ગાંધી, નેહરુ અને આંબેડકરની કલ્પનાના ભારતને નકારવા અત્યારના શાસકો દેશના સામાજિક પોતને ચીરવાના કામમાં લાગ્યા છે
NDTVના રવિશ કુમાર કહે છે એમ, આજે આખો દેશ ઇતિહાસની પાઠશાળામાં પલાંઠી વાળીને બેઠો છે. કોઈ કહેતાં કોઈ સમાજને ભારતમાં લખાયેલા અને ભણાવાતા ઇતિહાસથી સંતોષ નથી. ધર્માનુયાયીઓને, જ્ઞાતિજનોને, પેટાજ્ઞાતિજનોને, આર્યોને, દ્રવિડોને, પ્રાંતીય જનોને, ભાષાભાષિકોને, દલિતોને, આદિવાસીઓને, પૂર્વાંચલીઓને, પહાડીઓને મળી કોઈને લખાયેલા ઉપલબ્ધ ઇતિહાસથી સંતોષ નથી. દરેક પાસે પોતપોતાની કલ્પનાનો ઇતિહાસ છે અને એ જ સાચો ઇતિહાસ છે એવો આગ્રહ રાખે છે. તેઓ માત્ર એટલેથી નથી અટકતા, બીજાએ પણ તેમના ઇતિહાસને માન્ય રાખવો જોઈએ એવો તેમનો દુરાગ્રહ છે. તેમને એ વાતની ચિંતા નથી કે તેમના દુરાગ્રહને કારણે ભારતના સામાજિક પોતમાં ઊભા-આડા ઉતરડા પડે છે અને દેશ નબળો પડે છે.
િવડંબના એ છે કે આ દેશમાં ક્યારે ય કોઈ આક્રમણકારનો પરાજય થયો જ નથી; શક, હુણ કે સિકંદરથી લઈને છેલ્લે અહમદશાહ અબ્દાલી સુધી કોઈનો નહીં. અંગ્રેજો તો ધંધો કરવા આવ્યા હતા અને છાતી પર ચડી બેઠા, પણ આપણે કાંઈ નહોતા કરી શક્યા. ૧૮૫૭ના વિદ્રોહમાં પણ વિદ્રોહ કરનારાઓનો પરાજય થયો હતો. આપણે ક્યારે ય વિચાર કર્યો છે ખરો કે આવું કેમ બનતું રહ્યું છે? શા માટે કાઠિયાવાડમાં ગામડે-ગામડે પાળિયા છે અને વિજયસ્મારક જવલ્લેજ જોવા મળે છે? અહીં અહમદશાહ અબ્દાલીનો ઉલ્લેખ કર્યો તો તેના નામે નોંધાયેલો એક પ્રસંગ ટાંકવા જેવો છે : ઈ. સ. ૧૭૬૧નું પાણીપતનું ત્રીજું યુદ્ધ અહમદશાહ અબ્દાલી અને બાજીરાવ પેશવાના નેતૃત્વમાં મરાઠાઓ વચ્ચે લડાયું હતું. યુદ્ધની એક રાતે અબ્દાલીએ તેના સેનાપતિને પૂછ્યું હતું કે સામે મરાઠાઓની છાવણીમાં આટલાં બધાં તાપણાં શા માટે છે? સેનાપતિએ કહ્યું કે તેઓ પોતપોતાની રસોઈ રાંધે છે. તેઓ એકબીજાના હાથનું ભોજન આરોગતા નથી. અબ્દાલીએ કહ્યું કે તો આપણો વિજય નક્કી છે, જે પ્રજા એકસાથે જમી શકતી નથી એ એકસાથે શું લડવાની.
