
courtesy : "The Hindu", 26 November 2015
![]()

courtesy : "The Hindu", 26 November 2015
![]()
ભગવત્ ગીતાના બીજા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ શસ્ત્રાસ્ત્રો હેઠાં મુકીને યુદ્ધ પ્રારંભ કરવામાં પાછા પગલાં ભરતા અર્જુનને કહે છે:
નૈનં છિન્દતિ શસ્ત્રાણી નૈનં દહતિ પાવક:
ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુત:
આત્માને ન શસ્ત્રો છેદી શકે, ન આગ બાળી શકે, તે ન પાણીથી પલળી જાય કે ન તો હવા તેને સુકવી શકે. તો આત્મા એવો અમર છે જ્યારે શરીર નાશવંત છે અને એવા શરીરનો ધર્મને ખાતર નાશ કરવા તારે ફરજ બજાવતાં શોકાતુર થવું યોગ્ય નથી. આ અને આવા અનેક આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનથી ભરપૂર શ્લોકો દ્વારા શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને તેનો ધર્મ (અહીં ધર્મ ફરજના અર્થમાં લેવાયો છે નહીં કે મંદિરોમાં મૂર્તિની પૂજા અર્ચના કરવામાં સીમિત થયો છે) સમજાવ્યો ત્યાર બાદ એ મહાભારતના યુદ્ધના મંડાણ કરવા તૈયાર થયો, એ આપણે સહુ જાણીએ છીએ.
હવે આત્માના અમરત્વ માટેનો ઉપરોક્ત શ્લોક જાણે કે IS (ઇસ્લામિક સ્ટેટ) જેવાં આતંકવાદી સંગઠનો માટે લાગુ પડતો જણાય છે. એવાં સંગઠનોને નથી શસ્ત્રો ખત્મ કરી શકતાં, નથી આગથી પ્રજ્લાવી શકાતો, નથી પાણીમાં ડુબાડી શકાતો કે નથી ગમે તેવા ભીષણ વા વંટોળથી બીજા ગ્રહ પર મોકલી શકાતો. એથી જ તો યુરોપના મોટા ભાગના દેશો ધનુષ ટંકાર કરીને વિમાની દળો દ્વારા ઈસ્લામિક સ્ટેટના કોઠાનો નાશ કરવા તત્પર થઈ રહ્યા છે, તેવે વખતે એક સવાલ જરૂર થાય કે આ ખરેખર ધર્મ યુદ્ધ છે ખરું? બીજું, કૌરવોની હાર થયા બાદ પાંડવોએ ન્યાયી અનુશાસન આપ્યું, તેવું રાજ્ય આ યુરોપના બાંધવ દેશોમાંથી કોણ આપશે?
છેલ્લાં ચાલીસેક વર્ષનો ઇતિહાસ તપાસતાં એક હકીકત સ્પષ્ટપણે આગળ તરી આવે છે કે અત્યાધુનિક શસ્ત્રોના છુટ્ટે હાથે કરેલ ઉપયોગ પછી પણ આતંકવાદ લગીરે ઓછો થયો નથી. દુનિયાની મહાસત્તાઓની આવી નાલેશી ભરી નિષ્ફળતાથી છંછેડાઈને તેઓ ચાર ગણા જોરથી ફૂંફાડો ભલે ને મારે, આતંકવાદનો એ ભોરીંગણ દરમાં સંતાઈ જવાને બદલે સહસ્ર ફેણ ઊંચી કરીને વધુ ઝેર ઓકતો અનેક નિર્દોષોના જાન લેતો રહે છે. એથી જ તો ભૂતકાળની ભૂલો પરથી શીખીને સાચો માર્ગ અજમાવવો રહ્યો.
જિસસ ક્રાઈસ્ટનો ઉપદેશ પોતાની રાજકીય અને ધાર્મિક સત્તાને પડકાર રૂપ લાગ્યો તેથી તત્કાલીન રાજા અને ધર્મ સત્તાધિકારીઓએ મળીને તેમને શૂળી પર ચડાવ્યા, પણ તેથી તેમની વિચારધારા નાશ ન પામી, કેમ કે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે તેમ શરીર નાશવંત છે, પણ આત્માની માફક વિચારધારા અમર છે. આથી જ તો એક નવા ધર્મનો પ્રાદુર્ભાવ થયો અને વિશ્વ આખામાં ફેલાઈ ગયો. એવી જ રીતે મહાત્મા ગાંધી, માર્ટીન લ્યુથર કિંગ જુનિયર જેવાઓના જાન લેવાયા, નેલ્સન માંડેલા અને આંગ સાન સુ કી જેવાને કારાગારમાં બંધ કરાયા છતાં તેમના આદર્શોને કે વિચારોને ન તો ચિતા ભસ્મરૂપ કરી શક્યાં કે ન તો ચાર દીવાલોમાં સંગ્રહી શક્યાં. ઉલટાના એ લાખો-કરોડો લોકના દિલ દિમાગમાં ઘર કરી ગયાં અને કાળની મર્યાદા પાર કરીને જીવી રહ્યાં છે. જેમ આવા ઉમદા સિદ્ધાંતો અને વિચારધારાઓને બંદૂકની ગોળી, ફાંસીનો માંચડો ઘાયલ ન કરી શક્યો તેમ હાલની ઘાતક અને વિનાશકારી વિચારધારાને આધુનિક શસ્ત્રો મહાત કરી શકશે એમ સાંપ્રત રાજનેતાઓને કેમ લાગે છે?
