આ વરસની શરૂઆત સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ પછીના ચાર મોસ્ટ સિનિયર જજોના ખુલ્લા વિદ્રોહ સાથે થઈ હતી. તેમણે આરોપ કર્યો હતો કે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સરકારના દબાણ હેઠળ કામ કરે છે, અને દબાણનો પ્રતિકાર કરવાની જગ્યાએ દબાઈને રહે છે. ગુજરાતના કુખ્યાત એન્કાઉન્ટરની તપાસ કરી રહેલા જજ લોયાનું નાગપુરમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું તેની તપાસની માગણી કરતી યાચિકા સર્વોચ્ચ અદાલતમાં તાજા દાખલ થયેલા જુનિયર મોસ્ટ જજને સુનાવણી માટે આપી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ ખટલાને ફાળવવાના અધિકારનો દુરુપયોગ કરે છે અને સરકારને અનુકૂળ ન આવે એવા ખટલા અમને એટલે કે વિદ્રોહ કરનારા ચાર સિનિયર મોસ્ટ જજોને આપવામાં આવતા નથી. એન્કાઉન્ટર ખટલામાં બી.જે.પી.ના અધ્યક્ષ અમિત શાહ સામે આરોપ છે અને જજ લોયાના રહસ્યમય મૃત્યુમાં તેમના તરફ આંગળી ચિંધવામાં આવે છે.
સર્વોચ્ચ અદાલત પછી દેશની સર્વોચ્ચ તપાસસંસ્થા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેિસ્ટગેશનમાં ભડકો થયો. કારણ? એ જ. કેન્દ્ર સરકાર અનિલ અંબાણીને મોટો ફાયદો કરાવનારા રાફેલ સોદાની તપાસ ન થાય અથવા અનુકૂળ રીતે થાય એ માટે સી.બી.આઈ.માં નંબર ટુ રાકેશ અસ્થાનાનો ઉપયોગ નબંર વન આલોક કુમાર વર્મા સામે કરવા માગતી હતી. રાકેશ અસ્થાના શાસકોના આંગળિયાત છે, ભ્રષ્ટ છે અને ગુજરાતમાંથી તેમને ખાસ બોલાવીને સી.બી.આઈ.માં ગોઠવવામાં આવ્યા છે.
આજે સ્થિતિ એવી છે કે સર્વોચ્ચ અદાલતમાં નંબર ટુ હતા તે ન્યાયમૂર્તિ રાજન ગોગોઈને મુખ્ય ન્યાયમૂર્તિ સામે બળવો કરવા છતાં મુખ્ય ન્યાયમૂર્તિ બનતા રોકી શકાયા નથી. ગોદી મીડિયાના ઢોલ-નગારાની વચ્ચે મુઠ્ઠીભર પ્રામાણિક અને હિંમતવાન લોકોના ઊહાપોહ સામે સરકારને ઝૂકી જવું પડ્યું. ન્યાયમૂર્તિ ગોગોઈને સુપરસીડ કરવાની હિંમત સરકાર ન કરી શકી. હવે સર્વોચ્ચ અદાલતે સરકારને આદેશ આપ્યો છે કે રાફેલ સોદાની વિગતો સર્વોચ્ચ અદાલતમાં તપાસની માંગણી કરનારાં અરજદારોને પણ આપવી પડશે. સોદાની પ્રક્રિયા અને ભાવનું નિર્ધારણ એમ બંને આપવા પડશે. વિમાનની સંહારક કે બચાવ ક્ષમતા દેશહિતમાં જાહેર ન થવી જોઈએ એ બરોબર છે, ભાવને દેશના રક્ષણ સાથે શું લેવા-દેવા છે? બીજી બાજુ કેન્દ્ર સરકાર રાકેશ અસ્થાનાને સી.બી.આઈ.ના વડા બનાવી શકી નથી. સર્વોચ્ચ અદાલત અને સી.બી.આઈ. એમ બન્ને જગ્યાએ દાવ ઊલટો પડ્યો.

