એવા લાક્ષણિક અનુબન્ધમાં મેં ઉમાશંકરને અનુભવ્યા છે. પરિણામે, મારા ચિત્તમાં એમની બે છબિ પ્રગટી છે :
એક છબિ તો, પૂર્ણસ્વરૂપના સાહિત્યપુરુષ તરીકેની : કાવ્યો ઉપરાન્ત એમણે નાટક નવલકથા નવલિકા નિબન્ધ વિવેચન સંશોધન અનુવાદ સમ્પાદન પ્રવાસલેખન એમ લગભગ બધા સાહિત્યપ્રકારોમાં લખ્યું છે. છતાં, મુખ્યત્વે તેઓ કવિ છે. ૫૦-થી પણ વધુ વર્ષોની કાવ્યસર્જનયાત્રા. ૧૦ કાવ્યસંગ્રહો. સર્વસંગ્રહ, ‘સમગ્ર કવિતા’. ૫૦૦-થી વધુ કાવ્યકૃતિઓ. ૮૦૦-થી વધુ પૃષ્ઠોની સૃષ્ટિ.
પુષ્કળતા જેટલી જ વિવિધતાના કવિ. પ્રકૃતિ, પ્રણય અને સંસ્કૃતિના કવિ. ઊર્મિકવિતા, કથનકવિતા અને નાટ્યકવિતા – એ ત્રણેય સાહિત્યિક ઉપખણ્ડોમાં ભરપૂરે સર્જન-વિહાર. ખણ્ડકાવ્યથી માંડીને પ્રસંગકાવ્ય, કથાકાવ્ય કે મુક્તકો અને ગીતો. પ્રશિષ્ટ, શિષ્ટ અને લોક જેવી ત્રણેય સાહિત્યશ્રેણીઓમાં હરદમની ગતિવિધિ.
પરમ્પરાથી આધુનિક; કસબથી પ્રયોગ; છાન્દસથી અછાન્દસ; પાઠ્યથી ગેય, વળી નાટ્ય; અને એમ અનેકશ: પરિવર્તનશીલ, બહુવિધ અને ભરપૂરે સુ-વ્યાપ્ત રૅન્જના લાક્ષણિક કવિ.
બીજી છબિ પ્રગટી છે, સમ્પ્રજ્ઞ સંસ્કૃતિપુરુષ તરીકેની : ૨૦ વર્ષની વયે આ માણસ સત્યાગ્રહની લડતમાં ઝુકાવે છે. એ જ વયે ‘વિશ્વશાન્તિ’ પહેલો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. મોટી ઉમ્મરે કવિ અકાદમી દિલ્હીમાં અધ્યક્ષ રહ્યા છે. રાજ્યસભામાં ગયા છે. રવીન્દ્રભારતીમાં કુલપતિ રહ્યા છે. પણ બધો જ વખત એમણે સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રની ચિન્તા સેવી છે. એ અંગે પૂરી નિસબતથી જીવ્યા છે. ‘ધોબી’ ‘મોચી’ ‘દળણાંના દાણા’ ‘જઠરાગ્નિ’ ‘હથોડાનું ગીત’ ‘ઘાણીનું ગીત’ વગેરે શરૂઆતનાં વરસોની કવિતા કે ‘મારી ચંપાનો વર’ ‘છેલ્લું છાણું’ કે ‘ઝાકળિયું’ નવલિકાઓ; ‘સાપના ભારા’ કે ‘બારણે ટકોરા’ એકાંકીઓ; એ વાતનાં પ્રમાણ છે.
લાગશે કે ગાંધી અને ગાંધીદર્શન સાથેનો એમનો અંતરંગ નાતો છેવટ લગી અતૂટ રહ્યો છે. દેખાશે કે ઉમાશંકર સમાજજીવનના એક જાગૃત સન્ત્રી છે. કહી શકાશે કે ઉમાશંકર સમાજાભિમુખ અને સમયપ્રસ્તુત લેખનના નિષ્ઠાવાન સર્જક છે. ઇતિહાસે કહેવું જોઇશે કે ગુજરાતી સાહિત્યના ગાંધીયુગનાં તમામ સત્ત્વ-તત્ત્વ આત્મસાત્ કરીને સર્વથા વિકસેલા પૂરા કદના પ્રતિનિધિ સાહિત્યકાર, તે ઉમાશંકર જોશી.
એમના સામયિકનું નામ પણ ‘સંસ્કૃતિ’ હતું. દૂર દૂરથી પણ તેઓ સાહિત્યકલાને સાંસ્કૃતિક આવિષ્કાર લેખતા હતા. ૩૬-ની વયે ૧૯૪૭-માં ‘સંસ્કૃતિ’ શરૂ કરેલું અને ૧૯૮૪-માં સ્વેચ્છાએ સમાપ્ત જાહેર કરેલું. એ હતું, ૩૭ વર્ષનું સાહિત્યિક ઉપરાન્તનું સંસ્કૃતિપરક પત્રકારત્વ. ‘સંસ્કૃતિ’-ના ‘સમયરંગ’ વિભાગમાં ઉમાશંકરે તન્ત્રી-નાતે જે લખ્યું તે એમને સાચકલા અને સદાજાગ્રત બૌદ્ધિક દર્શાવે છે.
એ લેખનોમાં ન્યૂઝ છે અને તે વિશેના કવિના વ્યૂઝ છે. વિષયો રહ્યા છે, રાજકારણ, પ્રજાકારણ અને કેળવણીકારણ. એ વરસોમાં મારા મનમાં બે બાબતો ખાસ ઊપસેલી : ‘સમયરંગ’-માં ઉમાશંકર જોશી પ્રવર્તમાન સાહિત્યકારણનો મુદ્દો ક્યારેક જ ઉઠાવે છે અને સુરેશ જોષી પોતાના ‘અત્રતત્ર’-માંનાં લેખનોમાં રાજકારણના કે પ્રજાકારણના મુદ્દાને ભાગ્યે જ સ્પર્શે છે. મને થતું, જોશી-ના ‘શી’-ની વિશેષતા જોષી-ના ‘ષી’-માં નથી; ઍન્ડ, વાઇસી વરસા! આખી બાબત ખટક્યા કરતી’તી.
મને થાય, સમકાલીનો વડે ઉમાશંકર અને સુરેશ જોષીની વિ-ભિન્ન વિચારધારાઓનું શક્ય સાયુજ્ય રચવાનું થયું હોત તો ગુજરાતી સાહિત્યનો વર્તમાન સાવ જ અનોખો હોત! આજે તો એ એક સપનું લાગે છે. દાયકાઓ વીતી ગયા. પણ એવું કંઇ થયું નહીં. વાત સાહિત્યજ્ઞાન, સૂઝબૂઝ, વિવેક કે જિગર માગી લે એવી કઠિન પણ છે. અરે પણ, સામ્પ્રતમાં (આ સામ્પ્રતમાં પણ) એ સાહિત્ય-સ્વપ્ન કોઇને પણ યાદ જ ક્યાં છે ભલા! (આજે પણ) સારું સારું કેટલું ય ગૂમનામ થઇ રહ્યું છે!
(ક્રમશ:)
(19 Aug 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર