દરેક યુગપુરુષની કમનસીબી છે કે વહેલા-મોડા એમના વિચારો અને સંસ્થાઓનું સરકારીકરણ થાય છે. બુદ્ધ અને ઈસુનું સરકારીકરણ ત્રણસો વરસે થયું, મોહમ્મદ પયગંબરનું સરકારીકરણ થતાં સો વરસ લાગ્યાં, પણ મહાત્મા ગાંધીનું સરકારીકરણ એમના મરણ પછી તરત જ શરૂ થઈ ગયું. પોતાના કાર્યક્રમને વેગ આપવા માટે ગાંધીજીએ સ્થાપેલી બિન-સરકારી સંસ્થા ખાદીગ્રામોદ્યોગ સંઘ હવે સંપૂર્ણપણે સરકારી બની ગઈ છે અને સરકારી તંત્ર પ્રમાણે જ એનું સંચાલન થાય છે.
જો કે આ વરસે ખાદીગ્રામોદ્યોગ સંઘે ખુશામતખોરીની તમામ મર્યાદા ઓળંગી કાઢી છે અને પોતાની ડાયરી તથા કૅલેન્ડરમાં આટલાં વરસથી છપાતા મહાત્મા ગાંધીના સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો મૂકવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી ખાદીના પ્રશંસક અને પ્રચારક છે. એમના પ્રચારને કારણે ખાદીના વેચાણમાં ૨૯ ટકાનો વધારો થયો છે, એવો લૂલો-પાંગળો બચાવ સંઘના વરિષ્ઠોએ કરવો પડ્યો છે, કારણ કે ગાંધીજીના સ્થાને કોઈને બેસાડવામાં આવે એ ભારતની જનતા સાંખી લેવાની નથી. સંઘની અને નરેન્દ્ર મોદીની ટીકાઓના વાવંટોળમાં હરિયાણાની ભા.જ.પ. સરકારના મંત્રી અનિલ વીજે અનોખો સૂર આલાપ્યો છે. એમણે કહ્યું : ગાંધીજીના ફોટાને કારણે ખાદીની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે અને મોદી વધારે સારા પ્રચારક છે. ચલણીનોટ પર ગાંધીજીનો ફોટો મુકાયો, ત્યારથી ભારતીય ચલણનું વારંવાર અવમૂલ્યાંકન કરવું પડ્યું છે.’
અનિલ વીજ પર ચોતરફથી ફિટકારનો વરસાદ વરસ્યો. ભા.જ.પે., હરિયાણા સરકારે એમને ઉતારી પાડ્યા, પણ વીજસાહેબની ટીકા કરવાની ખાસ કશી જરૂર નથી. સામાજિક અને શૈક્ષણિક બાબતોમાં અતિશય પછાત હરિયાણા રાજ્યના મંત્રીઓ આવા બેફામ બકવાસ માટે કુખ્યાત છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની માનસિકતામાં ગાંધીજીને ગોઠવી શકાય તેમ નથી. સંઘ પરિવાર, ભા.જ.પ. અને નરેન્દ્ર મોદી ગાંધીજીનું બહુમાન કરે છે, કારણ કે ગાંધીજીની ઉપેક્ષા કરનારા ભારતીય રાજકારણમાંથી બાજુએ ફેંકાઈ જાય છે. રૂસી સામ્યવાદી પક્ષના ખાંધિયા ભારતના સામ્યવાદી પક્ષે ૧૯૨૬માં ગાંધીજીનું અપમાન કરવાનો ભારી દંડ ભોગવવો પડ્યો છે. અનિલ વીજને એમના બકવાસની સખત સજા કરવામાં ન આવે, ત્યાં સુધી સંઘ પરિવાર અને ભા.જ.પ.ની પ્રામાણિકતા પુરવાર થવાની નથી.
