પૃથ્વી આપણાં સૂર્યમંડળના આઠમાંનો એક ગ્રહ છે. આપણાં સૂર્યમંડળનો વ્યાસ (diameter) આશરે નવ અબજ કિલોમીટર છે. આપણી ગેલેક્સિ જે આકાશગંગા (milky way) તરીકે ઓળખાય છે, તેમાં લગભગ ચાર અબજ જેટલા તારા છે તથા છ અબજ જેટલા પૃથ્વી જેવા ગ્રહો છે. આપણે જે વિસ્તારને બ્રહ્માંડ (universe) કહીએ છીએ તેમાં આવી કરોડો ગેલેક્સિઓ સમાયેલી છે. બ્રહ્માંડના પરિપ્રેક્ષમાં આપણી પૃથ્વી એક સૂક્ષ્મ કણ પણ ન કહી શકાય એટલી સૂક્ષ્મ છે. વૈજ્ઞાનિકો હવે એમ પણ કહે છે કે બીજું બ્રહ્માંડ હોવાની પણ શક્યતા છે.
પહેલા તો આવી અબજો-અબજ પૃથ્વી જેવા ગ્રહોથી ભરેલા બ્રહ્માંડ અંગેની કલ્પના કરવી જ અઘરી છે. છતાં આપણે આ બ્રહ્માંડનું સર્જન કોણે કર્યું અને તેને કોણ ચલાવી રહ્યું છે વગેરે જેવી કલ્પનાઓ કરી એને મક્કમપણે સત્ય માની લીધુ છે. માત્ર એટલું જ નહીં, દરેક ધર્મનો માણસ અત્યંત બાલિશ લોજીકથી આવું સાબિત કરવા મથી રહ્યો છે કે તેની કલ્પના જ સત્ય છે. માણસ નામનું અત્યંત સૂક્ષ્મ જંતુ આવા અફાટ બ્રહ્માંડની રચના કોણે કરી એની તુચ્છ કલ્પના કરી પોતાનો કક્કો સાચો પાડવા મથી રહ્યો છે. માણસની ટચૂકડી બુદ્ધિ હજુ પૃથ્વી પરના રહસ્યો બરાબર સમજી શક્યું નથી. પણ આ બ્રહ્માંડ કોણે બનાવ્યું એના દાવા કરી એને સત્ય ઠરાવવા તોફાને ચડે છે – જે મનુષ્યની અક્કલની મર્યાદા બતાવે છે.
ઓશોએ કહેલું કે મનુષ્યની કોઈ પણ કલ્પના માત્ર તેની પાંચ ઇન્દ્રિયોના અનુભવમાં સીમિત છે, આપણી પાંચ ઇન્દ્રિઓના અનુભવ બહારની કોઈ કલ્પના માણસ માટે શક્ય નથી. જો આવું હોય, તો આપણું ગણિત, આપણું વિજ્ઞાન, આપણી કલ્પનાઓ, આપણી વાર્તાઓ કે આપણી ભગવાન અંગેની ધારણાઓ અને બીજું બધું જે આપણે જાણીએ છીએ એ આપણી પાંચ ઇન્દ્રિયોની મર્યાદામાં જ રચાયેલા છે. માની લો કે બીજા કોઈ ગ્રહ પર મનુષ્ય પ્રકારનો કોઈ જીવ છે, જેની પાસે આઠ, દસ કે પંદર ઇન્દ્રિયો હોય, તો તેનું ગણિત અને તેનું વિજ્ઞાન સાવ અલગ હોવાના. અને આવા મનુષ્યોની બ્રહ્માંડના સર્જનહાર અંગેની કલ્પના પણ અલગ જ હશે. માટે આપણી કલ્પનાના કોઈ પણ ભગવાન ત્યાં નહીં ચાલે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનમાં આપણે પ્રવેશી ચુક્યા છીએ. હજારો વિમાનો પૃથ્વીના આકાશમાં ચોવીસ કલાક ઊડે છે. વિજ્ઞાન, તબીબી શાસ્ત્ર, અણુવિજ્ઞાન, ઇન્ફર્મેશન ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેનો અસાધારણ વિકાસ થઇ ચુક્યો છે. ઉત્તમ સ્થાપત્યકળાની અનેક અજાયબીઓ મનુષ્યએ ઊભી કરી લીધી છે. ઉપરાંત, ઉત્કૃષ્ટ સાહિત્ય અને કલાકારીગરીના ઉત્તમ નમૂના પણ દુનિયામાં મોજુદ છે.
