર યાદીનો વિષય છે એટલે તેને લગતા કાયદા ઘડવાનો અધિકાર માત્ર અને માત્ર કેન્દ્ર સરકારને છે. નાગરિકતા સંબંધી કામગીરી ભારત સરકારના ગૃહ મંત્રાલય હસ્તક છે. ભારતીય બંધારણના ભાગ-૨, અનુચ્છેદ ૫ થી ૧૧ અને સિટિઝનશિપ એક્ટ, ૧૯૫૫ અને તેમાં થયેલા સુધારાઓની જોગવાઈઓ મુજબ ભારતમાં નાગરિકતા નક્કી કરવામાં આવે છે.  

બંધારણનો આર્ટિકલ ૫ બંધારણના અમલથી નાગરિકતા અંગે છે. તેમાં જણાવ્યું છે કે બંધારણ અમલમાં આવ્યું તે સમયથી ભારતમાં જન્મેલ વ્યક્તિ, જેના માતા કે પિતા ભારતમાં જન્મેલા હોય અને જે બંધારણના અમલના પાંચ વરસ પહેલાંથી ભારતમાં રહેતાં હોય તેને આપોઆપ ભારતની નાગરિકતા મળે છે. પાકિસ્તાનથી ભારતમાં આવેલા લોકોની નાગરિકતા સંબંધી જોગવાઈ અનુચ્છેદ-૬માં છે. ૧૯ જુલાઈ ૧૯૪૮ પહેલાં પાકિસ્તાનથી ભારતમાં આવેલા લોકો ભારતના નાગરિક છે. ૧૯ જુલાઈ ૧૯૪૮ પછી ભારતમાં આવેલા લોકોએ નાગરિકતા મેળવવા ઓછામાં ઓછા છ મહિના ભારતમાં રહીને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ બંને પ્રકારે નાગરિકતા મેળવતાં લોકોનાં માતા-પિતા, દાદા-દાદી કે નાના-નાની .પૈકી કોઈ એક ભારતમાં રહેતા હોવાં જોઈએ. વિભાજન પછી ભારતમાંથી પાકિસ્તાન ગયેલા અને પછી ભારત પરત આવેલા લોકોની નાગરિકતા અનુચ્છેદ ૭ થી નક્કી થાય છે. કોઈ વ્યક્તિ પહેલી માર્ચ ૧૯૪૭ પછી પાકિસ્તાન જતો રહ્યો હોય અને થોડા સમય બાદ ભારત પરત આવે તો તેને અનુચ્છેદ ૬ પ્રમાણે ૧૯ જુલાઈ ૧૯૪૮ પછી આવેલા લોકોની નાગરિકતા સંબંધી જોગવાઈઓ લાગુ પાડીને નાગરિકતાનો નિર્ણય કરવામાં આવે છે. 

અનુચ્છેદ ૮ પ્રમાણે વિદેશમાં જન્મેલ કોઈ પણ બાળકનાં માતા-પિતા, દાદા-દાદી કે નાના-નાની ભારતના નાગરિક હોય તો તેને ભારતની નાગરિકતા મળી શકે છે. કોઈ ભારતનો નાગરિક બીજા દેશની નાગરિકતા મેળવે તો અનુચ્છેદ ૯ પ્રમાણે તેની ભારતની નાગરિકતા સમાપ્ત થાય છે. આર્ટિકલ ૧૦ માં અનુચ્છેદ ૫ થી ૯ પ્રમાણે જે ભારતનો નાગરિક છે તો તેને સંસદના નાગરિકતા અંગેના કાયદા મુજબ તેની નાગરિકતા કાયમી રહેશે. અનુછેદ ૧૧માં ભારતની સંસદને નાગરિકતા આપવા કે લેવા સંબંધના કાયદા ઘડવાની સત્તા આપતી જોગવાઈ છે. 

બંધારણના આર્ટિકલ ૧૧ની જોગવાઈઓને આધીન નાગરિકતા અધિનિયમ, ૧૯૫૫ ઘડવામાં આવ્યો છે અને તેમાં સુધારા પણ થતા રહ્યા છે. ૧૯૮૬, ૨૦૦૩ અને ૨૦૧૯માં તેમાં મહત્ત્વના સુધારા થયા છે. ૨૦૧૯માં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના ભારતમાં આવી વસેલા હિંદુ, શિખ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી અને પારસીને ભારતની નાગરિકતા આપવાનો મહત્ત્વનો સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારાથી આ ત્રણ દેશોની ધાર્મિક લઘુમતીઓને ભારતની નાગરિકતા મળી શકશે. 

પાસપોર્ટને દેશના મોટાભાગ્ના લોકો નાગરિકતાનું સૌથી મોટું, વિશ્વસનીય અને આધારભૂત પ્રમાણ માને છે. પરંતુ પાસપોર્ટ ૧૯૬૭ના પાસપોર્ટ એક્ટથી આપવામાં આવે છે જ્યારે નાગરિકતા ૧૯૫૫ના કાયદાથી મળે છે. એટલે નાગરિકતાનો એકમાત્ર પુરાવો પાસપોર્ટ ન હોઈ શકે. દેશના બહુ અલ્પ હિસ્સા પાસે પાસપોર્ટ છે ૨૦૨૩ સુધીમાં ૮.૮ કરોડ અને ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં ૯.૩ કરોડ લોકો પાસે પાસપોર્ટ હતા. તેથી કુલ વસ્તીના ૬ થી ૭ ટકા પાસે જ જેનો પુરાવો હોય તે પાસપોર્ટ નાગરિકતાનો એકમાત્ર પુરાવો ન હોઈ શકે. 

જન્મના આધારે નાગરિકતા મેળવતો વર્ગ આપણા દેશમાં બહુ મોટો છે. પરંતુ સંસદના વર્ષાસત્રમાં પસાર થયેલ જન્મ-મરણ નોંધણી સુધારા કાયદાની ચર્ચાઓ મુજબ હજુ ય દેશની ૮ થી ૧૦ ટકા વસ્તી જન્મ નોંધણી કરાવતી નથી. વળી જેમને જન્મના આધારે નાગરિકતા મળી છે તેમાંથી અડધા લોકો પાસે જન્મનું પ્રમાણપત્ર નથી કે હાથવગું નથી. આધારકાર્ડને સરકારી સબસિડી વિતરણ માટેની ઓળખનું કાર્ડ ગણવામાં આવે છે. પાનકાર્ડ કરદાતાનું ઓળખપત્ર છે. એટલે આ પુરાવા નાગરિકતા માટે બહુ ખપના નથી કે સહાયક આધારો છે. 

શું કોઈ પણ દેશની નાગરિકતા હોવી કે લેવી અનિવાર્ય છે? એવો સવાલ થઈ શકે છે. તેના જવાબમાં નાગરિકતાવિહીન લોકોની દશા વિચારી લેવી જોઈએ. મ્યાંમારના લાખો રોહિંગ્યા મુસ્લિમો, કુર્દ અને પેલેસ્ટાઈનીઓ તરત સાંભરે છે. આઈવરી કોસ્ટના ૬.૯૨ લાખ લોકો, લાતિવિયાના ૨.૨૫ લાખ રશિયન આદિવાસીઓ, કુવૈતમાં વસતા ૯૨ હજાર લોકો, નેપાળ, થાઈલેન્ડ, વેનેજુએલા, સીરિયા અને બીજા એવા કેટલાક દેશોના કે તે દેશોમાં આવી શરણાર્થી તરીકે રહેતા લોકોની સ્થિતિ નાગરિકતાના અભાવે નહીં ઘરના નહીં ઘાટના જેવી અમાનવીય છે. ભારતમાં વસતા તિબેટી શરણાર્થીઓ પણ ભારતના નાગરિકો નથી. 

વસુધૈવ કુટુંબકમની ભાવના પ્રમાણે તો કોઈ રાષ્ટ્રના સીમાડા અને નાગરિકતા હોવી જ ન જોઈએ એમ કહેવા પ્રેરે છે. પરંતુ હાલમાં તો એ શક્ય નથી. બીજી તરફ ભારતમાં નાગરિકતાનો પુરાવો આપવો જાણે કે દુર્લભ લાગે છે. કેમ કે રાજ્ય પોતે જ  તેના દસ્તાવેજોને પ્રમાણભૂત માનતું નથી. લોકોને જે નાગરિકતા માટેનો પુરાવો લાગે છે તેવા પ્રમાણપત્રો કે દસ્તાવેજોની વિશ્વસનીયતા ખુદ રાજ્યે જ ખતમ કરી નાંખી છે. એ સ્થિતિમાં કોઈ એક આધારથી નહીં પણ બંધારણની જોગવાઈઓ અને ૧૯૫૫ના કાયદા મુજબ જ નાગરિકતા નક્કી થઈ શકે છે તે સ્વીકારવું રહ્યું.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

20 August 2026 Vipool Kalyani
← શું અર્બન નક્સલ, શું દિમાગી નક્સલ જેન ઝી સારુ હર લેબલ કમઅક્કલ       
ખાલી ભરી ભરી →

Search by

Opinion

  • ખાલી ભરી ભરી
  • શું અર્બન નક્સલ, શું દિમાગી નક્સલ જેન ઝી સારુ હર લેબલ કમઅક્કલ       
  • રાખડી ને રુદિયાની વાતું
  • રહસ્ય હવેલીનું
  • માણસ પણ જંતુ જ છે, તો તે જંતુનાશકને લાયક છે?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved