મૃત્યુ સાથે અરુણને સગપણ જેવું હતું. કોઈના ય ઘેર મરણ થાય કે અરુણને બિનાચૂક તેડું આવ્યું સમજો. અને કેમ ના બોલાવે? અરુણ જેવા નનામી તૈયાર કરનાર હવે છે ક્યાં? અંતિમયાત્રા વિધિ ઝીણી ઝીણી કાળજીપૂર્વક કરાવવી એટલું જ નહીં, સ્મશાનેથી અસ્થિ લઈ આવવાથી માંડી ગંગા મૈયાને ખોળે પહોંચાડવા સુધી અરુણની જરૂર પડતી.
બસ, આ એક વાતે યશોદાનું મન સહેજ પાતળું પડી ગયું હતું. અરુણ સાથે સગપણ માટે યશોદાએ વિચારીને જવાબ આપવાનું કહ્યું ત્યારે બન્ને પરિવારને નવાઇ લાગી હતી.
અરુણમાં કંઇ કહેવાપણું ન હતું, સારું ભણતર, સરકારમાં નોકરી અને એકનો એક દીકરો. નાક નકશે દેખવો ગમે એવો …… પણ, અરુણ વિશે, ‘એ ગામ આખાના મરણ પ્રસંગે દોડી જાય છે’ વાત સાંભળી યશોદાનું મન પાતળું પડી ગયું હતું. પછી કોની સલાહ કે સમજાવટ કામ આવી એ તો એણે ક્યારે ય કહ્યું જ નહિ, હા. એ બાબતની ચર્ચા ઉકેલાય કે યશોદા લેવાઈ જતી. એ બોલતી નહીં પણ ગૌરી માસીના ‘પેલો મડદા બાંધવાવાળો?’ના શબ્દો એને શૂળ જેમ ભોંકાતા.
શરૂઆતમાં અરુણની આવી સમાજ સેવાથી અકળામણ થતી. આંખ સામે વંદો આવી ગયા જેવી લાગણી અનુભવાતી. યશોદાએ ન છૂટકે સ્વીકારી તો લીધું હતું પણ સ્વીકારની સભાનતાથી મન રહેંસાયા કરતું.
*
ડૉક્ટરના ગયા પછી અરુણ ક્યાં ય સુધી યશોદાનો મૃતદેહને જોઈ રહ્યો. યશોદા ચહેરે મોહરે રૂપાળી, તીણું નાક આંખો …. એની આંખો ધ્યાનથી ક્યારે જોઈ હતી? કથ્થઈ રંગની હતી. એની સામે સ્મિત કરો ત્યારે એની કથ્થઈ આંખોમાં ચમક આવી જતી. એના હોઠ પાતળા હતા. સોનાની ગોળ બુટ્ટીઓના વજનથી સહેજ ઢળી પડેલી કાનની બૂટ નીચે મંગળસૂત્રની સેર ચમકતી હતી. પહેલીવાર જોતો હોય એમ એની આંખો યશોદાના લાંબા કાળા વાળ પર થઈ, સહેજ દૂબળી દેહ કાઠી પર સ્થિર થઈ. એની લાંબી પાતળી આંગળીઓના નખ ટૂંકા થઈ ગયા હતા. ઘણીવાર એ માથામાં તેલ નાંખી આપતી. હળવા સ્પર્શથી એ વાળમાં ટેરવાં ફેરવતી ત્યારે એના ટૂંકા નખનો આછેરો ઘસરકો અનુભવાતો.
જેમ જાણ થતી ગઈ એમ એમ માણસો આવતા ગયા. બારણું ખોલબંધ થવાના અવાજોની જાણે ટેવ પડી ગઈ, જો કે કેટલીયે વારથી કોઈ આવ્યું નહોતું. યશોદાના નિર્જીવ દેહ પાસે બધા ચિંતાતુર બેઠાં હતાં. ભાદરવાની ગરમ લહેર ભેગા અંદર આવી રમણભાઈ બેસું કે ઊભો રહુંની મુદ્રામાં સહુને જોઇ રહ્યા. ‘આ ધવલ અરુણનો મોટો, આ વચેટ દિવ્યા, એની પાછળ ધવલની વહુ વૈશાલી અને ખૂણે મોબાઈલમાં મોઢું ઘાલીને બેઠેલો વરુણ, યશોદાનો મોઢે ચઢાવેલો.’
પાડોશી તરીકે આનાથી આગળ કશું સૂઝ્યું નહીં પણ નજર હજી આમ તેમ ફરતી હતી. બે દિવસ પહેલાં જ સવિતા કહેતી હતી,
‘કહું છું, આ ધવલિયો ને વૈશાલી બરાબર બાઝેલાં.’
‘યશોદાએ કહ્યું તને?’
‘ના હવે, બે ય માણસ આખું ગામ સાંભળે એમ ચભડ ચભડ કરતાં’તા તે હું ના સાંભળું?’
એમણે ધવલના ગમગીન ચહેરા તરફ જોઈ વૈશાલી સામે જોયું અને યશોદા પર નજર ઠેરવી. મડદાંને ચાદરેય ઓઢાડી નથી. સીધું ભોંયે નાખ્યું હશે કે અબોટ ચોકા કર્યા હશે? હાળા, ત્રણેય પ્રજા તીતાલી નીકળી. સારું થયુ બચાડી સવાસણ ગઈ.
બહારથી વાહનો થોભવાના, બારણાં પછડાવાના અવાજો આવતા હતા. અગરબત્તીની સેરમાં આવનાર સ્ત્રીઓની રડારડ અટવાઈ વજનદાર શાંતિમાં ગૂંચવાઈ ગઈ. છવાયેલી ચુપકીદીને સંકોરાવા જેવું થયું. યશોદાની અંત્યેષ્ટિ કરવી પડશે એ વિચાર આવ્યો અને અરુણના હોઠે સહેજ મલકાટ ચમક્યો. રમણલાલ દીવાલે આંગળી ફેરવતા એને તાકી રહ્યા હોય એવો ભ્રમ થયો.
