આજકાલ વિચારમાં,
કલમમાં
કે કાગળ ઉપર
ચુપચાપ કતારબદ્ધ સ્થિર
ઊભા નથી રહેતા શબ્દ,
કાગળ ઉપર ઉતરતાવેંત જ
લીટી તોડીને
આમતેમ સરકતા
સર્જે છે અર્થોની અરાજકતા.
ગર્વ કહું ને
શર્મ લખી કાઢે,
આદરણીય લખું ને
બદમાશીય કહી કાઢે,
કોઈક સાહેબને પ્રશસ્તિ લખી મોકલું
ને કાગળ ખૂલતામાં
એમાંથી પ્રકટે
એમને હાથે હણાયેલા લોકોની સૂચિ.
બીજું બધું તો ઠીક
પણ
માઇક પરથી કહેવી હોય શૌર્યકવિતા
અને
વંચાવા લાગે
નપૂંસકતાના પત્તરફાડ પ્રસંગો.
ડહોળાઈ ગઈ છે મારી ભાષા
મગરમચ્છોના ગજગ્રાહથી,
છે … છે નથી … નથી થઈ જાય છે
હું … હું હેં … હેં બની જાય છે,
ક્ષણેક્ષણ બદલાતા અભિગમની જેમ
જાણે પગની જગ્યાએ
હાથ આવી ગયા હોય
એમ
વ્યાકરણ જ બદલાઈ જાય છે ભાષાનું,
ફૂટપાથ પર બેઠેલા જ્યોતિષીઓ
પિંજરમાંના પોપટ વડે
ચિઠ્ઠી ઉપડાવી
વંચાવે છે
સાહિત્યનું ભવિષ્ય,
પાછો પિંજરમાં ચાલ્યો ગયેલ પોપટ
ઠાવકાઈથી ડાબે-જમણે ગરદન ઘુમાવે
મંત્રીની હાજરીમાં
સંકોચાઈને બેઠેલા
પ્રતિષ્ઠિત કવિની જેમ.
જે પ્રયોગખોરી
આંખ માથે ચડાવી
એ જ છે શું આ પોસ્ટ મૉર્ડનિસ્ટ સીનાજોરી?
એકથી એક ચડિયાતા પુરસ્કારો જાહેર થાય છે
ને સન્માન ગ્રહણ કરવા
નતમસ્તક મંચ ઉપર જઈને ઊભી રહે છે
એક સીધાસાદા કવિની મૂંઝવણ.
૨૦-૧૦-૨૦૧૬
E-mail : pjagjivandas@gmail.com
સૌજન્ય : "નિરીક્ષક", 16 સપ્ટેમ્બર 2017; પૃ. 14
![]()


રવીન્દ્રનાથ (૧૮૬૧-૧૯૪૧)ની પહેલી રચના ૧૮૭૮માં શાહીબાગ, અમદાવાદ, ગુજરાતમાં અને રવીન્દ્રનાથની ગુજરાતી ભાષામાં ઉતરેલી પહેલી રચના ૧૯૧૮માં મણિભાઈ હરિભાઈ દેસાઈ દ્વારા ‘ગીતાંજલિ’ આમ લાગલગાટ એક સો વરસથી રવીન્દ્રનાથ ગુજરાતીમાં ઊતરતા રહ્યા છે. રવીન્દ્રનાથે ચોથી વિદેશયાત્રા મે ૧૯૧૬થી માર્ચ ૨૦૧૭ સુધીના કુલ અગિયાર મહિનાની કરી તેમાં ત્રણ વ્યાખ્યાનો આપ્યાં, જે Nationalism નામથી ૧૯૧૭માં પ્રસિદ્ધ થયાં, આજે બરાબર એક સો વર્ષ બાદ ભાઈ ત્રિદીપ સુહૃદ દ્વારા ‘રાષ્ટ્રવાદ’ નામથી તે ગુજરાતીમાં ઉતરે છે. ત્રિદીપને અને નવજીવન પ્રકાશનને ધન્યવાદ.

