પહેલા અને બીજા વર્તુળની રચનાઓ દયારામની કાવ્યસૃષ્ટિમાં વ્યક્ત થયેલી ભક્તિસંવેદનાનું એક સાવ નિજી સ્વરૂપ છે. એમ કહેવાતું રહ્યું છે કે કવિએ પોતાના અન્તરમાં ખરેખાતનો ગોપીભાવ ધારણ કરેલો. અને તે સાચું લાગે છે.
*** *** ***
ભેદસ્થિતિ છતાં અભેદને માટે તરસ્યા કરતી ગોપીનો એ પ્રગાઢ મોહ છે કે એની એવી વિશુદ્ધ ભક્તિ છે? જો કે એ વાતનો નિર્ણય કોણ કરે? ને નિર્ણય કરવા બેસે તેને શું લાધે? બાકી કશી પણ ભક્તિના મૂળમાં રાગ, આસક્તિ, મોહ ક્યાં નથી હોતાં? ભજવાનું ક્યારે ય ઉપર-ઉપરનું નથી હોતું, અમસ્તુ અમસ્તુ નથી હોતું. દયારામની ભક્તિ-કવિતા પણ એવી નિરાધાર નથી. વૈખરી વાણી નથી એ. ખરેખર તો એ અંદરના આધારની કવિતા છે. કારણના એ નિશ્ચિત વાસ્તવનું એમાં બળ ભળેલું છે. દયારામની સૃષ્ટિના અમોઘ આકર્ષણનું એક કારણ એમની એવી વાસ્તવશીલ ભક્તિસંવેદનામાં છે. એમનું સમગ્ર કાવ્યવસ્તુ ભાવના કરતાં સંવેદનાનું વિશેષ રહ્યું છે. એમનો આ વિશેષ ધ્યાનપાત્ર છે.
*** *** ***
આપણે જોયું કે શંકા-કુશંકા અને આક્ષેપોનો તબક્કો ખાસ્સો ચાલ્યો છે. ક્યાં રમી આવ્યા? કોની માળા ચોરી લાવ્યા? – જેવા ચોખ્ખા અને સીધા સવાલો એટલે જ થયા છે. ઇર્ષા પણ ઊઠી છે, પોતાથી અળગા કે વિમુખ કૃષ્ણ ગોપીથી જિરવાતા નથી, ‘હવે મુને અંગહૃદય શીદ બાળો?’ – પંક્તિમાંથી સાવ જ દયારામીય દર્દ ટપકે છે. આવે વખતે એ પોતાને ‘અબળા’ કહે છે એ તો ઘણું સૂચક છે. કૃષ્ણપ્રેમમાં જરા જેટલો ફર્ક પડે તો એ હરાઇ જાય છે. દયારામની વાસ્તવશીલ ભક્તિસંવેદના ‘અંગહૃદય’ જેવા સમાસમાં પણ જોઇ શકાય છે. ગોપી વિરહાગ્નિથી તો બળે છે, દ્વેષાગ્નિથી પણ બળે છે. એનો એ દ્વિ-સ્તરીય વાસ્તવિકતાથી મ્હૉરેલો હૃદયભાવ દયારામની સમગ્ર સૃષ્ટિમાં લાંબા ગાળા લગી પ્રસરેલો છે.