અરુણકુમાર પૂજાલાલ ત્રિવેદી : હવે શેના અરુણકુમાર? અંબાલાલભૈ શહેરમાં આવી સાહેબ બન્યા એટલે અરુણકુમાર થઈ ગયા? છેવટે પ્રખ્યાતી તો ડાઘુની જ ને? યશોદા સહેજ ઉપહાસમાં ચશ્માંની દાંડી નીચે લાવતાં, કથ્થઈ આંખોથી ઊંચી ભ્રમરે ત્રાટક જેવું કરતી. પછી સહેજ મલકાઈ મોઢું નીચું કરી લેતી.
બે-એક કલાક પહેલાં ધવલ સગાવાળાઓને ફોન કરતો હતો ત્યારે અરુણને થયેલું કે કેટલી ય વાર આવી રીતે કોઈના અજાણ્યા છોકરાઓએ મને ફોન કર્યા હશે. ટાણે કટાણે બારણું ખખડે;
“અરુણભાઈ છે ઘરે?”
“ના, શું કામ હતું?”
“ઈશ્વર દાદાને ઘરેથી આવીએ છીએ. તમે નહીં ઓળખો.”
“હા, સાચું કો’ છો, અમે કોઈને નથી ઓળખતા.”
ક્યારેક યશોદા પર ગુસ્સે થતા. “આ પપ્પાને કહે હવે જેનાં તેનાં મડદાં બાંધવા જવાનું બંધ કરે. આખી નાતમાં એમના ડંકા વાગે છે …. કોઈને ઘેર મરણ થયું નથી કે એમના નામની પોક પડી નથી. હવે તો કેવી સરસ એલ્યુમિનિયમની સીડી જેવી ઠાઠડીઓ મળે છે! પણ આમનાથી વાંસડા ચીરવાનો મોહ મુકાતો નથી. પાછા કહે છે કે ‘આયે એક વિદ્યા છે. ઠાઠડી બાંધવામાં વિદ્યા?’ ‘હા,એમાં ય આવડત હોવી જોઈએને?’
વરુણ મરડાટમાં ઉમેરતો, “બાંધ્યા હવે, ઘરના બારણેથી શબવાહિની સુધી ચાર ડગલાંમાં આટલી બધી પળોજણ શેની? હવે તો સીધા સ્ટ્રેચરમાં સુવાડીને લઈ જવાય છે ભાઇ, હેં ને.”
છોકરાઓ વધારે ઉકળી ન પડે એટલે યશોદા એમને વારતી. “જો બેટા, કોઈને ખપમાં આવવા જેવી કોઈ પુણ્યાઈ નથી, ખબર છે તમને? એટલે આ છેલ્લી યાત્રામાં મદદ બાંધવા કરવાનું એમને ગમે છે.”
“પણ પોતે ગેઝેટેડ ઓફિસર છે એનો એ વિચાર નથી કરતા.”
યશોદાના હોઠે આવી જતું : આ તું ને વૈશાલી દર ત્રીજે દિવસે બાખડો છો, ત્યારે એકેય ને યાદ આવે છે કે તું યુનિવર્સિટીમાં પ્રોફેસર છે ને આવી આ બેંક મેનેજર? બંધાઈને રહેતાં જ નથી શીખ્યાં! અરુણ એને કાયમ કહે છે. તને યાદ છે એ બન્ને પ્રેમમાં હતાં ત્યારે એક બીજાંના સુખ માટે ગમે એ છોડવા તત્પર રહેતાં. અને હવે?
દીકરાનાં કડવા વેણ સાંભળતાં અરુણકુમાર ત્રિવેદીનું આખું ય કલેવર અંબાલાલ બની જતું. એ ધવલ કે વરુણ સામે એવી રીતે જોતા જાણે એ બન્ને સાવ સંજવારીમાં નીકળેલો કચરો હોય. તેમની નજરથી દીકરાઓ વધુ ઘવાતા.
*
ઠાઠડી બરાબર કચકચાવીને બંધાવી જોઈએ. બંને વાંસ એક સરખી જાડાઈના, ચપાટો ગાંઠો વગરની, સરખા માપે અને મજબૂત. કાથી બરાબર પલળેલી હોવી જોઈએ. આંટો મારીએ ને ફોંટા હથેળી કે આંગળીઓમાં ઘસાય તો આંટો વીંટવો કાઠો પડે.
દસ પંદર ડગલાં ચાલે ને સાંધા ઢીલા પડી જાય એવું બાંધવાવાળા તો ઘણા મળી રહે. અંબાલાલની વાત જુદી છે. આપણી જ્ઞાતિમાં છે કોઈ બીજો? અંત્યેષ્ટિની સામગ્રીની દુકાનો ધીમે ધીમે બંધ થતી ગઈ ને રહી જતું’તું તે સામાજિક સંસ્થાઓ વહીવટમાં આવી ગઈ. હવે હોસ્પિટલ નજીક મરવા પડી હોય એવી એકાદ દુકાન રહી છે.
યશોદા ને પહેરાવવા લાલ સાડી હશે ઘરમાં? પંચક તો નહીં હોય ને? ધવલે એ ચેક કર્યું હશે? એને શું ખબર પડે …. પણ પંચક હશે તો ચોખાના લાડવા વાળવા પડશે. અડદ લાવવા પડશે તાંબાનો લોટામાં ઘી જોશે …. પાંચ પૂતળાં … કોણ કરે છે હવે આ બધું? કોઈને કશું શીખવું નથી. બસ ઇલેક્ટ્રિક મસાણમાં લઈ જાવ રેલગાડીના પાટે સુવડાવો એમ સુવડાવી ચાંપ દબાવતાંક ધકેલી મૂકો બોગદામાં.
અરુણની આંખોમાં પાણી ભરાયાં. સાથોસાથ, યશોદા હવે નથી એની વાસ્તવિકતા સમજાઈ.
દિવ્યા સાસરેથી રિસાઇને આવી … ‘મમ્મા મારાથી તારા જમાઇને હાજી હાજી નહિ કરાય. ટોટલ સરન્ડર? મારે રોજ મારા હક માટે લડવાનું? તારા જમાઈને તો મને નોકરાણી બનાવી ઘરમાં ગોંધી રાખવી છે. એનાં મા બાપ માટે મને લાગણી છે, મમ્મા. બટ, આઇ એમ હિઝ વાઈફ નોટ અ કેરટેકર. આઈ કાન્ટ સેક્રિફાય માય કેરિયર ફોર હિઝ સો કોલ્ડ ઓર્થોડોક્સ આઈડિયોલોજી. તમે મને આ માટે ભણાવી હતી?’
‘આવી રીતે સંસાર પાટે ના ચડે, બેટા, એકે તો થોડું જતું કરવું પડે ને?’
‘આ સલાહ ભાઈ માટે રાખ.’ પછી ગળતું નાક અવળી હથેળી વડે લૂછતાં કહે, ‘હું તમારા ઘરમાં રહુ એની શરમ આવતી હોય તો કહી દેજો, હું મારી વ્યવસ્થા કરી લઈશ. સંસારના નામે મને સાસરુ દેખાડવાની જરૂર નથી.’
‘આવું કેમ બોલે છે, બેટા, હું તારી મા છું.’
‘એમ?’ કહેતાં દિવ્યા ઊભી થઈ પાછલા બારણા તરફ વળી ગઈ.
યશોદા સોફામાંથી ઉઠવા ગઈ ને અડબડિયું આવવા જેવું થયું. અરુણે ઝડપથી એને સાહી લીધી.
એ દિવસે એને સધિયારો ન આપ્યો હોત તો અત્યારે સૂતી છે ત્યાં જ પડી હોત.
રમણભાઈ કાનમાં ફૂસફૂસાતા કહે, ‘ચોકો કર્યો’તો કોઈએ? આ તો છાણની સુગંધ ના આવી એટલે પૂછું છું.’ અરુણની ભીની આંખોમાં યશોદાના ટૂંકા નખ તરવર્યા. એણે આંગળીઓ વાળી પોતાના નખ જોયા. ચોકો કરતી વેળા લાદીએ નખ ઘસાયને છાણની ઝીણી તણખલી નખમાં રહી ગઈ હશે … એની કરચ શોધતી નજર ભોંઠી પડી.
ત્રણેક વર્ષથી એ દરેક મરણ પ્રસંગે સતત કોઈને શોધતો રહે છે. કોઈ જુવાનિયો મળી જાય જેને આ પરંપરા આપી શકાય. જેમ એને કોઈએ શિખવાડ્યું હતું એમ બધું શિખવાડી દે.
અરુણ કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે વેકેશનમાં ગામડે ગયો હતો. ત્યાં પહેલી વાર મામા એને અંત્યેષ્ટિમાં લઇ ગયા હતા. બહાર વાડામાં ત્રંબક કાકા નગીનદાસનું શબ નવરાવતા હતા ત્યારે કોરાણે ઊભેલા અરુણને એમણે પાણી રેડવા બોલાવેલો. કોઈ ચિત્રકાર હળવેથી કેનવાસ પર પીંછી ફેરવે એમ ત્રંબકકાકા મૃતદેહના પગના તળિયાં ધોતા હતા. એની સામે જોઈ કહ્યું,
“જો દોસ્ત, છેલ્લાં દર્શન ટાણે બધા અહીં હાથ કે માથું અડાડે. અહીંથી જરા ય વાસ ના આવવી જોઈએ સમજ્યો?” બોલતાં એમણે અંગૂઠા અને આંગળી વચ્ચેનો ભાગ ઘસતા એને પાણીની ધાર રેડવા સૂચવ્યું. પછી લાગ્યું કે આને રસ પડે છે એટલે ધોતિયું કે લેંઘો કેવી રીતે પહેરાવો, આખી રાત મડદું પડી રહ્યું હોય તો જામી ગયેલા સાંધા કે અક્કડ બાવડામાં ઝભ્ભો કે બુશકોટની બાંય કેવી રીતે નાંખવી. આપણને કષ્ટિ ના પડે એમ દેહ કેવી રીતે ઊંચો કરવો કે ફેરવવો, વાળ ઓળવા જેવું કરીને ગોઠવવા, હોઠ બંધ રહે એ વાસ્તે થોડી વાર ચપટીમાં ભીડી રાખવા જેવી ઝીણી ઝીણી ચીવટ ચિંધતા કહે, “જો અમલા સાંભળ. સૌભાગ્યવતીના સોળે શણગાર કરવાના હોય. પછી આંખ ફાંગી કરી મરકાય, પાછું … માટી બાંધવા જમનાને મોકલવી પડે, દોસ્ત. તને ખબર છે આખા શરીરમાં આપણું કાળજું અને ગરભદાની, એ બે બહુ કાઠા હોય એટલે સૌથી છેલ્લાં બળે. જમની ગાભાનો ગોટો વાળી દાટો મારી દે.”
“જો મરનારી વિધવા હોય તો મજેઠિયા રંગનું કે સફેદ કપડું પાથરવું પડે અને એને ચંદનની આડ થાય. વળી બ્રાહ્મણ મરે તો દોણી ઝાલનારને પીતાંબર પહેરવું પડે.”
ઉત્સુક ચહેરે અને આભારવશ નજરે સાંભળતા અંબાલાલને જોઈ ત્રંબકકાકાને કોઈ અજબ ઠંડક અનુભવાતી.
સમય જ એવો હતો. દૂર દૂર સ્મશાન અને વાહન વ્યવહારના સાધનો સાવ ટાંચાં. ઘરમાં મરણ થાય ત્યારે નજીકના સગાને કશું સૂઝે નહિ. અરુણને શરૂઆતમાં તો ઠાકોરવાસથી કે કોઈના ખેતરેથી વાંસ કાપી લાવવા પડતા. પાતળો નક્કર વાંસ કાપી, ચીરી એક સરખા ખપાટો બનાવવી, કાથીનો ગોટો વાળી લોખંડની ડોલમાં પલાળવા જેવાં કામો મળતાં. એ પછી ઠાઠડી બાંધતા શીખ્યો. ખપાટ બરાબર ગોઠવી વાંસની ઉપર બરાબર બંધાઈને રહે એમ ચોકડી પાડી તાણીને બાંધવી. ગાંઠ ઉપરની બાજુ રહે જેથી મડદું ઊંચકનારને ખૂંચે કે વાગે નહીં. એવી નાની નાની ઊલટ શીખતાં ક્યારે એમાં નિષ્ણાત થઈ જવાયું એની સરતેય ના રહી.
યશોદા સાથે સગાઈ થઈ પછી ચંદ્રિકાબાના લગ્નમાં એને મળવાનો જોગ થયેલો. યશોદા દરબાર ગઢની ડેલીની પછીત અઢેલી ને ઊભી હતી. એણે ઓઢેલી નારંગી ઓઢણીના સોનેરી તાર તડકામાં ચમકતા હતા. એ આંખમાં ન આવે એટલે એણે યશોદાની ઓઢણી સરખી કરવા હાથ લંબાવ્યો ત્યારે થડકીને એ ડગલું પાછળ ખસી ગઈ હતી. એની આંગળીઓ અનાયાસ હાથમાં આવી ગઈ. એ છોડાવવાની દરકાર ન હોય એમ એ હાથ ખેંચવાનો ખોટો ખોટો દાખડો કરતી હતી. એની નવી નોકરી અને શહેરના મકાનો, રસ્તાઓ વિશે પૂછતાં એણે પૂછી લીધું હતું.
“હજી બધાના મરણ પ્રસંગે પહોંચી જાવ છો? લોકો કેવી વાતો કરે છે. છોડી દો.”
ઊંડો શ્વાસ લેતો હોય એમ છાતી ફુલાવતા એણે હા પાડતાં કહેલું, “ના ચાલે જવું જ પડે, યશુ.”
એ યશુ ના બોલ્યો હોત તો કદાચ યશોદાએ ગુસ્સામાં મોં ફેરવી લીધું હોત એવું લાગ્યું હતું. પણ એ તો સમજશે, હજી નાની છે બિચારી તેમ વિચારતા એણે યશોદાને નજીક ખેંચી લીધી હતી. એની નાજુક કાયા સહેજ ધ્રુજતી હતી. એમાંથી એક આછી આંચ અનુભવાતી હતી. આમ તેમ નજરો તાણતી એ “શું કરો છો? કોઈ જોઈ ……” પણ એ પહેલાં અરુણે એના ગાલ ચૂમી લીધેલા. ધરવ ન થયો હોય એમ ફરી ચૂમેલા.
યશોદાના એ ગાલ જોવા ડોક ફેરવી ત્યારે પાંપણની તિરાડમાંથી ઊંચા નીચા થતા ચહેરાઓ ધ્યાને આવ્યા. કોઈ એકાદને સહેજ ખસેડી ધવલ એમની નજીક આવ્યો. ‘પપ્પા’ કહેતા એ સહજ નમ્યો. એની નજરમાં હવે શું કરવાનું છે એવો ભાવ ડોકાતો હતો.
ઘરમાં યશોદા સૌથી પહેલી જાગતી, ઝટપટ નાહવાનું પતાવી પૂજા દીવો કરી છોકરાઓનું ટિફિન તૈયાર કરતી. જેમ જેમ સૌ ઊઠે એમ ઓઢવાનું સંકેલી, ચાદર ઝાટકી ફરી પાથરતી. પછી જા બ્રશ કર, નાહવા જા, કપડાં પે’ર બોલતી ચા નાસ્તો પીરસતી. એને સતત ઘર સંભાળતી, ફરતી જ જોઈ છે. ધવલ પરણ્યો એ રાત્રે બહુ મોડા સુધી જાગતી હતી.
‘સૂઇ જા હવે.’
‘ના. કાલથી વૈશાલી ઘર સંભાળશે, મારી સવાર વરુણની જેમ લંચ ટાઇમે પડવાની, તમે જો જો.’
‘સારું જોઈશું, હમણાં સૂઇ જા.’ યશોદાની પાંપણો પર બેઠેલા કોડ ક્યારે વરસી ગયા એ સમજાયું નહિ.
વૈશાલીના પિયરમાં શનિ રવિ રેસ્ટોરાંમાં જવું અને રાત્રે ઓફિસથી સહુ મોડાં આવે એટલે જમવાનું બહારથી મંગાવી લેવાનો ચાલ. યશોદાનો સાંજે સહુએ સાથે જ જમવુંનો વણલખ્યો નિયમ વૈશાલીને ખાવામાં ઝેર ઘોળતો. વૈશાલી યશોદા સાથે ઓછું બોલતી, બોલે તો ય ખપ પૂરતું. હા, વ્યંગ કરતી હોય ત્યારે અવાજ ખૂલી જતો. ધવલ વૈશાલીની રોજની કચકચથી ફફડતો. વૈશાલીએ આ ઘરમાં આવીને એ કેટલો સેલ્ફ સેન્ટર્ડ છે એનું ભાન કરાવ્યું હતું. વૈશાલીની મહત્ત્વાકાંક્ષા અને ધવલનું સરકારીપણું સામસામે આવે ત્યારે સહન કરવાનું માત્ર યશોદાએ. દીકરાનો થાગડ થીગડ સંસાર તો એ સહી લેતી પણ એને સહુથી વધારે આઘાત દિવ્યા છાનીમાની જઈ ગર્ભપાત કરાવી આવી એનો લાગ્યો હતો.