આજે કેટલાક લોકો ગુમરાહ થયા છે, પણ મોટા ભાગની પ્રજાની સાન તો ઠેકાણે છે ને? જરા સબૂરી કરીને વિચારીએ તો ખ્યાલ આવશે કે તમારા જ ધર્મ બંધુઓ પોતાના ધર્મ પુસ્તકમાં અપાયેલ ઉપદેશનો આવો અવળો અર્થ કરીને પોતાના જ ધર્મના બે પંથો વચ્ચે અને અન્ય ધર્મીઓ સાથે અનાચારને પંથે પળે તો તમે એમને તરછોડી દેશો કે સમજાવીને સન્માર્ગે વાળશો? અને જો તમે જ તમારા કહેવાતા સહધર્મચારીઓને રાહ નહીં બતાવો તો એ કામ બીજા લોકો ગન અને બોમ્બથી કરશે એ તમને માન્ય રહેશે ને? આતંકવાદ આચરનારા અને તેનો પ્રસાર-પ્રચાર કરનારા કેવા માર્ગ ભૂલેલા બની ગયા છે, એવા મારા વિધાન પર વિશ્વાસ ન બેસતો હોય તો ચેનલ 4 પર 23 નવેમ્બરને દિવસે બતાવાયેલ કાર્યક્રમ ISIS: British Women Supporters Unvailed જોશો તો પુરાવા મળી રહેશે.
એવું આધારભૂત માધ્યમો દ્વારા જાણવા મળ્યું છે કે બ્રિટનની કેટલીક નર્સરીમાં Old McDonald had a farm એ બાળગીત ગાવાની મનાઈ ફરમાવવામાં આવે છે કેમ કે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વર્જ્ય છે. હવે એ ગીતમાં જુદા જુદા પાલતુ પ્રાણીઓ કેવા અવાજ કરે તે ગવાય છે. ગાય મૂ મૂ કરીને ભાંભરે એમ ગાય તો હિંદુ બાળકના મોઢામાં થોડું ગાયનું માંસ પહોંચી જવાનું છે? જો એ લોકો નથી ડરતા તો ડુક્કર ઓઇંક ઓઇંક કરે તેમ ગાવાથી એ પણ કોઈના ઉદરમાં નહીં પધરાવી દેવાય એમ સમજવું જોઈએ ને? હવે આવા ભયથી ત્રસ્ત પ્રજાને હકીકતની સમજણ આપીને અભય વરદાન આપવાની જરૂર છે કે ગનથી તેમનો નાશ કરવાની? જો કે એમ તો ઈંગ્લેન્ડનું શિક્ષણ ખાતું પણ સલામતીને નામે ભયથી દોરવાઈને દરેકને એક લાકડીએ હાંકવામાં અને શંકા ઉઠાવી તેના પર તહોમત મુકવામાં પાછા પડે તેમ નથી. તત્કાલીન સ્ફોટક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને શાળાના શિક્ષકોને સૂચના આપવામાં આવી છે શંકાસ્પદ વાણી-વર્તન જણાય તેવા વિદ્યાર્થીને તરત જ ‘રિપોર્ટ’ કરવો. એટલે નવમાં ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ લંચ સમયે નમાઝ પઢવા થોડી જગ્યા અને સમયની માંગણી કરી તો તરત ‘રેડીકાલાઇઝ થવાની શક્યતા ધરાવનાર વ્યક્તિ’ તરીકે રિપોર્ટની યાદીમાં આવી ગયો ! છેને બિન આતંકવાદીઓના સલામતીના નિયમોની કમાલ?
વાત એમ છે કે કેટલાક મહત્ત્વાકાંક્ષી વિરલાઓ તેમની માન્યતા પ્રમાણે અલ્લાહે ઘડેલા કાયદાઓને અનુસરે એવા શારીયા કાયદાઓ પ્રમાણેનું રાજ્ય સ્થાપિત કરવા માંગે છે. આમ જુઓ તો સમયે સમયે દુનિયાના ઘણા દેશોમાં રાજ્ય પદ્ધતિઓમાં પરિવર્તન આવતાં રહ્યાં છે. રશિયામાં ઝારશાહીનો અંત આવ્યો અને સામ્યવાદ છવાયો ત્યારે શું એ લોહીયાળ ક્રાંતિ નહોતી? રાજાશાહી પ્રચલિત હતી ત્યારે પ્રજાના હાલ કેવા હતા તે આપણે ક્યાં ભૂલ્યાં છીએ? તેનું સ્થાન લોકશાહીએ લીધું તે ઉત્તમ છે, પણ એ જ લોકશાહી પદ્ધતિનો પોતાના દેશમાં આનંદે લાભ લેનાર શાસકોએ અન્ય દેશોમાં પણ એ જ રાજ્ય પદ્ધતિ હોવી જોઈએ એવા પોતાના આગ્રહને વશ થઈ યેન કેન પ્રકારેણ યાતો એ દેશોમાં શાસન કરીને કે બહાર ઊભા રહીને બે દેશો વચ્ચે ફાટફૂટ પડાવી સંઘર્ષો કરાવવામાં જે ઉત્સાહ બતાવ્યો છે તેનાથી ક્યાં ઓછી જાનહાનિ થઈ છે? ફેર એટલો છે કે ઇસ્લામિક સ્ટેટની વિચારસરણી ધરાવનારાઓ પાસે પોતાનો કહી શકાય તેવો ભૂ ભાગ-દેશ એક્કેય નથી. સંભવ છે કે જમીનનો એક ભાગ જુદો ફાળવી તેમના જેવી વિચારસરણી ધરાવતા લોકોને એ ઇસ્લામિક સ્ટેટમાં રહેવાની સગવડ કરી આપીએ તો આ સંઘર્ષનો અંત આવી શકે. જો કે એ ‘નૂતન રાષ્ટ્ર’ની એક પવિત્ર ફરજ એ બની રહેશે કે તેમણે દુનિયાના બીજા દેશો પોતપોતાની રીતે રાજ્ય કરે, ધર્મ પાળે કે જે પ્રકારની જીવન પદ્ધતિ અપનાવે તેને ‘ભલે તેઓ પોતાની રાહે જીવે’ એવી સમજણ ભરી સહિષ્ણુતા સાથે શાંતિથી જીવે અને જીવવા દેવાનું પ્રણ લે અને પાળે. એમ કરવાથી પશ્ચિમના લોકશાહી દેશોમાં ઉછરીને ભણીને સ્વતંત્રતાનો લાભ મેળવીને હવે લોકશાહી અને વ્યક્તિ સ્વાતંત્ર્યના મૂલ્યોથી તદ્દન વિરુદ્ધ દિશામાં વિચારનારાઓને સમાન વિચારસરણીવાળા લોકો સાથે રહેવાનો વિકલ્પ મળશે. પણ ભય એ રહે છે કે યુરોપ અને અમેરિકા સાથે મળીને જો આવું કોઈ પગલું ભરશે તો ઇઝરાયેલ જેવી કાયમી સંઘર્ષ વાળી રાજ્ય રચના નહીં થાય તેની કોઈ ખાતરી નથી.