હવે દેશની કેન્દ્રીય બેન્કનો અર્થાત્ રિઝર્વ બેન્કનો વારો છે. કારણ? એ જ. રિઝર્વ બેન્ક ધિરાણ કરવા દેતી નથી. એન.પી.એ.ને કારણે નબળી બેન્કો ઉપર કડક જાપ્તો રાખે છે. રિઝર્વ બેન્ક નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ(એન.બી.એફ.સી.)ને પણ પૈસા આપતી નથી, જેને કારણે બજારમાં નાણાકીય અછત સર્જાઈ છે. ભારતમાં જે ૫૦ મોટી એન.બી.એફ.સી. કંપનીઓ છે જેમાંની એક આઇ.એલ.એન્ડએફ.એસ. નામની કંપની છે જે કદમાં બાવીસમી રૅન્ક ધરાવે છે અને હમણાં કાચી પડી છે. આ બાજુ ૯૦ હજાર કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ પાછુ ખેંચાયું છે.
કેન્દ્ર સરકાર કહે છે કે રિઝર્વ બેન્કે તેની પાસે જે પૈસા છે એ બેન્કો દ્વારા અને એન.બી.એફ.સી. દ્વારા બજારમાં ઉપલબ્ધ કરવા જોઈએ તો રિઝર્વ બેન્ક કહે છે કે એમાં જોખમ છે. પહેલાં બેન્કોએ અને એન.બી.એફ.સી. કંપનીઓએ પોતાનું ઘર સાફ કરવું જોઈએ. બેન્કોના અને એન.બી.એફ.સી. કંપનીઓનાં નાણા ક્યાં જાય છે, કઈ રીતે જાય છે, શેને કારણે પાછા ફરતા નથી, તેની મોડલ ઓપરેન્ડી શું છે, દેશના કેટલા રૂપિયા ડૂબ્યા છે એ આખું ગામ જાણે છે; માત્ર તેની નક્કર વિગતો છુપાવવામાં આવે છે. પહેલા ઘર સાફસૂફ કરો, ચોપડા ખુલ્લા કરો અને નવે ચોપડે નવું ફંડ જમા લો. રિઝર્વ બેન્ક પૈસા આપવાની ના પાડતી નથી, માત્ર સાફસૂફીનો આગ્રહ રાખે છે.
પહેલી વાત, રિઝર્વ બેન્કની આ માગણીમાં ખોટું શું છે? આવી જ માગણી રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કરી, ત્યારે તેમની પાછળ શ્વાન છોડવામાં આવ્યા હતા અને તેમણે મુદ્દત પૂરી થયે જતા રહેવું પડ્યું હતું. રઘુરામ રાજને બેન્કોને નવડાવી દેનારા અબજો રૂપિયાની એન.પી.એ. ધરાવનારાઓની એક યાદી વડા પ્રધાનના અને નાણા પ્રધાનના કાર્યાલયને મોકલી હતી, અને તાત્કાલિક પગલાં લેવાની ભલામણ કરી હતી. રાજને જવું પડ્યું એનું કારણ આ હતું. રાજને પત્ર લખ્યો હોવાની વાત રાજને પોતે જ એન.પી.એ.ની તપાસ કરી રહેલી સંસદીય સમિતિને કહી, એ પછી સરકારે બચાવ કર્યો હતો કે એ પત્ર આગલી સરકારને લખવામાં આવ્યો હતો. ‘ધ વાયર’ નામના ન્યુઝ પોર્ટલે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ રિઝર્વ બેન્ક પાસેથી માહિતી માગી હતી કે રાજને પત્ર ક્યારે લખ્યો હતો, અને વડા પ્રધાન તેમ જ નાણા પ્રધાનના કાર્યાલય પાસેથી માહિતી માગી હતી કે શું પગલાં લેવામાં આવ્યા છે? રિઝર્વ બેન્કે ‘ધ વાયર’ને માહિતી આપી છે કે ડૉ. રાજને વડા પ્રધાન અને નાણા પ્રધાનને ચોથી ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ પત્ર લખ્યો હતો. વડા પ્રધાન અને નાણા પ્રધાનના કાર્યાલયમાંથી દેખીતી રીતે જ કોઈ જવાબ આવ્યો નથી.
બીજી વાત. શા માટે કેન્દ્ર સરકાર બેન્કો પરનાં જાપ્તાને કડક કરવામાં રિઝર્વ બેન્કને મદદ કરતી નથી? એક બાજુ એમ કહેવામાં આવે કે યુ.પી.એ. સરકારના વખતમાં એક ફોન કૉલમાં લોન મંજૂર કરવામાં આવતી હતી અને તેને કારણે બેન્કો ઊઠી ગઈ છે, તો ડાહ્યા અને ઈમાનદાર લોકોની ફરજ છે કે લૂંટનાં છીંડાં પૂરવામાં આવે. ભ્રષ્ટ લોકોને અનુસરવાના હોય કે તેને જેલમાં પૂરવાના હોય? સાડા ચાર વરસમાં બેન્કોનો દુરુપયોગ ન થાય એવા જડબેસલાક બેન્કિંગ સુધારાઓ કરવામાં આવ્યા નથી. નોન બેન્કિંગ ફાયનાન્શિયલ સેક્ટરની બાબતમાં પણ કોઈ સુધારા કરવામાં આવ્યા નથી.
ત્રીજી વાત, કેન્દ્ર સરકાર રિઝર્વ બેન્ક પાસે આગ્રહ રાખે છે કે બેન્કે તેની પાસેના નાણા બજારમાં ઉપલબ્ધ કરવા જોઈએ તો એ કોના લાભાર્થે? નોટબંધી પછી નાના વેપારીઓ અને ખેડૂતો સામે રોકડ નાણા (લિક્વીડિટી)નું સંકટ સર્જાયું હતું ત્યારે તો કોઈને દેશના અર્થતંત્રની અને નાના માણસોની રોજગારીની યાદ આવી નહોતી. કેન્દ્ર સરકાર કોની જરૂરિયાતને સાંભળે છે અને સાદ આપે છે એના પર એક નજર કરી જુઓ.
ચોથી વાત, દેશ સામે પ્રચંડ મોટું નાણાકીય સંકટ (લિક્વીડિટી ક્રંચ) છે એમાં કોઈ બે-મત નથી; પરંતુ એ માટે રિઝર્વ બેન્કના અધિકારીઓ, જાણીતા અર્થશાસ્ત્રીઓ, રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નરો વગેરે સાથે સલાહ-મસલત કરીને રસ્તો કાઢવાનો હોય કે કાંડું આમળવાનો હોય? એક તાત્કાલિક ટાસ્કફોર્સ બની શકે કે એવા બીજા ઘણાં રસ્તાઓ છે. આની જગ્યાએ કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક એક્ટના સેક્શન સાતનો ઉપયોગ કર્યો છે જે આજ સુધી કોઈએ કર્યો નથી. ૧૯૩૪માં રિઝર્વ બેન્કની સથાપના થઈ હતી અને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અંગ્રેજોએ અને આઝાદી પછીના નાણાકીય સંકટો વખતે ક્યારે ય ભારત સરકારે તેનો ઉપયોગ કર્યો નથી. એવું તે કયું સંકટ છે કે આવું અભૂતપૂર્વ પગલું લેવું પડે? અને સંકટ ક્યાં એકએક પેદા થયું છે? અત્યાર સુધી શું કરતા હતા?
કેન્દ્ર સરકાર રિઝર્વ બેન્કના કાંડા આમળી રહી છે એ દેશના અર્થતંત્રની કમર તોડી નાખશે એવી ટીકા રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે ગયા અઠવાડિયે કરી હતી. રિઝર્વ બેન્કના ગવર્નર ઊર્જિત પટેલ પણ કેન્દ્ર સરકરના પગલાનો વિરોધ કર્યો છે. બુધવારે તો એમ માનવામાં આવતું હતું કે ડૉ. ઊર્જિત પટેલ રાજીનામું આપવાના છે. રિઝર્વ બેન્કના ગવર્નર રાજીનામું આપે એ બહુ મોટી ઘટના ગણાય છે. જગતમાં એક આર્જેન્ટીનાને છોડીને આવું બન્યું નથી. ડૉ. ઊર્જિત પટેલ રાજીનામું ન આપે એ માટે નાણા પ્રધાને ભાષા બદલી હતી. નાણા પ્રધાન બ્લોગ ઉપર વકીલ બનીને કેન્દ્ર સરકારનો બચાવ કરવામાં સમય વેડફે છે એના કરતાં પોતાના કામમાં સમય આપતા હોય તો સરકારની આબરૂ બચે. સર્વોચ્ચ અદાલત અને સી.બી.આઈ.થી ઊલટું રિઝર્વ બેન્કમાં ગવર્નર અને ડેપ્યુટી ગવર્નર સાથે છે.
જી હા, કેન્દ્ર સરકારે આબરૂ ગુમાવી છે એમાં અરુણ જેટલીનો મોટો ફાળો છે. પહેલાં રિઝર્વ બેન્કના ગવર્નર રઘુનાથ રાજન ગયા. એ પછી નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનગરિયા ગયા. એ પછી કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ ગયા. ડૉ. અરવિંદ સુબ્રમણ્યમની જગ્યા પણ ભરવામાં નથી આવી અને અરવિંદ પનગરિયાની જગ્યાએ આવેલા ભાઈ રાજીવ કુમાર એટલા નિસ્તેજ છે કે દર વખતે તેમના વિશે માહિતી મેળવવા ગૂગલનો આશરો લેવો પડે છે. ગૂગલ પર પણ માંડ અડધા પાનાની પ્રોફાઈલ છે. તેજસ્વી લોકો સરકારથી દૂર ભાગે છે કે સરકાર તેજસ્વી લોકોથી દૂર ભાગે છે એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. બંને સત્ય છે. આમાં ડૉ. ઊર્જિત પટેલ જશે તો સરકારનું રહ્યું સહ્યું નાક પણ કપાશે. ઉત્તમ માર્ગ એ છે કે એક સમિતિની રચના કરવામાં આવે અને નિવેડો લાવવામાં આવે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 03 નવેમ્બર 2018
કાર્ટૂનસૌજન્ય : કેશવ, "ધ હિન્દુ", 01 નવેમ્બર 2018
![]()



સરદાર વલ્લભભાઈ પટેલે સાદગી અને ત્યાગથી અકિંચન રહીને દેશની સેવા કરી. ખેતમજૂરોના નેતા, અત્યંજોના ભેરુ, ધરતીના છોરુ એવા આ લોકનેતાના જીવનકાર્યમાં ક્યાં ય ઐયાષી અને ઐશ્વર્ય, જલસા અને જશ્નનો અણસાર પણ ન હતો (સિવાય કે યુવાન વકીલ તરીકેનો ટૂંકો ગાળો). આ વાત સરદાર પરનાં અનેક લખાણોમાંથી સહજ રીતે તારવી શકાય. એ પણ જાણીતી વાત છે કે સરદારને એમનું કોઈ સ્મારક મંજૂર ન હતું, અને એ સામાન્ય માણસની જેમ જ એમના જીવનનો અંત આવે એમ ઇચ્છતા હતા. તેમના વરસદારોમાંથી સહુથી વડીલ એવા એકાણું વર્ષના ધીરુભાઈએ સરદાર જયંતીને દિવસે જ વડોદરામાં પત્રકારોને કહ્યું કે : ‘સરદાર જીવતા હોત તો તેમણે આ પ્રતિમા ક્યારે ય ન બનવા દીધી હોત.’ અલબત્ત, ભારતના અત્યારના વડા પ્રધાનને સરદાર સાહેબની આ સાદગી બહુ માફક આવે તેમ ન હતી. એટલે એમણે સરદારનું સ્મારક તેમની પ્રચંડ પ્રતિમા તરીકે ઊભું કર્યું. વડા પ્રધાનની આ ઇચ્છાપૂર્તિ અનેક આદિવાસીઓની જિંદગી ખતમ કરી રહી છે.