‘તું આવી નિષ્ડુર બની ગઇ, બેટા?’
‘જેને હું ગમી નહિ એના વંશને હું શું કામ ગમાડું?’
‘એનું સંતાન, દિવ્યા? તારું ….’ પોતાના અવાજથી પીડાતી હોય એમ યશોદા બાકીના શબ્દો બોલી શકી નહોતી.
યશોદા દેખાતી નથી. આંસુથી ખરડાયેલા શાંત ચહેરે કશું દેખતી ના હોય એમ દિવ્યા બારી સામે જોઈ રહી હતી. એનાથી ઊંચા અવાજે બોલાઇ ગયું, “દિવ્યા ..” દસેક ડોકા તણાયાં. કો’ક ઉભડક થયું. કંઈ જોઇએ છે, ભાઈ? સંગીતાબે’ને નજીક આવી પૂછ્યું.
અરુણે નાની મુદ્રામાં માથુ હલાવતાં દેહાકૃતિઓ વચ્ચેથી સૂતેલી યશોદા તરફ જોયું. એના પેટ પરથી સાડલાનો છેડો સરકી ગયો હતો એ ધ્યાને આવ્યું.
આને નવડાવી પડશે, સૌભાગ્યવતીના શણગાર, લાલ ચૂંદડી, ગુલાબનો હાર, કંકુ, માટીએ ઠોંસવાનો ગાભા નો દાટો … કોણ બોલ્યું? નથી મૂકવાના એવા ડાટા, એ ભલે મોડી બળતી. લબડી પડેલા પગ વાંસડાંથી ઊંચા કરી સળગતી ચિતામાં પાછા ગોઠવતા નરોત્તમ ઘંટનું ચિત્ર અરુણની આંખ સામે આવ્યું.
હવે ચિતા ગોઠવવી પડતી નથી. જાડી મજબૂત ગાંઠો છાતીના ભાગે વચ્ચે, અને લાંબી ફાડશો ફરતે ગોઠવી ચિતા સજાવવી પડતી નથી. આગ તપાવવા ઘી રેડ્યા પછી ચામડી બળવાનો તડ તડ અવાજ અને પાકેલું ફળ પીચકાયું હોય એવી વાસ અનુભવાયાં. સિવિલ હોસ્પિટલ સામે લારીમાં કબાબ શેકાતા ત્યારે વહી આવતી સુગંધમાં એને કાયમ મડદું બળવાની વાસ યાદ આવતી.
યશોદાને કોણ તૈયાર કરશે?
‘ચોરાનો વંશ ખાલી નહીં જાય, તમે બળતરા કર્યા વગર શાંતિથી જમી લો.’ કો’કવાર ઉતાવળે નીકળવાનું હોય ને એ લાસલૂસ ખાતો હોય ત્યારે યશોદા ટપારતી. ક્યારેક એકાંતરે મરણ થાય ને દોડવું પડે ત્યારે એ અકળાતી.
એ અચાનક જ જતી રહી. પેલી પાતળી હવામાં દેખાતી બંધ થઈ જતી એમ.
આજે યશોદા સાવ પડખામાં સૂતી હતી. હાથ લંબાવી સાહી લેવાય એટલી જ દૂર. રાત્રે ત્રણેક વાગ્યે એ ઊઠ્યો ત્યારે એણે આંખ ખોલી અરુણ સામે જોયેલું. એ પેશાબ કરીને પાછો આવ્યો ત્યારે ફરી માથું ઊંચું કરી અવળા પડખે સૂઇ ગઇ હતી. બસ. સવારે ઊઠીને ત્રણ ચાર બૂમો પાડી … “યશુ, યશુ … યશોદા …!” પણ એ પડી રહી હતી, પછી ઊઠી જ નહીં.
ધવલ સાંત્વન આપવું હોય એમ તેમની સામે બેસી ગયો હતો. બધા મૂંઝાતા ઊભા હતા. “જનાર તો ગયું પણ આપણે એને પહોંચાડવાનું તો ખરું ને. અરુણભાઈ જેવા એક્સપર્ટ તો નહીં પણ માણસો તો છે જ ને. ભાઈ, હેંડો સામાન આવી ગયો હોય તો …” કહેતાં રમણભાઈ ઊભા થયા. પાછળ ધવલ દોરવાયો. અરુણ દીકરાને જતા જોઈ રહ્યો. આને કદી શીખવાનું મન ના થયું. આવડતું હોત તો કેવા પ્રેમથી પોતાની માને તૈયાર કરત?
પ્રેમ? આપણા સુખી પરિવારનું સુખ કશેક આડે હાથે મુકાઈ ગયું, અરુણ. પછી, સમજાવટ, વ્હાલ કે સમભાવના બે ચાર વાક્યોના આધારથી ટકી જવાતું.
