ખણખોદ
ચાલુ હતી મારા પાડોશમાં
હું જ્યારથી એનો પાડોશી બન્યો ત્યારથી.
એ પહેલી વાર મળ્યો,
એણે મારા નામની સાથે પૂછ્યું હતું, “કઈ બાજુના છો?“
ફરી મળ્યા ત્યારે મને કહે, “પટેલ લાગો છો.”
મેં ના પાડી,
એટલે એ માથું ખંજવાળતા
ઊંડા વિચારમાં ખૂંપી ગયો.
બે દી’ પછી ફરી દરવાજામાં મળ્યો.
નેઇમ પ્લેટ પર નજર નાખતા કહે;
“અરે … તમે પરમાર એટલે દરબારમાં આવો …નહીં ?”
મેં નકારમાં ડોકું હલાવ્યું
એનો ચહેરો ઝંખવાણો પડી ગયો.
મને ગમ્યું નથી એવું લાગતા.
એણે કહ્યું, “આ તો અમસ્તા જ પૂછ્યું.”
એની ખણખોદ ચાલું હતી.
મને જોતા એની અંદર પડેલો
જાતિવાદી કીડો સળવળી ઊઠતો.
થોડો દિવસ પછી ફરી નીચે મળ્યો
મારી બાજુમાં આવી કહે.
“તમે ભગવાનમાં માનો કે નહીં”
મેં કહ્યું “ના”
ના, સાંભળી મૂંઝવણમાં મૂકાયો.
પણ મને પાકી ખાતરી હતી
ફરી મળશે, ફરી પૂછશે
આ ખાસ પ્રકારની પ્રજાતિનું
રોજનું કામ છે.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 26 ઑક્ટોબર 2020; પૃ. 06
![]()


સમાજશાસ્ત્રી મૅક્સ વેબરે શીખવાના અઘરાપણામાં ભૌતિક વિજ્ઞાનો કરતાં સમાજશાસ્ત્રોને વધુ અઘરાં ગણાવ્યાં હતાં. કારણ સ્પષ્ટ હતું. ભૂગોળ, ગણિત કે ભૌતિક વિજ્ઞાનોનાં સત્ય સ્થિર છે. તેમાં અપવાદોને બાદ કરતાં કોઈ મોટા ફેરફાર થતા નથી. એટલે શરૂઆતમાં થોડાં જટિલ લાગતાં સમીકરણો કે નિયમો કે કાર્યકારણના સંબંધો એક વાર સમજાઈ જાય પછી શ્રેણીબદ્ધ રીતે તે આખો જ મુદ્દો સમજાઈ જાય છે અને પછી તે જ્ઞાન-સમજણ કાયમ કામ લાગે છે. પણ સમાજશાસ્ત્રના અભ્યાસમાં કેન્દ્રસ્થાને માણસ છે અને માણસને કાયમી ધોરણે ઓળખવો અઘરો છે.