લોકને એમ કહેતા સાંભળીએ છીએ કે આ આતંકવાદીઓ ક્યાં કોઈનું સાંભળે તેવા છે? હું પૂછું છું કે એમની સાથે બોલે છે જ કોણ? બોમ્બ નાખવા કે લશ્કર મોકલી તેમના થાણાંઓનો નાશ કરવો તે કઈ ભાષા છે? વાત એમ છે કે એકલ દોકલ આત્મઘાતી હુમલાઓ કે પાંચ-સાત ખુન્નસે ભરાયેલા યુવાનો નિર્દોષ લોકોના જાન લે તેમને ‘આતંકવાદી’નું બિરુદ મળે પણ બદલો લેવાની કે પાઠ ભણાવવાની મુરાદથી કોઈ દેશની સરકાર હુમલા કરે તેને ‘યુદ્ધ’ તરીકે ઓળખાવાય. પરિણામ તો બંનેનું સરખું આવે છે. બંને બાજુના આત્મઘાતી હુમલાખોર અને સૈનિકો ઉપરાંત સેંકડોની સંખ્યામાં નિર્દોષ સ્ત્રી-પુરુષ-બાળકોની જાનહાનિ થાય અને તેમ કરવા છતાં નથી તો આતંકવાદીઓને જે જોઈએ છે તે મળતું કે નથી ખુદ આતંકવાદને ડામી શકાતો. ફાયદો માત્ર શસ્ત્રો બનાવનાર અને વેંચનાર કંપનીઓને થાય છે. જો કે તેમ કરવામાં ખુદ યુ.એન.ના સભ્ય દેશોની સરકારના હાથ પણ લોહીથી ખરડાયેલા જોવા મળે છે. જુઓને, ISIS અને તેના જેવા બીજા આતંકી સંગઠનો પોતાનો નિભાવ કરવા તેલ રીફાનરીઓનો કબજો જમાવી બેઠા છે. પ્રશ્ન જરૂર થાય કે તે ખનીજ તેલ કોણ ખરીદતું હશે? તેમની પાસે વિવિધ પ્રકારના આધુનિક શસ્ત્રો છે તે એ બધા પર made inમાં કયા દેશનું નામ હશે? ક્યાંક એના સગડ જે દેશો અત્યારે વેર લેવા વિમાની હુમલાઓ કરવા સજ્જ થયા છે ત્યાં તો નહીં નીકળે? આખર ‘80ના દાયકામાં મુજાહાદ્દીનોને કોને પંપાળેલા એ આપણે ક્યાં નથી જાણતા? આમ તો એક દા ઓટોમન એમ્પાયર ભાંગેલું તેના અણિયાળા ટુકડા અત્યારે એ ભાંગનારની છાતીમાં ભોંકાય છે, કદાચ તેમને ખ્યાલ નહીં હોય કે તેમના કર્તુત્વના આટલા લાંબા સમય સુધી પ્રત્યાઘાત આવશે.
અત્યાર સુધી શિયા-સુન્ની અંદરો અંદર લડતા રહ્યા તો દેડકાનો જીવ જાય ને છોકરાં તાળી પાડે એવો ખેલ થતો આવ્યો છે એટલું જ નહીં, પોતાના પાંચ-સાત પથ્થરો – અલબત્ત શસ્ત્રોના રૂપમાં જ તો – પણ આપેલા છે એ કબૂલ કોઈ ન કરે પણ જાણે છે બધા ભાગીદારો. આ તો હવે યુરોપ-અમેરિકાના સપૂતો હણાય છે તેથી આવાં ઘાતકી વિચારો ધરાવનાર અને તેનો પ્રચાર કરનાર જૂથોનો સત્યાનાશ કરવો જોઈએ, તેવું સર્વાનુમતે નક્કી થયું છે. હા, આ હિંસાના વિષચક્રનો અંત આવવો જ જોઈએ તેમ શાંતિ પ્રિય પ્રજા પણ માને છે, ઈચ્છે છે અને કશુંક તાત્કાલિક કરવા પણ માગે છે, પણ હાલના યુરોપ-અમેરિકાના લશ્કરી પગલાં વિષે તેમને વિશ્વાસ નથી. સરકારી મંત્રીઓથી માંડીને ધર્મ ગુરુઓ અને વિદેશનીતિના તજ્જ્ઞો સહુ કહે છે કે માત્ર વિમાની હુમલાઓ આવા વેર વિખેર પડેલા આત્મઘાતીઓને શમાવવા પૂરતા અસરકારક નહીં નીવડે, તે માટે તેની સાથે લશ્કરી કુમક મોકલવી જરૂરી બનશે. અને સહુ એ પણ સ્વીકારે છે કે તેનાથી ય જે આમ જનતાની જાનહાનિ થશે તેના ઘા નહીં રૂઝાય એટલે બચેલા લોકોના દિલ-દિમાગને જીતવા વિજયી સરકારે ભરચક પ્રયત્નો કરવા પડશે. ઈરાકમાં દિલ-દિમાગ જીતવા રોકાયેલા સૈનિકો થકી શું પરિણામ આવ્યું? જિસસ, મોહમ્મદ, બુદ્ધ, મહાવીર કે ગાંધીએ લોકોના દિલ-દિમાગ શસ્ત્રોથી જીતેલા? શસ્ત્રો તો માણસને મારી શકે, દિલ તલવારની અણીએ જીતાય ખરું?