પોતે ઓછા પ્રયત્નો નથી કર્યા … રમણભાઈનો દીકરો આનંદ, પરેશભાઈનો ચિન્મય કે દામુ કાકાનો નિખિલ. માળા, ગામ આખાની ડાહી ડાહી વાતો કરે. મીઠો લીમડો કે કેસર કેરીની કલમ કેમ ઉગાડવી એની લાંબી ચર્ચા કરે પણ સાત ભવનું પુન મળે એવી આવડત શીખવાની વાતે મોઢાં સિવાઈ જાય. અંબાલાલને સમજાતું નથી કે જીવ વગરનું શરીર ઉકરડાથી ય બદતર? જાણે કોઈ ચેપી રોગના દર્દીની એંઠ પડી હોય એમ કોઈ એને સ્પર્શવા ય તૈયાર નહીં. દૂર રહ્યા રહ્યા રેલવેના વરાળ એન્જિનમાં કોલસો ભરતા હોય એમ પોતાનું માણસ ભઠ્ઠીમાં પધરાવી પાછા. બીજે દિવસે મળેલા અસ્થિ યે કોનાં અને કેવાં? નર્યો દળ, નદીની રેત જોઈ લો.
યશોદા પાસે કોઈ જાદુઈ છડી ફેરવીને દુઃખ દર્દ ગાયબ કરી દેવાની અનોખી તરકીબ હતી. એ આમ એના ભાગનું જીવન લઈને ચાલી નીકળી. કશી વાતચીત વગર સ્ટેશન આવે અને કોઈ મુસાફર ચૂપચાપ ઊતરી જાય એમ. આસનાવાસના મળે એવાં બે ચાર વાક્યો કે ખપ લાગે એવા શબ્દોએ લેતી ગઈ.
આખી જિંદગી દેહ શણગારી શણગારી અગ્નિદેવને સુપ્રત કર્યા પણ આ યશોદાની વિધિ …. બે ય છોકરાઓએ પાધરું કહી દીધું, માની અંતિમ ક્રિયા અમે કરી લઈશું, તમે શાંતિથી ભગવાનનું નામ લો. સાવ આવું? આખા ગામને ખબર છે કે મારા જેવું છેલ્લી યાત્રાનું સુશોભન કોઈને ન આવડે. પણ, દીકરા જ નહિ સગાંવહાલાં કે પાસપાડોશ … સહુની એક જ વાત, જો, ધવલ, તારા પપ્પાને તકલીફ ના આપતો. એમનાથી તારી મમ્મીને હાથ નહિ અડાડી શકાય. બહુ આકરુ લાગશે બચાડા જીવને. એને એના દુઃખમાં છોડી દો.
યશોદાને બે ચાર સ્ત્રીઓને હવાલે છોડી એક પછી એક સૌ બહાર નીકળ્યા ત્યારે લીમડાનો છાયો સહેજ લંબાયો હતો. દૂર બે કાબરો, એક કાગડો ચણ માટે ફાંફાં મારતાં હતાં. યશોદા પક્ષીઓને નિયમિત ચણ નાંખતી. વરંડામાં બાંધેલી ઠીબમાં પાણી રેડી, હમણાં પક્ષી આવવાનું હોય એમ બાર સાખે હાથ ટેકવી આકાશ તાકી રહેતી.
બહાર એલ્યુમિનિયમની ચમકતી ઠાઠડી જોતાં જ અંબાલાલને ઊબકો આવવા જેવું થયું. એ બૂમ પાડવા મથ્યા … ધવલ … ધવલ … પણ અવાજ નીકળ્યો નહીં. હોઠ ધ્રૂજીને બંધ થઈ ગયા. એ બોલ્યા વગર બેસી રહ્યા. સામે રમણભાઈ બારીને સળિયે હથેળી ટેકવી ઊભા હતા એ ય આ તરફ જોતા નહોતા.
અંદર ઊભરાઈને જે શમી ગયું એ વિશે કશું કહેવાનો વિચાર આવ્યો પણ શું બોલવાનું?
“આપણને ગમતું સઘળું સામે ચાલીને આપણી પાસે ન પણ આવે એવા સંજોગોમાં આપણે ડગલું માંડવું પડે, મિસ્ટર ત્રિવેદી.” યશોદાએ એકવાર કહ્યું હતું. ક્યારે? હા યાદ આવ્યું. ઓફિસમાં ગણપત ભાદાણીને પ્રમોશન મળવાની ચર્ચા હતી ત્યારે.
અરુણે વિષાદથી માથું હલાવતાં રમણભાઈ સામે જોયું. રમણભાઈને એટલું સમજાયું કે અરુણ કશુંક કહેવા માગે છે. રમણભાઈ નજીક આવ્યા એટલે એણે એલ્યુમિનિયમની સીડી જેવા આકાર સામે જોતાં હવામાં હથેળી ફેરવી.
“તમારી વાંસવાળી નનામીની ઈચ્છા છે? એમ બોલો ને ભલા માણસ. હું કરું છું વેવસ્થા.” કહી એ ઝડપથી ખસ્યા.
અરુણને થયું કે અંદર જઈને જોઈ આવે. સૌભાગ્યવતીના શણગાર, કંકુનો ચાંદલો બધું બરાબર થયું છે ને? એની સેંથી કોણે પૂરી હશે? બે ત્રણ વાહનો શરૂ થવાના ઊંચા અવાજો સંભળાયા. એ બારણા પાસે આવ્યા, ધક્કો દેવા હાથ ઊંચકાયો ત્યાં કોઈએ તેમનો હાથ સાહી લીધો.
“અરુણભાઈ મોડું થશે, યાર, શબવાહિની આવી ગઈ છે એટલે આમાં લઈ જઈએ તો શું વાંધો છે?” એ શું બોલતા હતા એ સંભળાતું નહોતું. આંખોમાં તડકો વાગતો હતો એટલે આડી હથેળીએ ચહેરો જોવા મથ્યા. એમને બોલતા અટકાવી એમણે બારણું ધકેલ્યું પણ અંદરથી બંધ બારણું હલ્યું નહીં.
ઝાપાં પાસે ત્રણ ચાર જણ ઊભા ઊભા ઊભા હસતા હતા. કોઈ તમાકુ ચોળતું એમને જોઈ રહ્યું હતું.
જાણકાર માણસો ઝડપથી બધું લઈ આવ્યા એટલી વારમાં યશોદાને શણગારી દેવામાં આવી. “ફૂલના હાર અને છૂટાં ફૂલ … એમને અત્યારે જ ….” વાક્ય અધૂરું છોડી પુષ્પાબે’ન અરુણભાઈ સામે જોઈ રહ્યાં. એ યશોદાને જોઈ રહ્યા હતા. જવાબ ન મળ્યો એટલે પુષ્પાબે’ને નિર્ણય લેતા હોય એમ ફૂલનો હાર લઈ દિવ્યા તરફ લંબાવ્યો. કોઈએ ટેપ રેકોર્ડર પર ‘શ્રી કૃષ્ણં શરણમ્ મમ્’ની ધૂન શરૂ કરી.
પુષ્પાબે’ને યશોદાનું માથું ઊંચું કર્યું એટલે દિવ્યાએ ગુલાબનો હાર પહેરાવ્યો. ચીવટ પૂર્વક છાતી ઉપર એમ હથળીઓ દબાવી દબાવી ગોઠવ્યો. વરુણ મોબાઇલમાં આખી ઘટના રેકોર્ડ કરતો હતો. ધવલે ગુલાબની પાંખડીઓ મૂકી એટલામાં સહુ હારબંધ ગોઠવાઇને પગે લાગવા માંડ્યાં.
અરુણને કશું સમજાયું નહિ. એમને બહારથી વાંસ ખખડવાના અવાજો સંભળાતા હતા. ‘પાણી લાવો લ્યા, એ આ છાણું સળગાવો’ની બૂમો કાને પડતાં એમના પગમાં થનગન થતું હતું. હું જાઉં ત્યાં … આમને કોઈને નહીં આવડે, કશી ગતાગમ નહીં પડે. આ રમણિયો ….’ અચાનક એમને ધકકો વાગ્યો.
“ભાઈ ધવલ, નાનકા … મમ્મીના કાનમાં પ્રાણપોક મૂકો બેટા”. એક પ્રૌઢ સ્ત્રીએ દબાયેલા અવાજે કહ્યું.
જો ખપાટો બરાબર નહીં બંધાય ને આવડી આ ગબડી પડશે તો? કોણ બાંધતું હશે? આ ધૂન ધીમી કરો ભૈ’સાબ તો બહારનું કશું સંભળાય. એમણે બહાર જવા ડગલું ભર્યું ત્યાં દિવ્યાએ એમની તરફ ફૂલોની થાળી અંબાવી. એમણે યંત્રવત હથેળીમાં ફૂલો લીધાં.
હમણાં નનામી તૈયાર કરશે ત્યારે બધું વેરણ છેરણ થઈ જશે. પહેલેથી આવું બધું ના હોય. ફૂલો ચડાવતાં પહેલાં એમની નજર યશોદાના પગથી શરૂ કરી ધીમે ધીમે ઉપર આવવા લાગી. અંગૂઠા ખુલ્લા, સાડીની કોરેથી ડોકાતી જાંબુડી ચણિયાની ધાર, લાલ સાડી ફૂલના હાર અને પાંખડીઓથી ઢંકાઈ ગઈ હતી. મોં ઉપર આવતા આંખોમાં પાણી ઊભરાયાં. કશું બરાબર નહોતું. આખી જિંદગી એક એક મરેલાને ઠાઠથી મોકલ્યા અને ….. ઠાઠડી અંદર આવી ત્યારે જોયું વાંસની ખપાટો પ્લાસ્ટિકની ચપટી દોરીથી બાંધેલી હતી. પેલું લાલ રેશમી વસ્ત્ર ક્યાં મૂક્યું હશે? વિચારતા એમણે હળવેથી ખોબો ઠાલવ્યો. યાદ આવ્યું બહારના ખાનામાં છે. ધવલને નજીક બોલાવી એમણે હળવેથી કાનમાં લાલ વસ્ત્ર લઈ આવવા કહ્યું. યાદ ન કરાવ્યું હોત તો?
યશોદા એમની મરણ પ્રસંગની જરૂરી વસ્તુઓ ગેરેજના કબાટમાં રખાવતી.
‘મારા ઘરમાં તમારું કાંણમોંકાણનું ચીંથરું ય ના જોઈએ, કીધું તમને. સમજે કાંટિયાબાબુ?’ કહેતી અદબ વાળી એમની છાતી લગોલગ ઊભી રહેતી.
સહુ બહાર ગયા પછી નિખિલ અને ચંદ્રેશે યશોદાબે’નને નનામી પર લીધાં ત્યારે એમના પર પાથરેલાં ફૂલો ચારે તરફ વેરાયાં. ચંદ્રેશની કોણીથી કોરા કંકુનો ચાંદલો ઠરડાયો. જો કે એ વાત પર કોઈનું ધ્યાન ન હતું. બારીમાંથી જોઈ રહેલા અરુણ રૂંવાડે રૂંવાડે થરથરતા હતા. માથે ગાજતી એરકન્ડિશનની ધમધમાટી એમને સંભળાતી નહોતી. પારાવાર રડવું આવતું હતું.
એકવાર ઝઘડો થયો ત્યારે યશોદાએ મોટા અવાજે સામું બોલી હાથ ઉગામ્યો ત્યારે અરુણે ઉશ્કેરાઈને એને બે તમાચા મારી દીધા હતા. આથમતા અજવાળામાં યશોદાની આંસુમાં ડૂબ ડૂબ આંખોમાં કેટલાયે ન બોલાયેલા શબ્દો તરવરી રહ્યા. રાત્રે એ જમવાનું પીરસતી હતી ત્યારે માફી માગવા હોઠ ફફડે એ પહેલા અરુણની આંખો દદડી પડી હતી. એ જોઈ યશોદાએ છાતીએ વળગી એમનું શર્ટ આંસુથી પલાળ્યું હતું અને શાકવાળો ચમચો હાથમાં હતો એટલે એ પાછળથી ય ખરડ્યું હતું. યશોદાની નજીક ગયા વગર ન રહેવાયું. નિખિલ અને ચંદ્રેશ સામસામે બેસી દોરી તાણતા હતા. તેમણે આંટો લઈ બીજા હાથે દોરી ખેંચી એટલે પગ હાલ્યા. એને છોલાશે જરા ધીમે, ક્યારે શીખશો? તમે આવી રીતે ના ખેંચો. આંગળીઓમાં દોરી ભીડી ને છત્તી હથેળી પર ખેંચાય.
