હિમાંશી શેલતના શ્વાન વિક્ટરનું અકાળ અવસાન થયેલું અને અત્યંત કરુણ રીતે એ વફાદાર શ્વાનનો અંત આવેલો. એ દિવસે વરસાદ ખૂબ જામેલો અને હિમાંશી શેલત અને વિનોદ મેઘાણી કોઈક કામે કારમાં જઈ રહ્યાં હતાં. જતી વેળા, વિક્ટર બંને પગે કારની બારી પર ઊભો રહી ગયો, અને ‘જાઓ છો તો મને પણ લઈ જાઓ’ની કાકલૂદી કરવા માંડ્યો. વિક્ટરની આજીજીથી ઓગળી જઈને એમણે વિક્ટરને પણ સાથે લઈ લીધો, અને જાણે વિક્ટર કારમાં બેસીને એના મોત ભણી નીકળી પડ્યો!
આવતી વેળા એક અગત્યના ફોનકોલ માટે તેઓ કારની બહાર નીકળ્યાં અને કારનો દરવાજો બંધ કરવાનું ચૂકી ગયાં; એટલામાં વિક્ટર પણ છલાંગ મારીને બહાર કૂદ્યો અને સામેથી પૂરપાટ આવતી બસે એને અફડેટે લીધો. અને બસ, વિક્ટર હતો ન હતો થઈ ગયો. જીવથીયે વહાલો વિક્ટર આ રીતે ચાલી નીકળે ત્યારે એ અવસાન હિમાંશીબહેન અને વિનોદભાઈને કઈ હદે હચમચાવી જાય એની કલ્પના કરવી મુશ્કેલ છે, પરંતુ હિમાંશીબહેનના જ શબ્દોમાં વાંચીએ તો એમણે લખેલું, ‘એને ભોંયમાં પોઢાડીને ઉપર માટી વાળી ત્યારે ભીતર હાહાકાર વ્યાપી ગયો. ખૂબ ચાહતો હતો એ મને. જુવાનજોધ દીકરો ફાટી પડ્યાની દાહક વ્યથા લઈ ઘેર આવી હતી એ દિવસે …’
વિક્ટરના મૃત્યુને કારણે ‘સખ્ય’ અચાનક ભેંકાર થઈ ગયેલું. જીવનનો જાણે આધાર જ છીનવાઈ ગયેલો અને હિમાંશીબહેન અકારણ રડી પડતાં. તેઓ નોંધે છે, ‘એક પ્રાણીએ સવા વર્ષના ટૂંકા ગાળામાં એવી તે કઈ પાંખો આપી હતી અમને કે એના જવાથી અમે આમ સાવ જ પટકાઈ પડ્યાં હતાં ભોંય પર! મારું મન એટલું તો આળું બની ગયું હતું કે સાવ અકારણ રડી પડાતું હતું.’
પછી તો વિકી સાથે સંકળાયેલી તમામ બાબતો હિમાંશીબહેનને મહિનાઓ સુધી ખિન્ન કરતી રહી. એને ભાવતી વાનગી હોય કે, રાત્રે સૂતી વખતે બાજુમાં વિક્ટરની કાયમી ગેરહાજરી હોય, વિકીની ગમે ત્યારે એમને યાદ આવે અને જ્યારે યાદ આવે ત્યારે ઉદાસી અને આંસુને પણ લેતી આવે! માણસના અવસાન પછી આજે સ્વજનો પાધરો શોક નથી કરી શકતા એવા આ સમયમાં પ્રાણીના અવસાનથી કોઈ માણસ ભાંગી પડે એ વાત કેટલાકને હાસ્યાસ્પદ લાગવાની તો કેટલાકને આમાં વેવલાપણું લાગવાનું.
ખૈર, હવે સોનુ પર આવીએ. હું સોનુને બેએક વાર મળ્યો છું. પહેલી વાર હિમાંશી શેલતને મળવા ‘સખ્ય’ પર પહોંચી ગયેલો ત્યારે સોનુએ એની વારસાગત પદ્ધતિથી ભસીને મારું સ્વાગત કરેલું, પણ ‘અરે, આ તો મહેમાન. એમના પર ભસાય?’ એવું હિમાંશીબહેને એને કહ્યા પછી એ લગીર ન ભસ્યો અને અમારી વાતમાં જાણે એને પણ રસ હોય એમ ઓરડામાં બેસીને અમારી વાતોમાં ગુલતાન રહ્યો. ત્રણેક વર્ષ બાદ બીજી વખત જવાનું બન્યું ત્યારે સોનું ‘સખ્ય’ પર હાજર હતો, પરંતુ ઉંમરે પહોંચેલા સોનુનું સ્વાસ્થ્ય અત્યંત નબળું હતું એટલે એ બહાર ઓટલા પર નહીં, પણ અંદર ઓરડામાં આરામ કરતો હતો. હિમાંશીબહેને જ મને જાણકારી આપેલી કે, એને કેન્સર છે અને એની સારવાર માટે તેઓ કિમોથેરપિ અપાવવા લઈ જાય છે. અધૂરામાં પૂરું સોનુંને આંખે દેખાવાનું પણ બંધ થઈ ગયેલું એટલે એને સાચવવામાં અને એની સારવાર કરવામાં હિમાંશીબહેનને ઘણી તકલીફ પડેલી.