ઇસ્લામિક સ્ટેટ બનાવવાની ઈચ્છા રાખનારા અને તેમને સાથ આપનારા ચપટીક લોકો સિવાય દુનિયાના તમામે તમામ લોકો (રાજકીય નેતાઓ બાદ કરતાં) આવી વિનાશક પરિસ્થિતિનો તત્કાલ અંત આવે અને કાયમી શાંતિ સ્થપાય તેમ ઈચ્છે છે, માત્ર સદીઓથી સંઘર્ષોનો નિવેડો શસ્ત્રોથી જ લાવનારાઓ એક એવા વિષચક્રમાં ફસાયેલા છે કે તેમને અન્ય કોઈ માર્ગ નથી સૂજતો. ગમે તેટલો જોખમી જણાય તો પણ રાજકીય વાટાઘાટો અને સામાજિક-આર્થિક નવ રચનાત્મક કાર્યક્રમો જ આવી ગૂંચવાડા ભરી પરિસ્થિતિનો ઉકેલ લાવશે એવી પૂર્ણ શ્રદ્ધા છે.
આખરમાં ક્રિશ્ચિયન hymnનું ટાગોરે બંગાળીમાં અને નરસિંહરાવ દીવેટિયાએ ગુજરાતીમાં અનુવાદિત કરેલું ભજન ટાંકું:
‘પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ
દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં નિજ શિશુને સંભાળ,
મારો જીવન પંથ ઉજાળ …..’
e.mail : 71abuch@gmail.com
![]()
અત્યારે જે ‘યુદ્ધ અને જેહાદ’ ચાલે છે એ બંને વિશ્વયુદ્ધ કરતાં વિનાશક છે, કારણ કે અહીં ‘અમે અને તમે’ જેવાં અસંતુલનોમાંથી પેદા થયેલાં પરિબળો સક્રિય છે
ગયા શુક્રવારે પેરિસમાં આતંકી હુમલો થયો તેની બીજી સવારે એક મિત્રએ વાતવાતમાં પૂછ્યું, ‘તમને લાગે છે કે હવે ત્રીજું યુદ્ધ થશે? યુદ્ધમાં તો બે વિરોધી જૂથ હોય પણ અત્યારે તો ખબર જ નથી પડતી કે કોણ કોની સામે અને સાથે છે.’ કંઈક આવો જ પ્રશ્ન દ્વિતીય મહાયુદ્ધ પછી વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇનને પૂછવામાં આવેલો. આઇનસ્ટાઇને ત્યારે કહેલું, ‘ચોથું યુદ્ધ નહીં થાય તેની મને પાકી ખાતરી છે. ત્રીજુ વિશ્વયુદ્ધ જ એટલું વિનાશકારી હશે કે ચોથા યુદ્ધ માટે ધરતી પર માણસ જીવતો જ નહીં હોય.’
દ્વિતીય મહાયુદ્ધમાં હિરોશીમા અને નાગાસાકી પર જે એટમ બોમ્બ ફોડવામાં આવ્યા હતા તે જોઈને લોકોને થયેલું કે આનાથી ખતરનાક શસ્ત્રો પેદા નહીં થાય, પરંતુ આઇનસ્ટાઇન જેવા વિચારશીલ લોકોને સમજાઈ ગયેલું કે ટેક્નોલોજીનો વિકાસ એવો હશે કે હિરોશીમા-નાગાસાકીના બોમ્બ તો દિવાળીના બોમ્બ જેવાં રમકડાં બની જશે. માનવજીવનની આ એક વિચિત્ર વિરોધિતા છે કે વિકાસ અને વિનાશની યાત્રા સાથે જ ચાલતી રહે છે. જે માણસે હવાની ગતિએ ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરવા માટે જેટ વિમાનો બનાવ્યાં છે તે જ માણસે મિનિટોમાં આખા ને આખા ઇલાકા તહસનહસ કરી નાખે તેવાં ફાઇટર વિમાનો પણ બનાવ્યાં છે.
દ્વિતીય મહાયુદ્ધમાં માણસને એવી આશા હતી કે હિટલરને ખતમ કરી દેવામાં આવે તો સંસારમાં શાંતિનો સૂરજ પ્રસરી જશે. 2001માં અમેરિકાએ ઘોષણા કરી હતી કે ઓસામા બિન લાદેનનો સફાયો કરી દેવામાં આવે તો આતંકવાદ પર અંકુશ મુકાઈ જશે. ગયા શુક્રવારે પેરિસ પરના હુમલા પછી ફ્રેન્ચ પ્રમુખ ફાન્કોઇસ ઓલાન્દેએ જાહેરાત કરી કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક અને સીરિયા (આઇએસઆઇએસ)ના આતંકીઓ સામે ‘નિર્દયી યુદ્ધ’ છેડવામાં આવશે. 2006માં અમેરિકાએ ઇરાકી પ્રમુખ સદ્દામ હુસેનને ખતમ કરીને અપેક્ષા રાખી હતી કે ઇરાક શાંત અને સુરક્ષિત પ્રદેશ બની જશે. આજે અહીંથી જ સૌથી હિંસક અને લોહિયાળ આતંકવાદ દુનિયાને હંફાવી રહ્યો છે.