તેમને પોતાનાં આંગળાં જુઠ્ઠાં પડતાં હોય એમ લાગ્યું. આનો કોઈ ઈલાજ નથી. બસ, ચૂપચાપ સહન કરવું. દોરી ઝડપથી લપેટાતી, ખેંચાતી જતી હતી. ખાટલાની પાંગત તણાય અને વચ્ચેનું વાણ તંગ બને એમ રેશમી વસ્ત્રમાં લપેટાયેલાં યશોદાનાં અંગો ઉપસતાં હતાં. નિખિલે છેલ્લો આંટો કપાળ વીંટવા જતો હતો એ જોઈ ના…ના કહેતા અરુણનો અવાજ તણાઈ ગયો, પણ પળ સાચવી લેતાં ધીમેથી કહ્યું, ના કપાળે નહીં.
નહીં ઊભા રહેવાય. ઉતાવળે પગલે એ બહાર આવ્યા. સૌ ટોળે વળ્યા હતા. શબવાહિની ઊભી હતી, કોઈએ કહ્યું, સોસાયટીના નાકે ઊભી રાખો, થોડીક યાત્રા તો કરાવવી પડે. જમણી તરફ સળગાવેલી દોણીમાંથી ધુમાડો નીકળતો હતો. ‘અંદર ચાલો, પપ્પા.’ ખ્યાલ ન આવ્યો ધવલ બોલ્યો કે વરુણ? એ ચૂપચાપ ચાલતો હતો. પગથિયું ઊતરતાં ખભે ગોઠવાયેલા વાંસ પર યશોદાનું હલનચલન અનુભવાયું. એ છેલ્લી વાર આમ આટલી નજીક હતી. ત્યાં જ કોઈએ ‘રામ બોલો ભાઈ રામ’ કહેતા એને હડસેલી વાંસે ખભો ટેકવી દીધો. લથડતું પગલું સંભાળતાં અરુણે ફરીથી ટેકો આપ્યો. સાવ ટૂંકા અંતરમાં સૌને લાભ લેવાની ઈચ્છા હતી એટલે મચેલી ધક્કાધક્કી અને ‘રામ બોલો’ના પોકારમાં દિવ્યાનો રડવાનો અવાજ, ટીનીની ચીસો દબાતાં, વિલાતાં ગયાં.
સ્મશાનમાં કપાળે, પગના તળિયે ઘી ચોપડી ધવલ અને વરુણે યશોદાને પટ્ટીઓ પર લગાડેલા પાટિયે ગોઠવી હતી. એને ઓઢાડેલી સાડી …. પણ એ બોલે એ પહેલાં આજ્ઞા આવી, ‘પ્રદક્ષિણા કરી લો.’
પ્રદક્ષિણા હજી પતે ત્યાં ઘરરર અવાજ સાથે પતરાં સરક્યાં. ગરમ ગરમ હવા ફેલાઈ ન ફેલાઈ ને યશોદા અંદર ધકેલી દેવાઈ. એના પ્રવેશ સાથે જ આગ ઝબકી, લબકારા વિસ્તર્યા. એ પમાય એ પહેલાં દરવાજો ભીડાયો. કોઈએ આવી તેમનો હાથ પકડ્યો ને અરુણ દોરાયો.
સહેજ ડાબી તરફ પાણીની ટાંકીની પાછળની બાજુ ઉપર જવાનાં પગથિયાં હતાં. ત્યાં છેડે નાની ટેકરી જેવું બનાવ્યું હતું. પકડેલો હાથ છોડતાં પેલા જણે કહ્યું હતું, હાથ મોં ધોઈ લો. સામે કપાયેલા થડિયાંના બાંકડે ધવલ બેઠો હતો. એનાથી ખાસ્સે દૂર વરુણ કોઈ સાથે વાત કરતો હતો. અરુણે ચાલવા પગ ઉપાડ્યો ત્યારે શરીર સાવ અચેતન લાગ્યું. ના, એ શરીર વશવર્તીને નહિ ચાલે. એણે ચાલવા માંડ્યું. ટેકરી પરથી એને ચોતરફ વિસ્તરેલી ઊંચી ઊંચી ઈમારતો વરતાઈ. એ ફર્યો તો દિશા બદલાતાં સોસાયટીઓનાં ધાબાં દેખાયાં. એ ફર્યા ને એને યાદ આવ્યો દૂર દૂર ફેલાયેલો રેતાળ પટ, નદીના વહેતાં પાણીનો રમરમાટ, નાના મોટા પથ્થરો, કહોવાયેલી ડાળીઓ, છીપલાં ….. સઘળું એમને ઘેરવા ધસમસતું આવ્યું. એનો ભય અનુભવાયો. અરુણ પહેલાં ધવલને પછી વરુણને બૂમ મારવા યત્ન કર્યો પણ બંધ હોઠ ઊઘડ્યા નહિ.
* * *
8, Carlyon Close, Wembley, Middlesex, HA0 1HR United Kingdom HA0 1HR
e.mail : anilnvyas@yahoo.co.uk
પ્રગટ : “એતદ્દ” – 242; ઍપ્રિલ–જૂન 2024; પૃ. 29-39