Opinion Magazine
Number of visits: 9922504
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બારીમાંથી ડોકિયું – એક અવલોકન

સુરેશ જાની|Opinion - Opinion|19 June 2026

બારીમાંથી ડોકિયું – એક અવલોકન

સુરેશ જાની

બારીમાંથી ડોકિયું. પણ ઘરની બહાર નહીં; ઘરની અંદર! 

લો! કેવા માણસ છો – તમે? કોઈના ઘરમાં ડોકિયું કરાય? ઘરમાંનું કોઈ તમને જોઈ જાય તો પણ તમે અટકો નહીં; અને બસ, જોયા જ કરો?

આ વાત સાંભળી તમને ઉત્કંઠા થઈ ગઈ ને કે, આ સંવાદ કોની સાથે છે? લ્યો ત્યારે સાંભળો વાત ..

તે દિવસે હું મારા દીકરાના ઘેર સોફા ઉપર, લિવિન્ગ રૂમના છેક છેડે, બેક યાર્ડમાં ખૂલે છે તે બારી તરફ પીઠ કરીને બેઠો હતો. સોફા પર બેઠાં બેઠાં, આખા ઘરના મુખ્ય ભાગનું સરસ દૃશ્ય ખડું થઈ જાય છે. લિવિન્ગ રૂમના છેડે, ઉપર જવાની સીડી છે. એની બીજી બાજુ ઘરના બન્ને માળ જેટલો ઊંચો, દીવાનખંડ અને એની ય પાછળ ઘરનું પ્રવેશદ્વાર છે. એની ઉપર લગભગ બારેક ફૂટની ઊંચાઈએ એક બારી છે.

એ બારીમાંથી એ જનાબ ડોકિયું કરી રહ્યા હતા!

લો ગધેડાને તાવ આવે એવી વાત લાગી ને? ના, પણ એમ જ હતું. ઘરના આંગણામાં, એક સરસ, ઊંચું ઝાડ છે. ખાસું વધી ગયેલું છે. એની ટોચની નાજૂક ડાળી છેક તેરેક ફૂટની ઊંચાઈને આંબી ગઈ છે. ત્રણ ચાર પાંચ કુણી પાંદડીઓ પવનના ઝપાટે નાચતી, એકદમ તરોતાજા અને પ્રફુલ્લિત, ઘરના માહોલથી સાવ અલિપ્ત, મહાલી રહી હતી. અને હવામાં ઝૂલતાં ઝૂલતાં એ બારીમાંથી, ઘરમાં ડોકિયું કરી રહી હતી!

તમે કહેશો, વાતમાં આટલું બધું મોણ શીદ નાખતાં હશો? એમાં તે શી નવાઈ? એ તો એમ જ હોય ને?  પણ માત્ર ચાર વરસ પહેલાં એ મકાન બન્યું હશે ત્યારે, અત્યારે જાડી અને રુક્ષ બની ગયેલી, એની સૌથી નીચેની ડાળી પણ આવી જ કૂણી હશે. એની ઉપર પણ આવી જ કોઈક પાંદડીઓ, આમ જ પવનમાં મહાલતી હશે અને ઘરના બંધ બારણામાંથી આમ જ ડોકિયું કરવા વ્યર્થ પ્રયત્ન કરી રહી હશે. પણ એ તો પોતાના ભારથી ઝૂકી ગઈ. એમાંથી ફૂટેલી બીજી ડાળીએ આકાશ તરફની ગતિ ચાલુ રાખી હશે અને એ પણ ઝૂકી ગઈ હશે. આ પ્રક્રિયા સતત ચાલતાં ચાલતાં, મૂળ ડાળીના કંઈક કેટલામા ય વંશજ એવા આ જનાબ અત્યારે આ ઊંચાઈએ પહોંચી ગયા છે. કદાચ એના હજુ બીજા ત્રણ ચાર વારસ બનશે અને એ ઘરના છાપરાને ય આંબી ઘરની પાછલી પારની દુનિયામાં ડોકિયું કરવા અભિયાન આદરશે!

સતત વિકાસ – સતત ઊંચે ને ઊંચે જતા જવાની આકાંક્ષા – સૂર્યના પ્રકાશનું પહેલું કિરણ પ્રાપ્ત કરવા માટેની આશા.

ઝાડની ડાળી અને પાંદડાંના કણ કણમાં આ જીજીવિષા, આ અભિપ્સા સળવળતી રહી હશે.

આપણે સૂક્ષ્મ બનીને, એ સળવળતી અભિપ્સામાં ડોકિયું કરી શકતા હોઈએ તો? પણ જીવનમાં આગળ અને ઊંચે જવા માટેની દોડમાં આપણને આમ બિન્ધાસ્ત, નિર્દોષ ડોકિયાં કરવાની  નવરાશ જ ક્યાં છે?

આગળ અને ઊંચે એટલે? વધારે સમ્પત્તિ, વધારે મોટું પદ, વધારે માન અને સ્થાન, મિત્રો, સગાંઓ અને પ્રશંસકોનો વધારે મોટો સમૂહ. વધારે મોટો અને વકરેલો અહમ્. એ જ આપણો ઊંચે ગયાનો માપદંડ. આપણે છ ફૂટથી વધારે ઊંચે ક્યાં જઈ શકવાના? ઝળહળતા સૂર્યની વધારે નજીક જવાની કોઈ ઉત્કંઠા જ નહીં. નવા જીવનને ધબકાવતા પ્રકાશના કિરણને પામવાની કોઈ તાલાવેલી જ નહીં. સાવ અભાન બનીને, કેવળ વર્તમાનમાં ઝૂલતા રહેવાની કોઈ આરજૂ જ નહીં – કોઈ ઓરતા જ નહીં. 

આપણે જ બનાવેલી, આપણી પોતાની કેદમાં આપણે સતત પૂરાયેલા. સતત સડેલા, વીતેલા, સોગિયા કે ભવ્ય ભૂતકાળમાં ગરક્યા કરવાનું. અથવા ભવિષ્યના શેખચલ્લીના ખાલી મહેલમાં મહાલવા માટે હવાતિયાં માર્યા કરવાનાં.

આ જ તો આપણું જીવતર. એમાં એ નાનકડી પાંદડીઓમાં ધબકતું પ્રગલ્ભ જીવન ક્યાં, એ નાદાન બચપણ ક્યાં?

કદીક તો અંતરની બારીમાંથી આમ ડોકિયું કરી લઈએ તો? કરતાં જ રહીએ તો?

e.mail : surpad2017@gmail.com

Loading

19 June 2026 Vipool Kalyani
← હથિયાર હત્યા સુધી પહોંચ્યું છે સ્કૂલમાં …
તમાકુ – આદિવાસીઓથી આધુનિકો સુધી  →

Search by

Opinion

  • તમાકુ – આદિવાસીઓથી આધુનિકો સુધી 
  • હથિયાર હત્યા સુધી પહોંચ્યું છે સ્કૂલમાં …
  • ઝૂમને લગેગા આસમાં …
  • રાષ્ટ્રપતિ પદની ઓફર એમણે કલાને ખાતર નકારી હતી ….
  • પક્ષપલટાના આટાપાટા વચ્ચે હવા કદાચ બદલાઈ રહી છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved