કેટલાક લોકો કહેતા ફરે છે, વડાપ્રધાન મોદીએ તો કોરોના સામેની લડતમાં દુનિયાભરમાં ડંકા વગાડી દીધા. થાળી-તાળી-ઢોલ-પિપૂડાં વગાડ્યાં એ ડંકા વગાડ્યા ન કહેવાય; મૂર્ખામીનો તમાશો કર્યો કહેવાય. સતત બે મહિના લૉક ડાઉન રાખવું એ મહાન સ્ટ્રેટેજી ન કહેવાય, મજબૂરી કહેવાય. ભારત પાસે નથી પૂરતી હોસ્પિટલો, નથી સલામતીનાં સાધનો, નથી જે મૅડિકલ સ્ટાફ કામ કરે છે તેમના માટે માન-સન્માન, નથી સામાન્ય જનતામાં સમજદારી કે જાગૃતિ. પછી લૉક ડાઉન જ કરવું પડે ને! નથી ગરીબો, મજદૂરો, સ્થળાંતરિત મજદૂરો માટેની કોઈ યોજના કે સગવડો! આ લોકો જાતે વ્યવસ્થા કરવા બહાર નીકળે તો પોલીસના ડંડા પડે છે, ને તમે કહો છો દેશ-વિદેશમાં ડંકા પડે છે!
સરકાર તો ખાનગી હોસ્પિટલો અને હોટેલોમાં દરદીઓને ધકેલી રહી છે, નથી એમાં કોઈ સરકારી મદદ આપવાની વાત, નથી સરકાર પાસે પૂરતી વ્યવસ્થા (અને હજુ તો ભારતમાં હવે કોરોનાનો કેર વધી રહ્યો છે), નથી દરેક રાજ્યોના મુખ્ય મંત્રીઓ અને પ્રધાન મંત્રીનાં રાહત ફંડ અને PM Cares જેવા ખાનગી ફંડોમાં ઉઘરાવેલા રૂપિયાનો કોઈ ઉપયોગ કે હિસાબ. શેના ડંકા વગાડી દીધાં એ તો કહો?
નિષ્ણાતો ચેતવી રહ્યા છે કે ભારતમાં ચેપનાં લક્ષણ વગર કોરોના ફેલાય એવી શક્યતા ગંભીર છે. હજુ સાચવવાનો સમય છે અને સરકારને તો એમાં પણ હિન્દુ-મુસ્લિમ થાય તેમાં રસ છે! ડંકા જ વગાડો તમતમારે, બીજું કશું થાય તેમ નથી.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 23 ઍપ્રિલ 2020
![]()


કોવિડ-૧૯ની મહામારી ફેલાઈ ત્યારથી ફક્ત ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ ‘યુદ્ધ’, ‘મોરચો’, ‘લડાઈ’, ‘જંગ’, (ડૉક્ટર-નર્સ માટે) ‘મોખરે રહીને લડનારા’ જેવા શબ્દપ્રયોગ છૂટથી વપરાતા રહ્યા છે. તે વપરાય છે પરિસ્થિતિની ગંભીરતા — કંઈક અંશે, નાટ્યાત્મક ગંભીરતા — દર્શાવવા માટે. પરંતુ કેટલાક અભ્યાસીઓએ આ પ્રકારના શબ્દપ્રયોગો કેમ અસ્થાને અને નુકસાનકારક છે, તે તરફ ધ્યાન દોર્યું છે.
“પરંપરાગત મૂડીવાદ મરી રહ્યો છે અથવા કમ-સે-કમ તે સામ્યવાદની કંઈક નજીક કહી શકાય તેવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે”, ઓસ્ટ્રેલિયાની એક રોકાણકંપની મેકારી વેલ્થ દ્વારા તેના રોકાણકારોને તાજેતરમાં કોરોના મહામારીના માહોલમાં આમ કહેવામાં આવ્યું છે. શું ખરેખર મૂડીવાદનું સ્વરૂપ કોરોના વાઇરસને લીધે બદલાશે? 1991માં સોવિયેત સંઘનું પતન થયું અને તેના 15 દેશોમાં ટુકડા થઈ ગયા ત્યારે લંડનના માતબર અખબાર ‘ફાઇનાન્સિયલ ટાઈમ્સ’ દ્વારા તેના તંત્રીલેખનું શીર્ષક હતું: “સામ્યવાદ, એક ઈશ્વર, જે મરી ગયો!” અને મૂડીવાદે દુનિયાના નવા ઈશ્વર તરીકે તેની સાથે જ જન્મ લઈ લીધો! આજે કોરોના મહામારીને લીધે મૂડીવાદની રીતિનીતિ સામે કેટલાક સવાલ ઊભા થઈ રહ્યા છે અને તે ટકશે કે તેનો મૃત્યુઘંટ વાગશે તેવા સવાલોના જવાબ શોધવામાં આવી રહ્યા છે.