અહીં એક એવી યાદગાર સફર વિષે વાત કરવી છે કે જેમાં અમે થોડા સમય પહેલાં બ્રિટનના અતિ રમણીય એવા “કોટ્સવૉલ્ડ્સ” (Cotswolds) પ્રદેશનાં ગામડાંઓની મુલાકાત લીધી હતી, અને ત્યાં નિરાંતે ફરીને તેનાં અતિ મનોહર એવાં સૌંદર્યને નજરે જોઈને તેના સાક્ષી બનવાનું નસીબ અમને સાંપડ્યુ હતું, અને જીવનભરનું યાદગાર નઝરાણું બન્યું હતું. કોટ્સવૉલ્ડ્સ (Cotswolds) શબ્દનો મૂળ અર્થ થાય છે “ઘેટાંઓને રહેવા માટેની પહાડી વિસ્તારની જગ્યા”, જ્યાં wold શબ્દનો અર્થ “ટેકરી” થાય છે. ગ્લૂસેસ્ટરશાયર કાઉન્ટીમાં આવેલ આ આકર્ષક અને રમણીય વિસ્તાર આશરે 2,100 સ્ક્વેર કિલોમિટર ક્ષેત્રને આવરી લે છે. એમ કહેવાય છે કે બ્રિટનના રહેવાસીઓ ભલે યુવાન વયે, અને તત્કાલીન ધોરણે ત્યાં રહેવા જવાની યોજના ના ઘડે, પરંતુ જેવા તેઓ રિટાયર થવાની ઉંમરે પહોંચે એટલે “બાકીની જિંદગી શાંતિથી અને કુદરતના આહલાદક ખોળે રહેવા માટે કોટ્સવૉલ્ડ્સમાં રહેવા જઈશું” એવો સ્વપ્ન સમાન લાગતો મનસૂબો યુવાન વયે જ અચૂકપણે ઘડી લે છે. આ મનસૂબાને સાકાર કરવા તેમણે તેમની કારકિર્દી દરમ્યાન ખૂબ મહેનત અચૂકપણે કરવી પડે છે, કેમ કે આ પ્રદેશમાં ઘરો તથા વિલા અતિશય મોંઘા હોવાને લીધે તેમાં પોતાનું ઘર વસાવવું એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે. આ વિસ્તારના ઘરોની સરેરાશ કિંમત આશરે 4.3 લાખ પાઉન્ડથી શરૂ થાય છે, અને સૌથી મોંઘા વિલાની કિંમત આકાશને આંબે તેટલી વધુ હોય છે.
લંડનમાં સારું એવું ફર્યા પછી ત્યાંથી ઉત્તર-પશ્ચિમ દિશામાં આશરે 140 કિલોમિટર દૂર આવેલ કોટ્સવૉલ્ડ્સ પ્રદેશ તરફ અમે કારમાં બેસીને જવા માટે રવાના થયાં. લંડનથી કોટ્સવૉલ્ડ્સ સુધીના રસ્તા પર જોવા મળતા કુદરતી દૃશ્યો જોઈને જ મન પરિતૃપ્ત બની ગયું હતું. વળી, પશ્ચિમ તરફના આ જ રસ્તા પર ઓક્સફર્ડ શાયર કાઉન્ટીમાં સ્થિત ઓક્સફર્ડ (Oxford) શહેર અને તેની વિશ્વ વિખ્યાત એવી “ઓક્સફર્ડ યુનિવર્સિટી” આવેલી છે. અમે ઓક્સફર્ડ શહેર અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની યાદગાર મુલાકાત જો કે અગાઉ લઇ ચુક્યા હતા, એટલે આ વખતે વચ્ચે ક્યાં ય રોકાયા નહોતા. કોટ્સવૉલ્ડ્સ પર આગળ વધતાં વિશાળ એવા લીલ્લાછમ્મ ઘાસના મેદાનોમાં ઘેટાંઓ, ઘોડા, અને અન્ય શાકાહારી પ્રાણીઓને છૂટથી ચરતાં હોય તેમ અચૂક જોવા મળે, જે દૃશ્યો ઘણાં આહલાદક હતાં. આમ, જેના વિષે ઘણું સાંભળ્યું હતું એવા કુદરતી સૌંદર્યથી ભરપૂર અને મનમોહક એવા કોટ્સવૉલ્ડ્સ વિસ્તારને પ્રત્યક્ષ જોવા માટેની યોગ્ય પૂર્વભૂમિકા આપોઆપ જ બંધાઈ ગઈ હતી.
કોટ્સવૉલ્ડ્સ એ યુનાઇટેડ કિંગડમનો એક એવો મનોહર અને અતિ ધનાઢ્ય વિસ્તાર છે, જે તેની પ્રાકૃતિક સુંદરતા, નાનાં એવાં મોહક ગામડાંઓ, ફરતી આવેલ લીલ્લીછમ્મ ટેકરીઓ, ઘાસના વિશાળ મેદાનો, અને એક અનોખી ભાત પાડતા એવા ગ્રામ્ય વિસ્તારો માટે જાણીતો છે. કોટ્સવૉલ્ડ્સની મૂળભૂત એવી કેટલીક બાબતો છે, જે આપણને તેના સૌંદર્યથી અને તેની મોહક છટાથી વશ કરી લેવા પૂરેપૂરા સક્ષમ છે, ખાસ કરીને ત્યાંના સુંદર મજાના મનમોહક ગામડાંઓ. શહેરી ઝાકઝમાળ જ્યાં સ્પર્શી ના હોય તેવા ગામડાંની ખરી મજા આખરે તો તેની સરળતામાં જોવા મળે છે. લંડન જેવાં મોટાં શહેરોમાં લોકો પોતાના કામમાં ગળાડૂબ વ્યસ્ત હોય તેમ ઉતાવળેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જવા ઝડપભેર ભાગતા જોવા મળે, પણ અહીં તો નદી-ઝરણાંની નજીક પથ્થર કે લાકડાના બાંકડા પર નાનકડા જૂથમાં લોકો ચાની ચુસ્કી લગાવતા, મજાક મસ્તી કરતા, અને હસતા ખેલતા નજરે પડે. અદ્દભુત કુદરતી નઝારાની વચ્ચોવચ્ચ હળવાશની પળોની મજા માણવી હોય તો કોટ્સવૉલ્ડ્સના આ ગામડાંઓમાં આવવું જ પડે.
કોટ્સવૉલ્ડ્સ પ્રદેશનાં ગામડાંઓમાં જોવા મળતાં મકાનોની વાત કરીએ તો બે-ત્રણ માળના ઘરો અહીં જરૂરથી જોવા મળે, પણ 10-20 માળના ઊંચા ટાવર ક્યાંયે જોવા ના મળે. ગામડાંના મધ્યભાગ(સિટી સેન્ટર)માં દેખાતું દૃશ્ય કંઈક આ પ્રમાણે હોય — બાજુમાં વહેતા પ્રવાહ સાથેનું નદી-ઝરણું હોય, આજુબાજુ હરિયાળીથી છવાયેલા ઝાડવાઓ હોય જે ઝરણાં તરફ ઝૂકીને એક આહલાદક દૃશ્ય ઊભું કરતાં હોય, ઝરણાંની અજુબાજુએ રાખેલા પથ્થર કે લાકડાના બાંકડાઓ પર લોકો આરામથી બેસીને હળવાશની પળો માણતા હોય, નાના છોકરાંઓ ઘાસ પર દોડાદોડી કરીને હસતાં રમતાં હોય, આજુબાજુ દેખાતા મોટાભાગના ઘરોમાં આગળના ફળિયામાં નીતનવાં ફૂલો સાથેના સરસ મજાના બગીચા હોય, પ્રત્યેક ઘરોની આગળની દીવાલ પર અલગ અલગ રંગોના