જો કે ત્યાર પછી સુરતમાં યોજાયેલા જ્ઞાનસત્ર વખતે હિમાંશી શેલત મળેલાં ત્યારે એમને સોનુના ખબર અંતર પૂછેલા. એમણે જણાવેલું, હજુ થોડા સમય પહેલાં જ સોનુ ચાલી નીકળ્યો, અને એના ન હોવાની કઠોર વાસ્તવિક્તામાંથી હું પણ બહાર આવવાનો પ્રયત્ન કરી રહી છું! તો ગયા મહિને જ્યારે હિમાંશીબહેનને મળવાનું થયું ત્યારે એમણે સોનુ સંદર્ભે માહિતી આપી. થોડા મહિના અગાઉ એમણે ઘરને રંગ કરાવેલો ત્યારે આગલા ઓરડાની એક દીવાલને રંગ નથી કરાવ્યો. કેમ? તો કહે, સોનુ જ્યારે બીમાર હતો, ત્યારે સોનુ એ દીવાલ પાસે આરામ કરતો અને ત્યાં જ હિમાંશીબહેન એના શરીર પર દવા કે દુર્ગંધ ન ફેલાય એ માટે સ્પ્રે છાંટતાં, જે સ્પ્રેના ડાઘા હજુ પણ એ દીવાલ પર અકબંધ છે!
ખૈર, માણસ માટે માણસ જીવે એ તો આપણો સ્વાર્થ કહેવાય, પણ આપણી આસપાસ જે કંઈ ધબકતું હોય એને ઉત્કટતાથી ચાહવું અને પૂરી નિસ્બત સાથે એમના માટે કંઈક કરી છૂટવાની ઝંખના રાખવી, એ વાત કંઈક નોખી છે. બધા એવું કરી શકતા નથી, એટલે જ બધા આવું અનોખું ‘સખ્ય’ પણ માણી શકતા નથી.
e.mail : ankitdesaivapi@gmail.com
![]()


હિમાંશી શેલતની પ્રાણીઓ સાથેની સ્મરણકથા ‘વિક્ટર’ પરની આ લેખશ્રેણીનો આજે [07 ફેબ્રુઆરી 2017] છેલ્લો લેખ, જેમાં વાત કરવી છે એમના બે પૅડિગ્રી ડૉગ લિયો (જર્મન શેફર્ડ) અને વિક્ટર(લેબ્રડોર)ની. જો કે ‘વિક્ટર’ પુસ્તકના મુખપૃષ્ઠ પરના વિક્ટરના ફોટોગ્રાફ પરથી એવું જરૂર કળી શકાય કે વિક્ટર શુદ્ધપણે લેબ્રાડોર નહોતો, એનામાં ક્યાંક દેશી શ્વાનની છાંટ પણ નજરે ચઢે છે! જો કે આ મારું અનુમાન છે કે, વિક્ટર વર્ણસંકર છે, સત્ય શું છે એ વિશે હિમાંશીબહેનને જ પૂછવું રહ્યું.
ગયા સપ્તાહે [24 જાન્યુઆરી 2017] આપણે વાયદો કરેલો કે, આ વખતની ‘ટેક ઈટ ઓર લીવ ઈટ’માં આપણે હિમાંશી શેલતની સ્મરણકથા ‘વિક્ટર’ના શ્વાનો વિશે રજૂ કરાયેલાં સ્મરણો વિશે વાતો કરીશું. બિલાડીઓની જેમ જ હિમાંશી શેલતનાં સુરતના બે અને વલસાડનું એક એમ ત્રણેય ઘરે શ્વાનોની પણ ઘણી અવર-જવર રહેતી, જો કે મોટા ભાગના શ્વાનોને બહાર ફરવાની આદત હોય, એટલે એ બધા જમવાના ટાઈમે એમના ઘરે આવે અને મન થાય તો દિવસમાં એકાદ વખત ‘કેમ છો? મજામાં?’ કરી જાય; પણ એ બધા કંઈ બિલાડીઓની જેમ ઘરે ધામા નહીં નાંખે. જો કે એમાં એકલ-દોકલ એવા કિસ્સા પણ ખરાં કે, બહારથી આવી ચઢેલા શ્વાનો ફરી પોતાની દુનિયામાં જવાનું ટાળે અને હિમાંશીબહેનનાં ઘરે જ કાયમી આશ્રય લે! એમાંનો એક એટલે ‘લાલુ’ નામનો દેશી શ્વાન, જે એમના સુરતના ઘરે આવી ચડેલો અને મર્યો ત્યાં લગણ એમની સાથે રહ્યો.
લાલુ વિશે લખેલાં સ્મરણમાં હિમાંશીબહેન પોતે અવઢવમાં પડે છે કે, આ લાલુને માત્ર લાલુ જ કહેવો કે એની કરતૂત અને દેશી ઢબની જીવન શૈલીને હિસાબે ‘લાલિયો’ કહેવો? આ કારણે જ ‘વિક્ટર’માંના એ પ્રકરણનું નામ ‘લાલુ – ના, લાલિયો’ અપાયું છે, જેમાં હિમાંશીબહેને રજૂ કરી છે એ મનસ્વી શ્વાનની વિશેની અત્યંત રસપ્રદ વાતો. એક દિવસ લાલુશેઠ અમસ્તા જ હિમાંશીબહેનના ઘરે આવી ચડેલા અને આવ્યા એવા એમણે કંઈક ખાવાની ઈચ્છા વ્યક્ત કરેલી. નસીબ જોગે એ જે ઘરે આવી ચડેલો એ ઘર પણ પ્રાણીઓ કે આગંતુકોની આગતાસ્વાગતા કરવામાં કંઈ પાછું પડે એવું નહીં, એટલે લાલુભાઈની યોગ્ય સરભરા થઈ અને એના કાને સહેજ વાગ્યું હતું એની પણ ચાકરી થઈ.