
સુમન શાહ
મૉડેથી, કથક ઍપોક્રિફા (કર્તાનામ વિનાની કૃતક રચનાઓ) વિશે વિચારે છે. એને એમ પણ વિચાર આવે છે કે એકાદ ઍપોક્રિફા પોતે રચી કાઢે ને એ માટે એર્મિસ મારન જોડે જોડાઇ જાય. પણ એને થાય છે, મારનને શોધવો ક્યાં? લુદ્મિલા તો કથકને એમ જ કહેવાની કે મારન વિશે પોતે કશું જાણતી જ નથી. ખરેખર તો, લુદ્મિલા કથકની અવગણના કરતી હોય છે.
એક વાર ફરીથી કથક પેલા ‘ઊડતી રકાબીઓ’-વાળા છોકરાઓને જુએ છે, અને કહે છે કે – તમે જે ચૉપડીમાંથી આ જાણ્યું એ ચૉપડી તમને મળી ક્યાંથી એની ખબર છે મને. છોકરાઓને કથક સ્પાયગ્લાસિસ પાસે લઈ જાય છે ને ડેકચૅર પરની પેલી સ્ત્રીને દેખાડવા જાય છે, પણ એ ત્યાં નથી હોતી. એટલે છોકરાઓને કથક પુસ્તકવાચન કરી રહેલા એક પુરુષને દેખાડે છે – પુરુષ નાગરિક પોશાકમાં હોય છે, ખડકાળ પગથિયાં પર બેઠો હોય છે.
એ પછી, કથકને એક વાચક મળવા આવે છે, અને જણાવે છે કે એની પાસે એક પુસ્તકની બે નકલો છે, નકલો બહારથી સમાન લાગે છે પણ ખોલીએ તો જોવા મળે છે કે એ તો બે જુદી જ નવલકથાઓ છે, જેમાંની એક ટેલિફોનની વાગ્યા કરતી ઘંટડી વિશે છે અને બીજી, કૅલિડોસ્કોપના એક ધનવાન કલેક્ટર વિશે છે. ‘વાચક’ ચિન્તિત છે પણ કથક એને કહે છે કે એ એક બનાવટી નકામું પુસ્તક છે – ‘ફેક બુક’, ભૂલી જા.
‘વાચક’ વાચન પૂરું કરી શકતો નથી એટલે હતાશ થઇ જાય છે. એટલે, કથક એને જણાવે છે કે પોતે તાકાકુમિ ઇકોકા-ની “On the carpet of leaves illuminated by the moon” નામની એક જપાનીસ નવલકથા, વાંચતો’તો -‘ફેક બુક’. કથક વાચકને પુસ્તક આપે છે, પણ ‘વાચક’ કહે છે કે એ નવલ સાથે પોતાને કશી જ લેવાદેવા નથી. એ વાત સંતાડવા પુસ્તકને એ સીલ મારી દે છે.
‘વાચક’ કથકને જણાવે છે પોતાને ખબર છે કે આ બધાં ‘ફેક્સ’ પાછળ છે કોણ : એર્મિસ મારન. કથક વાચકને કહે છે કે – તું જાતે કર ને કંઈક એ બારામાં. વાચક જણાવે છે કે પોતે સાઉથ અમેરિકાની બિઝનેસ ટ્રિપ પર જશે અને મારનને શોધી કાઢશે. કથક એને જણાવતો નથી કે હાલ તો મારન જપાનમાં છે.
નવલકથાની માત્ર શરૂઆતો થઈ હોય, અધવચ્ચેય ન પ્હૉંચાયું હોય એની કથક વાત કરતો હોય છે. ‘વાચક’ નાયક હોય – પ્રોટેગનિસ્ટ, પણ એને ય ખલેલ પડતી હોય, વળી, એને ‘અન્ય વાચક’ જેવાં બીજાં પાત્રોના તેમજ ‘ફેક’ અનુવાદકના વિચાર આવતા હોય.
‘વાચક’-ને ભગાડી મૂકવા કથક “On the carpet of leaves illuminated by the moon” વાંચવા માંડે છે, જેથી પોતાને ‘અન્ય વાચક’ જોડે થોડો અંગત ટાઇમ મળે. ‘વાચક’-ને સાવ એકલું ન લાગે એ હેતુથી કથક ‘અન્ય વાચક’-ની બહેનને જોડે છે.
