નવી બાળવાર્તા
એક રાજા હતો. એને મોટીમોટી સભાઓ અને મેળાઓ અને રેલીઓ કરવાનો ભારે શોખ હતો. વળી, લાંબી લાંબી વાર્તાઓ સાંભળવાનો પણ ભારે શોખ હતો. એનો આગ્રહ હતો કે હું ‘પછી?’ ન કહું ત્યાં સુધી વાર્તા ચાલવી જોઈએ. જો કોઈ વાર્તા આગળ વધારી ન શકે, તો એનો દંડ થશે, પરંતુ હું ‘પછી?’ પૂછી ન શકું, તો એવી અનંતવાર્તા કહેનારને મોટું ઇનામ મળશે.
ઇનામની લાલચે ઘણા ભાટ, ચારણ, કથાકાર, ગુણિયલ કલાકાર વગેરે આવ્યા. પરંતુ કોઈ અનંતકથા કહી શક્યું નથી. જો કે આખરે એક ખેડૂતપુત્ર આવ્યો અને એણે વાર્તા માંડી.
વાર્તા દુકાળની હતી ખેતરોમાં પાક ઊતરતા નહોતા પરંતુ રાજાનો અન્નભંડાર ભરપૂર હતો. એટલે એક ચકલી આવી, એણે ભંડારમાંથી અનાજનો એક દાણો ખાધો અને ફરરર કરતી ઊડી ગઈ. બીજી ચકલી આવી, એણે અનાજનો એક દાણો લીધો અને ફરરરર કરતી ઊડી ગઈ.
રાજા ‘પછી?’ ‘પછી?’ કરતો રહ્યો અને જુવાન ત્રીજી ચકલી, ચોથી ચકલી … દસમી ચકલી … સોમી ચકલી બોલતો જ રહ્યો. એની કથાનો અંત આવતો જ નહોતો. આખરે રાજાએ કંટાળીને ‘પછી?’ પૂછવાનું બંધ કર્યું અને જુવાનને ઇનામ આપીને વિદાય કર્યો.
આમ, એક વાર ભોંઠા પડવા છતાં રાજાનો અનંતવાર્તા સાંભળવાનો શોખ ગયો નહીં. એણે તો કથાકારોને આવકારવાનું ચાલુ રાખ્યું. જો કે જે કોઈ આવે તે દંડ ભરીને પાછા જતા.
એટલામાં એક વાર ભારત નામના દેશમાંથી એક કથાકાર આવ્યો. કહે કે હું અનંતકથા કહું. રાજાએ એને ચેતવ્યો. ‘ભલા માણસ, હું ‘પછી ?’ પૂછવાનું ચાલુ રાખીશ. પૂછી ન શકું ત્યાં સુધી કથા કહેવી પડશે. જો તું વાર્તા આગળ વધારી ન શકે. તો દંડ ભરવો પડશે.
શરત કબૂલ રાખીને ભારતદેશના કથાકારે શરૂ કર્યું. ‘મહારાજ! એક ખેતીપ્રધાન દેશ હતો. ત્યાં ઘણા ખેડૂતો રહેતા હતા. પણ બન્યું એવું કે ખેડૂતો દેવાના બોજ હેઠળ કચડાવા લાગ્યા. એક ખેડૂતે આપઘાત કર્યો.’
‘હં … પછી?’
‘પછી બીજા ખેડૂતે આપઘાત કર્યો.’
‘પછી ?’
‘ત્રીજા ખેડૂતે આપઘાત કર્યો.’
‘પછી? ચોથા, પાંચમા, છઠ્ઠા ખેડૂતે આપઘાત કર્યો.’
એમ જ તારી વાર્તા ચાલવાની છે ને પેલી ચકલીની જેમ?
‘ના, મહારાજ, આ કથા જુદી રીતે ચાલે છે.’
‘હં … પછી?’
આમ ને આમ હજારો-હજારોએ આપઘાત કર્યા.
‘પછી?’
‘પછી આ ખેતીપ્રધાન દેશના રાજાએ ખેડૂતોના આપઘાતોની તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરવા માટે હૂકમ કર્યો.’
‘પછી?’
‘ઇન્દિરા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ રિસર્ચ સેન્ટરનો રિપોર્ટ આવ્યો.’
‘વાહ! પછી?’
‘તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ સાયન્સીઝનો રિપોર્ટ આવ્યો.’
‘પછી?’
‘યશવન્તરાવ ચવાણ એકાદમી ઑફ ડેવલપમેન્ટ ઍડ્મિનિસ્ટ્રેશનનો પણ રિપોર્ટ આવ્યો.’
‘પછી?’ રાજાએ જરાક કંટાળા સાથે પૂછ્યું.
ડૉક્ટર સુધીર ગોયિલનો રિપોર્ટ આવ્યો.
‘પણ પછી? આટલા બધા રિપોર્ટ આવ્યા પછી ખેડૂતોના આપઘાત અટક્યા કે નહીં?’
‘ધીરજથી સાંભળો, મહારાજ! પછી સ્વામીનાથન પંચનો રીપોર્ટ આવ્યો …’
‘ઓહ પછી?’
પછી ડૉ. નરેન્દ્ર જાધવ સમિતિનો રિપોર્ટ આવ્યો.
‘પછી?’
‘ખેડૂતો તો આપઘાત કરતા જ રહ્યા’
‘પ … છી?’ રાજાની ધીરજનો અંત આવી રહ્યો હતો.
‘રાજાએ પાર્લામેન્ટરી સમિતિ રચવાનો હુકમ કર્યો.’
‘વળી સમિતિ? ખેડૂતોના આપઘાતનું શું? પેલી જૂની વાર્તામાં તો ચકલીઓ આવીઆવીને ઊડી જતી હતી. અને અહીં તો ખેડૂતોના આપઘાત! મારે નથી સાંભળવી તારી આ વાર્તા! ઇનામ લે અને ભાગ અહીંથી.’
(‘સદ્દભાવના સાધના’માંથી ચંન્દ્રકાન્ત વાનખેડેની કૃતિનું રૂપાંતર)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2017; પૃ. 20
![]()


આજકાલ લોકની નજર મેગા-આયોજનો તરફ છે. જે કંઈ મોટા ધોરણે થાય છે, તેનાથી લોકો અંજાવા લાગ્યા છે. નાની દુકાનો, નાનાં બજારો, નાનાં દવાખાનાં, નાના માણસો ભાગ્યે જ કોઈની નજરમાં આવે છે! આ અર્થમાં આપણે ગાંધીએ ચીંધેલી દિશામાંથી વિપરીત દિશામાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યાં છીએ. આપણી દશા અને દેશની દશા એનાથી જ સુધરશે એવી કંઈક પ્રતીતિ વ્યાપક જનસમૂહ અનુભવી રહ્યો હોય એવો માહોલ રચાઈ ચૂક્યો છે.
મૂળ અંગ્રેજીમાં લખાયેલા પુસ્તકનો આ ગુજરાતી અનુવાદ અધ્યાપક રક્ષા મ. વ્યાસે કર્યો છે, જે ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને અર્પણ કરાયો છે. તેમને ઉપયોગી બને તેવો બનાવાયો છે. ‘અનુબંધ’ શબ્દ ૧૯૩૭ના નઈ તાલીમ અધિવેશનમાં ડૉ. ઝાકીર હુસેને વાપરેલો. ભગવદ્ગીતાના અઢારમાં અધ્યાયના પચીસમાં શ્લોક સાથે તેને સંબંધ છે. અનુબંધનો અર્થ છે ‘જીવનમાંથી પ્રાપ્ત થતું શિક્ષણ’.
થોમસ પીકેટી ફ્રૅંચ અર્થશાસ્ત્રી છે અને પૅરીસમાં કામ કરે છે. તેમણે અમેરિકન અને યુરોપના અર્થશાસ્ત્રીઓ સામે હુંકાર કરીને કહ્યું કે તમે લોકો આર્થિક વૃદ્ધિદરની કેમ વાત કરો છો? તમને તેનું કેમ વળગણ (ઓબ્સેશન) થઈ ગયું છે? ઈ.સ. ૨૦૧૩માં તેમણે ‘કૅપિટલ ઇન ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી’ પુસ્તક ફ્રૅંચ ભાષામાં બહાર પાડ્યું. ઈ.સ. ૨૦૧૪ની આ પુસ્તક અંગ્રેજી ભાષામાં બહાર પાડ્યું. આ પુસ્તકમાં તેમણે આર્થિક વૃદ્ધિદર પર નહીં, પણ સમૃદ્ધ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિની અસમાનતાની સખત નિંદા કરી. તેમણે જણાવ્યું કે આર્થિક અસમાનતા, એટલે કે આવક અને સંપત્તિની અસમાનતા) મૂડીવાદનો એક અનિવાર્ય ભાગ બની ગયો છે. જગતની લોકશાહી સરકારી આર્થિક અસમાનતાને નાથી શકી નથી. તંદુરસ્ત લોકશાહી માટે આટલી મોટી આર્થિક અસમાનતા સ્વીકારી શકાય તેમ નથી. તે જો ચાલુ રહેશે તો લોકશાહીને તોડી નાંખશે. અમેરિકા ગર્જીગર્જીને લોકશાહીની વાતો કરે છે, પરંતુ અમેરિકામાં ૧૯૫૦-૧૯૮૦નાં ત્રીસ વર્ષ દરમિયાન તેની દસ ટકા આવક રળનારાઓ પાસે કુલ રાષ્ટ્રીય આવકનો ૩૦-૩૫ ટકા હિસ્સો હતો. ૧૯૮૦-૨૦૧૦નાં ત્રીસ વર્ષના ગાળામાં તેમનો હિસ્સો ૩૦-૩૫ ટકાથી વધી ૪૫-૫૦ ટકા થઈ ગયો. ફરીથી જાણી લો કે અમેરિકાના દસ ટકા આવક મેળવનારા પાસે અમેરિકાની કુલ આવકનો હિસ્સો ૪૫થી ૫૦ ટાક જેટલો મોટો છે. અમેરિકાના ધનિક લોકો પાસે ગંજાવર મિલકત અને આવક છે. અમેરિકાના મૅનેજરોના પગારો અતિશય ઊંચા છે. તેઓ પોતાના પગારો અને સ્ટૉક ઑપ્શન્સ વધારે જ જાય છે. કારણ કે તેમની કંપનીઓના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ પણ પ્રોફેશનલ મૅનેજરો હોવાથી તેઓ પોતાના સાથી મૅનેજરોનાં મહેનતાણાં પર કોઈ નિયંત્રણ મૂકતા નથી. અમેરિકામાં સામાન્ય કારીગર કે કામદારોના પગારો અને ઉચ્ચ મૅનેજરોના પગારો વચ્ચે હિમાલયની ઊંડી ખીણ અને ટોચ જેટલું અંતર છે. આર્થિક અસમાનતાને લગતો કોયડો માત્ર અર્થકારણને લગતો નથી, પોલિટિકલ ઇકોનૉમીને લગતો પણ છે.