ગુલાબના છોડ એવીરીતે બાંધેલા હોય કે છોડ દીવાલ પર વેલની જેમ ફેલાઈને દીવાલને ઢાંકી દેતો હોય તેમ દેખાય, રસ્તાઓ સિવાયની જગ્યાઓએ લીલ્લુંછમ્મ ઘાસ ચોતરફ દેખાતું હોય — આ નિરાંતના માહોલ જોઈને સમય જાણે પળ બે પળ માટે થંભી ગયો હોય, તેવી ટાઢક સાથેની અનુભૂતિ અવશ્ય થયા વિના ના રહે. સરસ જગ્યાઓએ લાકડાના કે પથ્થરના બનેલા બાંકડાઓ ગોઠવેલા અચૂકપણે જોવા મળે, અને તેથી ત્યાં બેસીને આરામથી સમય પસાર કરી શકાય. રંગબેરંગી ગુલાબનાં ફૂલોના છોડ જાણે દીવાલપર ચડતા હોય તે રીતે શણગારવામાં આવ્યા હોય, તેવા ગુલાબ આચ્છાદિત સુંદર દેખાતા ઘરો અહીં ઠેરઠેર જોવા મળતા હતા. રોજની ઘરેડમાંથી બહાર નીકળીને, કુદરતના ખોળે નિરાંતે બેસવું કેટલું આહલાદક લાગે એ આવાં ગામડાંઓ આપણને અચૂક શીખવાડે! આવાં સાફસૂથરા ગામડાંઓ અને તેમાં કુદરતી સૌંદર્યની ભરમાર ચોતરફ જોવા મળતી હોય ત્યાં સ્વર્ગની અનુભૂતિ થયા વિના રહેતી નથી, અને ત્યાંથી ખસવાનું મન જ ના થાય. બ્રિટનના રહેવાસીઓ આખરે રિટાયર થયા પછીનું જીવન, ગમે તેમ કરીને પૈસાનો મેળ કરીને પણ, અહીં કેમ વિતાવવા માંગતા હશે તે વાત અહીં કોટ્સવૉલ્ડ્સના ગામડાંઓને પ્રત્યક્ષ જોયા પછી સમજાતી હતી.
કોટ્સવૉલ્ડ્સ પ્રદેશમાં ઘણાં બધાં ગામડાંઓ આવેલાં છે, જેમ કે બર્ટન-ઓન-ધ-વોટર, સ્ટો-ઓન-ધ-વોલ્ડ, કેસલ કોમ્બે, બિબરી, ચીપિંગ કેમ્પડેન, વૉલ્ટન-અંડર-એજ, પેન્સવિક વગેરે. આમાંથી પ્રથમ બે ગામડાંઓ અમે જોયાં હતાં, જે અદભુત સુંદર હતાં. ખાસ કરીને “બર્ટન-ઓન-ધ-વોટર” ગામ અમને ખૂબ ગમી ગયું હતું, અને ત્યાં અમે સારો એવો સમય વિતાવ્યો હતો. આ ગામમાં ઘણું બધું ફરીને તેનાં મુખ્ય સ્થળો જોયાં પછી એક રેસ્ટોરન્ટમાં વેજિટેરિઅન બર્ગર અને કોફી નિરાંતે બેસીને પીવાની મજા માણી હતી એ યાદગાર સમય હતો. ત્યારબાદ અમે ઝરણાંને કિનારે આવેલા બાંકડા પર બેસીને નિરાંતે આરામ કર્યો હતો.