વૃક્ષો પરથી જિન્કોનાં પાકાં પાન ખરે છે, કથક અને મિસ્ટર ઓકેડા રસ્તે લટાર મારતા હોય છે. કથક વૃક્ષોનાં પાનની સુન્દરતાની વાત માંડે છે, પણ મિસ્ટર ઓકેડા કશાં પણ વિધાનો નથી કરતા, અવઢવ અનુભવે છે, મૂંગા રહે છે. કથક ઓકેડા-પરિવારમાં રહેવા માંડ્યો છે, અને સૌથી નાની દીકરી માકિકોના સૌન્દર્યને નિહાળતો રહે છે.
એક દિવસ, મિસ્ટર ઓકેડા, માકિકો અને માકિકોની મા મૅડમ મિયાગી સાથે કથક નદીકાંઠે લટાર મારતો હોય છે. એના ધ્યાનમાં આવે છે કે મૅડમ મિયાગી અને મિસ્ટર ઓકેડા વચ્ચે અણબનાવ છે. કોઇક ક્ષણે, કથક નદીકાંઠેથી જળકમળ લેવા નીચો નમે છે, જોડે જોડે માકિકો અને મૅડમ મિયાગી પણ નીચાં નમે છે, અને કથક માકિકોની ડાબી અને મિયાગીની જમણી સ્તનડીંટળીને અનુભવે છે. કથક ફરી જાય છે ને માકિકોને ચુસ્તીથી સાહી લેવા કરે છે – જાણે કે આકસ્મિક – પણ એના હાથમાં માકિકોની ગોદ હતી – જાણે કે માકિકો કથકને મૂક સમ્મતિ આપતી’તી.
થોડા દિવસો પછીની વાત, મિસ્ટર ઓકેડા ઉપલબ્ધ નથી હોતા, લાઇબ્રેરીમાં સંશોધન કરતા હોય છે. એ સંશોધન ખરેખર તો કથકે કરવાનું હોય છે, પણ ત્યારે એ કાર્ડ ગોઠવવાં વગેરેની મદદો કરવા લાગેલો. એ કામથી એ કંટાળી જાય છે ને એટલે અવારનવાર માકિકો અને મૅડમ મિયાગીને મળવા ચાલી જાય છે અને એમ પોતાનો બધો સમય એમની સાથે વીતાવે છે.
નવેમ્બરની એક સાંજે, કથક અને માકિકો મધુર મિલનનો પ્લાન બનાવતાં હોય છે, પણ એ દરમ્યાન કથક લવારા કરવા માંડે છે કેમ કે ઉત્તેજિત થઈ ગયેલો, માકિકો ગભરાઈ ગયેલી. કથક બીજા રૂમમાં ચાલી જાય છે, ત્યાં મૅડમ મિયાગી ફૂલો ગૂંથતી હોય છે, મિયાગીની નજર પડે છે કે કથકનું શિશ્ન ઉત્થિત છે. એ એના શિશ્નને વસ્ત્રથી બહાર કાઢી લે છે.
કથક કપડાં બદલી લે એ માટે મિકાકો બીજાં વસ્ત્ર લાવી હોય છે, પણ એકાએક પાછી ફરી જાય છે, કેમ કે મિયાગીએ કથકને હજી ય ઝાલી રાખ્યો’તો. કથક માકિકોને બૂમ પાડીને બોલાવે છે ને સ્પષ્ટતા કરે છે કે મૅડમ મિયાગી સાથેની પોતાની એ સ્થિતિ એક અકસ્માત છે. પણ મૅડમ મિયાગી કથકને નીચે સુવાડી દે છે, પોતાના બન્ને પગ કથકના શરીર સાથે ભિડાવે છે, ને એને પોતાને ભોગવવા પ્રેરે છે. એ દરમ્યાન, કથક એકાએક જુએ છે કે મિસ્ટર ઓકેડા એમને બન્નેને ભાળી રહ્યા છે, પણ મિસ્ટર ઓકેડા એને નહીં પણ એને અને મૅડમ મિયાગીને જોઈ રહેલી માકિકોને જોઈ રહ્યા છે.
સરવાળે, કથકને સમજાય છે કે મિસ્ટ ઓકેડા એમની વચ્ચે દખલ થવા ન્હૉતા માગતા અને આમ તો, જોયું ન જોયું કરતા’તા. કથકને પોતાની સ્થિતિ વિચિત્ર લાગે છે, કેમ કે માકિકોએ માની લીધું છે કે પોતે મૅડમ મિયાગીનો પ્રેમી છે, પણ મૅડમ મિયાગીએ એમ સમજી લીધું છે કે કથક માકિકોને ચાહે છે. ખરતાં જિન્કો-પાનના વિચારોમાં કથક મૅડમ મિયાગીના કાનમાં માકિકોનું નામ લવે છે.
(પ્રકરણ -8 પૂરું)
= = =
(06/03/24: A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર