Opinion Magazine
Number of visits: 9839318
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં દારૂલ ઇસ્લામનાં સપનાં જોવા મૂર્ખાઈ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|4 August 2019

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કબુલ્યું છે કે પાકિસ્તાનમાં ૪૦ જેટલા ત્રાસવાદી જૂથો અને ૬૦ હજાર જેટલા ત્રાસવાદીઓ સક્રિય છે. આટલા ત્રાસવાદીઓ પૂરતા છે અને પાકિસ્તાન ધીરે ધીરે તેમને ખતમ કરી રહ્યું છે એમ પણ તેમણે કહ્યું હતું. જો અત્યારે ૪૦ જૂથો અને ૬૦ હજાર ત્રાસવાદીઓ હોય, તો ન્યુ યોર્કના ટ્વીન ટાવર પરના ત્રાસવાદી હુમલા પહેલાં વીતેલી સદીના છેલ્લા દાયકા દરમ્યાન કેટલા હશે તેની તમે કલ્પના કરી શકો છો. પાકિસ્તાન પ્રચંડ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, એટલે અમેરિકાની મદદની તેને જરૂર છે. ઘણીવાર કબૂલાતો કરવાથી કેરેક્ટર સર્ટિફિકેટ મેળવી શકાતું હોય છે એના જેવો આ ઘાટ છે. ઈસાઈ ધર્મમાં આમ પણ કન્ફેશનનું મોટું મહત્ત્વ છે એટલે પશ્ચિમને પ્રભાવિત કરવા માટે ઇમરાન ખાને આ માર્ગ અપનાવ્યો હશે.

આજની ચર્ચાનો મુદ્દો એ છે કે શું ત્રાસવાદીઓ પેદા કરવા માટે પાકિસ્તાનની રચના કરવામાં આવી હતી? કે પછી જવું હતું ક્યાંક અને પહોંચી ગયા બીજે એના જેવું થયું છે? આવું ક્યાંક ભારતમાં તો નથી બની રહ્યું? ખૂબ તટસ્થતાથી આ પ્રશ્ન તપાસવો જોઈએ, કારણ કે એમાં ભારતનું અને ભારતની ભાવિ પેઢીનું હિત છે.

અવિભક્ત ભારતમાં ત્રણ પ્રકારના મુસલમાન હતા. મૂળભૂતવાદી મુસલમાનો એમ માનતા હતા કે જગતની તમામ પ્રજાને મુસલમાન બનાવવાનું ખુદાનું ફરમાન છે, કારણ કે તેમાં તેમનું કલ્યાણ છે. દેખીતી રીતે તેમની પાસે બે વિકલ્પ હતા. એક વિકલ્પ એ કે જ્યાં તેઓ રહેતા હોય ત્યાંના વિધર્મીઓને મુસલમાન બનાવવામાં આવે અને એ રીતે ગેર ઇસ્લામિક ભૂમિને પવિત્ર ઇસ્લામિક (દારૂલ ઈસ્લામ) બનાવવામાં આવે અને જો એ શક્ય ન હોય અને શાસક ઇસ્લામનો શત્રુ હોય (દારૂલ હર્બ) તો કાં શાસક સામે લડી લેવામાં આવે અને એ જો શક્ય ન હોય તો એ ભૂમિ છોડીને હિજરત કરવામાં આવે. હવે ભારતને લાગેવળગે છે ત્યાં સુધી સુજ્ઞ વાચકને એટલું જ તો સમજાઈ જ ગયું હશે કે આવું વલણ ધરાવનારા મુસલમાનો ભારતના વિભાજનની વિરુદ્ધ હતા. જો ભારતને ઇસ્લામની ભૂમિ બનાવવી હોય તો ભારતમાં રહેવું જરૂરી છે.

મુસલમાનોનું બીજા પ્રકારનું નેતૃત્વ ભણેલા ગણેલાઓનું હતું. તેમને દારૂલ ઇસ્લામમાં રસ નહોતો, કારણ કે ભારત માટે એ શક્ય નહોતું. સેંકડો વરસ સુધી ભારતમાં રાજ કર્યા પછી પણ ભારતમાં મોટી સંખ્યામાં હિંદુઓનું ધર્માન્તરણ ન થયું અને મુસલમાનોની બહુમતી ન થઈ શકી, ત્યાં આધુનિક યુગમાં ભારતમાં દારૂલ ઇસ્લામનાં સપનાં જોવાં એ મૂર્ખાઈ છે. તેઓ વ્યવહારવાદી હતા. તેમનો વ્યવહારવાદ તેમને એમ પણ કહેતો હતો કે એક દિવસ અંગ્રેજો ભારતમાંથી ઉચાળા ભરીને જવાના છે, ભારતમાં ભારતીયોનું રાજ આવવાનું છે અને રાજ્ય વ્યવસ્થા મોટા ભાગે લોકતાંત્રિક હશે. તેમનો વ્યવહારવાદ તેમને એમ પણ કહેતો હતો કે ભારતમાં હિંદુઓ બહુમતીમાં છે, વધારે ભણેલા છે, વધારે સજ્જ છે એટલે શાસનમાં તેમની સરસાઈ તો હશે જ પણ લાભો મેળવવામાં પણ તેઓ અગ્રેસર હશે. સામે પક્ષે મુસલમાનો લઘુમતીમાં છે અને ઓછા સજ્જ છે. આઝાદ ભારતની આ નક્કર વાસ્તવિકતા હશે એની તેમને ખાતરી હતી.

તો આ સ્થિતિમાં ભારતીય મુસલમાનોએ શું કરવું જોઈએ? દારૂલ ઇસ્લામના શેખચલ્લીનાં સપનાં જોવાનું છોડો. સ્વતંત્ર ભારતને દારૂલ હર્બ જાહેર કરીને ભારતમાંથી હિજરત કરવાનો માર્ગ અવ્યવહારુ છે, કારણ કે કોઈ મુસ્લિમ બહુમતી દેશ તમને આવકારવા બાથમાં લેવા તત્પર નથી. તો પછી શું કરવું જોઈએ? ઉત્તમ માર્ગ એ છે કે ભારતમાં બહુમતી હિંદુઓ સાથે પાકો લેખિત કરાર કરીને શાસનમાં ભાગીદારીની અને મુસલમાનોના હકના લાભોની સમજૂતી કરવામાં આવે. જ્યારે ભારત આઝાદ થાય ત્યારે એ સમજૂતીને બંધારણમાં આમેજ કરવામાં આવે. જો એવી સમજૂતી ન જ બને તો મુસલમાનોને ભારત અંતર્ગત સ્વાયત્તતા આપવામાં આવે. છેલ્લો વિકલ્પ વિભાજનનો હતો. આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને ભારતની આઝાદીના ઇતિહાસનો તેમ જ ભારતના વિભાજનના ઇતિહાસનો અભ્યાસ કરવો જોઈએ.

બીજા પ્રકારના વ્યવહારવાદી મુસલમાનોએ વિભાજન ટાળવા માટે જો કોઈ રસ્તો નીકળતો હોય તો તેને શોધવા ભરપૂર કોશિશ કરી હતી. એનું કારણ એ નહોતું કે તેઓ રાષ્ટ્રવાદી હતા, પણ એનું કારણ એ હતું કે તેમને જાણ હતી કે મુસલમાનો માટેનો અલગ દેશ એ વહેવારુ વિકલ્પ નથી. આમ બીજા પ્રકારના મુસલમાનો દરેક રીતે વ્યવહારવાદી હતા, પણ એક મુદ્દે તેઓ અવ્યવહારુ સાબિત થયા. તેમને એમ લાગતું હતું કે વધારે આકરી ભૂમિકા લેવાથી અથવા તો હાર્ડ બાર્ગેનિંગ કરવાથી તેમની યોજના સફળ થશે. તેમણે બીજી ભૂલ એ કરી કે જેને ભોજોભાઈ પણ પૂછતો નહોતો અને રાષ્ટ્રીય રાજકારણમાં જેમની કોડીની કિંમત નહોતી એવા હિંદુ કોમવાદીઓના કથનોને તેઓ ફેસ વેલ્યુ પર લઈને કારણ વગર મહત્ત્વ આપતા હતા. તેમને એમ લાગતું હતું કે બેવકૂફીભર્યા હિંદુ કોમવાદી કથનો કૉન્ગ્રેસ સાથે હાર્ડ બાર્ગેનિંગ કરવામાં કામ આવશે. ‘જુઓ આ લોકો શું કહે છે. અમે તમારા પર કેવી રીતે ભરોસો મૂકીએ’ વગેરે. સરવાળે એવું બન્યું કે ગણતરી વ્યવહારુ હોવા છતાં તેને માટેની રાજકીય રમત અવ્યવહારુ હોવાના કારણે પાકિસ્તાન તેમના ગળે પડી ગયું. જો હાર્ડ બાર્ગેનિંગની લાલચ છોડીને કૉન્ગ્રેસના નેતાઓ સાથે મસલત કરીને  સમજૂતી કરી હોત તો ભારતીય મુસલમાનો ત્રણ દેશમાં ન વહેંચાયા હોત. તેમના માટે આ બેલ મુજે માર જેવું થયું હતું.

ત્રીજા પ્રકારના મુસલમાનો મુઠ્ઠીભર હતા જે એમ માનતા હતા કે હિંદુઓની બહુમતીની ચિંતા કરવાની જરૂર નથી. સેક્યુલર લોકતાંત્રિક રાજ્ય અને એવું બંધારણ મુસલમાનોનાં હિતોની રક્ષા કરશે.

મુખ્ય પરિબળો ઉપર કહ્યાં એ બે હતાં જેમાં આધુનિક વલણ ધરાવનારા ભણેલા ગણેલા વ્યવહારવાદી મુસલમાનોએ અવ્યવહારુ વલણ અપનાવીને પાકિસ્તાન મેળવ્યું હતું જે તેમને હકીકતમાં જોઈતું નહોતું. જ્યારે કૉન્ગ્રેસના નેતાઓને એમ લાગ્યું કે બીજા પ્રકારના મુસ્લિમ નેતાઓ માગણી કરવામાં વધુને વધુ આકરા થઈ રહ્યા છે ત્યારે તેમણે પાકિસ્તાન તેમના ગળામાં પહેરાવી દીધું હતું. જી હા, પાકિસ્તાન તેમના ગળામાં પહેરાવી દેવામાં આવ્યું હતું, જેને માટે તેઓ તૈયાર નહોતા. કૉન્ગ્રેસના નેતાઓને એમ લાગ્યું હતું કે રોજની ઝંઝટ કરતાં એક વાર ભલે આકરી પણ સર્જરી કરી નાખવી જોઈએ. જ્યારે ભારતના વિભાજનને સ્વીકારી લેવાનો કૉન્ગ્રેસે ઠરાવ કર્યો ત્યારે પહેલા પ્રકારના મુસ્લિમ નેતાઓ એટલા માટે રાજી નહોતા થયા, કારણ કે ભારતને દારૂલ ઇસ્લામ બનાવવાની તક કાયમ માટે જતી રહી હતી અને બીજા પ્રકારના મુસ્લિમ નેતાઓ એટલા માટે રાજી નહોતા થયા કે તેમને મુસલમાનો માટેના અલગ દેશ સામેના પડકારોની જાણ હતી.શું એ પડકારો હતા? શા માટે તેમને સ્વતંત્ર પાકિસ્તાન નહોતું જોઈતું? આની વધુ ચર્ચા આવતા સપ્તાહે.

01 ઑગસ્ટ 2019

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 ઑગસ્ટ 2019

Loading

4 August 2019 admin
← ચકરાવો
સંઘની સૈનિક સ્કૂલઃ આપણે હિંદુ સૈન્ય રાષ્ટ્ર બનવાની જરૂર છે ખરી? →

Search by

Opinion

  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  
  • વિરોધ અને અન્યાય પ્રતિકારની અહિંસક નવતર રીતો
  • નકો નકો ચૂંટણી હાજરાહજૂર : લોકશાહીનો સ્વાંગ બરકરાર

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved