(જેમાંથી કેટલાંયની આજે નથી રહી hard image કે નથી digital image. માત્ર મનનાં કોઈક ખૂણે ટૂંટિયું વાળીને હૂઁફાયેલી મુલાયમ છબીઓને આધારે આ લખાણ …)
શાળામાં વાર્ષિક પરીક્ષાની તારીખ જાહેર થાય અને મને યાદ આવે તે શાંત સફેદ મોગરાનાં ફૂલ. તે વખતે ઘરની પાછળના ક્યારામાં મધ્યમ કદના બે મોગરાના છોડ. તેના પાંદડા ઢંકાઈ જાય એટલાં બધાં પુષ્પો રોજ રોજ ખીલે. ગણિત શીખી ત્યારથી રોજ સાંજે કળીઓ ગણવાનો ભારે શોખ. તેમાંથી કેટલી કળીને પરોઢિયે ફૂલ બેસશે તેની પણ અલગ ગણતરી કરતી. રાત્રે અગાશીમાં તારા ગણતાં-ગણતાં આંખો મીંચાઇ ના મીંચાઈ ત્યાં તો પથારી કને ઘુ.ઘુ.ઘુ … કબૂતરો, સૂડાઓ, ખિસકોલીઓનો મેળો જામે, સૌને ગુડ મોર્નિંગ કર્યું ના કર્યું ને મારી નજર અગાશીમાંથી સીધો કૂદકો મારીને મોગરાના છોડ પર. ફરી પાછી પુષ્પોની ગણતરી શરૂ. ભાગ્યે જ આંકડો પંચાણુથી નીચે ગયો હશે. ક્યારેક બે ડિજિટ ક્રોસ થાય ત્યારે તો જાણે આંગણે ઉત્સવ. પછી તો દોડતી પાડોશમાં આવેલા રીટામાસીને ત્યાં જતી.
રીટામાસીના આંગણે મધુર સ્વાગત કરતી મધુમાલતીની વેલની નોંધ સુધ્ધા લીધા સિવાય હું તો દોડતી ઠેઠ પહેલા માળની બાલ્કની લગી પહોંચતી તેમની મોગરાની વેલને મળવા. તેમનાં આંગણની પાછળના ભાગમાં આવેલાં સુગંધીદાર પારિજાતક તળે સાત-આઠ વર્ષની કાચી ઉંમરે થયેલાં વિલાયેલી કૂતરી સાથેના સત્સંગ પછી ભાગ્યે જ ત્યાં સુધી જવાની હિમ્મત થતી. વર્ષો પછી છેક બહેન ઋતાના લગ્ન ટાણે ગરબાનો માંડવો જ્યારે તેની છાયામાં મંડાયો, ત્યારે જ પગ પારિજાતક સુધી પહોંચ્યાં. ગુલમહોરના ટેટા સાંભરતાં બોડીવાલાના બંગલે પહોંચતી. બોડીવાલાના કાળિયા કૂતરા સાથે દોસ્તી નહીં, પણ એ મને ઓળખે ખરું. સામે આવેલા તગારાવાળાના બંગલાના કમ્પાઉન્ડમાં (જ્યાં આજે નિર્જા ફ્લૅટ ઊભો છે) સાયકલ શીખતાં અમે બાળસાહસિકો (જે બદામડી પર ચઢવામાં કાચા પડે એવાં પણ હોંશીલાં સાહસવીરો) પગથિયાંને સહારે તેમના ચંપાનાં ઝાડ પર ચઢી જતાં. (સ્વ. ચિ.ના. પટેલ સરળતાથી કોટ પાર કરી શકે તે માટે ખાસ પગથિયાં બંધાવેલાં) પહેલ-વહેલી વખત અમીનસાહેબના ઘરે સૂરજની દિશામાં મોંઢું ફેરવતા સૂર્યમુખીને જોઈને થયેલાં રોમાંચને તો શબ્દસ્વરૂપ આપવું અઘરું, દીનામાસીના ઘરમાં ઊભે-ઊભે જ પૂરેપુરું સોશિયલ ડિસ્ટન્સ જાળવીને જ અમે સૂરજમુખીની મુલાકાત લેતા. તેમના કમ્પાઉન્ડમાં જવાની અમારી બાળમંડળીને હિમ્મત હતી નહીં.
અમારે આંગણે મોગરાના ક્યારામાં જ અડીખમ ઊભું હતું તે સરગવાનું ઝાડ. લાંબી-લાંબી ઝૂલતી લીલી સરગવાની શિંગો જોઈ વાની બીમારી સામે ઝઝૂમતા મારાં બા હરખાતાં. એ વખતે આયુર્વેદ-ઔષધીમાં મારી ચાંચ ના ડૂબે. નીચે વેરાતાં પીળા ફૂલ કવિને મન ચાદર હશે, મને તો તે વખતે કચરો જ લાગતી. વર્ષો પછી સિંધી બહેનપણી વર્ષાની મમ્મીને મોંઢે સાંભાંળેલું કે અમે તો આ ફૂલોની સબ્જી બનાવીને ખાઈએ. દિલ્હીથી બેંગલુરુ સ્થાયી થયેલી બહેનપણી જહાન્વીએ એક વખત સરગવાનાં પાંદડાંનાં ભજિયાં બનાવીને ખવડાવેલાં. સરગવાની બાજુમાં બે મોટી મોટી બદામડી એક અંગ્રેજી પીળી બદામ અને બીજી દેશી લાલ બદામડી. બંને બદામડીનાં મૂળિયાં તો પડખે આવેલા “ધનવિલા” બંગલામાં (દેરાસરની બાજુમાં જ્યાં આજે કળશ બિલ્ડીંગ ઊભું છે) એમાની દેશી બદામડી એ અમારી અગાશીનો છાંયડો. આખી બપોર ખાંયણી-પરાળ લઈને ધમ-ધમ બદામ ફોડવાનો કાર્યક્રમ ચાલે.
બદામડીની બગલે આવેલાં બોરસલ્લીનાં પુષ્પોની સુગંધ દસ-બાર વર્ષની ઉંમરે શ્વાસમાં ભરી તે ભરી તે પછી આજ સુધી ચક્ષુ બકુલ વૃક્ષ શોધ્યાં કરે છે. ક્યારેક કવિતામાં તેની મુલાકાત થઈ જાય છે. બોલતાં-ચાલતાં શીખી પછી પહેલવહેલી જે ઘરમાં સ્વતંત્ર જતી આવતી થઇ તે બાજુની દીવાલે આવેલું જાનકીનું ઘર. (જ્યાં આજે અભિનંદન એપાર્ટમેંટ ઊભું છે) પગથિયાં રમતાં-રમતાં તેનાં કમ્પાઉન્ડના લાલ – કેસરી એગઝોરાના વૃક્ષસમા બે છોડના પુષ્પરસની મારેલી ચૂસકીઓ અમારા ઘરનાં સફેદ એગ્ઝોરાનાં રસ કરતાં ઘણી સ્વાદિષ્ટ લગતી. 1990ના અરસામાં તેનો બંગલો ગયો ત્યારે સાંત્વન હતું તે સમગ્ર વાઘેલા પરિવાર પરત આવવાના સમાચાર સાથે બચી ગયેલાં લીમડાનાં ખખડધજ વૃક્ષનું.
સાંજે નિશાળેથી આવીને આઈસપાઈસ રમતાં હારબંધ ઊભેલા આસોપલવની પાછળ છૂપાતી વખતે અશોકવાટિકમાં બેઠેલાં સીતાજીનું ક્વચિત સ્મરણ થતું. બેડમિન્ટન રમતાં-રમતાં ક્યારેક આસોપાલવમાં તો ક્યારેક બોગનવેલમાં ભરાઈ જતું શટલકોક પાછું આણવાના રઘવાટમાં વનસ્પતિપ્રેમ ઘડીક ગાયબ પણ થઈ જતો, આમ પણ સિંગલ ગુલાબી અને સફેદ ફૂલવાળી ઘરમાંની ત્રણ–ત્રણ કાંટાળી બોગનવેલો કરતાં ઓછા ફૂલ-પાંદડાં ખંખેરતી ડબલ બોગનવેલ તે વર્ષોમાં વધુ વ્હાલી લાગતી. પીળી કરેણ કરતાં જાનકીના ઘરની ગુલાબી કરેણ જ વધુ વ્હાલી લાગતી. તે વખતે ઘરમાં દાડમડી અને સીતાફળ પણ હતાં. મારા દાદા-દાદી કે કદાચ પપ્પાના દાદા-દાદીએ રોપ્યા હશે. દાડમડી પર તો માત્ર ફૂલ જ બેસતાં. ક્યારેક નાનાં નાનાં ફળ બેસતાં તો ખિસકોલીઓ ખાઈ જતી. સીતાફળ અને વાઘેલાકાકાના બંગલાની ચીકુડીના ચીકુ પર પહેલો હક વાનરસેનાનો રહેતો. વધ્યું-ઘટ્યું માંડ અમારા સુધી પહોંચતું.
તે વર્ષોમાં મહિનાઓ સુધી ઘરે આવનારા સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તે પાનફૂટીના છોડ પર ખીલેલું વિશાળકાય પુષ્પ. સમયની સાથે સંપૂર્ણ ભૂલાઈ ગયેલી પાનફૂટી તે વર્ષ બે વર્ષ પહેલાં દીકરીની બાયોલોજીની ચોપડીમાં bryophyllumની આકૃતિ જોઈ અચાનક યાદ આવી ગયેલી, મોંમાથી શબ્દો સરી પડેલા, “અરે! આ તો આપણી પાનફૂટી!” ઘણે વર્ષે પરદેશ વસેલા સ્વજનની છબિ જોયા જેવી કઈક લાગણી થયેલી.
ક્યારામાં વાંઝણો પપૈયાનો છોડ પણ હોવાનું યાદ આવે છે. ટીનએજ વર્ષોમાં દાદીમાએ જ્ઞાન આપેલું નર અને માદા પપૈયું સાથે હોય તો જ ફળ બેસે. કૂંડામાં મામાને ઘરેથી આણેલો અજમો પણ વાવેલો. એવો મજાનો પાંગરેલો કે ગણિતના સાહેબે રવિવારનું ટ્યુશન ગોઠવી દીધેલું. દર રવિવારે તેમના ઘરે અજમાનાં ભજિયાં બનતાં.
મોસાળથી આણેલા મનીપ્લાન્ટના કુમળાં લીલાં પાંદડાં લહેરથી ઉડાવતી બકરીને જોઈને. સ્વ. યશવંતભાઈ શુક્લની હાજરીમાં જ ધ્રુસકે-ધ્રુસકે હું રડી પડેલી. કદાચ આ તે જ બકરી હતી જેને હું સ્વહસ્તે ટ્રીમ કરેલી લોનનું તાજું લીલું ઘાસ હોંશે-હોંશે ખવડાવતી.
એંશીનાં દાયકાની આખરમાં દિલ્હીથી આવેલા તે વખતે નિશાળમાં ભણતા સોપાન જોશી (સ્વ. પ્રભાષ જોશીના દીકરા) એ ક્યારામાં ટામેટાના છોડ રોપતાં-રોપતાં માળીની નોકરી માટે પૂછેલું. વળી પાછાં થોડાં વર્ષે પત્રકાર બનીને આવેલા સોપાને ડ્રાઈવર કમ ફોટોગ્રાફરની નોકરી માટે પણ પોતાની સેવાઓ ઓફર કરેલી. નેવુંના દાયકાની શરૂઆતમાં જૂના બંગલાઓ જતાં બદામડી અને મોગરા પણ અદૃશ્ય થયાં, ત્યારે ઉત્સાહી વૃક્ષપ્રેમી વડીલ મિત્ર રમેશભાઈ દવેએ પ્રવેશદ્વાર પાસે કાંચનારનું વૃક્ષ વાવ્યું હતું. જાંબલી મજાનાં ફૂલ બેસતાં જ ડાળે–ડાળે વાનર મંડળીની મિટિંગ કમ ઇટિંગ ઉજાણી ડોલી ઊઠતી.
મોસાળ જઈએ ત્યાં તો કેરીથી ઝૂકેલા બબ્બે આંબા. પણ મને તો પીળા ફૂલવાળા શિરીષનું આકર્ષણ જ વિશેષ રહેતું. લોગાર્ડન મોર્નિંગ વોકમાં જવાનું એક આકર્ષણ એ લાલ શિરીષનાં પુષ્પો પણ ખરા જ. ક્યારેક છોકરમતમાં માળીની નજર ચૂકવી અમે બહેનપણીઓએ તે ચૂંટવાનું સાહસ પણ કર્યું હશે. ઉનાળાના સૌ વૃક્ષો સાથે મારી મૈત્રી પાકી, તેનું કારણ કદાચ વાર્ષિક પરીક્ષામાથી પરવાર્યાનું પણ હશે. લાંબા વેકેશન પર જતાં પહેલાં વિદાય ભેટમાં મોગરો, અમલતાસ, ગુલમહોર છૂટ્ટા હાથે જાંબુની લ્હાણી કરતાં સેતુભાઈ (જમાઈ) એક વખત જાંબુના ઝાડ પર ચઢી ગયેલા. ત્યારે હરખઘેલા થયેલાં મારાં બાના વાવાળા પગ ચાદર લઈને જાંબુને ઝાલવા દોડેલાં.
દિલ્હીમાં મુગલ ગાર્ડન માણવા તો કલાકોના કલાકો લાઇનમાં ઊભા રહેવું પડે. પણ દસ- દસ મિનિટના અંતરે આવેલા નાના-નાના પાર્ક અને નર્સરીની વસંત-ગ્રીષ્મમાં ખીલી ઊઠતી રંગબેરંગી પુષ્પનગરી એવી તો ચોંટડૂક કે સવાર પડતાં જ બધા જ કામ છોડીને પંતગિયાની પેઠે રંગીન વેશભૂષા સજવાની કડાકૂટમાં પડ્યા વગર ભમરા વેશે જ ત્યાં ઊડી જવા મન ધક્કા મારે.
સૌજન્ય : રીતિબહેન શાહનીની ફેઇસબૂક દિવાલેથી સાદર