મુદ્દો એ છે કે શાંતિ સ્થાપવાના માણસના હર એક પ્રયાસ અશાંતિની નવી આબોહવા પેદા કરી ગયો છે. હર એક કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ગાંધી, લિંકન અને માર્ટિન કિંગની સામે હિટલર, લાદેન, સદ્દામ હુસેન, ગદ્દાફી અને પીનાેશેટ પેદા થતા રહ્યા છે. 50 વર્ષ પહેલાં સમાજવાદી નેતા રામ મનોહર લોહિયાએ એક ભાષણમાં એક પ્રશ્ન પૂછ્યો હતો કે, ‘આ સદીની સૌથી મહાન ઘટનાઓમાં એક ગાંધી હતા અને બીજો એટમ બોમ્બ હતો. જોઈએ બંનેમાંથી કોની જીત થાય છે.’ દુનિયા ત્યારે હિરોશીમા- નાગાસાકીનો વિનાશ જોઈ ચૂકી હતી અને અમેરિકા તથા રશિયા વચ્ચે શીત યુદ્ધમાં જકડાઈ ગઈ હતી.
લોહિયા ઇચ્છતા હતા કે ગાંધીજીની યાને અહિંસાની જીત થાય અને હિંસા તથા યુદ્ધનો પરાજય થાય. 1986-87માં રશિયા વિખરાઈ ગયું ત્યારે એવું લાગ્યું હતું કે દુનિયા પરથી ત્રીજા મહાયુદ્ધનું સંકટ ટળી ગયું છે, પરંતુ છેલ્લાં 25 વર્ષની ઘટનાઓ બતાવે છે કે દુનિયા પરંપરાગત યુદ્ધના બદલે આતંકની લાંબી ખાઈમાં ઊતરી ગયું છે. અમેરિકાએ પણ એના પરંપરાગત ‘દુશ્મન’ રશિયાના સ્થાને ઇસ્લામિક આતંકવાદ નામના ‘દુશ્મન’ની ગોઠવણ કરી લીધી છે. ટ્વિન ટાવર્સ પર હુમલા પછી અમેરિકાએ ‘વોર ઓન ટેરર’ની ઘોષણા કરી હતી. શુક્રવારે પેરિસ પર હુમલા પછી ફ્રાન્સે ‘નિર્દયી યુદ્ધ’ છેડવાનો નિર્ધાર કર્યો છે. ત્રણ દિવસ પછી બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા) નેતાઓની બેઠકમાં મોદીએ કહ્યું કે પૂરી માનવ સભ્યતાએ ભેગા થઈને આતંકવાદ સામે જંગ કરવાનો સમય આવી ગયો છે.
ઉદ્દેશ ઉમદા છે અને લાગણીઓ સમજી શકાય તેવી છે. પ્રશ્ન એ છે કે આતંકવાદ સામેની લડાઈ કારગત નીવડી રહી છે કે પછી આતંકને વધુ તાકાત મળી રહી છે? આતંકવાદને ધાર્મિક ચશ્માં પહેરીને જોવાનું ટાળીને સમજવા જેવું એ છે કે અમેરિકાના ઇરાકમાં આક્રમણ પછી દુનિયા વધુ અસુરક્ષિત થઈ ગઈ છે. વોર ઓન ટેરરનો એકમાત્ર ઉદ્દેશ લાદેનના આતંકી સંગઠન અલ-કાયદાને તહસનહસ કરવાનો હતો, પરંતુ એ પ્રક્રિયામાં અલ-કાયદા કરતાં ય વધુ સંગઠિત અને લડાયક ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયાનો જન્મ થયો છે જે પશ્ચિમનાં શહેરોમાં બોમ્બિંગ કરીને સરકારોને હિંસક પ્રત્યાઘાત આપવા ઉશ્કેરી રહ્યું છે. ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેરે સ્વીકાર્યું છે કે ઇરાકના આક્રમણ પછી મોતનું તાંડવ વધ્યું છે. ઓબામાએ પણ પેરિસ હુમલા પછી માન્યું છે કે અલ-કાયદાની રાખમાંથી જ ઇસીસનો રાક્ષસ પેદા થયાે છે. ફ્રાન્સ પ્રમુખ અોલાન્દેે અને મોદી જે જંગની વાત કરે છે તે સ્તો ઇસીસને જોઈએ છે.
પશ્ચિમી દુનિયા ખાસ કરીને અમેરિકાએ ઇસ્લામિક આતંકને ખતમ કરવા જે યુદ્ધ છેડ્યંુ છે તેના પરિણામે (ઓબામાની ભાષામાં) ‘અનપેક્ષિત’ રીતે મુસ્લિમ રાષ્ટ્રોના યુવાનોમાં પશ્ચિમી દુનિયા પ્રતિ નારાજગી અને આક્રોશ સળગી રહ્યો છે. પશ્ચિમી દેશો એમની સૈનિક કાર્યવાહી વધુ તેજ બનાવે અને મુસ્લિમોનો અલગાવ વધુ ગહેરો થાય તેના આશયથી જ ઇસીસે પેરિસ પર હુમલો કર્યો છે. તમે જો એમ માનતા હો કે આ અભણ-ગમાર જેહાદીઓ ગુસ્સામાં આવીને બદલો લેવાની ભાવનાથી કમર પર બોમ્બ પહેરીને નીકળી પડ્યા છે તો એ ભૂલ છે. આતંકવાદનું આખું નેટવર્ક (છૂટીછવાઈ કે સામૂહિક રીતે) મુસ્લિમો અને ‘કાફરો’ વચ્ચેનો સંઘર્ષ બરકરાર જ નહીં, વધુ ઉગ્ર બને એ માટે કામ કરે છે. પેરિસ હુમલા પછી ઇસીસે તરત જ એની જવાબદારી સ્વીકારી તેની પાછળ ‘જોયું? બતાવી દીધું ને’ જેવો કોઈ અહમ્ નહીં, પરંતુ જગતના વિમુખ અને નારાજ મુસ્લિમ સમુદાયમાં પોતાની વિશ્વનિયતા સાબિત કરવાનો હેતુ હતો. આ હેતુ પાર પણ પડી રહ્યો છે. ઇસીસ વિશ્વના મુસ્લિમો માટે ધાર્મિક, રાજકીય અને મિલિટરી સત્તા તરીકે તેજ ગતિએ સ્થાપિત થઈ રહ્યું છે.
આ એક પ્રકારનું તૃતીય યુદ્ધ જ છે. અગાઉનાં બે યુદ્ધો તો સીમાઓ અને ભૌગોલિક નિયંત્રણો માટે લડાયાં હતાં અને એમાં યુદ્ધો માટેના આંતરરાષ્ટ્રીય કાનૂનોની ઇજ્જત જાળવવામાં આવી હતી. અત્યારે જે ‘યુદ્ધ અને જેહાદ’ ચાલે છે એ એટલા માટે બંને યુદ્ધ કરતાં વિનાશક છે, કારણ કે અહીં સામાજિક પહેચાન અને સ્વીકૃતિ, વિકાસ અને ગરીબી, સત્તા અને બેબસી, અમે અને તમે જેવાં અસંતુલનોમાંથી પેદા થયેલા સાયકોલોજિકલ અને ભાવનાત્મક પરિબળો સક્રિય છે. માણસ મૂળભૂત રીતે જન્મ્યો ત્યારથી જ અંદર એક પ્રકારની અશાંતિ, અસુરક્ષા અને અલગાવ લઈને જીવતો આવ્યો છે. માણસના મગજમાં અચ્છાઈ અને બૂરાઈનાં બંને તત્ત્વો મોજૂદ છે. શ્રી અરવિંદ કહેતા હતા કે મનુષ્યના મગજનો એક તૃતીયાંશ હિસ્સો પશુતુલ્ય છે જે અવસર અને અનુકૂળતા પ્રમાણે હિંસક અને બર્બર બની જાય છે. પ્રકૃતિની રચનામાં હિંસાની એક અનિવાર્ય ભૂમિકા છે. પૃથ્વી પરનો દરેક જીવ કોઈ પણ ભોગે જીવતો રહેવા પ્રયાસ કરતો રહે છે. આ સર્વાઇવલ વૃત્તિ જ એને એના જેવો જ બીજો જીવ પેદા કરવા માટે સેક્સ તરફ અને જીવ પર જોખમ આવે તો હિંસા તરફ દોરી જાય છે. સેક્સ અને હિંસા એ પ્રત્યેક જીવનું સર્વાઇવલનું સાધન છે.