બર્ટન-ઓન-ધ-વોટર ગામ જેને લીધે પ્રખ્યાત બન્યું છે તે ગામડાંની બરાબર વચ્ચેથી પસાર થતી અને હળવા પ્રવાહ સાથે વહેતી “વિન્ડરશ” નદી ને આભારી છે. વધુમાં, આ નદી પર આવેલ પથ્થરથી બનાવેલા 5 બ્રિજ ખૂબ સુંદર દૃશ્ય ઊભું કરે છે. કમાન (arch) જેવી ગોળાઈ ધરાવતા આ સાધારણ ઊંચાઈના બ્રિજ દેખાવમાં ખૂબ આકર્ષક લાગે છે. આ બ્રિજ પર જઈને લોકો ફોટા પાડવામાં વ્યસ્ત જોવા મળતા હતા. આ બ્રિજ વાસ્તવમાં સદીઓ પુરાણાં છે (પ્રથમ બ્રિજ છેક 1654માં અને છેલ્લો બ્રિજ 1953માં બન્યો હતો) અને તે કોટ્સવૉલ્ડ્સમાં જ સ્થાનિક રીતે મળી આવતા પથ્થરમાંથી બનાવેલ છે. મુખ્યત્વે આ બ્રિજને લીધે ઉભરતાં મનોહર દૃશ્યને લીધે જ “બર્ટન-ઓન-ધ-વોટર” ગામનું નામ પડ્યું હશે, અને આ ગામને “કોટ્સવૉલ્ડ્સ પ્રદેશના વેનિસ”નો પ્રતિષ્ઠિત દરજ્જો આપવામાં આવ્યો છે તે ગામના મનોહર એવાં અંતરાળ ભાગોને જોતાં ખરેખર ઉચિત જ લાગે. બ્રિજની અજુબાજુએ નદીના પ્રવાહ તરફ હળવેકથી ઢળતાં સરસ મજાનાં ફૂલ-ઝાડ એક એવો માહોલ રચે છે કે ત્યાં કિનારા પર રાખેલ બાંકડાઓ પર કે પછી ઘાસ પર બેસવું ઘણું ગમે. ઘણાં લોકો પોતાની ફોલ્ડિંગ ખુરસીઓ સાથે લાવીને ઝાડ નીચે ગોઠવીને તેના પર નિરાંતે બેઠેલાં જોવાં મળતાં હતાં. આ વિસ્તારની ઇમારતો માટે વપરાતો પથ્થર સ્થાનિક રીતે ખોદવામાં આવે છે અને તેનો અનોખો એવો વિશિષ્ટ સોનેરી રંગ (જે મધપૂડા જેવો ઘાટો રંગ ધરાવે છે), તે આંખને પહેલી નજરે જ ગમી જાય તેવો હોય છે. આ પથ્થરને જ્યારે સ્થાનિક જગ્યાએથી ખોદી કાઢવામાં આવ્યો હોય, ત્યારે શરૂઆતમાં તે પીળા રંગનો હોય છે, પણ સમય જતાં હવામાનની અસરથી તેનો રંગ દેખાવમાં આકર્ષક એવો થોડો ઘાટો અને સોનેરી બની જાય છે. આ નયનરમ્ય પથ્થર સુંદર હોવા સાથે ઐતિહાસિક ઇમારતોમાં તેના વપરાશને લીધે ભૂસ્તરશાસ્ત્રીઓ માટે એક અગત્યની કડી રૂપ બની ગયો છે.
