તિર્યકી
ઃ તમે ડેગર્સમાં જઈ આવ્યા? યાર, જઈ આવો. હાલ ડિસ્કાઉન્ટ ચાલે છે. શું રેઇન્જ છે ગારમેન્ટ્સની! ફૅન્ટેિસ્ટક! જલસા પડી જશે, બાપુ!
ઃ ડેગર્સ કરતાંયે ડેડલી ઍરોમાં વેરાયટી વધારે મળે. ખાલી કપડાં નહીં, વૉચ, વૉલેટ, બૅલ્ટ, બૅગ, લેપટૉપ, ક્રીમ, લૉશન, અરે પરફ્યુમ સુધ્ધાં, જવું છે રાઇટ નાઉ?
ઃ સાંજે જઈએ. પછી ત્યાંથી સ્વૉર્ડમાં ખાવા જઈશું.
ઃ સ્વૉર્ડ ? એ ક્યાં આવ્યું ?
ઃ સહૃદય સોસાયટીની સામે, હારમની પાર્ક અને કરુણા ઍપાર્ટમેન્ટ્સની વચ્ચે જે ગલી પડે તેમાં …
ઃ છોડોને માથાકૂટ! સાથે જવાનાં છીએ પછી શું!
ઃ જરા ગપસપ કરીશું. મોબાઇલ મારોને પેલા પપ્પુને, આવતો હોય તો છો આવે, એની વાતો જબરદસ્ત હોય છે.
ઃ પપ્પુના પાવનપાર્કમાં ઇલેક્શન હતું કાલે, ખબર છે ?
ઃ શેનું ઇલેક્શન?
ઃ એ જ, પાવનપાર્ક કો-ઑપરેટિવ સોસાયટીનું. પપ્પુના ગ્રૂપે પેલા ચતુરભાઈને પછાડ્યો બરાબરનો,
ઃ શું વાત કરે છે? ચતુરભાઈ તો બાહુબલી. એને હરાવી દીધા એ તો ન્યૂઝ કહેવાય, યાર!
ઃ તેમાં જ તો તમને આપ્યા. ચતુરભાઈને ભોં ભેગા કરી દીધા. પપ્પુ બી એક પાટુએ ચારને પાડે એવો સિંઘમ છે, ચીંથરાં ઉડાડી દીધાં. ચતુરિયાનાં!
ઃ ચતુરનો ભાઈ તો બિલ્ડર છે ને પેલી પાવરફુલ લૉબીનો? એક-એક શાર્પશૂટર એ લૉબીનો!
ઃ બ્લડડ્રૉપ કન્સ્ટ્રક્શન જેવું વિચિત્ર નામ છેને એની કંપનીનું?
ઃ એ જ, એનું બ્લડ ડ્રોપ તો પેલા ધનેશભાઈની કંપની ડ્રેગન ઍન્ડ ફ્રૅન્ડઝ …
ઃ સાલા જબરાં નામ રાખે છે આજકાલ આ લોકો!
ઃ ટ્રેન્ડ છે યાર જમાનાનો, છરાતલવારના ડેમોન્સ્ટ્રેશનનો ક્રેઝ છે હાલ, પેલો શૉ જોયો મોબ લિન્ચિંગનો?
ઃ સ્ટેજ પર મોબ લિન્ચિંગ?
ઃ નહીં ત્યારે? ઑનલાઇન ટિકિટોની પડાપડી ને ત્યાં ઑડિટોરિયમ પર તો બ્લૅકમાં.
ઃ ના હોય, લોકોમાં ટેસ્ટ આટલા હોરિબલ!
ઃ અરે, જોવામાં ક્રીમી લેયર પણ ખરું ને તપેલીને તળિયે ચોંટેલું ખોપડી લેયર પણ ખરું.
ઃ પોપડી પરથી યાદ આવ્યું કે ત્યાં શો પહેલાં, અને પછી, ખોપડીનાં ચિત્રોવાળાં ટી-શર્ટ વેચાતાં હતાં, માત્ર ખોપડીનાં નહીં, રાક્ષસોના પ્રોફાઇલ, ડેડબૉડીના ડુંગર, બ્લડરિવર ને એવું બધું ટેરિફાઇંગ, તોયે ખરીદવાવાળાઓને ઇન્ટરટેસ્ટિંગ લાગ્યું. આપણો પ્રથમેશ લઈ આવેલો તે જોયું મેં.
ઃ તે છે કોણ આ મૉબ-લિન્ચિંગનો શોનો દિગ્દર્શક? ને રજૂઆત માટે મંજૂરી કોણે આપી? આપણે ત્યાં તો બહુ કડક ધોરણો છે આ બાબતમાં, જોને, કેટલી ડૉક્યુમેન્ટરી પ્રતિબંધિત રાખી છે તે!
ઃ એ મને ન પૂછ, હું જાણે સર્વસત્તાધીશ હોઉં તેમ!
ઃ જો કે, સૉરી હં, રિયલ લાઇફમાં આ બધું ચાલે છે ને એને કોઈ ઍક્ટ ઑફ ટેરર જાહેર નથી કરતા, એટલે કાયદેસરનું જ ગણાતું હશેને?
ઃ સાલી આપણી સિસ્ટમ જબરી હં, ભલભલું પચાવી જાણે ! ન અપચો, ન એની દવાની જરૂર!
ઃ ને તે પાછું ટીવી સામે પોપકોર્ન, સૉફ્ટડ્રિન્ક સાથે, કે હાર્ડ ડ્રિન્ક, પાસ્તા પિત્ઝા સાથે. મર્ડર, સ્યુસાઇડ, બર્નિંગ, બિન્ચિંગ, બ્લીચિંગ બધુંયે પેટમાં પધરાવે!
ઃ માત્ર પધરાવે નહીં, પચાવી જાણે, આને કહેવાય બોલ્ડ ઍન્ડ બેશરમ, બર્બર અને બેરહમ …
ઃ એ તો ભઈ ન્યુ સોસાયટી, નવ્યસમાજની તાસીર. અ બ્રાન્ડ ન્યુ સોસાયટી, અપ ઍન્ડ કિકિંગ, કિકિંગ ઍન્ડ કિલિંગ! કીલિંગ ઍન્ડ ક્લેપિંગ!
ઃ તે આમાં અહિંસા અને ગાંધીજીને ક્યાં રાખવાનાં?
ઃ છેને મસમોટી અભરાઈ, અને હાલ તો ફોટોફ્રેમ પણ બધી ખાલીખમ છે, આ દિવસોમાં પ્રાતઃસ્મરણીય ચહેરા શોધવાનું સહેલું માનો છો?
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2017; પૃ. 16