પેલા વિશિષ્ટ અધિકારોને સિદ્ધ કરવાનું છેવટ લગી ચાલુ રહે છે, કેમ કે એ સંસિદ્ધ થયાનો સંતોષ તો કદી થતો જ નથી. પ્રેમભક્તિનું એ પણ એક રહસ્યભર્યું લક્ષણ છે. પરિણામે, વીફરાટભર્યો રંજાડ ચાલુ રહે છે. રઢમાંથી ટેક પ્રગટે છે; હકારમાંથી નકાર. સરળતા-સાલસતાના નિયમમાંથી હઠીલા ‘નીમ’ ચાલુ થઇ જાય છે. ખોટાં લગાડવાં, બધી વાતોની ગાંઠો વાળવી, આગ્રહોમાંથી હઠાગ્રહોમાં વળવું, વિકલ્પોમાંથી સંકલ્પોમાં પ્રવેશવું. કહો કે એક જાતની વેદના સાથેનું દૃઢીકરણ ચાલુ થઈ જાય છે. શ્યામ રંગ માત્રની સમીપે ન જવાનો ‘નીમ’, પોતાને શશીવદની કહી તેથી નંદકુંવરની સંગે નહીં બોલવાનો ટેક, મુજને અડશો મા-નો ચીડભર્યો નકાર, વગેરેમાં દયારામની ગોપીનું એ પ્રકારનું દૃઢીકરણ છે, અને તે આસ્વાદ્ય છે. પણ ગોપી માટે એ કેટલું તો છેતરામણું છે! કેટલું તો ક્ષણિક છે!
વળી, કૃષ્ણના સામીપ્યે તો એ દૃઢ ભાવ કદી પણ ટકતો નથી. જો કે કૃષ્ણ પાસે ખરેખર તો આત્મભાવનું સમર્પણ એ જ માર્ગ છે, ચરણ-શરણ થવું એ જ યથાર્થ અને ઉચિત ગતિવિધિ છે. અલબત્ત એનો અર્થ એ નથી કે કશી દૃઢતા ધારવી જ નહીં. ઉક્ત દૃઢતાથી સફળતા ભલે ન મળતી લાગે, એથી મૂળની પ્રેમભક્તિ તો દૃઢ જ થાય છે. દયારામમાં પ્રેમભક્તિ પોતાનાં તમામ માનવીય પરિમાણો હર્ષ-શોક સુખ-દુ:ખ સફળતા-નિષ્ફળતા સતત પ્રગટાવતી રહે છે, પરન્તુ એ સ્વરૂપે જ ક્રમે ક્રમે ચરિતાર્થ પણ થતી આવે છે. ગોપીની એવી દેખીતી વિફળતા જ એની અંદરની સફળતા નથી? એના વીફરાટ, એણે વેઠેલા રંજાડ, એ જ એના જીવનની પરમ ધન્યતા નથી?
કૃષ્ણ આમ, દયારામમાં ઘણી કુટીલ-સુન્દર લીલાના સ્વામી દીસે છે, અને ગોપી જાણે એ લીલાનું ભાજન, ઉપકરણ, કે લક્ષ્ય. પણ તો પછી વાતનો સાર શું? એમ સાધનરૂપ રહી કૃષ્ણકૃપા માટે ઝૂર્યા કરવાનો કયો અર્થ? એવી ભક્તિ તે શું? એનું પોષણ શું? એ શી રીતે પુષ્ટ થાય? ઉત્તર સ્પષ્ટ છે : ભક્તિ તે ઝૂરવું અને ઝૂરવું તે જ અર્થ. અહમ્-ના વિગલનનો માર્ગ એવો વેદનામય જ હોવાનો. એમાં સમર્પણ સમર્પણ જ છે અથવા સમર્પણ જ સમર્પણ છે. એટલે કે, ભક્તિ પોતે જ પોતાનું પોષણ બને છે, એને એના વડે જ પુષ્ટ કરી શકાય છે. શ્રદ્ધા તિતિક્ષાપૂર્વક નિત્ય વિકસતી ચાલે અને એક દિવસ ફળે જ. ઝઘડાની રીતની ગોપીની શરૂઆત કેવી તો વીનવણીમાં વળી ગઇ – તે વનમાળીએ વાયક સુણ્યું ને થયા પ્રસન્ન, ઊલટ્યું અબળા ઉપર મન … સાર એ છે કે કૃષ્ણ રીઝે છે, તુષ્ટ થઇ શકે છે, ભક્તજનના થઇને રહે છે …
** *** ***
દયારામનો કવિ તરીકેનો વિશેષ પરિચય મેળવવા માગનારે હું જેને ચોથા વર્તુળની રચનાઓ કહું છું એ પણ જોવી જોઇએ.
(ક્રમશ:)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર