જતી વેળાએ

પ્રકાશ ન. શાહ
નવનિર્વાચિત પ્રમુખ હર્ષદ ત્રિવેદીનું તેમ જ નવ્ય કાર્યચમૂ સહિત સૌ સાથીઓનું હૃદયપૂર્વક અભિવાદન – અને એમને આવકાર પણ, અક્ષરશઃ બથ ભરીને.
વિદાય લેતા પરિષદપ્રમુખ તરીકે સૌ સાથીઓ પરત્વે આભારલાગણી પ્રગટ કરવા સાથે ઉમેરું કે એકંદર કાર્યકાળમાં એક તબક્કો ખસૂસ વિષમ હતો … કોરોનાવશ અગતિકતા, અને થોડોક સમય તો જાણે કે રેતીમાં વહાણ ચલાવવાની નિયતિ! પણ જેમ મેઘાણી પ્રાંગણ અને એકંદર પરિસર તેમ પ્રવૃત્તિએ પણ આપણે મહોરું મહોરું છીએ એટલું આ ક્ષણે નિઃશંક કહી શકું.
અલબત્ત એ એક સુભગ જોગાનુજોગ છે કે સમીર ભટ્ટ ત્યારે પણ મહામંત્રી હતા અને અત્યારે પણ મહામંત્રી છે. આ જોગસંજોગમાં જેમ સાતત્યની સુવિધા છે તેમ પ્રથમ કાર્યકાળમાં એમને અને અમને સૌ સાથીઓને જે મર્યાદાઓ સમજાઈ હશે એની દુરસ્તીની દૃષ્ટિએ એ સહજ સજ્જ પણ છે. આ વાત ખરું જોતાં વ્યક્તિગત જ નહીં વ્યાપક સંદર્ભમાંયે સાચી છે. અને એ ઠીક જ છે; કેમ કે ઇતિહાસમાં સાતત્યનો મહિમા અંતે તો શોધનગુંજાશ થકી સ્તો છે.
ગુજરાતીભાષી સૌની આ પ્રજાકીય સંસ્થા, આપણી પરિષદ, એનાં બાલઉત્તરીયને રણજિતરામ સરખા વત્સલવિદગ્ધ ધોવૈયા ને વળી સાજસજૈયા મળ્યા. ૧૯૦૫ના સ્થાપના અધિવેશનને પ્રમુખ તરીકે મળતાં મળે એવા ગોવર્ધનરામ મળ્યા. બડો સર્જનાત્મક કાળ હતો એ … સ્વદેશઆંગણે બંગભંગવશ નવસંચાર હતો, પણે દક્ષિણ આફ્રિકે સત્યાગ્રહ નામે નવ્ય શસ્ત્રાંકુર હજુ ફૂટું ફૂટું હશે, અને આઇન્સ્ટાઇનની સાપેક્ષવાદની થિયરીના આરંભિક ભણકારા વાગતા હતા. સરસ સમજાવી હતી ગોમાત્રિએ આ ઇતિહાસપ્રક્રિયાને, એક કવિમનીષી પેઠે, Rhythmic Law લેખે, તાલબંધ રૂપે. એમના આ દર્શનમાં તાલભંગનીયે સકારાત્મક શક્યતાઓનો સમાસ હતો.
તમે જુઓ, પોતાને પેટવડિયે કામ કરતા શિક્ષક અને ખેડૂત ને વણકર તરીકે ઓળખાવતા ગાંધીજીના વિ-વર્ણ અને વિ-વર્ગ અભિગમનું કાવ્ય હજુ પાધરું પમાયું નહોતું ત્યારે એ ચૂંટણી લડ્યા ને હાર્યા હતા. બરાબર એકસો ચાર વરસ પરના, ૧૯૨૦ના, એ છઠ્ઠા અધિવેશનનું સમાચારમૂલ્ય છાપાંને વખતોવખત એ વાતે લાગતું હોય છે કે ગાંધીજીને હરાવીને હરગોવિંદદાસ કાંટાવાળા ચૂંટાયા હતા. પણ અદકપાંસળા અખબારનવીસોને કોણ સંભારી આપે કે કાંટાવાળાએ પ્રમુખીય અભિભાષણમાં ગાંધીજીને કેવા તો પ્રાંજલભાવે અને આદરભેર સંભાર્યા હતા? એમણે કહ્યું હતું : “જેમણે સાધુવૃત્તિ ધારણ કરી રાજકીય અને આર્થિક વિષયોની સાથે ભાષામાં પણ સત્યાગ્રહ ચલાવી મોટમોટી સભાઓમાં દેશી ભાષા વાપરવાની અને દેશી ભાષા દ્વારા ઊંચી કેળવણી આપવાની હિમાયત કરી એવા અનેક મહાત્મા ગાંધીજીઓ ગૂર્જરમૈયાએ ઉત્પન્ન કરવા જોઈએ.” દેખીતા તાલભંગ થકી અને છતાં સધાયેલ આ તાલબંધ લક્ષમાં આવે છે?
૧૯૫૫માં નડિયાદમાં ગોવર્ધન શતાબ્દી એક વિશેષ અધિવેશનરૂપે મુનશીના નેતૃત્વમાં રંગેચંગે ઊજવાઈ ત્યારે ઉમાશંકર જોશી ને જયન્તિ દલાલ આદિએ લીધેલ ઉપાડો દેખીતો તાલભંગ હશે, પણ પરિષદના નવા લોકશાહીરૂપ સાથે એ તાલબંધ રૂપે જ અંતે તો આપણી સામે આવ્યો ને. ૧૯૭૫માં દેશે અભિવ્યક્તિસ્વાતંત્ર્ય ખોયું તે બેશક તાલભંગ હતો, પણ પરિષદે સરકારી ધોંસ ને ભીંસની ચિંતા છાંડી એની પુનઃપ્રતિષ્ઠા વાસ્તે જે ઠરાવ કર્યો તે તાલભંગથી તાલબંધ ભણી જવાની ઇતિહાસપ્રક્રિયા નહોતી તો શું હતું.
ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટેનો આપણો જે સતત આગ્રહ રહ્યો છે તે પણ સહજ સ્વસ્થ તાલબંધ માટેની આરતમાંથી આવેલો છે તે ભાગ્યે જ ઉમેરવાપણું હોય.
એક પ્રજાકીય સંસ્થા તરીકે અક્ષરજીવન અને જાહેર જીવનની સંગમભૂમિએ ઊભી આ ઇતિહાસરમણામાં યોગદાન સારુ સહજ સહયોગની ભૂમિકાએ નવ્ય કાર્યચમૂને આવકાર!
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : “પરબ”; જાન્યુઆરી 2024
![]()


પ્રસ્તાવનાથી જ વાંચવાનું વળગણ વધે એવું ગીતા નાયકનું લખાણ દાઢે વળગે. ‘સાહચર્ય’ની સાથે ‘ગદ્યપર્વ’ અને મિત્રોની વાતો સાથે એમનાં પીઠથાબડભાણાં વાંચવાનું ગમે. સહજ – સરળ અને અતિવાસ્તવવાદી અભિવ્યક્તિ પોતીકી જ લાગે. આમ તો એમની નિબંધકાર કે સ્મૃતિ કથનકાર ગીતા નાયક તરીકે જે ઓળખ કરાવવી જોઈએ, પરંતુ એમને એ રીતે ઓળખતાં પહેલાં ગીતાભાભી તરીકે જ ઓળખાણ થયેલી, એટલે પુસ્તકની બીજી આવૃત્તિ વાંચતી વખતે પણ મનમાં એ જ ઓળખાણ અને ભાવ રહ્યો. ત્યારે દૃશ્ય ખડું થયું કે ઇલેક્ટ્રિક ટ્રેનની પહેલી આવૃત્તિને અબ્રામાનાં ઘરમાં બા-બાપુજીની તસવીર સામે એમણે અર્પણ કરેલી ત્યારે જશવિકા-અતુલભાઈએ અમને પણ બોલાવેલાં એ સમયે લોકાર્પણની આ રીત મને ખૂબ ગમેલી અને નિકટતાનો ભાવ અનુભવેલો. ત્યારે પુસ્તક પણ વાંચ્યું જ હતું અને હવે ફરીથી પસાર થાઉં છું ત્યારે ૧૩-૧૪ વર્ષનાં વહાણાં વહી ગયાં છે, છતાં હાથમાં લીધાં પછી ચિત્ત ફરી ફરીને એમણે પ્રસ્તુત કરેલાં પાત્રોમાં ચાલી જાય. એમણે ઘાટકોપર, કુર્લા, દાદર ૧-૨-૩, પરેલ, ચિંચપોકલી, શિવરી, ભાયખલા, મહાલક્ષ્મી, ગ્રાન્ટરોડ, જોગેશ્વરી, મહાલક્ષ્મી, કાંદિવલી સ્ટેશનોનાં નામો સાથે વિવિધ અનુભવકથાઓ માંડી છે.
જરા આડવાત છે પરંતુ રોચક છે કે મારા જીવનસાથી અશોક મુંબઈ રહેતા, ત્યારે દરરોજ દસને દસની ઈલેકટ્રિક ટ્રેનમાં પ્રવાસ કરતા તે સમયે પાંગરેલી એમની બહેનપણી સાથેની દોસ્તીની દાસ્તાન સાંભળીને મેં એક વાર્તા પણ લખી છે તે યાદ આવી ગયું. જો કે ગીતાબહેને ઈલેકટ્રિક ટ્રેનમાં જિવાતી જિંદગીઓને એવી વાચા આપી છે કે જે મન પર અમીટ છાપ છોડે ! એવું લાગે કે હાડમારીથી ભરેલી એકવિધ, પરંપરાગત, બીબાંઢાળ બમ્બૈયા જીવનશૈલીની તમામ ગતિવિધિને એમની કલમે સુપેરે ઝીલી છે. એમની લેખિનીએ એ તમામ ગતિવિધિ વચ્ચે તમામ રસને ઘૂંટ્યા છે. અહીં ધમાલ, ઘમસાણ વચ્ચે ભિન્ન પરિવેશ ધરાવતી તમામ વયની સ્ત્રીઓની ભાતીગળ શૈલીને ભારતીયતા સાથે એકરૂપ કરીને ફક્ત માનવીય સંવેદનાસભર માનવ સમાજનું નિરૂપણ કર્યું છે. જીવનને સ્પર્શતો અગત્યનો કોઈ મુદ્દો તેઓ ભાગ્યે જ ચૂક્યાં છે. રોજેરોજની કથાવટનો વર્ણનમાં ક્યાંક પુનરાવર્તન લાગે, પરંતુ એમાં કંઈક નવીનતા ઉમેરીને એમણે એને રોચક બનાવવામાં પાછીપાની કરી નથી. ખાસ કરીને વિવિધ પ્રદેશની સ્ત્રીઓની વેશભૂષા, કેશભૂષા અને શણગારનું એમનું ઝીણવટભર્યું નિરીક્ષણ, તહેવારો માણવાની દરેક વયની સ્ત્રીઓની તાલાવેલી અને વાનગીઓની જ્યાફત દ્વારા પોતાની ખુશીઓને પંપાળી લેવાની લાલસાનું વર્ણન કરવામાં તેઓ જરા પણ શબ્દચોરી કે દિલચોરી કરતાં નથી. સહજ રીતે જ એમને બીજાં અને પહેલાં વર્ગની સ્ત્રીઓ સાથે મુસાફરીના અનુભવ મળ્યા છે જેને એમણે પોતાની રીતે નાણીને શબ્દસ્થ કર્યા છે.


આ તબક્કે બન્ને કવિઓના ધર્માંતરણના નિર્ણય માટે જવાબદાર કારણોનો ટૂંકો ચિતાર આપવો ઉપયોગી બનશે. પ્રશ્નોરા બ્રાહ્મણમાંથી પ્રખર સ્વિડનબોર્ગયનીઝમ સુધીની કાન્તની સફર પર એક નજર કરીએ. આ ઘટનાને એક સદી ઉપર સમય થઈ ગયો છે. તે વખતે કાન્ત ૩૦ વર્ષના હતા. ૧૮૯૭માં ગિરગાંવના નેટિવ યુનિટરેયિન ચર્ચના પુસ્તકાલયમાં કાન્ત સ્વીડનબોર્ગનાં લખાણોના સંપર્કમાં આવ્યા. તે સમયે કાન્ત ગુજરાતીના શિક્ષકોના તાલીમ કેન્દ્રના હેડમાસ્તર હતા અને ગિરગાંવની મુલાકાતે અવારનવાર જતા. સ્વીડનબોર્ગનું સૂત્ર હતું “ઈશ્વર પ્રેમ છે અને જે પ્રેમમાં વસવાટ કરે છે તે ઈશ્વરમાં વસવાટ કરે છે અને ઈશ્વર તેનામાં વસવાટ કરે છે. વૈવાહિક પ્રેમ એ પ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અને તેવાં વ્યક્તિ પોતાના જોડીદાર સાથે સ્વર્ગમાં ઐક્ય મેળવે છે. પ્રથમ પત્નીના મૃત્યુથી વ્યથિત કાન્તના ઘાયલ હૃદય માટે આ મલમ સાબિત થયું. છેવટે કાન્તે ૧૮૯૮માં ધર્મપરિવર્તન કર્યું. આ નિર્ણયનાં કપરાં પરિણામો કાન્તે ભોગવવા પડ્યા. રા.વિ. પાઠક નોંધે છે તેમ, “આ ધર્માંતરના ક્ષોભથી તેમના સર્વ પ્રેમતંતુઓ વિષમ ખેંચતાણોમાં છિન્નભિન્ન થઈ ગયા. આખું જીવન જાણે અંધકારમય ગ્લાનિમાં ગર્તમાં તેમણે ગાળ્યું .…” (પૂર્વાલાપ, ૧૦૧) દુન્યવી દુ:ખ છતાં કાન્તની આધ્યાત્મિક ખેંચાણે એમને નિર્ણય લેવડાવ્યો. હૉપકિન્સે પણ ધર્મપરિવર્તનના એમના નિર્ણયને લીધે કુટુંબ અને સમાજનો તિરસ્કાર વેઠવો પડ્યો હતો.