ગુરુવારે ઓગણીસમી જાન્યુઆરીએ, પ્રકાશભાઈ અને કેતન રૂપેરાનો ઇમેઇલ મળ્યો કે ભારતીય સમય પ્રમાણે ૨૩મીની બપોર સુધીમાં ઓબામાનાં વિદાયવચનો, ટ્રમ્પની શપથવિધિ અને સ્ત્રીશક્તિપ્રદર્શનને આવરી લેતી ટિપ્પણી મોકલી આપશો. વીસમીની રાત્રે મેં ઓબામાનાં વિદાયવચનો અને ટ્રમ્પની શપથવિધિનો અહેવાલ લખી રાખેલો. વિચારેલું કે એકવીસમીની સાંજે સ્ત્રીશક્તિપ્રદર્શનની થોડી પંક્તિઓ ઉમેરી લખાણ મોકલી આપીશ, ત્યારે લગીરે એવો ખ્યાલ નહોતો કે શનિવાર (૨૧/૧)ના દેખાવો પછી આખુંયે લખાણ ફરી લખવું પડશે.
શનિવારની સવારે ચા પીવા બેઠો ને મારી નાની દીકરીએ કહ્યું કે આજે ડાઉનટાઉન ઓર્લાન્ડોમાં વિમેન માર્ચ છે. થોડી વાર પછી મોટી દીકરીએ હૉસ્પિટલથી આવીને કહ્યું, ‘ટીવી ચાલુ કરીને જુઓ. હજારો સ્ત્રીઓ લોકલ ટ્રેઇનથી વૉશિંગ્ટન મૉલમાં આવી રહી છે.’ ટીવી પર અને આઇપેડ પર સમાચાર જોતાં-જોતાં આખો દિવસ નીકળી ગયો. સાંજ સુધીમાં તો વિશ્વભરમાં સમાચારો આવતા રહ્યા કે લાખો લોકો દેખાવો કરી રહ્યા છે. જેમ જેમ સમાચાર આવતા ગયા તેમ તેમ તેનો ફોટોગ્રાફિક અહેવાલ અમારા શાંતિસેનાના મિત્રો, વોટ્સઍપ જૂથને અને એચ.કે. આટ્ર્સ કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના વોટ્સઍપ જૂથને મોકલતો ગયો. કેવળ વૉશિંગ્ટન જ નહીં, ન્યૂયૉર્ક, સાનફ્રાન્સિસ્કો, શિકાગો, બૉસ્ટન, ગુઆમ, લંડન, મેડ્રિડ, પૅરિસ, પ્રાગ અનેક સ્થળેથી સમાચારો આવતા રહ્યા.
મારા પરિવારમાં ને મિત્રોમાં ઉત્સાહનું વાતાવરણ હતું. મારી સક્રિયક દીકરી તો ‘અ વુમન્સ પ્લેસ ઇઝ ઇન ધ હાઉસ ઍન્ડ સેનેટ’ લખેલું ટી-શર્ટ પહેરીને બહાર નીકળી. આ ઉંમરે મને મારા નવનિર્માણ, જેપી આંદોલન અને શાંતિ-આંદોલનના દિવસો યાદ આવી ગયા. જેપી આંદોલન દરમિયાન ગવાતાં એક ગીતની પંક્તિ યાદ આવી ગઈ. ‘ઊઠી લોકમાનસ મેં આંધી નિહારો, તુમ્હેં જો ગગન સે ધરા પર ઉતારે.’
રાત્રે સૂવા ગયો ત્યાં સુધીમાં તો ખબર આવી ગયા કે છ ખંડોમાં, ૩૨ દેશોમાં, અમેરિકાનાં ૫૦ રાજ્યોમાં અને કુલ મળીને ૬૭૩ સ્થળોએ સ્ત્રી-શક્તિપ્રદર્શન થયાં.
પરિવર્તનનો એક નાનકડો પ્રયાસ કેટલું મોટું પરિણામ લાવે છે, તેનો આ ઉત્તમ નમૂનો છે. હવાઈમાં રહેતાં એક દાદીમાએ નવેમ્બરમાં હિલેરી ક્લિન્ટનની હાર પછી પોતાની ફેઇસબુક પર હાકલ કરેલી કે ટ્રમ્પની શપથવિધિના બીજા દિવસે વૉશિંગ્ટનમાં સ્ત્રીઓએ દેખાવો કરવા ભેગાં થવું. આ હાકલનો પડઘો સમગ્ર વિશ્વમાં પડશે, તેવું કોઈએ નહોતું કલ્પ્યું. વિશ્વમાં ક્યારે ય ના બન્યું હોય તેટલી મોટી સંખ્યામાં સ્ત્રીશક્તિ – પ્રદર્શનો યોજાયાં.
પ્રદર્શનોના આયોજકોનો મૂળ ઉદ્દેશ તો એ હતો કે વિશ્વના રાજકીય નેતાઓને અપીલ કરવી કે સ્ત્રીઓના અધિકારોનું, તેમનાં પરિવારોનું અને તેમનાં સમુદાયનું રક્ષણ કરવાની બાંયધરી આપે. પરંતુ અમેરિકાની ચૂંટણી અને ટ્રમ્પનું ચૂંટાવું, સાથે સાથે યુરોપ સહિતના ભાગોમાં સ્ત્રીવિરોધી, આત્યંતિક જમણેરી રૂઢિપરસ્તોનું વધતું જોર સ્ત્રી પ્રદર્શનનું કેન્દ્ર બન્યાં.
હજુ દેખાવોના આગલા જ દિવસે વૉશિંગ્ટનમાં તે જ સ્થળે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ૪૫મા પ્રમુખ તરીકે શપથ લીધેલાં. શપથવિધિ દરમિયાનનું તેમનું ભાષણ તેમના કોઈ ચૂંટણીપ્રચાર-ભાષણથી અલગ નહોતું. પ્રવચનમાં તેમણે પોતાની સ્વમુગ્ધતાની શૈલીમાં પોતાના ચૂંટાવાથી રાજકીય, સામાજિક, આર્થિક સંહાર(કાર્નેજ)નો અંત આવ્યાની જાહેરાત કરી. ‘અમેરિકા ફર્સ્ટ’ની વિદેશનીતિ અને અર્થનીતિની અને આઇસોલેશનિસ્ટની વિદેશનીતિની વાત કરી. અમેરિકાના રાજકીય ઇતિહાસમાં થયેલી સૌથી નકારાત્મક ચૂંટણી પછી તેમાં દેશની પ્રજાને, પક્ષોને ભેગાં કરવાની કે ઐક્યની વાત ક્યાં ય નહોતી. ન્યુયૉર્ક ટાઇમ્સે નોંધ્યું છે કે તેમનું ભાષણ ‘યુનાઈડેટ સ્ટેટ્સ માટે નહીં પરંતુ ‘ડિવાઇડેડ સ્ટેટસ માટે હતું. તેમણે ‘ફરગોટન મેન’નો ઉલ્લેખ કર્યો, પરંતુ તેમના ઉત્થાન માટે શું કરશે, તેવો કોઈ ઉલ્લેખ ના કર્યો. એ જ ગાણું ગાયે રાખ્યું કે હવે તે ‘અમેરિકા ફર્સ્ટ’ની અર્થ નીતિ અને વિદેશીનીતિ અપનાવશે.
ટ્રમ્પે કહ્યું કે વિશ્વે ક્યારે ય ના જોયું હોય તેવા એક ઐતિહાસિક પ્રજાકીય આંદોલનને કારણે તેઓ ચૂંટાયા છે. એ ખરું કે ટ્રમ્પનો રાજકીય ઉભાર અને ચૂંટાવું એ એ જ પરંપરાગત રાજકીય નેતાગીરીથી અલગ છે. તે કોઈ રાજકીય પક્ષના નેતા તરીકે નહીં, પરંતુ બંને પક્ષની રાજકીય નેતાગીરીને પડકારીને ચુંટાયા છે. એ એક આંદોલનના નેતા બનીને ચૂંટાયા છે. એ એક રાજકીય-પ્રજાકીય આંદોલનના બેનીફિશિયરી-લાભાર્થી છે. તો બીજી તરફ એ બીજા પ્રજાકીય આંદોલનમાં લક્ષ્ય, નિશાની-ટાર્ગેટ છે. અમેરિકન રાજકીય ઇતિહાસમાં આ ઘટના અભૂતપૂર્વ છે. એક નેતા એક સાથે એક આંદોલનના લાભાર્થી તો બીજા આંદોલનના લક્ષ્ય છે!
બંને આંદોલનની દિશાઓ અને વિચારો ભિન્ન છે. કાર્યશૈલી ભિન્ન છે. ટ્રમ્પ જે આંદોલનના લાભાર્થી બન્યા તે રાજકીય પક્ષની નેતાગીરીની નિષ્ફળતા સામે પ્રકોપ હતો. એ આંદોલન મૌન સભર (સાઇલન્ટ) હતું. એ આંદોલન વિશ્વભરમાં ચાલ્યું. તેનો પ્રકોપ ટ્રમ્પ સામે, તેમની નીતિઓ સામે અને તેમના સ્ત્રીઓ પ્રત્યેના વ્યવહારમાં સામે છે. બંને આંદોલનો સ્ત્રીઓની ભૂમિકા, પર્યાવરણ, ઇમિગ્રેશન, મતાધિકાર, રંગભેદ, જાતિભેદ, અમેરિકાના આર્થિક સંબંધો, વિદેશનીતિ અને નિકાસની તરાહ આ બંનેમાં સામસામે છે. એક આંદોલન રૂઢિપરસ્ત જમણેરી છે, તો બીજું ઉદારમતવાદી, પ્રગતિશીલ છે.
દેખાવોની આટલી મોટી સંખ્યાનું અન્ય એક કારણ એ પણ મનાય છે કે હવે જ્યારે વ્હાઇટ હાઉસમાં, નીચલા ગૃહમાં અને સેનેટમાં રિપબ્લિકન પક્ષની બહુમતી છે, ત્યારે પ્રજા પાસે આંદોલન એકમાત્ર માર્ગ છે.
હવે સવાલ એ છે કે આ પ્રજાકીય આંદોલનને સંસ્થાકીય માળખામાં કઈ રીતે ઢાળવું. ટ્રમ્પે કટાક્ષમાં પણ એક મુદ્દાનો સવાલ ઉઠાવ્યો કે નવેમ્બરની ચૂંટણી વખતે આ લોકો ક્યાં ગયેલા?
આ પ્રજાકીય આંદોલનને સંસ્થાકીય માળખામાં ઢાળવા સ્થાનિક રાજકીય સંસ્થાઓમાં કાઉન્ટી સ્તરે, રાજ્ય સ્તરે તેમની હિસ્સેદારી વધારવી પડશે. તેમાંથી કેટલાયને ચૂંટણીઓમાં ઊભા રાખવા પડશે. જો ડેમોક્રેટિક પક્ષે ફરી વ્હાઇટહાઉસ ગૃહ અને સેનેટ કબજે કરવાં હોય, તો આ ઉત્તમ તક ઝડપી લેવી પડશે.
E-mail : rajudave@hotmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2017; પૃ. 07