મનુષ્યનો સામાન્ય હિંસક ભાવ કોઈને હાનિ પહોંચાડતો નથી, પરંતુ એ જ્યારે વ્યક્તિગત દાયરામાંથી બહાર નીકળીને સામાજિક અથવા સામૂહિક સ્તરે જાય છે ત્યારે એ ઘાતક બની જાય છે. આધુનિક હથિયારોની હોડ એને વધુ તીવ્ર બનાવે છે. એટલા માટે જ ગુફામાં રહીને પથ્થરો અને લાકડાનાં હથિયાર વાપરતા જંગલી મનુષ્ય કરતાં બંદૂકો અને બોમ્બ વાપરતો આજનો સભ્ય ઇન્સાન અનેક ગણો ખતરનાક છે. આક્રમકતા મનુષ્યના જેનેટિક કોડમાં છે. બંદરમાંથી મનુષ્ય બન્યા પછી પણ એના મગજમાં આક્રમકતા, ક્રોધ, હિંસા અને પ્રતિશોધની પૌરાણિક વૃત્તિ યથાવત્ રહી છે. આપણે બહારથી સામાજિક વ્યવહારના સ્તરે બહુ નમ્ર સંસ્કારી અને સભ્ય છીએ, પરંતુ જરાક જ મગજની ગહરાઈમાં ઊતરીએ તો અંદરથી ભયભીત, દુ:ખી, ઈર્ષાળુ, હતાશ, ચિંતાતુર અને આક્રમક છીએ. લાખ્ખો વર્ષોના વિકાસ અને પ્રગતિ પછી પણ મનોવૈજ્ઞાનિક સ્તરે આપણે જરા ય બદલાયા નથી. એટલે જગતમાં જે યુદ્ધ, અશાંતિ અને આતંક છે એ મનુષ્યની અંદર રહેલાં યુદ્ધ, અશાંતિ અને આતંકનો જ વિસ્તાર અને આયામ છે. આતંકવાદ બંદૂકો અને બોમ્બમાં નથી, એ મનની અંદર છે. બંદૂકો અને બોમ્બથી તો બે અસંતુલિત આતંકી મનુષ્ય વચ્ચે મુકાબલો બરાબરીનો થઈ ગયો છે. માણસ જ્યારે જંગલમાં રહેતો હતો ત્યારે પથ્થરના શસ્ત્રથી નિહથ્થા પાડોશીને ડરાવવો સહેલો હતો. આજે દરેક કમજોર માણસ આધુનિક હથિયારોથી તાકાતવર થઈ ગયો છે.
આપણે આપસી વિનાશના સમયમાં જીવીએ છીએ. વિનાશની આપણી માનસિકતા અને તૈયારી એટલી સશક્ત છે કે ‘હું તો મરું પણ તને રાંડ કરું’ની જેમ પૂરી પૃથ્વીને ભડાકે દેવાનું આસાન થઈ ગયું છે. એટલે આતંકવાદનો ઉપાય સામૂહિક જંગમાં નથી (એનાથી એની તીવ્રતા વધશે) પણ વ્યક્તિગત સ્તરે છે. આપણે દરેકે અંગત સ્તરે અંદરના આતંક અને આશંકાને નષ્ટ કરવા પ્રયાસ કરવો પડશે. આ કેવી રીતે થશે? અફકોર્સ, બ્રુશ, ટોની બ્લેર, ઓલાન્દે જેવા રક્ષકો નહીં કરી શકે, કારણ કે મારી-તમારી જેમ એમના મગજનો એક તૃતીયાંશ હિસ્સો ‘ખૂન કા બદલા ખૂન’માં વિશ્વાસ ધરાવે છે. આપણી અંદર પડેલા આતંક અને આક્રમણને દૂર કરવા આપણે ધર્મોની સંત પરંપરા પુનર્જીવિત કરવી પડશે.
પૂરા વિશ્વમાં ધર્મ આજે ચર્ચાનો વિષય બન્યો હોય તો તેનું કારણ રાજનીતિમાં એનો ઉપયોગ છે. આ સંદર્ભમાં સૂફી અને ભક્તિ પરંપરાનો પરિચય લોકોને થાય તે જરૂરી છે. વર્તમાન સમયમાં ધર્મનો આધ્યાત્મિક અને નૈતિક પક્ષ નબળો પડી ગયો છે. જગતના તમામ ધર્મો અને સંતોએ અહિંસા, શાંતિ, નૈતિકતા અને માનવતાની વાત કરી છે. આમાંથી જ ‘બુદ્ધ, મહાવીર, ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ પેદા થયા હતા.’ બંદૂકો અને એટમ બોમ્બને પરાસ્ત કરવા સંતોની આ પરંપરા જીવતી રહે એ જરૂરી છે. હિંસા અને આતંકવાદનો પરાજય ગાંધી જ કરી શકશે, બુશ કે અોલાન્દે નહીં.
e.mail : rj.goswami007@gmail.com
http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-5175148-NOR.html
સૌજન્ય : ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 22 નવેમ્બર 2015
![]()