વડા પ્રધાનનો ફોટો મૂકવામાં ખાદીગ્રામોદ્યોગ સંઘે બે-ત્રણ ગંભીર ભૂલ કરી છે. નરેન્દ્ર મોદી ખાદી પહેરે છે અને ખાદીનો અનુરોધ કરે છે, પણ એમણે કદી રેંટિયો કાંત્યો હોય એવું જોવા-જાણવા મળ્યું નથી. બીજું, આ સંઘ ખાદી અને ગ્રામોદ્યોગ બંને ક્ષેત્રમાં કામ કરે છે. વડા પ્રધાન નવા જમાના પ્રમાણે શહેરીકરણના, ઔદ્યોગિક વિકાસના ચુસ્ત ટેકેદાર છે અને એમને ગામડાંમાં કે ગ્રામોદ્યોગમાં કશો રસ નથી. પણ ખુશામતિયા લોકો આટલી સૂક્ષ્મતાથી કોઈ વાત વિચાર કરતા નથી.
છેલ્લાં કેટલાંક વર્ષથી ખાદી અને ખાદી વેચાણમાં સતત ઘટાડો થયો છે. અત્યારે પણ ખાદી જીવે છે. એ સરકારે આપેલી ગંજાવર સબસિડીના આધારે જીવે છે. ગરીબોને રોજી રોજી મળે, નવરાશમાં સમય બગાડતા ગ્રામવાસીઓ કામ કરતા થાય એવા હેતુથી શરૂ થયેલી ખાદીપ્રવૃત્તિ આજે શ્રીમંતો, સત્તાધારી માટે ફૅશન બની ગઈ છે અને ગાંધીજીનો મૂળ ઉદ્દેશ લગભગ નાશ પામ્યો છે.
[ચિત્રલેખા, ૩૦ જાન્યુઆરી, ૨૦૧૭માંથી સાભાર]
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2017; પૃ. 11
![]()


મારાં પુસ્તક I Am A Trollમાં સંશોધનના ભાગરૂપે મેં ભારતીય જનતા પક્ષના ભૂતપૂર્વ નેતા અરુણ શૌરીની મુલાકાત લીધી હતી. જ્યારે અરુણ શૌરીએ કરણ થાપરના શૉ પર પહેલી વખત નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી હતી, ત્યારે સોશિયલ મીડિયા પર કથિત ‘ભક્તો’એ તેમને નિશાન બનાવીને ઝેર ઓક્યું હતું. શૌરી અટલબિહારી વાજપેયીના નેતૃત્વમાં વર્ષ ૧૯૯૯થી ૨૦૦૪ દરમિયાનની એન.ડી.એ. સરકારમાં મંત્રી હતા. વર્ષ ૨૦૧૬ના ઉનાળામાં મેં તેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પહેલી વખત ‘ધ વાયર’માં પ્રકાશિત થઈ રહી છે.
શનિવારની સવારે ચા પીવા બેઠો ને મારી નાની દીકરીએ કહ્યું કે આજે ડાઉનટાઉન ઓર્લાન્ડોમાં વિમેન માર્ચ છે. થોડી વાર પછી મોટી દીકરીએ હૉસ્પિટલથી આવીને કહ્યું, ‘ટીવી ચાલુ કરીને જુઓ. હજારો સ્ત્રીઓ લોકલ ટ્રેઇનથી વૉશિંગ્ટન મૉલમાં આવી રહી છે.’ ટીવી પર અને આઇપેડ પર સમાચાર જોતાં-જોતાં આખો દિવસ નીકળી ગયો. સાંજ સુધીમાં તો વિશ્વભરમાં સમાચારો આવતા રહ્યા કે લાખો લોકો દેખાવો કરી રહ્યા છે. જેમ જેમ સમાચાર આવતા ગયા તેમ તેમ તેનો ફોટોગ્રાફિક અહેવાલ અમારા શાંતિસેનાના મિત્રો, વોટ્સઍપ જૂથને અને એચ.કે. આટ્ર્સ કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના વોટ્સઍપ જૂથને મોકલતો ગયો. કેવળ વૉશિંગ્ટન જ નહીં, ન્યૂયૉર્ક, સાનફ્રાન્સિસ્કો, શિકાગો, બૉસ્ટન, ગુઆમ, લંડન, મેડ્રિડ, પૅરિસ, પ્રાગ અનેક સ્થળેથી સમાચારો આવતા રહ્યા.