એક સંસ્કાર નગરીમાં, એક સુંદર સવારે, અને એક રમણીય, અાહ્લાદક, ઉજ્જવલ અને ભવ્ય ભાવિનો સંકેત અાપતું દૃશ્ય દીઠું. અામ તો એ દૃશ્ય નહીં, સ્વયં કાવ્ય હતું, એક ખળખળ વહેતું ગીત, એક રેશમી મુલાયમ ગઝલ, એક નાટ્યાત્મક અછાંદસ, એક પ્રેરક મહાકાવ્ય, એક …
ઊભા રહો, તમે કોઈ ગઝલસંગ્રહના લોકાપર્ણમાં ગયેલા ?
ના, કેમ ?
તો નક્કી સુગમ સંગીતના કાર્યક્રમના સંચાલકને સાંભળ્યા હશે.
ના, ભ’ઈ ના, એવું કંઈ નથી. હું તો માત્ર એક સાધારણ અને અનુપમ દૃશ્ય વિશે તમને માહિતી અાપતો હતો.
તમે જે ભાષા વાપરી એવી મેં તમારી પાસેથી ભાગ્યે જ સાંભળી છે, તેથી થયું કે તમે કશા સંમોહન હેઠળ હશો, કોઈ જાદુઈ પ્રભાવ જેવું.
તમે અામ તો સાચા કહેવાવ. હું હચમચી ગયો છું, ભીંજાઈ ગયો છું. તમને એ દૃશ્ય અાલેખી દેખાડું.
ઈર્શાદ … થાવા દ્યો.
જે નગરીની વાત કરી રહ્યો છું તે નગરીનાં બાળકો પાસે નવલાં દફતરો હતાં. અા પ્રદેશમાં કોઈ પાસે એવાં દફતર જોયાં નથી અમે.
નવલાં એટલે યુ મીન નવાં નક્કોર ? તો ભલા માણસ, નિશાળો ખૂલે ત્યારે ચિલ્લર પાર્ટી નવાં દફતરો લઈને જ જાય, અા તો જૂનો રિવાજ છે !
બિલકુલ કલ્પનાવિહીન, કોરાભઠ્ઠ અને મંદગતિ છો તમે. અા દફતરો માત્ર નવાં જ નહીં, નવીન ચિત્રોવાળાં હતાં.
કેવાં ચિત્રો ? બાળકોને ગમે એવાં કોઈ પ્રાણીપાત્રો કે ફૂલપત્તી કે એવું હશે, એમાં નવું શું ?
ફરી ઠોકર ખાધીને ? ચિત્રોની કલ્પના કરવાનું તમારું ગજું નથી. એ માટે મહાબલિ, મહાપ્રાણ વ્યક્તિ જરૂરી.
તે તમે બોલો, અમે જે છીએ તે, તમે તો દમદાર છો !
દફતર પર અાપણા પ્રિય મુખ્યમંત્રી અને અાપણને જે પ્રિય હતા તેવા વડા પ્રધાન સોહે છે, સાથસાથ ને અડખેપડખે.
ના હોય, અાટલું બધું ના હોય, નાનાં ભૂળકાંઅોને અાવી છબિઅોનું અાકર્ષણ હોય ? એ તો દફતર જોઈને જ ડરશે, કે અા નવા સાહેબો વળી …
ન માનતા હો તો ચાલો મારી સાથે, સંસ્કારનગરીની શાળા નંબર વન, કે ટુ, કે થ્રીમાં. ટેણિયાઅોનાં દફતર પર તમારી સગ્ગી અાંખે જોઈ લ્યો અા મહાનુભાવોને !
એટલે અા દફતરો બજારમાં મળે ? વેચાતાં ?
ના મિત્ર, કેવળ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ હેઠળ જ અા દુર્લભ દફતરો સુલભ થવાનાં. છે તમારા પરિવારમાં કોઈ પ્રવેશોત્સુક બાળ કે બાળા ?
નસીબદાર છું કે બધાંયે ભણી પરવાર્યાં. બાકી અાપણા જમાનામાં ક્યાં પ્રવેશોત્સવ હતા ? તો યે મેટૃિક-પાસનો છાકો પડી જતો. શું ફાંકડું અંગ્રેજી બોલતા ને લખતા અાપણા વખતમાં ! અા તો ભણવાને નામે અાટલી કૂદાકૂદને ધમાધમ, પણ દળીદળીને કૂલડીમાં ! અાપણે કેળવણીનું તો …
બોલતા જ નહીં. બધાં વરસ અાખું કેટલો પરસેવો પાડે છે તે ખબર છે ? કેટલા તો ઉત્સવો કરે છે ભેગાં થઈને !
તોયે ભણી પરવારેલાંઅોને તો જોયાં છે ને ? ચાર વાક્ય માતૃભાષામાંયે બોલતાંયે તતપપ અને અંગ્રેજી તો લખી વાળ્યું પૂરેપૂરું. વાંચે શું ધૂળ ને પથરાં ?
તે નહીં વાંચે તો કંઈ નહીં, વહેવાર શીખશે. પલોટાશે એટલે કાબેલ થઈ જશે. વિજયને વરશે.
શેમાં કાબેલ ? વખાણ કરવામાં ? પોતાને સ્થાપિત કરવામાં ?
એમાં ખોટું શું ? બધાંને માર્કેટિંગનું ભૂત વળગ્યું છે, અને કોઈ ભૂવાને એ ગાંઠવાનું નથી. સર્વત્ર તમે જ તમે. રજૂ થાવ, છવાઈ જાવ, અાક્રોશથી ખાબકો, ભોંય ફાડીને નીકળો, ખૂણે ખાંચરે, અહીં ત્યાં, જળમાં, હવામાં, સમાચારમાં.
તે અાપણે કંઈ સર્વવ્યાપ્ત, સર્વશક્તિમાન છીએ ?
લો, અાટલીયે ખબર નથી તમને શું ? છીએ જ તો !
(સદ્દભાગ્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2013, પૃ. 24)