કોટ્સવૉલ્ડ્સ સમૃદ્ધ આર્કિટેક્ચરલ વારસો ધરાવે છે, જેમાં ઐતિહાસિક ચર્ચ, મેનોર હાઉસ અને સદીઓ પહેલાની સુંદર ઇમારતો ચોતરફ જોવા મળે છે. આ પથ્થર, કે જેને “Oolitic Jurassic Limestone” કહેવામાં આવે છે, તેના વિષે એમ કહેવાય છે કે કોટ્સવૉલ્ડ્સનો પ્રદેશ લાખો વર્ષો અગાઉ સમુદ્રના પાણીમાં પૂરેપૂરો ડૂબેલો વિસ્તાર હતો, અને તેને લીધે જ ત્યાંથી મળી આવતા પથ્થરનો રંગ વિશિષ્ઠ પ્રકારનો સોનેરી જેવો દેખાય છે, જે આંખને જોતાં જ ગમી જાય તેવો હોય છે. આ પથ્થરમાંથી બનેલ ઘરોની દીવાલો અને તેના છાપરાનો ભાગ એક વિશિષ્ઠ છાપ ઊભી કરે છે, જેને કોટ્સવૉલ્ડ્સ પ્રદેશનું નજરાણું ગણવામાં આવે છે. બ્રિટનમાં હાથ ધરાયેલા સર્વેક્ષણ અનુસાર એમ સ્પષ્ટપણે માનવામાં આવે છે કે કોટ્સવૉલ્ડ્સ પ્રદેશમાં અતિ ધનાઢ્ય લોકો રહે છે, અને ત્યાંના ઘરોની સરેરાશ કિંમત આશરે 4.3 લાખ પાઉન્ડથી શરૂ થઈ તેની કિંમત ઘણી વધારે હોઈ શકે છે. એમ કહેવાય છે કે કોટ્સવૉલ્ડ્સ પ્રદેશમાં ખૂબ જાણીતી બનેલી એવી અને અતિ ધનાઢ્ય કહેવાય તેવી 50થી પણ વધુ લબ્ધ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ (celebrities) રહે છે. આમાંથી થોડા જાણીતાં નામ આ રહ્યા, Patrick Stewart (Star Trek), Ben Kingsley (Gandhi, Schindler´s List), Richard Hammond (Top Gear) વગેરે.
કોટ્સવૉલ્ડ્સમાં લાંબા અંતર સુધી ચાલીને ફરવા જવું એનો માહોલ માણવા જેવો છે, અને આ સ્પોર્ટ્સ સમગ્ર બ્રિટનમાં ખૂબ પ્રખ્યાત બની ચુક્યો છે. આ મનોહર વિસ્તારમાં નિરાંતે ચાલીને કુદરતના ખોળે તેનું સૌંદર્ય માણવું એ એક અદ્દભુત લ્હાવો છે. સમગ્ર વિસ્તારમાં ચાલવા માટેના નયનરમ્ય રસ્તાઓનું એક વિશાળ નેટવર્ક બનાવવામાં આવેલ છે, જેના દ્વારા કોટ્સવૉલ્ડ્સમાં કોઈ પણ જગ્યાએ તમે રહ્યા હો, ત્યાં ચાલવા માટેનો રસ્તો (hiking track) નજીકમાં જ મળી આવશે. આવા રસ્તાઓની આજુબાજુએ આવેલ ઘાસ આચ્છાદિત ટેકરીઓથી છવાયેલ પહાડી વિસ્તાર કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે અદ્ભુત તક પૂરી પાડે છે. આ પ્રદેશ હિંસક ન હોય તેવા વન્યજીવનથી ભરપૂર છે. નદી-નાળાંઓ પર હંસ અને બતક સહિત વિવિધ પક્ષીઓ ભરપૂર માત્રામાં જોવા મળે છે. વળી, ગાઢ જંગલ જેવા ગણ્યાગાંઠ્યા વિસ્તારોમાં શિયાળ અને હરણ દોડાદોડી કરતાં અચૂક જોવા મળે છે. વળી, કોટ્સવૉલ્ડ્સ કેટલાક અદ્દભુત બગીચાઓ ધરાવે છે, જેમાં હિડકોટ મેનોર ગાર્ડન અને સુડેલી કેસલ બગીચાઓ તેમની વિશિષ્ઠ માવજતને લીધે ખાસ જોવા જેવા ગણાય છે.
આમ, બ્રિટનનો કોટ્સવૉલ્ડ્સ પ્રદેશ, અને ખાસ કરીને તેમાં આવેલાં મનમોહક ગામડાંઓની અમારી સફર જીવનભરનું એક યાદગાર સંભારણું બની ગઈ છે.
સૌજન્ય : આ લખાણ ડૉ. દિલીપ પી. આહલપરાની ફેઇસબૂક દીવાલેથી સાદર