સરંજામશાહી કે ચોથ આધારિત જે કાંઈ મરાઠા સામ્રાજ્ય હતું એનો પાણીપતના ત્રીજા યુદ્ધમાં અંત આવ્યો હતો. જે થોડુંઘણું પુણેના પરગણામાં બચ્યું હતું એનો ૧૮૧૮માં ખડકીના યુદ્ધમાં અંગ્રેજો સામે થયેલા પરાજયમાં અંત આવ્યો હતો. એ વર્ષે પુણેમાં શનિવારવાડામાં યુનિયન જૅક લહેરાયો હતો. હકીકતમાં એ મરાઠા સામ્રાજ્ય હતું પણ નહીં, એ પુણેના બ્રાહ્મણ પેશવાઓનું રાજ હતું અને શિવાજીના વંશજો કહેવા પૂરતા શાસકો હતા. પેશવાઓની બ્રાહ્મણશાહી બહુજન સમાજને રંજાડનારી હતી. અંગ્રેજો સામેના યુદ્ધમાં પેશવાઓનો પરાજય થયો ત્યારે પુણે પરગણામાં બહુજન સમાજે દિવાળી ઊજવીને હર્ષ વ્યક્ત કર્યો હતો.
આ ઇતિહાસ શરમજનક છે, પરંતુ આજે એમાંથી ધડો લઈને રાષ્ટ્રીય એકતા વિકસવાની જગ્યાએ દરેક સમાજ ઇતિહાસ બદલીને વિજયી થવા માગે છે એટલે તેઓ ઇતિહાસની પાઠશાળા જમાવીને બેઠા છે અને બીજી પ્રજાનો છેદ ઉડાડવા માગે છે. દેશ ભલે નબળો પડે પણ આપણે વિજયી સાબિત થવા જોઈએ અને જેઓ આપણી સામે લડ્યા હતા તેઓ દેશના દુશ્મન હોય કે નહીં, આપણા દુશ્મન જરૂર છે.

પુણે નજીક ભીમા-કોરેગાવની ઘટના આનું પરિણામ છે. પહેલી જાન્યુઆરી ૧૮૧૮ના રોજ અંગ્રેજો સામેના યુદ્ધમાં પેશવાઓ(મરાઠાઓ નાહક સમજે છે કે મરાઠાઓનો)નો પરાજય થયો હતો. અંગ્રેજોના સૈન્યમાં અંગ્રેજો તો આંગળીના વેઢે ગણી શકાય એટલા જ હતા. તેમનું સૈન્ય બહુજન સમાજનું બનેલું હતું જેમને અંગ્રેજોએ માન સાથે નોકરી આપી હતી. સવર્ણ હિન્દુઓ જેમને અપમાનિત કરતા હતા તેમને અંગ્રેજો પોતાની પાંખમાં લેતા હતા. જો મરાઠાઓએ કે બીજા કોઈ પણ ભારતીય રાજવીઓએ બહુજન સમાજને માનસન્માન આપ્યું હોત અને સૈન્યમાં સ્થાન આપ્યું હોત તો તેમનો અંગ્રેજો સામે કે બીજા કોઈ પણ આક્રમણકારો સામે પરાજય થયો હોત.
પેશવાઓ સામેના યુદ્ધમાં અંગ્રેજો વતી મહાર દલિતો લડ્યા હતા અને તેમણે બ્રાહ્મણ પેશવાઓને હરાવ્યા હતા. દલિતો આને બ્રાહ્મણો સામેના વિજય તરીકે જુએ છે જે પણ ઇતિહાસનું જાતીય સરળીકરણ છે. દેશને આઝાદ કરવા માટે ગાંધીજીએ જાતીય અને કોમી સઘર્ષને પાતળો પાડવાની કોશિશ કરી હતી જેથી અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિને નિરસ્ત કરી શકાય. ગાંધીજીને એમાં આંશિક સફળતા મળી હતી, પરંતુ આપણે તેમને પૂરા સફળ થવા નહોતા દીધા. આપણી અંદર બેઠેલા હિન્દુએ તેમની હત્યા કરી હતી. આઝાદી પછી ડૉ. બાબાસાહેબ આંબેડકરે પણ ભારતના નાગરિકોને સલાહ આપી હતી કે હવે આપણે આપણી નાગરિક તરીકેની ઓળખ વિકસાવવાની છે. માત્ર અને માત્ર નાગરિક ભારતમાં કાયદાનું રાજ વિકસાવી શકે અને દેશને આગળ લઈ જઈ શકે, જ્ઞાતિ અને કોમ નહીં. તેમને જાણ હતી કે કાયદાના રાજમાં જ દલિતો અને વંચિતોનું હિત છે જેનું પરંપરાગત સમાજે શોષણ કર્યું છે.
ગાંધીજી ૧૯૧૫માં ભારત આવ્યા હતા. ૧૯૧૫ પછીથી તેમણે દેશમાં જાતીય અને કોમી એકતા વિકસાવવાનો યજ્ઞ શરૂ કર્યો હતો. બરાબર ૧૦૦ વર્ષ પહેલાં રાષ્ટ્રીય એકતાનો યજ્ઞ ચાલી રહ્યો હતો. આજે ૧૦૦ વર્ષ પછી પાછા આપણે ઇતિહાસની પાઠશાળામાં ગોઠવાઈને એ યજ્ઞને ઠારવાના કામમાં લાગ્યા છીએ. આવી પાછા ફરવાની મૂર્ખાઈ એ જ પ્રજા કરી શકે જેની રાષ્ટ્રીય કરતાં જાતીય અને કોમી અસ્મિતા પ્રબળ હોય.
સવર્ણો ગાંધીજીની શીખ માનીને બહુન સમાજને બાથમાં લેવા માગતા નથી અને દલિતો ડૉ. આંબેડકરની સલાહને અનુસરીને બ્રાહ્મણો સામેના વેરના ઇતિહાસને ભૂલવા માગતા નથી. કોઈને ઇતિહાસ ભૂલવો નથી અને પોતાને માફક આવે એવો ઇતિહાસ સ્થાપિત કરવો છે. આમાં બંધારણ આધારિત આધુનિક ભારતનો ખો નીકળે છે એની કોઈને પરવા નથી.
દલિતો દાયકાઓથી દર વર્ષે પહેલી જાન્યુઆરીએ ભીમા-કોરેગાવ ખાતે વિજયસ્તંભ પર દલિત શહીદોને અંજલિ આપવા હજારોની સંખ્યામાં પહોંચી જાય છે. એ વિજય દલિતોનો નહોતો, અંગ્રેજોનો હતો એ હકીકત સાથે તેમને કોઈ લેવાદેવા નથી. તેઓ એને કારણ વિના દલિતોના બ્રાહ્મણો સામેના વિજય તરીકે જુએ છે. આ વર્ષે એ ઘટનાને ૨૦૦ વર્ષ થયાં ત્યારે દલિતો મોટી સંખ્યામાં ભીમા-કોરેગાવ પહોંચી ગયા હતા.
આ બાજુ મરાઠાઓ પણ કારણ વિના પેશવાઓના પરાજયને મરાઠાઓના પરાજય તરીકે જુએ છે. તેઓ એ હકીકત સ્વીકારવા તૈયાર નથી કે મરાઠા રાજવીઓ નામ પૂરતા રાજવી હતા અને પેશવાઓ દ્વારા વર્ષાસન પર નભતા હતા. મહારાષ્ટ્ર સળગ્યું એ ખોટી અને વાંઝણી અસ્મિતાનું પરિણામ છે. સંભાજી ભીડે અને મિલિંદ એકબોટે નામના બે મરાઠા આગ લગાડવામાં અગ્રેસર હતા. તેમને જાણ હતી કે ૧૮૧૮ની લડાઈની દ્વિશતાબ્દી નિમિત્તે દલિતો મોટી સંખ્યામાં ભીમા-કોરેગાવમાં ઉપસ્થિત રહેવાના છે. તેમણે જાણીબૂજીને ગોવિંદ ગાયકવાડ નામના મહારની સમાધિ તોડી નાખી હતી. આ પણ એક સાચો-ખોટો પણ સામાજિક પોતને ચીરે એવો ઇતિહાસ છે. એમ કહેવાય છે કે ૧૬૮૯માં છત્રપતિ શિવાજીના પુત્ર સંભાજીની હત્યા પછી ઔરંગઝેબે ફરમાન કાઢ્યું હતું કે જેકોઈ સંભાજીના અગ્નિસંસ્કાર કરશે તેની હત્યા કરવામાં આવશે. ડરને કારણે કોઈ મરાઠા આગળ આવતા નહોતા ત્યારે ગોવિંદ ગાયકવાડ નામના મહારે સંભાજીના અગ્નિસંસ્કાર કર્યા હતા અને પ્રાણ ગુમાવ્યા હતા. આ ઘટનાના કોઈ ઐતિહાસિક દસ્તાવેજ મળતા નથી, જે રીતે ચિત્તોડગઢમાં કોઈ સમયે પદ્મિની થઈ હોવાના કોઈ પુરાવા નથી. જેમને લડવું છે તેને લડવા માટે ઇતિહાસ ઉપલબ્ધ છે અને હજી વધુ લડવા માટે પોતાને અનુકૂળ આવે એ રીતે ઇતિહાસ બદલવાની જીદ છે.