હવે કલ્પના કરીએ કે કોઈ મહાપ્રયલના કારણે માનવજાત નષ્ટ થાય છે. અને હજારો વર્ષો પછી વાંદરો ફરી ઉત્ક્રાંતિ કરી માનવ સ્વરૂપ ધારણ કરે છે. એ પછી હજારો વર્ષોના વિકાસ પછી ફરી તે સુસંસ્કૃત બને છે. વિચારો કે આજના સમયનું બચી ગયેલું સાહિત્ય તથા આપણે કરેલા વૈજ્ઞાનિક વિકાસ અંગેના પુરાવા એમને હાથ લાગે અને તેઓ એને ડીકૉડ કરે, તો હાલનું જગત તેમના માટે કેટલું રહસ્યમય હશે ! વિચારો કે તેની કલ્પનાઓ કેવી હશે આપણા જીવન અંગે ! તેઓ ચોક્કસ માનતા થશે કે હજારો વર્ષો પૂર્વે આપણા ગ્રહ પર દેવો વસતા હશે અને આપણી અત્યારની વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓ તેમને ચમત્કારોથી ભરપૂર લાગશે. પાછલાં જગત અંગે કાલ્પનિક વિશ્વ ઊભુ થશે, વાર્તાઓ લખાશે, તેમાં વળી અલગઅલગ કલ્પનાઓ મસાલા ભળશે. પૌરાણિક જગત અંગે ગ્રંથો બનશે. આવા ગ્રંથોને ધીરેધીરે માન્યતા મળશે અને તેની આગળની પેઢીઓ તેને આધારભૂત ઠરાવતી જશે. લોકોના આભાસી કલ્પના-ચિત્રો તેમાં ઉમેરાશે. આગળ જતાં જીવન કેમ જીવવું એ અંગે નોર્મ્સની સૂચિમાં આવા ગ્રાથોનો મસાલો ઉમેરી ધર્મગ્રંથોનું નિર્માણ કરવામાં આવશે. સમય જતાં જુદાજુદા ધર્મગ્રંથોને સાચા ઠરાવવા અલગ અલગ જૂથો બનશે અને તેમના વચ્ચે મતભેદ ઊભાં થશે. દરેક જૂથ પોતાનું જ્ઞાન સર્વોપરી છે એ જતાવવા કત્લેઆમ કરશે. આના આધારે ફરી વિવિધ ધર્મોનું નિર્માણ થશે. જો કે, એ ધર્મોના નામ તદ્દન અલગ હશે.
આપણી હાલની હકીકત આ જ છે. પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલા ચમત્કારોથી તો કેટકેટલાં મોટા ચમત્કારો માનવજાતે વિજ્ઞાનના વિકાસથી કરી બતાવ્યા છે. છતાં આપણે પૌરાણિક કથાઓના ક્ષુલ્લક ચમત્કારોથી શા માટે આટલા અભિભૂત અને ભાવવિભોર રહીએ છીએ એ વિચારવા જેવું છે ! આમાં મારા ભગવાન તમારા ભગવાન, મારુ મંદિર તમારું મંદિર, તારી જાતિ મારી જાતિ આ બધું આપણે જ ઊભુ કરેલું છે. બ્રહ્માંડ અથવા આ પૃથ્વીનું સર્જન મારા ભગવાને કર્યું કે તારા ભગવાને કર્યું એ ચર્ચા જ હાસ્યાસ્પદ છે. આપણાં આ પ્રકારના એક પણ દાવાના આધારભૂત પુરાવા નથી. બ્રહ્માંડ અંગેનું આપણું જ્ઞાન બ્રહ્માંડની અંદરના મનુષ્યના કદ જેટલું જ અતિ સૂક્ષ્મ છે.
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે બ્રહ્માંડની અમુક તસવીરો મેળવી છે જે 13 અબજ વરસ પહેલાની છે. એક બાજુ આ જાતની તસવીરો મળે છે અને બીજી બાજુ જીવનની ઘરેડમાં જડ બની ગયેલી પૌરાણિક કાલ્પનિક વાર્તાઓ સાથેનું તાદાત્મ્ય છૂટતું નથી. મજાની વાત તો એ કે જેને મહાન ગ્રંથો ગણીએ છીએ, ધાર્મિક લોકો તેને વાંચ્યા વગર જ પાછા 'માનતા' હોય છે અને અન્યોને પણ એ સમજ્યા વગરનું મનાવવા જીવનભર મથે છે.
e.mail : curiofact@gmail.com