રવિશંકર રાવળે ચિત્ર, લલિતકલાઓ અને સાહિત્ય દ્વારા ગુજરાતની પ્રજામાં સામાજિક-સાંસ્કૃિતક મૂલ્યોનું ઘડતર-સંવર્ધન થાય તે હેતુથી ‘કુમાર’ માસિક શરૂ કર્યું. સમાંતરે એમની ચિત્રસાધના અવિરત ચાલુ રહી. રવિશંકરભાઈની કલાસાધના અને ‘કુમાર’ના વાચનથી પ્રેરાઈને પછી તો એમની અનુગામી પેઢીના તે સમયના અનેક યુવાનો નટુ પરીખ, એસ્થર ડૅવિડ, ગુલામમહંમદ શેખ અને અન્ય યુવાનો ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય જેવી લલિતકલાઓમાં સતત સાધનારત રહીને રવિશંકર રાવળની આ ઉજ્જ્વળ પરંપરાનું પ્રગતિશીલ અનુસંધાન બન્યાં.
રવિશંકર રાવળની આ પ્રેરક કલાસાધના તેમ જ શિષ્ટ સાહિત્યના પ્રચાર-પ્રસાર અંગેનો સંઘર્ષ ચિરસ્મરણીય રહે એવા ઉમદા હેતુથી ગુજરાતી સાહિત્ય પરિષદે શરૂ કરેલી રવિશંકર રાવળ સ્મૃિત – વ્યાખ્યાનમાળા ખરેખર એક અભિનંદનીય ઘટના છે.
આ જ સ્મૃિત વ્યાખ્યાનમાળાના એક તેજોમય મણકારૂપ વ્યાખ્યાનની અવિસ્મરણીય ઘટના એટલે સુવિખ્યાત સ્થપતિ બાલકૃષ્ણ દોશીએ ૨૬મી જાન્યુઆરીના દિવસે પરિષદના રા.વિ. પાઠક સભાગૃહમાં સાંજે ૬-૦૦ વાગે આપેલું વ્યાખ્યાન, જેનો વિષય હતો ‘Porosity, Paradox, Practice My Journey.’ સ્થપતિ તરીકે એમના જીવનનો પુરુષાર્થ એટલે અમેરિકન ફ્રૅન્ચ સ્થપતિઓ અનુક્રમે લૂઇ કહાન અને લૂઇ કાર્બેઝ પાસેથી મેળવેલા શિક્ષણને વ્યાપક દૃષ્ટિકોણથી નિષ્ઠાપૂર્વક પ્રયોગાન્વિત કરવાની પ્રક્રિયા, આ પ્રક્રિયા દ્વારા દોશીસાહેબ તે સમજ ઉપર પહોંચ્યા કે વિકાસપોષક જીવનશૈલીને અનુકૂળ જે કાંઈ સાધનો-સગવડોની કાયમી ધોરણે જરૂર હોય, જેમાં સામાજિક-સાંસ્કૃિતક પરંપરાઓ સાથેના સંદર્ભો પણ વણાઈ જતા હોય, તદુપરાંત માણસના વ્યક્તિગત જીવનની ખાસિયતો ઉપર પણ લક્ષ કેન્દ્રિત કરવામાં આવ્યું હોય, હવાઉજાસ અને મુક્ત પ્રાકૃતિક વાતાવરણને પણ અવકાશ રહે તે પ્રકારનાં ઘરો, ઉપરાંત શાળા-કૉલેજ, કંપનીઓ તેમ જ સંસ્થાઓનાં મકાનો હોવાં જોઈએ.
આ અંગેનાં સરસ ઉદાહરણો તરીકે એમણે મંચ પર ગોઠવેલા મોટા સ્ક્રીન પર અમદાવાદની પોળોનાં મકાનો દર્શાવ્યાં હતાં. જેમાં પોળોની રચના તરીકે એમાંનાં રસ્તાઓ, ચોકઠાં એમાંનાં વૃક્ષો, આમાંથી જીવંત થતી નગરસંસ્કૃિત અને શહેરની પોળોના આ રચનાત્મક સર્જન પાછળનો ઘણાં વર્ષો જૂના સ્થપતિઓનો અને દોશીસાહેબનો પણ સ્થાપત્યને સુસંગત વિશાળ સામાજિક-સાંસ્કૃિતક દૃષ્ટિકોણ જોઈને-જાણીને સાહિત્યકારો, સાહિત્યરસિકો સાથે મને પણ આશ્ચર્ય અને આનંદની રોમાંચક અનુભૂતિ થઈ. દોશીસાહેબે ત્યાર બાદ નગરજીવનની આ પ્રાચીન સ્થાપત્યપ્રિય સભ્યતામાં ઉપસ્થિત સૌને ફેરવ્યા પછી એમના ર્ક્તૃત્વના સુભગ પરિણામ સ્વરૂપે સ્થાપિત થયેલી અને આધુનિક નગરવિકાસની એંધાણી આપતી અનેક જાણીતાં મકાનોની સ્થાપત્યસૃષ્ટિમાં અમને બધાને સફર કરાવી. આ મકાનોમાં પોતાનું ઘર, પોતાની ઑફિસ, સેપ્ટ યુનિવર્સિટી પાસેની ગુફા, આઈ.આઈ.એમ., પ્રેમાભાઈ હૉલ, આ તમામનાં સ્થાપત્યનો ખ્યાલ આપવા સાથે આ બધા અંગેના પોતાના કાર્યાનુભવો પણ કહ્યા.
તે બધું જોઈ-સાંભળીને જૂનું કે નવું, દેશ કે વિદેશ, અનુક્રમે આ તમામ અંગેના કશા જ પક્ષપાત-પૂર્વગ્રહ વિના, સીમાડાઓનાં બંધન વિનાની એમની ખુલ્લી ઊંડી અને ઉદાર એવી સ્થાપત્યકલાની મને દૃષ્ટિ અને સમાજનિષ્ઠ, લલિતકલા ઉપરાંત સાહિત્યરસથી ભીંજાતા એક કસાયેલા સંઘર્ષશીલ સ્થાપત્યકાર તરીકેના એમના ભવ્ય વ્યક્તિત્વના દર્શન થયા. આ પ્રકારના વ્યક્તિત્વને ચાર ચાંદ લગાડે એવી ઘટના સ્થાપત્યશિક્ષક તરીકેની એમની કારકિર્દીને લગતી હતી શરૂઆતમાં વિદ્યાર્થી ભાઈબહેનોનું કાર્ય જોયા-ચકાસ્યા પછી નાપાસ કરીને નારાજ કરનારા અને તે પછી વર્ગમાં ન જોતા એમની પાસે જઈને એમની નારાજગી જાણનારા – ‘તમને પસંદ એવું મારે કેવી રીતે સ્થાપત્ય શીખવવું તે તમે મને શીખવો’ – એમ કહેનારા આ બાલકૃષ્ણ દોશી વિદ્યાર્થીઓ પાસેથી તે શીખ પામીને સ્થાપત્યના શિક્ષક તરીકે અનુગામી પેઢીને ઘડીને એમનામાં કાબેલિયતનો કસબ કેળવવાની પણ શિક્ષક તરીકે સ્થાપત્યકલા અનુભવ અને મહાવરા દ્વારા સિદ્ધ કરીને વિદ્યાર્થીઓનો ભરપૂર પ્રેમ અને આદર જીતી લીધો.
કાલુપુર, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 18 ફેબ્રુઆરી 2018; પૃ. 13
![]()


આ પુસ્તક મૂળ આદિવાસી એવા કાર્યકર્તા લાલ શ્યામ શાહને કેન્દ્રમાં રાખીને પત્રકાર સુદીપ ઠાકુર દ્વારા લખવામાં આવ્યું છે. એક એવી વ્યક્તિ કે જેઓને તેમનો વિસ્તાર ગોંડવાના તો ઓળખે જ છે પણ સાથે-સાથે તેમનાં કાર્યની ગૂંજ સમગ્ર દેશમાં સંભળાય છે. આદિવાસી અભિજાત પરિવારમાંથી આવતા લાલ શ્યામ શાહનો જન્મ વર્ષ ૧૯૧૯માં થયો હતો અને તેમની પાસે એટલાં બહોળા પ્રમાણમાં જમીન અને વન સંપત્તિનું સ્વામિત્વ હતું કે તેઓ જો ઇચ્છતા હોત તો આરામથી પોતાનું સમગ્ર જીવન પસાર કરી શક્યા હોત, પણ તેમણે પોતાનાં સમાજની સેવા કરવાનો વિકલ્પ પસંદ કર્યો અને આદિવાસી મહાસભા બનાવીને આદિવાસીઓનાં જળ-જંગલ-જમીનનાં અધિકાર અને સાંસ્કૃિતક વિરાસતની રક્ષા કરવા માટે આજીવન સંઘર્ષ કરતાં રહ્યાં. સમગ્ર મધ્યભારતનો આદિવાસી સમાજ તેઓને સન્માનપૂર્વક યાદ કરે છે. લાલ શ્યામ શાહનો સંઘર્ષ દેશની આઝાદી બાદ પણ ચાલુ જ રહ્યો. તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા અને પ્રથમ ચૂંટણી ખૂબ જ ઓછા મતોથી હારી ગયા. પરંતુ, અદાલતે બાદમાં આ ચૂંટણી રદ્દ કરી હતી. બીજી વખત ચૂંટણી થઈ તેમાં લાલ શ્યામ શાહ જીતી ગયા અને જીત્યાના થોડા સમય બાદ જ તેમને લાગ્યું કે કેટલાંક વહીવટકર્તાઓ, ઓફિસર્સ અને રાજનેતાઓ દ્વારા આદિવાસીઓનું શોષણ કરવામાં આવે છે, તેથી તેમણે વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું. રાજીનામામાં તેમણે લખ્યું હતું કે કેવી રીતે સરકાર દ્વારા આદિવાસીઓની અવગણના કરવામાં આવે છે અને આદિવાસીઓને લૂંટતા ધનિક લોકોના ખોળામાં આ સરકાર બિરાજમાન છે. આ પુસ્તકમાં આદિવાસીઓનાં હિત પરત્વે લાલ શ્યામ શાહના પ્રયાસોનું વર્ણન કરવામાં આવ્યું છે. લેખકે આ પુસ્તકમાં માત્ર રાજનૈતિક જ નહિ, પણ તેનાથી પર રહીને લાલ શ્યામ શાહના સંઘર્ષની પણ ઊંડાણપૂર્વક વાત કરી છે. અને તેમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે પ્રાકૃતિક સંસાધન પર આદિવાસીઓના હક અને વિસ્થાપનનું કારણ બનનાર વિનાશકારી પરિયોજનાઓ વિરુદ્ધ લાલ શ્યામ શાહ લડતા રહ્યા. અહીં ‘પૃથક ગોંડવાના’ રાજ્યના સંઘર્ષની પણ વાત કરવામાં આવી છે, પછી ભલે તે સફળ થઈ શક્યો નહિ. અને જો આવું થયું હોત તો આજે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓરિસ્સાના આદિવાસી પર્વતીય અને વનક્ષેત્ર આમાં સામેલ થઈ શક્યા હોત. પત્રકાર અને લેખક સુદીપ ઠાકુરની નજરમાં લાલ શ્યામ શાહ ચિંતક અને કાર્યકર્તા એમ બંને હતા. આદિવાસી સમાજની મુશ્કેલીઓ અને કાયદાકીય પ્રશ્નો અંગેની તેમની સમજણ સાફ હતી, અને લાલ શ્યામ શાહનું માનવું હતું કે સંવિધાને તો જનજાતિઓના અધિકારના સંરક્ષક તરીકે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોની વ્યવસ્થા બનાવી હતી, પરંતુ આ સંસ્થાઓએ પણ આદિવાસી હિતને તિલાંજલિ આપીને તેને નોકરશાહી અને ધનિકોની કૃપા હેઠળ છોડી દીધી અને તે વિરુદ્ધ લાલ શ્યામ શાહ આદિવાસીઓના હક માટે લડતા રહ્યા.