સંભાજી ભીડે અને મિલિંદ એકબોટે હિન્દુત્વવાદી છે અને એકબોટે એક સમયે પુણેના ભારતીય જનતા પાર્ટીના નગરસેવક હતા. એકબોટે સામે એક ડઝન ફોજદારી કેસ છે. ભીડેગુરુજીના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફૅન છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી ગુરુજીના આર્શીવાદ લેવા તેમના ઘરે સાંગલી ગયા હતા અને પગે લાગીને પ્રણામ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે હું ગુરુજીના આદેશથી ખાસ સાંગલી આવ્યો છું, મારી મેળે ચૂંટણીપ્રચાર માટે નથી આવ્યો. સુરતનો ટ્રોલ નિખિલ દધિચ અને ભીડેગુરુજી વગેરેને આપણા વડા પ્રધાન ફૉલો કરે છે.
ગાંધી, નેહરુ અને આંબેડકરની કલ્પનાના ભારતને નકારવા અત્યારના શાસકો દેશના સામાજિક પોતને ચીરવાના કામમાં લાગ્યા છે. આવનારા દિવસોમાં દેશમાં જાતીય વિગ્રહ થાય તો આશ્ચર્ય નહીં પામતા.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 04 જાન્યઆરી 2018
![]()


‘અવલોકન-વિશ્વ’ એ વાચનમાં રસ ધરાવનારને સમૃદ્ધ કરનારું તાજગીસભર પુસ્તક છે. ગુજરાતી સાહિત્યના જાણીતા વિવેચક અને ગ્રંથવિદ્દ રમણ સોનીએ દૃષ્ટિપૂર્વક સંપાદિત કરેલા આ સંચયમાં અત્યારના સમયના ૮૬ પુસ્તકોનાં ૭૮ લેખકોએ કરેલાં અભ્યાસપૂર્ણ ગુજરાતી અવલોકનો છે.
અનેક ભાષાઓના પુસ્તકો અહીં આવરી લેવાયાં છે. તેમાંથી ભારતીય ભાષાઓ છે : અસમિયા, ઉડિયા,ઉર્દૂ, કન્નડ, કાશ્મીરી, ગુજરાતી, તમિલ,પંજાબી, બંગાળી, ભારતીય અંગ્રેજી, મરાઠી, રાજસ્થાની, સંસ્કૃત, સિંધી અને હિન્દી. અંગ્રેજીમાં અનુવાદિત અન્ય જે ભાષાઓનાં પુસ્તકો છે તેમાં આઇરીશ, આફ્રિકન, ઇટાલિયન, કૅનેડિયન, તિબેટન, જાપાની, પેલેસ્ટિનિયન, પોલિશ, ફ્રેન્ચ, સ્પૅનિશ. પુસ્તકોનાં સ્વરૂપો અને વિષયો પણ વિવિધ છે. મોટાં કદનાં આ પુસ્તકનાં ૩૬૮ પાનાંમાં કવિતા, નાટક,નવલિકા, નવલકથા જેવી સાહિત્યકૃતિઓની આસ્વાદાત્મક સમીક્ષા છે. સંશોધન અને વિવેચન ગ્રંથો, જીવનચરિત્ર અને કેફિયત-મુલાકાત-સંભારણાં-ડાયરી-આત્મકથા જેવાં સ્વકથનોનાં પુસ્તકોની સમાલોચના છે. ચિત્ર, નૃત્ય અને સિનેમા જેવી કળાઓનાં પુસ્તકોનાં પરીક્ષણો છે. અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, શિક્ષણ, ઇતિહાસ, ભાષાવિજ્ઞાન, વ્યાકરણ, લોકસાહિત્ય, ડાયાસ્પોરા, મીડિયા અને સોશ્યલ મીડિયાને લગતાં પુસ્તકોનો પરિચય છે. ગહન તત્ત્વચર્ચા, નારીચેતના, દેશ અને દુનિયાના વંચિતોનાં વીતક વર્ણવતાં પુસ્તકોને પણ સ્થાન છે. કલા અને માનવવિદ્યાઓની અનેક શાખાઓનું પ્રતિનિધિત્વ અહીં છે, પણ પ્રાધાન્ય કે પ્રભાવ કોઈનો નથી. દરેક પુસ્તક અને અવલોકનકાર વિશેની વિગતોની પાનાં પરની માંડણીમાં સાદગીભરી સૂઝ છે. અનુક્રમણિકા જુદી ઢબની છે. છેલ્લા હિસ્સામાં અવલોકનકારો, પુસ્તકો, લેખકો અને પુસ્તકોનાં વિષયો/સ્વરૂપોની સૂચિઓ છે.
પુસ્તકની સાંપ્રતતા એ તેની મોટી ઉપલબ્ધિ હોય છે. આપણે ત્યાં ગયાં વર્ષે છપાયેલાં પુસ્તકો દુકાનો કે ગ્રંથાલયોમાં મળતાં હોતાં નથી. સાહિત્યિક સામયિકોમાં નવાં ન કહી શકાય તેવાં અને સાવ સાધારણ દરજ્જાનાં પુસ્તકોનાં અવલોકનો છપાયાં કરતાં હોય છે. આવા કિતાબી માહોલમાં રમણ સોનીએ દુનિયાભરનાં તાજેતરનાં પુસ્તકો વિશે લેખો સિદ્ધ કરાવ્યા છે. અહીં અવલોકિત ૮૬ પુસ્તકોમાંથી ૪૫ જેટલાં પુસ્તકો ગયાં ત્રણ વર્ષનાં અને તેમાં ય સત્તર પુસ્તકો ૨૦૧૬નાં છે. એટલે અહીં કન્હૈયા કુમારની આપવીતી ‘બિહાર ટુ તિહાર’, ચેતન ભગતની નવી નવલકથા ‘વન ઇન્ડિયન ગર્લ’, ગુલામ મોહમ્મદ શેખનાં લખાણોનો સંચય ‘નીરખે તે નજર’, લંડનમાં ગયા જુલાઈમાં ભજવાયેલું નાઇટ ‘ધ ક્યુરિયસ ઇન્સિડન્ટ ઑફ ધ ડૉગ …’, રુચિર શર્માનું અર્થશાસ્ત્ર ચિંતન ‘ધ રાઇઝ ઍન્ડ ફૉલ ઑફ નેશન્સ’, અશોક વાજપેયીનો કાવ્યસંચય ‘નક્ષત્રહીન સમય મેં’ , ‘બેસ્ટ ઑફ બ્રિટિશ પોએટ્રી 2015’ જેવાં બિલકુલ હમણાંનાં પુસ્તકો વિશે વાંચવા મળે છે. લેખોમાં પણ સાંપ્રતનો પાસ છે. જેમ કે, આ વર્ષે જુલાઈમાં બહાર પડેલાં ‘અવલોકન-વિશ્વ’માં પૉલ કલાનિથિના ૨૦૧૬માં બહાર આવેલા આત્મકથન ‘વ્હેન બ્રેથ બિકમ્સ એર’ પરના લેખમાં સમીક્ષક છેક ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૭ ના – એટલે કે રમણભાઈનુ આ સંપાદન છપાવવા જતાં ચાર જ મહિના પહેલાંના – ‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’નો હવાલો આપે છે. તે જ રીતે ટેરિ ઇગલટનના ‘આઇડિઓલૉજિ’ પુસ્તક પરના લેખમાં ‘પોસ્ટ ટ્રુથ'; અને ‘ડિસ્ટન્ટ રીડિંગ’ એટલે કે દૂરવર્તી વાચન પરનાં પુસ્તકમાં ડિજિટલ હ્યુમાનિટીઝ એટલે કે અંકીય માનવિકી જેવી બહુ જ અદ્યતન સંકલ્પનાઓના પ્રસ્તુત સંદર્ભો છે.Texting અને Twitterature પરનાં પુસ્તકોનો પરિચય પણ છે. અદ્યતનતાના આવા બીજા દાખલા પણ આપી શકાય.